હે ઈશ્વર, માણસ એટલે ઉંમર ગણતું પ્રાણી

28 July, 2012 06:01 AM IST  | 

હે ઈશ્વર, માણસ એટલે ઉંમર ગણતું પ્રાણી

મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર

ઈશ્વર તારો આભાર. ગયા અઠવાડિયે મારી માગણીથી સાત દિવસના શ્વાસ આપી જીવ અને જીવનને એક્સટેન્શન આપ્યું એ બદલ. હું આગળ વધું એ પહેલાં શ્વાસના નામે જ એક જબરું લફડું થઈ ગયું. ચિક્કાર વરસાદમાં મને તાવ અને શ્વાસ બન્ને સાથે ચડ્યા. ત્યારે તારા પર મૂકેલો શ્વાસ માટેનો વિશ્વાસ ડગમગેલો. બે દિવસ તો હવામાંથી શ્વાસ બનાવવા મને જબરી મહેનત પડી. છેવટે ડૉક્ટરને ફરી ફરિયાદ કરી કે તાવ તો ગયો, પણ હજી દાદરો ચડું ત્યારે શ્વાસ પણ ચડે છે. ‘કોઈ વાંધો નહીં, ચિંતા ન કરો. એ પણ હું બંધ કરી દઈશ.’ તેના જવાબથી મને વીજળીનો ઝાટકો લાગેલો. હે ઈશ્વર, આવું અશુભ બોલવાવાળાનો જ શ્વાસ તું બંધ કેમ નથી કરી દેતો? તેને ભાન અને જ્ઞાન નથી કે એક મહાન લેખકના શ્વાસ આમ જો અચાનક બંધ થઈ જશે તો આ લેખ પણ બંધ થઈ જશે. પછી આ જ અખબારમાં આ જ જગ્યાએ આ જ લેખકના આ જ ફોટા પર હાર પહેરાવી આજુબાજુ ધુપિયામાં પ્રગટાવીને દોરેલી અગરબત્તી ને આજુબાજુ જન્મદિવસ અને નર્વિાણ દિનની તારીખ છપાશે એ મારા ચાહક વાચકોથી કેમ સહન થશે? (હા, હવે ઘણા કહેવાના, અમારાથી આ જ સહન થાય... અને ઘણાના મનમાં હા...શ, હવે કંઈ સારું વાંચવા મળશે એવો વિચાર પણ આવશે. ખેર, પસંદ અપની અપની ખ્યાલ અપના અપના) અને મારા શ્વાસ બંધ કરવાનો અધિકાર તને આપ્યો કોણે ટણ્યા ભૈ ડૉક્ટર, તારા આવા વિધાન પર મને ગુસ્સો નહીં; દયા આવે છે. ઍન્ડ યુ નો, મારી યાદશક્તિ નબળી હશે તો પણ હું શ્વાસ લેવાનું ભૂલું એટલી નબળી તો નથી જ. હું જાણું છું કે અટૅક વખતે તો કોઈ એક શ્વાસ પણ ઉછીનો નથી આપી શકતું. ઈશ્વર, આ માણસ તો ઉંમર ગણતું પ્રાણી છે, પણ જીવનમાં કેટલા શ્વાસ લીધા એ તો વૉલીબૉલની નેટનાં કાણાં ગણવા જેટલું અઘરું છે. આ શ્વાસ અને શરીર એકબીજાને ટેકે જીવ્યા કરે છે જેમ હું અને તમે જીવીએ છીએ. હવે મૂળ વાત. પ્રભુ, આ પૃથ્વી પર સાચી કે ખોટી અફવા આવી છે કે અમારા પ્રોડક્શનનો વિભાગ બ્રહ્મા સંભાળે છે. એક વખત આ પ્રોડક્શન બહાર પડ્યું પછીનો આખો હવાલો વિષ્ણુ નામના ભગવાન, જેને જનતા પાલનહાર તરીકે ઓળખે છે તેને સોંપી દેવામાં આવે છે અને માણસમાંથી પાછા માટી બનાવવાની જવાબદારી મહેશને સોંપવામાં આવી છે. અહીં સવાર-સાંજ-રાતની જેમ જ ત્યાં તમે બ્રહ્મા-વિષ્ણુ-મહેશ છો. બાકીના ભગવાનોની પ્રવૃત્તિમાં અમે અજ્ઞાની છીએ. કોઈ વનમાં ગયું હોય કે ગોપીઓ સાથે રાસલીલા... એ જે હોય તે. મારે એ માથાકૂટમાં નથી પડવું. હવે આ શરીર પર ઇન્દ્રિયો, ઇન્દ્રિયો પર મન અને મન પર બુદ્ધિ અને બુદ્ધિ પર આત્મા ને આત્મા પર પરમાત્મા રાજ કરે છે. અલ્યા ઈશ્વર, તું મન બધાને આપે છે, પણ બુદ્ધિ બહુ ઓછાને આપે છે. હમણાં મારા કાર્યક્રમમાં તારું જ ગીત ગાયિકા મીના પાલેજાએ જ્યારે ગાયું કે અલ્લા તેરો નામ, ઈશ્વર તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન... અમે તો તને વિનંતી કરી જોઈએ, બાકી તારી પાસેના બુદ્ધિના સ્ટૉકમાંથી કોને કેટલી આપવી એનો આધાર તો તારી જ બુદ્ધિ પર છે. પણ ક્યારેક દુ:ખ જરૂર થાય પ્રભુ કે અમારા હાથ, પગ, પેટ કે છાતીમાં હિન્દુ-મુસ્લિમ જેવા ભેદભાવ નથી મૂક્યા તો માનવોની બુદ્ધિમાં આવા ભેદભાવ શું કામ? અરે પેલો ચંબુડો હમણાં મંદિરમાં વિષ્ણુ ભગવાનનાં દર્શન કરવા ગયો તો પૂજારી બોલ્યો, ‘હમણાં વિષ્ણુ ભગવાન સૂઈ ગયા છે, પછી જાગે ત્યારે આવજે.’

