એ ક્ષણ જ્યારે જવાનોને લાગ્યું કે બસ હવે નહીં જ બચાય, આપણો પણ ખેલ ખતમ

04 May, 2019 01:41 PM IST  |  | રુચિતા શાહ

એ ક્ષણ જ્યારે જવાનોને લાગ્યું કે બસ હવે નહીં જ બચાય, આપણો પણ ખેલ ખતમ

એ દિવસે 32 ફાયરમેન અને ઑફિસર્સ આગમાં ભડથું બની ગયા હોત

તારીખ: ૯ મે, ૨૦૧૯. સ્થળ: ગોકુળનિવાસ, જૂની હનુમાન ગલી, કાલબાદેવી રોડ. ઘટના: ચાર માળાના બિલ્ડિંગમાં બપોરે સાડાચાર વાગ્યાની આસપાસ આગ લાગે છે. શરૂઆતમાં આગ નાનકડી છે એમ જાણીને તેને ગ્રેડ વનમાં ગણીને બચાવની કામગીરીમાં એ પ્રકારની વ્યવસ્થા થાય છે. જોકે લાકડાનું બાંધકામ અને જૂના બિલ્ડિંગને કારણે આગ વિકરાળ રૂપ લે છે અને ધીમે ધીમે ફાયરબ્રિગેડની બચાવકામગીરી વચ્ચે પણ તે વધુ વિસ્તરે છે. બચાવકાર્ય વધુ સઘન કરાય છે. અગ્નિશમન દળના મુખિયા ચીફ ફાયર ઑફિસર સહિતના અગ્રણી અધિકારીઓ ગમે તેમ કરીને આગને બચાવવાના કામમાં લાગી જાય છે. લગભગ દસેક કલાકનો સમય આગ બુઝાવવામાં જાય છે. 18 લોકોને બિલ્ડિંગમાંથી રેસક્યુ કરી લેવાય છે, પરંતુ અગ્નિશમન દળના એકસાથે ચાર અધિકારીઓ આ આગમાં ગંભીર રીતે દાઝી જાય છે અને એ ચારેય જણ મૃત્યુ પામે છે, જેમાં મુંબઈ અગ્નિશમન દળના મુખ્ય અધિકારી પણ સામેલ છે.

 આપણે ત્યાં આગ લાગવાની ઘટના અવારનવાર બનતી રહે છે. ગયા વર્ષના અંતમાં કમલા મિલમાં લાગેલી આગે ચકચાર મચાવી હતી. આવા અઢળક બનાવો છે. આ જ અઠવાડિયામાં લગભગ ત્રણેક જગ્યાએ આગ લાગ્યાના સમાચાર આવ્યા છે, જેમાં માટુંગાના બિગબઝાર, બાંદરાની હોટેલ અને ઉલ્લાસનગરની ફૅક્ટરીનો સમાવેશ થાય છે. આગ લાગે ત્યારે આપણે સામાન્ય વ્યક્તિ તરીકે તાત્કાલિક કેમ ત્યાંથી બહાર નીકળવું એના પ્રયાસો કરીએ છીએ એવા સમયે ફાયરમેન તમને બચાવવા માટે આગ લાગેલી જગ્યામાં અંદર ઘૂસતા હોય છે. બેશક, તેમની પાસે આગને બુઝાવનારા અને એ ક્ષણે પોતાનું રક્ષણ કરી શકે એવાં ઇક્વિપમેન્ટ હોય છે, પરંતુ આગનો કોઈ ભરોસો નથી. આગ જ્યાં લાગી છે એ અજાણી જગ્યામાં આગે શું નુકસાન કર્યું છે અને અચાનક ત્યાં શું ઘટી જશે એની કલ્પના કોઈને હોતી નથી. આગ બુઝાઈ ગઈ હોય એવું બહારથી દેખાતું હોય અને ફાયરમૅન એ જગ્યાએ જાય અને ત્યાં જ અચાનક સિલિન્ડર ફાટે એ તદ્દન અનાયાસ બનેલી ઘટના હોય છે. અચાનક ઉપરથી મલબો પડે તો એની પણ કલ્પના ન આવે એ સ્વાભાવિક છે. તમામ સુરક્ષાના ઇંતેજામ કર્યા પછી પણ આગનો ભરોસો ન થાય એ વાસ્તવિક ઘટના છે. ત્યારે બચાવકાર્ય કરતી વખતે સ્વબચાવ જ આકરો બની ગયો હોય એવો અનુભવ લગભગ દરેકેદરેક ફાયરમૅનને થયો હોય એ પણ એટલું જ સ્વાભાવિક છે. સામે ચાલીને મોતના મુખમાં ગયા બીજાને બચાવવા અને એ સમયે પોતાનો જ જીવ હવે નહીં બચે એ સ્તર સુધી પહોંચી ગયા હોય એ અનુભવોની મુંબઈના અગ્રણી ફાયર ઑફિસરો સાથે વાત કરીએ.

