લોકશાહી શબ્દમાંથી ‘કશા’ નીકળીને માત્ર ‘લોહી’ રહ્યું છે અને એય મધ્યમ-મજૂરવર્ગનું!

09 December, 2012 09:16 AM IST  | 

લોકશાહી શબ્દમાંથી ‘કશા’ નીકળીને માત્ર ‘લોહી’ રહ્યું છે અને એય મધ્યમ-મજૂરવર્ગનું!



(સાંઈરામનું હાયરામ - સાંઈરામ દવે)

 સામે કમળની પણ અમુક પાંખડીઓ લંઘાઈ ગઈ છે અને અમુક નવી ઉમેરાણી છે. થોડોઘણો કાદવ કમળની પાંખડી પર પણ ઊડ્યો છે. પહેલી વાર ગુજરાતમાં ટ્રાયેન્ગલ ઇલેક્શનની વન-ડે મૅચ યોજાઈ રહી છે. આજ સુધી આપણે ત્રિકોણિયા પ્રણય ફિલ્મોમાં જ નિહાળ્યા ને માણ્યા છે, પહેલી વાર ગુજરાતની મારા જેવડી પેઢી આ સત્તાનો ત્રિકોણ જોઈ રહી છે. કોણ વિલન થશે અને કોણ હીરો થશે એ તો વીસ તારીખે જ ખબર પડશે, પણ અટાણે તો નાનકડા વોટિંગ મશીનનું બટન દબાવવા માટે ટનમોઢે રૂપિયા ખર્ચાઈ રહ્યા છે. યે પબ્લિક હૈ યે સબ જાનતી હૈ. ગુજરાતની જનતા ખૂબ શાણી થઈ ગઈ છે એવું હું શ્રદ્ધા સાથે કહી શકું છું, કારણ કે ઈ કોઈને પેટ જાણવા દેતી જ નથી.

એનું જીવતુંજાગતું ઉદાહરણ અમારા હિંમતદાદા છે. સવારે કૉન્ગ્રેસના કાર્યાલયમાં ચા-નાસ્તો કરી આવે છે, બપોરે બીજેપીના કાર્યાલયમાં જમણ આદરે છે અને સાંજે જીપીપીની ખીચડી ખાઈને બધાયને રાજી રાખે છે. ત્રણેય પક્ષની નારદજીની જેમ આઘીપાછી કર્યા પછી ન્યુઝચૅનલ કરતાં પણ વધારે ઝડપે હિંમતદાદા ત્રણેય પક્ષના રોજના રિપોર્ટ પાનની કૅબિને ગામલોકોને આપે છે. ત્રણેય પક્ષના ઉમેદવારોને આપણા હિંમતદાદા રોજની ત્રણ સલાહ આપે છે; કારણ કે દાદાને ખબર છે કે અત્યારે જ આ લોકો તેમને સાંભળશે, પછીનાં પાંચ વરસ તો આમાંથી જ એકાદને સતત સાંભળવાના છે. અત્યારે જે હિંમતદદાદાનું માર્ગદર્શન રસપૂર્વક લઈ રહ્યા છે તે જીતી ગયા પછી માર્ગમાં દર્શન આપવાનું જ બંધ કરી દેશે, પણ તોય હિંમતદાદા તેમની હિંમત હારતા નથી એટલે તો એનું નામ હિંમતદાદા છે.

અંગ્રેજીમાં કહેવત છે કે ‘ઇન અ વૉર યુ કૅન ઓન્લી બી કિલ્ડ વન્સ, બટ ઇન પૉલિટિક્સ મૅની ટાઇમ્સ’ અર્થાત્ યુદ્ધમાં એક જ વખત મૃત્યુ મળે છે, જ્યારે રાજનીતિમાં અનેક વખત! ઘણા મિત્રોની કૉલરટ્યુનમાં બચ્ચનબાપુનો જાણીતો ડાયલૉગ સાંભળવા મળે છે કે ‘રાજનીતિ મેં મુર્દે કભી ગાડે નહીં જાતે, ઉસે ઝિંદા રખ્ખા જાતા હૈ તાકી જબ ઝરૂરત પડે તબ ઉસે આઝમાયા જાએ!’ આપણે સામાન્ય માણસો તરીકે સ્લિપરની પટ્ટી બદલવામાં થોડો વિચાર કરીએ, પણ આ નેતાઓ તો ચોવીસ મિનિટ પક્ષ અને એના સિદ્ધાંતો કાકીડાની જેમ બદલી નાખે છે. દશા અને દિશા તો અમુકની એવી થઈ છે કે ઈ નેતાજી મૂળ કઈ પાર્ટીના હતા એ હવે તેમને પણ યાદ નથી રહ્યું. સચિવાલયમાં એક નેતાજીની ચેમ્બરની બહાર એક સૂચના લખી હતી કે ઘોંઘાટ કરવાની મનાઈ છે. કોક અવળચંડાએ એની નીચે બીજું વાક્ય ઠબકારી દીધું : જેથી નેતાજીની ઊંઘ ન બગડે.

