ગુજરાતણો ઉવાચ : ધુ-કચરા કરવા ઈ તો અમારો જન્મસિદ્ધ અધિકાર છે

16 October, 2011 06:51 PM IST  | 

ગુજરાતણો ઉવાચ : ધુ-કચરા કરવા ઈ તો અમારો જન્મસિદ્ધ અધિકાર છે

 

(સાંઈરામનું હાયરામ - સાંઈરામ દવે)

આદમ અને ઈવ જગતનાં પ્રથમ સ્ત્રી-પુરુષ હતાં, પણ ઈ બેય તો જંગલમાં જ ભટકતાં હતાં. આપણા રાજાઓની રાણીઓ નવરી બેઠી-બેઠી કચરા-પોતાં કરતી હશે એ વાત સાથે પણ હું સહમત નથી. ઇતિહાસમાં કોઈ ગ્રંથમાં દિવાળી પર સાવરણી લઈને મચી પડતી નાયિકાઓનો ક્યાંય ઉલ્લેખ નથી. તમે માનો કે ન માનો, આ ધુ-કચરા એ આળસુ સ્ત્રીઓની દેન છે. જે ફૂવડ સ્ત્રીઓ આખું વરહ ઘર સાફ નથી કરતી ઈ કમ સે કમ દિવાળીએ તો આળસ ઉડાડે અથવા તો અમુક આળસુ સ્ત્રીઓએ જ માત્ર દિવાળીના આ પાંચ દિવસમાં કામ કરવા માટે આ ભવ્ય પરંપરા શરૂ કરી હશે એવું મને લાગે છે.

હદ તો ત્યાં સુધી થઈ આજે જ્યારે આ લેખ લખાય છે ત્યારે મારા ઘરમાં ધુ-કચરાનો ભવ્ય પ્રોગ્રામ શરૂ થવા જઈ રહ્યો છે. મારી પ્રાણવલ્લભાએ સહેજ પણ સંકોચ રાખ્યા વગર મને પૂછ્યું કે ‘સાંભળ્યું? આજે કામવાળી નથી આવી!’

મેં કીધું, ‘તું મને આ સવાલ પૂછે છે કે સમાચાર આપે છે?’

તેણે કહ્યું, ‘ના, આ બ્રેકિંગ ન્યુઝ છે. પ્લીઝ ડિયર, એક દી લેખ મોડો લખો તો ન ચાલે? મને ઘરનાં આ ચાર માળિયાં ખાલી કરાવોને. લેખ જેટલા રૂપિયા હું આપીશ. પ્લીઝ ડાર્લિંગ...’

આ સાંભળી મને ખીજ તો એવી ચડી કે એના નાક પર ધુંબો મારી દઉં; પણ સરવાળે મને જ નુકસાન છે એમ વિચારી મેં ઇમોશન પર કન્ટ્રોલ કર્યો અને કહ્યું, ‘પ્રિયે, સાવરણી લઈને

ધુ-કચરા કરવા મેં તારી સાથે લગ્ન નથી કયાર઼્, ઓકે? જાણે મહેમાન ‘હૅપી ન્યુ યર’ કહેવા ઘરમાં આવીને સીધા આપણા ઘરનાં માળિયાં અને મેડા ન ચેક કરવાના હોય એમ તમે મહિલાઓ ટેબલ પર ચડીને, કબાટ નીચે ગરીને, વંદા ને ગરોળીથી ડરીને અને આખા ઘરમાં ફરીને બધું ધો-ધો કર્યે રાખો છો. તમને કોણ ક્યે છે?’

મારો આવો બિન્દાસ જવાબ સાંભળી પત્ની તાડૂકી અને તેણે મારા આ લેખને શ્રાપ આપ્યો છે કે જાઓ, મને ધુ-કચરા કરવામાં મદદ નથી કરાવીને એટલે તમારો આ લેખ વાંચવા કોઈ ધુ-કચરા કરતી સ્ત્રીઓ નવરી જ નહીં થાય. હવે હું ઘરમાંથી બધી નકામી વસ્તુઓ બહાર મૂકી દઉં છું (વાચકોની નોંધમાં રહે કે મારી પત્નીને મારા ઘરમાં તેના બ્યુટી-પાર્લરના અને સાડીના કબાટ સિવાય બધું નકામું જ લાગે છે) .

મેં કીધું, ‘પ્રિયે, આપણા ઘરમાં એંસી ટકા વસ્તુ નકામી છે. બધી બહાર કાઢીશ તો કામની વીસ ટકા વસ્તુઓ જ વધશે ને આફ્ટરઑલ તારું શું થાશે.’