           

માથા પર પાંચ કિલો કરતાં વધુ વજનનો કાટમાળ પડ્યો, પણ બચી ગયો

મુંબઈ અગ્નિશમન દળના ચીફ ફાયર ઑફિસર અને મહારાષ્ટ્ર ફાયર સર્વિસના ડાયરેક્ટર અને અગ્નિશમન દળને યુનાઇટેડ નૅશન્સમાં રિપ્રેઝેન્ટ કરનારા એકમાત્ર ભારતીય પ્રભાત સૂરજલાલ રહાંગદલેની ત્રીસ વર્ષની સર્વિસમાં એવા અઢળક અનુભવો થયા છે જેમાં તેમને લાગ્યું હોય કે લાઇફનું ચૅપ્ટર હવે પૂરું. જોકે બીજાને બચાવવાનું ઝનૂન એટલુ તીવþ રહ્યું છે કે આવી ઘટનાઓ ક્યારેય તેમને વિચલિત નથી કરી શકી. ભારત અને લંડનની ફાયર એન્જિનિયર્સ કૉલેજથી વિવિધ કોર્સ કરનારા પ્રભાત રહાંગદલેને તેમની સર્વિસની કેટલીક અભૂતપૂર્વ સિદ્ધિ બદલ અનેક અવૉર્ડ અને પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. અગ્નિશમન દળનો હાઈએસ્ટ મેડલ ગણાતો ગેલેન્ટ્રી અવૉર્ડ તેમને રાષ્ટ્રપતિના હાથે મYયો છે. અત્યારે મુંબઈમાં 34 મુખ્ય અને 75 મિની સપોર્ટિંગ ફાયર-સ્ટેશનો અને 2,800 ફાયરમેનના મુખિયા પ્રભાત રહાંગદલે પોતાના જીવનની સર્વિસ સમયની કટોકટીની ઘડીઓની વાત કરતાં કહે છે, ‘આપણે ત્યાં પોલીસ અને આર્મીના જવાનો પણ જીવ મુઠ્ઠીમાં લઈને કામ કરે છે, પરંતુ તેમની સામે શત્રુઓ પારકા છે, જ્યારે અમારે પોતાના લોકો દ્વારા થયેલી ભૂલને પરિણામે સર્જાયેલી દુર્ઘટનામાં કોઈકને બચાવવા માટે જીવ જોખમમાં મૂકવાનો છે. આગ લાગે અથવા બિલ્ડિંગ પડે એમાં મોટા ભાગે માનવસર્જિત કારણો જ હોય છે. ફાયર સેફ્ટીના નિયમો ન પળાયા હોય, બિલ્ડિંગ જૂનું થયા પછી પણ તેમાં રહેવામાં આવતું હોય અથવા બિલ્ડિંગના કન્સ્ટ્રક્શનને રિનોવેશન દરમ્યાન ડૅમેજ કરવામાં આવ્યું હોય. કુદરતી હોનારતોમાં પણ અમારે બચાવકાર્ય માટે જવું પડતું હોય છે. છેલ્લે મુંબઈમાં ટેરરિસ્ટ અટૅક વખતે પણ બચાવકાર્ય અને ધડાકાઓને કારણે લાગલી આગને બુઝાવવા અમારે ત્યાં જવું પડ્યું હતું. એ રીતે ફાયર ઑફિસર અને અગ્નિશમન દળ શહેરની કટોકટીની સ્થિતિમાં સૌથી પહેલાં પહોંચતી ફોર્સ છે, જે જીવ બચાવવાનું કામ કરે છે. જીવ બચાવનારાનો જીવ પણ જોખમમાં મુકાય એ સહજ છે. મને યાદ છે કે કામાઠીપુરામાં બિલ્ડિંગ કૉલેપ્સ થયું હતું. બિલ્ડિંગના કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવા માટે અમે એક ટનલ જેવું બનાવીને નીચે જઈ રહ્યા હતા. રેસ્ક્યુ હોય ત્યારે ફાયરમેન અને ઉચ્ચ અધિકારી એમ બધા કામે લાગી જતા હોય છે. નર્ણિયો લેવા માટે અધિકારીની જવાબદારી વધી જતી હોય, બાકી કામગીરી તો તેણે પણ કરવાની. ટનલ માટે એક પછી એક બ્લૉક્સ અમે નીચેથી ઉપર પાસ કરી રહ્યા હતા. એવામાં એક બ્લૉક લગભગ પાંચેક કિલોનું વજન ધરાવતો મારી ગરદન પર પડ્યો. જોરદાર ઝાટકો લાગ્યો. સામાન્ય રીતે નાજુક હિસ્સા પર સહેજ વજન પડે તો પણ માણસનો જીવ જતો રહે, પણ મને કંઈ ન થયું. મને યાદ છે કે એ બિલ્ડિંગ કૉલેપ્સની ઘટનામાં કાળમાળ નીચેથી એક બે-ત્રણ મહિનાનું બાળક બહાર કાઢ્યું. મૃત્યુ પામ્યું હતું. એ સમયે હાથમાં નાના બાળકનું ડેડ-બૉડી હોય એ અમને પણ ઇમોશનલી ડ્રેઇન કરી નાખે, આફ્ટરઑલ માણસ છીએ, પણ એ સમયે એ ગમગીનીને બાજુ પર મૂકીને ત્યાં રહેલા બીજા લોકોને બચાવવાની દિશામાં સક્રિય થવું પડે. ઘણી વાર જીવતા માણસને બચાવવા માટે ડેડ-બૉડી ઉપરથી પણ પસાર થવું પડે અને જીવ અંદરથી કપાતો હોય. એક વાર બચાવકાર્ય કરતી વખતે માથા પર ઉપરથી ગરમ ગરમ કાટમાળ પડ્યો. આંખ સહેજ માટે બચી ગઈ અને ઈજા પણ થઈ. જોકે આ અમારી ડ્યુટીનો હિસ્સો છે. મૃત્યુનો ડર નથી લાગતો એવું નહીં કહું. અમે પોતાનો જીવ બચાવીને જ અન્ય જીવ બચાવવાની ક્રિયામાં લાગતા હોઈએ છીએ, પરંતુ જે દુર્ઘટનાઓમાં લોકો બહાર ભાગતા હોય ત્યાં અમારે અંદર જવાનું છે. આગ લાગે ત્યારે તમે બહાર ભાગશો જ્યારે અમારે ઘટનાસ્થળમાં પેસવાનું છે. બધું જ અજાણ્યું છે અને ખબર નથી કે ક્યારે શું થઈ જશે એટલે સ્વાભાવિક રીતે બધી જ પૂર્વતૈયારીઓ પછી પણ મોત માથા પર તોળાતું રહેવાનું. ફાયર ઑફિસરની આ અવસ્થાથી હજીયે સામાન્ય લોકો પરિચિત નથી. લોકોમાં અન્ય સુરક્ષાબળો જેટલી સંવેદના ફાયર ઑફિસરો માટે નથી. જોકે હવે અમે વિવિધ મૉક-ડ્રિલ અને અન્ય પ્રોગ્રામો દ્વારા સામાન્ય લોકોની સાથે ઘરોબો બનાવવાનું શરૂ કર્યું છે, જેથી તેઓ વધુ અલર્ટ બને અને આગ લાગવાની કે બિલ્ડિંગ કૉલેપ્સ થવાની દુર્ઘટનાઓ માટે જવાબદાર માનવસર્જિત ભૂલોને મિનિમાઇઝ કરી શકાય.’