આપણા દેશના નેતાઓ ચૂંટણી ટાણે તો રાતોની રાતો જાગે છે, પરંતુ સત્તા મળી ગયા પછી કુંભકર્ણની નિદ્રામાં સૂઈ જાય છે. ક્યારેક તો મનમાં એમ થાય છે કે આ દેશ લોકશાહીને લાયક જ નથી. અત્યારે લોકશાહી શબ્દમાંથી ‘કશા’ નીકળી ગયું છે ને માત્ર ‘લોહી’ રહ્યું છે અને એ પણ મધ્યમ અને મજૂરવર્ગનું! કૌભાંડોના કરોડોના, અબજોના આંકડા જેનાં મીંડાં ગણતાં મને થાક લાગે છે એ કૌભાંડો આચરતાં આ પ્રજાના પ્રતિનિધિઓને સહેજ પણ

લાજ-શરમ નહીં આવી હોય? મહાત્મા ગાંધી જો આજે હયાત હોત તો મારું દૃઢપણે માનવું છે કે તેમની હત્યા માટે ગોડસેની આવશ્યકતા ન હોત. મહાત્મા પોતે જ આ દેશની અવદશા જોઈને આત્મહત્યા કરી લેત. કદાચ અડધી રાતે આઝાદી મળી છે એટલે હજી અડધા લોકો ઊંઘમાં છે.

પ્રચારનાં પિપૂડાં જોરજોરથી વાગી રહ્યાં છે. બપોરે બે વાગ્યે માંડ હજી તો જમીને આપણે જરાક આડા પડખે થયા હોઈએ ત્યાં કાને અવાજ પડે કે ‘આપનો કીમતી અને પવિત્ર મત માત્ર અને માત્ર ફલાણી પાર્ટીના ઢીંકણા ઉમેદવારને આપો.’

એક દિવસ તો હું તાડૂક્યો, ‘ભાઈ, અમારો મત કીમતી અને પવિત્ર તો આદિકાળથી છે, પણ તમારો ઉમેદવાર સાવ કિંમત વગરનો અને અપવિત્ર છે

એનું શું?’

તો ઈ પ્રચારની રિક્ષાવાળાએ મને એટલું જ કહ્યું, ‘સાહેબ, કમળો હોય તેને પીળું જ દેખાય.’

મને સાલ્લો મગજમાં ચારસો ચાલીસનો કરન્ટ લાગ્યો કે વાત તો સાચી છે. ‘યથા રાજા તથા પ્રજા’ સૂત્ર મુજબ ગમેએવા નેતાઓ છે, પણ આખરે તો તેમને આપણે જ ચૂંટી-ચૂંટીને મોકલેલા છેને! એ બધાં આપણાં જ પ્રતિબિંબો છે. જો તેઓ ખોટા હોય તો એનો મતલબ આપણે પણ ક્યાંક ખોટા છીએ. ચાલો આત્મમંથન કરીએ... દેવ-દાનવે જેમ સમુદ્રમંથન કર્યું હતું એ રીતે ચૂંટણીનો મેરુ પર્વત પ્રજાનો રવૈયો કરી વલોવીએ. લોકશાહી કૌભાંડોનું વિષ તો નીકળી ચૂક્યું છે, પણ કોઈ મહાદેવ કંઠમાં ધરવા તૈયાર નથી. કદાચ હવે શાંતિનું અમૃત નીકળે! આપણા જ બે નાલાયક ઉમેદવારમાંથી એકાદો ઓછો નાલાયક શોધીને ગાંધીનગર ભેગા કરીએ. મુંબઈવાળાઓ તમેય ગુજરાતનાં તમારાં સગાંવહાલાંને એક-એક રિંગ કરીને જગાડજો અને કહેજો કે ઘરે સૂતા ન રહે, ભલે ગમે ઈ પક્ષમાં પણ ઓણ મતદાન જરૂર કરે. રક્તદાન, ચક્ષુદાન અને અન્નદાન જેટલો જ મહિમા લોકશાહીને ટકાવવા  માટે મતદાનનો છે. જરા રિંગડી ઘુમાવજો.

ઑફ ધ રેકૉર્ડ


કસબની અર્જન્ટ ફાંસીનું સચોટ કારણ:

કસબને જેલરે પૂછ્યું : તારે શાહરુખની ફિલ્મ ‘જબ તક હૈ જાન’ જોવી છે કે... અને કસબ આ રીતે ટીંગાઈ ગ્યો!

હવે શાહરુખની નવી ફિલ્મ ટાણે અફઝલ ગુરુનો વારો!