‘એય પૂજારી, ધ્યાનથી સાંભળી લે. જે આપણું પાલન કરતું હોય તે ક્યારેય સૂઈ ન જાય.’ ચંબુની કમાન છટકી. ‘તે જો સૂઈ જાય તો અમારે કાયમ માટે સૂઈ જવું પડે, ચાલ દર્શન કરાવ.’

પણ સત્તા આગળ શાણપણ નકામું. દર્શન ન કરાવ્યાં. ‘સૉરી ચંબુ.’ ત્યાં ચંપકલાલ શેઠ આવ્યા. પૂજારીએ જવાબ તો એ જ આપ્યો, પણ જેવી ચંપકલાલે ૫૦૦ની નોટ બતાવી કે કૂતરું પૂંછડી પટપટાવે એમ પૂજારી ‘અરે શેઠ, વિષ્ણુ ભગવાન હમણાં જાગશે’ એટલું બોલ્યો ત્યાં ચંબુ પાછો આવ્યો, ‘ભ્રષ્ટાચાર કરો છો? લાંચ લો છો? મને કીધું વિષ્ણુ ભગવાન સૂઈ ગયા છે અને તેણે ૫૦૦ રૂપિયા આપ્યા.’

‘એય સાંભળ, લક્ષ્મીજી આવે તો વિષ્ણુ ભગવાન જાગી જાય.’

ચંબુ બોલ્યો, ‘હે ઈશ્વર, તું લક્ષ્મીનો લાલચુ એ બરાબર; પણ પ્રભુ, જેને તું લક્ષ્મી માને છે એ કઈ ચલણી નોટ પર લક્ષ્મીનો ફોટો છે.’ (સૉરી બાપુ).

શું કહો છો?