 

એ દિવસે 32 ફાયરમેન અને ઑફિસર્સ આગમાં ભડથું બની ગયા હોત

અંધેરી અને વિલે પાર્લાનાં ફાયર-સ્ટેશન જેના અંતર્ગત આવે છે એવા અસિસ્ટન્ટ ડિવિઝનલ ફાયર ઑફિસર એસ. કે. બંડગરને યુનિફૉર્મ જૉબ માટેનો લગાવ ફાયર ડિપાર્ટમેન્ટમાં લઈ આવ્યો. તેમને આમ્ર્ડ ફોર્સમાં જવું હતું, પણ કિસ્મત તેમને અગ્નિશમન દળમાં લઈ આવી. ૨૪ વર્ષની કારકર્દિીમાં લગભગ દરેક પ્રકારની કુદરતી હોનારત કે માનવસર્જિત હોનારતોમાં રેસ્ક્યુ કાર્ય તેમણે કર્યું છે. મુંબઈમાં જ બૉર્ન ઍન્ડ બ્રોટ-અપ એવા આ ઑફિસરે અઢળક વાર રેસ્ક્યુ કાર્ય કરતી વખતે ઈજાઓ સહન કરી છે. દાઝ્યા છે. ‘ફાયરમૅન પર ઈશ્વરનો હાથ છે અને એટલે જ કોઈક ને કોઈક હિન્ટ તો એવી જ મળી જ જાય, જેને કારણે તેઓ કોઈક મોટી દુર્ઘટનામાંથી બચી જતા હોય છે. આવું તો મેં ઘણી વાર અનુભવ્યું છે.’