પરંતુ આ કંઈ મારા એકલાના ઘરની વાત નથી, તમારા ઘરમાં પણ આવું કંઈક બન્યું જ હોય. પણ મારી જેમ બધા પતિદેવ જો પોતાનો અનુભવ લખવા માંડે તો આ રોજનાં છાપાં પતિપુરાણમાં જ પૂરાં થાય. મેં એ પણ જોયું છે કે બસો રૂપિયા કામવાળીને વધુ દઈને ધુ-કચરા કરાવી લેવાનું પણ આપણી ગૃહિણીઓને જામતું નથી. આ એક જ કામ આખા વર્ષમાં એવું છે જેમાં બાયું ‘ખુદ ગબ્બર એટલે કે ખુદ ગબ્બર જ!’ આ સિદ્ધાંતને શબ્દસહ અનુસરે છે. પછી ભલે વીસ દિવસ સુધી કઈડનો દુખાવો થતો ને ડૉક્ટરની પાંચસોની દવા થાતી, પણ ‘ધુવાજારા કરને સે હમ બાજ નહીં આએંગે!’ બધી જ ગૃહિણીઓ જાણે રોજ કહે છે, ધુ-કચરા કરવા એ અમારો જન્મસિદ્ધ અધિકાર છે અને અમે કરીને જ જંપીશું. ગૃહિણીઓ આમાં વાટકીવ્યવહાર પણ રાખે છે એ મને આ વર્ષે ખબર પડી. મારા ઘરના ખૂણેખૂણાની સફાઈ પૂર્ણ કર્યા બાદ જાણે અડધી દુનિયા જીતી લીધી હોય એમ લેડી નેપોલિયન જેવી નજર નાખી મારાં પત્ની બોલ્યાં, ‘હાલો, હવે મને તમારા મિત્ર અતુલના ઘરે લઈ જાઓ.’

મેં કીધું, ‘કેમ? તેં આખા ગ્રુપના ધુ-કચરાનો કૉન્ટ્રૅક્ટ તો નથી રાખ્યોને?’ ઈ બોલી, ‘તમે મને

ધુ-કચરામાં મદદ નથી કરાવી એટલે તમારા પણ દરેક સવાલના જવાબ આપવામાં નહીં આવે. લઈ જાઓ છો કે હું રિક્ષા કરી લઉં?’

મેં તરત જ બાઇકની કિક મારી પત્નીને મિત્ર અતુલના ઘરે પહોંચાડી. ત્યાં જઈને જોયું તો ત્રીસ હજારનો પગારદાર, પાણીપુરવઠા ર્બોડનો વર્ગ બેનો કર્મચારી અતુલ તેની ઘરવાળી પાસે સાવ વર્ગ ચારનો પટાવાળો બની ગયો હતો. લાલ કલરનું કાણાંવાળું ગંજી અને જરી ગયેલો બ્લુ કલરનો બમુર્ડો પહેરી અતુલ ઘરના મેડા પર

બેઠો-બેઠો આંસુડાં સારતો હતો. મેં પૂછ્યું, ‘વહાલા, કેમ રડે છે?’

અતુલ ક્યે, ‘સાંઈ, આ કામ કરવાનાં આંસુ નથી. બસ, જૂના ખેરીચામાંથી લગનનું આલ્બમ હાથ આવી ગયું એમાં રોઈ પડાયું.’

મારા મોંમાંથી પેલો શેર સાંત્વના સાથે સરી પડ્યો કે...

આંસુ બચાકે રખો તુમ, બુરે વક્ત મેં કામ આએંગે યે મોહબ્બત કી અમાનત હૈ, અચ્છે ખાસે દામ આએંગે

મારો આ પત્નીથી શાપિત લેખ ધુ-કચરા કરતાં-કરતાં પણ જેણે વાંચ્યો હશે તેને અંતરનાં અભિનંદન અને છેલ્લી ટિપ - દિવાળીએ ચાર સગાંવહાલાં કે ચાલીસ મિત્રો આપણા ઘરે હૅપી ન્યુ યર કહેવા આવવાનાં છે તેમને સારું લગાડવા આપણે આપણું ઘર સજાવીએ છીએ તો વહાલા વિચારજો, પરમ કૃપાળુ પરમાત્માને હૃદયરૂપી ઘરમાં પ્રવેશ આપવો હશે તો કેટલી સજાવટ અને કેટલી ચોખ્ખાઈ કરવી પડશે! ઓણ ઘરના કચરાની હારે મનના કચરાને પણ ઝાટકીએ,

પૂર્વગ્રહોની પસ્તી ફેંકીએ, ઈષ્ર્યા અને અહમ્ની ધૂળને ખંખેરીએ અને આપણા દંભરૂપી ફટાકડા ફોડીને નવી રીતે દિવાળી ન ઊજવી શકાય?