આવું સ્પષ્ટ શબ્દોમાં કહેનારા એસ. કે. બડગર પણ જોકે એક દુર્ઘટનામાં હચમચી ગયા હતા. 2014માં અંધેરી-વેસ્ટમાં આવેલા લોટસ બિઝનેસ પાર્કમાં 21માં માળે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી. એસ. કે. બંડગર કહે છે, ‘રેસ્ક્યુ કાર્ય ઑલમોસ્ટ પૂરું થઈ ગયું હતું અને 21મા માળે લાગેલી આગ પણ બુઝાવાઈ ગઈ હતી. અમે પાછા ફરવાની તૈયારીમાં હતા ત્યાં જ નીચેથી મેસેજ આવ્યો કે લિફ્ટમાં એક બહેન ફસાયેલાં છે. તેમને બચાવવા માટે અમે એ દિશામાં ગયા તો ખબર પડી કે દસમા માળે હજી આગ બુઝાઈ નથી અને એ આગળ વધી રહી છે. બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના એકેય નિયમોનું પાલન નહોતું કરાયું. ફાયર સેફ્ટીનાં ઇક્વિપમેન્ટ કામ નહોતાં કરતાં. પેલાં બહેનની શોધ કરવામાં અમે લિફ્ટ એરિયામાં આગળ વધ્યા, પણ અમને કોઈ મYયું નહીં, પણ સામેથી આગની લપેટો આવવા લાગી. વિન્ડને કારણે આગ ઝડપથી આગળ વધી રહી હતી. ઍલ્યુમિનિયમ-કોટેડ ગ્લાસને કારણે આગ વકરી રહી હતી. અમે પાછા 20મા માળે પહોંચ્યા અને શેલ્ટર શોધીને ઊભા રહી ગયા. કુલ 32 ફાયર ઑફિસરો એકસાથે એક જ જગ્યાએ હતા. નીચેથી અમે હેલ્પ માગી હતી અને તાત્કાલિક હેલિકૉપ્ટર બોલાવવાનું કહી દીધું હતું, કારણ કે નીચેથી તો બચીને નીકળવું મુશ્કેલ હતું. વીસમા માળા સુધી આગ ઝડપથી પહોંચી ગઈ હતી. એટલી ગરમી અને ધુમાડો હતો કે સફોકેશનને કારણે બેહોશ થઈ જવાની સ્થિતિ સુધી પહોંચી ગયા હતા. પગમાં પહેરેલા ગમબૂટ ગરમીને કારણે પીગળવાના શરૂ થયા. એ સમયે ચાર્જ મારા હાથમાં હતો. મારી સાથેના 31 અન્ય અધિકારી અને ફાયરમેનના જીવને બચાવવા કેટલાક મહkવપૂર્ણ નર્ણિયો લેવાય એ જરૂરી હતું. અમે નક્કી કર્યું કે હવે આ આગની ગરમીથી બચવું હશે અને ધુમાડાના સફોકેશનને અટકાવવું હશે તો ઉપર ટેરેસ પર જઈએ. પવનની દિશા બદલાય એમ આગની લપેટો ધીમી પડતી એમ થોડા થોડા ફાયરમેનને ઉપર મોકલતા ગયા. ટેરેસમાં પણ કન્સ્ટ્રક્શન હતું અને ત્યાં ઑફિસ બનાવવામાં આવી હતી. થોડીક જ ક્ષણોમાં આગ ટેરેસ સુધી પહોંચી ગઈ. અમારો એક જવાન ટેરેસ પર જ સફોકેશનને કારણે મૃત્યુ પામ્યો. નસીબજોગે ટેરેસની બહાર એક ફૅન્સિંગ હતું જેમાં અમે જતા રહ્યા અને દીવાલની આડશે છુપાઈ ગયા. આગની જ્વાળાઓથી આ રીતે રક્ષણ મેળવ્યું. લગભગ એકાદ કલાકમાં આગ આપમેળે બુઝાઈ ગઈ અને અમને હેલ્પ માટે હેલિકૉપ્ટર પણ આવી પહોંચ્યું. એ વખતે સ્થિતિ એવી બની હતી કે અમે નીચે મેસેજ આપી દીધો હતો કે હવે અમે નહીં બચીએ. હવાને કારણે આગની જ્વાળાઓ પણ આગળ-પાછળ થતી અને અમે તેનાથી અમારો જીવ બચાવીને ભાગતા હતા. આગ સાથે અમારો છૂપાછૂપીનો ખેલ ચાલુ હતો. 32માંથી એકે જીવ ગુમાવ્યો હતો અને 22 અધિકારીઓ આગની લપેટમાં દાઝી ગયા હતા. એ વખતે એ બિલ્ડિંગની ટેરેસ પર જો અમને વધારાની ફૅન્સવાળો હિસ્સો ન મYયો હોત તો અમારું બચવું મુશ્કેલ હતું.’

આ દુર્ઘટનામાં અન્ય ત્રણ ઑફિસરોની સાથે એસ. કે. બંદગર ગંભીર રીતે દાઝ્યા હતા, જેના ઇલાજ માટે તેમણે 15-20 દિવસ હૉસ્પિટલાઇઝ્ડ થવું પડ્યું હતું. બંડગર કહે છે, ‘ઘણાં ઑપરેશનો કર્યા છે. ગુજરાતના અર્થક્વેકમાં પણ દટાયેલા લોકોને બહાર કાઢતી વખતે પણ ઘણા અનુભવ થયા છે. સુનામીમાં રેસ્ક્યુ માટે આંદામાન-નિકોબાર ગયો હતો. મને યાદ છે કે મુંબ્રામાં બિલ્ડિંગ પડ્યું ત્યારે લગભગ 21 લોકોને જીવતા બહાર કાઢ્યા હતા. સાત માળાના બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર એક છોકરો છે એવી ખબર મળી. તે છોકરાના સંબંધીએ તેને ફોન કર્યો અને એ રીતે પહેલાં અમે તેનું લોકેશન ટ્રેસ કર્યું અને પછી વર્ટિકલી મલબાને ક્રેક કરીને સૂતાં સૂતાં ઉપરથી નીચે ગયા અને તેને સહીસલામત બહાર કાઢ્યો. અમારા માટે આ સૌથી મોટો આત્મસંતોષ છે. મુંબઈ અગ્નિશમન દળ પાસે ખૂબ સારાં ઇક્વિપમેન્ટ છે. તમામ આધુનિક સામગ્રીઓ છે અને સુસજ્જ અધિકારીઓ અને ફાયરમેન છે, જેથી આપણે વૈશ્વિવક કક્ષાએ આગળ પડતી ફોર્સ ગણાઈએ છીએ. બાકી આગળ કહ્યું એમ મુંબઈના ફાયર ઑફિસરો પર ઈfવરનો હાથ છે કે બચાવકાર્ય કરતી વખતે તેમને જીવનું જોખમ માથા પર આવીને મળી જાય. મને યાદ છે કે મરોલમાં એમેઝોનના ગોડાઉનમાં આગ લાગી હતી. અમારું કામ પૂરું થયુ અને અમે બહાર નીકળ્યા અને અમારી આંખ સામે આખું સ્ટ્રક્ચર પડી ગયું. અમે બહાર નીકળીએ ને એલપીજી સિલિન્ડર ફાટે એવું પણ બન્યું છે. કદાચ સિક્સ સેન્સથી સહેજ સિમ્પટમ્પ્સ મળી જતાં હોય છે એટલે અમે દુર્ઘટના ઘટે એ પહેલાં જ ત્યાંથી નીકળી જતાં હોઈએ છીએ.’

અહીં ઉલ્લેખનીય છે કે અગ્નિશમન દળના કર્મચારીઓની ફિઝિકલ અને મેન્ટલ સ્ટ્રેંગ્થની કસોટી કરતી વિવિધ સ્પર્ધાઓ નિયમિત ધોરણે થતી હોય છે, જેમાં ટીમ લીડર તરીકે અને વ્યક્તિગત કોમ્પિટન્સમાં પણ એસ. કે. બંડગરને ઘણાં ઇનામો મળ્યાં છે. અગ્નિશમન દળના સવોર્ચ્ચ પુરસ્કારો પણ તેમને એનાયત થયા છે. તેમના ફાયર સ્ટેશનને સતત છ વર્ષ સુધી બેસ્ટ ફાયર-સ્ટેશનનો ખિતાબ પણ મળ્યો છે.

 

બચાવકાર્ય ચાલુ હતું અને એક ગોળી પગની સહેજ નજીકમાં આવીને પડી

મૂળ સાતારાના અને ભાયખલામાં રહેતા યુવરાજ ધનાજીરાવ પવારને 25 વર્ષ થઈ ગયાં છે નોકરીમાં જોડાયાને. પોલીસમાં ભરતી થવાનું વિચારી રહેલા યુવરાજને અગ્નિશમન દળની ભરતી વિશે ખબર પડી અને એમાં અનાયાસ ફાયરમૅન તરીકેની યાત્રા શરૂ થઈ. શરૂઆતનાં વષોર્માં મહારાષ્ટ્રમાં અને 1993 મુંબઈ બ્લાસ્ટમાં મુંબઈ ટ્રાન્સફર થયા પછી યુવરાજ પવારે અહીં જ રહીને અનેક પ્રકારની કુદરતી આફતો, આગ લાગવાની ઘટનાઓમાં અને બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટનાઓમાં બચાવકાર્ય કર્યું છે. ઘણી વાર પોતે પણ તકલીફો ભોગવી છે. ઇન્જર્ડ થયા છે. જોકે પચીસ વર્ષની કામગીરીમાં સૌથી હેરતઅંગેજ કામ એટલે મુંબઈમાં 26/11 ના આતંકી હુમલાની ઘટના. યુવરાજ કહે છે, ‘ફાયરમૅનના ડ્યુટી-અવર્સ આઠ કલાકના હોય અને ઑફિસરની ડ્યુટી ચોવીસ કલાકની હોય. જોકે આપણે ત્યાં આતંકવાદી હુમલો થયો ત્યારે હું મારા મોટા સાહેબ સાથે ઘટનાસ્થળે ગયો હતો. એ વખતે મારું પોસ્ટિંગ સાઉથ મુંબઈમાં જ હતું. સૌથી પહેલાં અમે ટ્રાઇડન્ટ પહોંચ્યા. રાતે લગભગ સાડા આઠ-નવનો સમય હતો. ગોળીબારીનો અવાજ આવતો હતો. ક્રૉસ ફાયરિંગ ચાલુ હતું. ધડાકાઓ સંભળાઈ રહ્યા હતા. આવો પહેલો પ્રસંગ બન્યો હતો, જેમાં અંદર શું ચાલી રહ્યું હતું એનો કોઈ અંદાજ નહોતો. હૅન્ડગ્રેનેડ ફેંકાવાને કારણે ટ્રાઇડન્ટમાં ઘણે ઠેકાણે આગ લાગી હતી, જે બુઝાવવાનું કામ અમારે કરવાનું હતું. અંદર જઈએ એ પહેલાં જ જોરથી એક ધડાકો થયો અને બિલ્ડિંગની અંદરથી સોફાનો એક તૂટેલો હિસ્સો મારી બાજુમાં આવીને પડ્યો. એક બ્લાસ્ટ તો બિલકુલ અમારી પાછળ જ થયો. થોડીક ક્ષણો જો અમે મોડા પડ્યા હોત તો કદાચ આજે હું તમારી સાથે વાત ન કરતો હોત. ઘણા લોકો જખમી હાલતમાં બહાર આવી રહ્યા હતા. અંદર શું સ્થિતિ છે એનો માત્ર અંદાજ લગાવીને અલર્ટનેસ સાથે ટ્રાઇડન્ટનું ઑપરેશન પૂરું થયું ત્યાં સુધી અમે અમારું કામ કર્યું.’

 અંધારામાં સતત એ ડર વચ્ચે કે ખબર નથી ક્યાંથી કઈ ગોળી કે કયો બૉમ્બ આવશે એમાં પણ યુવરાજે તેના ઉપરી અધિકારી સાથે એ કાર્ય પાર પાડ્યું. એ પછી તેઓ તાજ તરફ આગળ વધ્યા હતા. યુવરાજ કહે છે, ‘ટ્રાઇડન્ટમાં અમારું કામ પૂરું થયું છે એવો મેસેજ મળ્યો એ પછી રાત્રે એક-દોઢ વાગ્યે તાજ હોટેલ પર પહોંચ્યા. ત્યાં તો પરિસ્થિતિ વધુ વિકટ જણાતી હતી. તમને ધ્યાન હોય તો જૂની તાજ હોટેલનો ઉપરનો ડોમ આગની લપેટમાં હતો. વચ્ચે પણ કેટલાક માળાઓમાં આગ લાગી હતી. કેટલાક લોકો બહારથી દેખાઈ રહ્યા હતા જે કૂદવાની કોશિશ કરી રહ્યા હતા. તેમને બહાર કાઢવાના, નીચે આવવાનો સુરક્ષિત રસ્તો તૈયાર કરવા માટે આગ બુઝાવવી જરૂરી હતી. વહેલી સવારે ફાયરિંગ થોડુંક ઘટયું એટલે થોડાક જવાનોએ નવા બિલ્ડિંગમાંથી જૂના બિલ્ડિંગમાં પ્રવેશ કરીને ફસાયેલા લોકોને કાઢવાનું કામ શરૂ કર્યું હતું. પાંચમા માળે અમારો વૉટર જેટ પહોંચી નહોતો રહ્યો એટલે કોઈકે અંદર જઈને જ આગ બુઝાવવી પડે એમ હતી. અમારા સાહેબે સ્પેશ્યલ સ્ક્વૉડના ચીફ સાથે વાત કરીને અમે બન્ને પાંચમા માળાની આગ બુઝાવવા પાછળના રસ્તે બિલ્ડિંગમાં પ્રવેશ કરી શકીએ જો અમને સાથે બે આર્મીના જવાન આપવામાં આવે અને એ દિશાસૂચન કરે તો. બે કમાન્ડો અમને આપવામાં આવ્યા. એક આગળ અને એક પાછળ અને અમે બન્ને વચ્ચે. ઠેર ઠેર આગ લાગી હતી અને એને બુઝાવવાનું બહારથી જ ચાલી રહ્યું હતું. અમે પહેલા બે ઑફિસર હતા જે અંદર જઈ રહ્યા હતા, અમારા સાદા ગમબૂટ અને યુનિફૉર્મમાં. કોઈ પણ હથિયાર વિના. આગને કારણે ધુમાડો ખૂબ હતો. અમે પાંચમા માળે પહોંચ્યા અને અમારા ફાયર એક્સટિંગ્વિશરથી આગ બુઝાવી, પણ ત્યાં તો અમારી આગળ ચાલતો એક કમાન્ડો ગાયબ હતો. અમે પાંચમે માળે હતા અને ત્રીજે માળે ફાયરિંગ ચાલતું હતું. થોડીક ક્ષણો માટે અમે ગભરાયા કે ક્યાંક પેલો કમાન્ડો કોઈ ખોટી દિશામાં નથી ગયોને. આગ બુઝાવ્યા પછી અમે ત્યાં જ ઊભા હતા. જે રસ્તેથી પસાર થયા હતા ત્યાં લાશોનો ખડકલો પડ્યો હતો. કતારબંધ ત્રણ પોલીસ અધિકારીની લાશ જોઈ. ગાયબ થયેલા કમાન્ડોને શોધવા અમારી સાથે રહેલો બીજો કમાન્ડો ગયો અને એ પણ ઘણી મિનિટ સુધી પાછો ન આવ્યો એટલે અમે પાછા જે રસ્તે આવ્યા હતા એ રસ્તે પાછા ફર્યા. એકેય પ્રોટેક્શન કે હથિયાર વિના. જો કદાચ એ બાજુએ આતંકી આવ્યો તો બચીશું નહીં એવી ગણતરી સાથે. આ તરફની હિલચાલ પર ધ્યાન જતાં જો એકાદ ગ્રેનેડ ફેંકાશે તો પણ નહીં બચીએ. એ દૃશ્ય અને એ માહોલ યાદ કરતાં આજે પણ શરીરમાં લખલખું પસાર થઈ જાય છે. અમે પાંચ માળા ઊતરીને અને લાશોના ખડકલાને પાર કરીને નીચે આવ્યા ત્યારે ખરેખર માણસ તરીકેની અમારી સંવેદનાઓ શબ્દોથી પર થઈ ગઈ હતી. જીવન-મૃત્યુના અમારા મતલબ બદલાઈ ગયા. વિક્રોલીમાં એક વાર આગ લાગી ત્યારે હું ટ્રેપ થઈ ગયો હતો અને થોડોક દાઝ્યો પણ હતો. આવું તો થાય અમારા કાર્યમાં. જોકે 26/11ની ઘટનાનો મારો અનુભવ ખરેખર કોઈની સાથે તોલી શકાય એવો નથી. અનિશ્ચિતતાનો આટલો પ્રકોપ મેં ક્યારેય નથી અનુભવ્યો.’

આ પણ વાંચો: કૉલમ : તમતમારે ચાઇનીઝ શીખી લો કામ લાગશે

યુવરાજ પવાર કહે છે, ફાયરમૅન આગ બુઝાવવામાં કે બિલ્ડિંગ કૉલેપ્સમાં જ નહીં, પણ ઘણી વાર ઝાડ પર કે વાયરમાં ફસાયેલા પક્ષીને બચાવવામાં પણ જીવ ગુમાવે છે અને એવા કિસ્સાઓ તમને ખબર જ છે. જોકે મૃત્યુનો ડર ક્યારેય આડે આવતો નથી.