તુમ ભુલ ન જાઓ ઉનકો ઇસ લિએ સુનો યે કહાની 2

26 January, 2019 02:44 PM IST  |  | રુચિતા શાહ

તુમ ભુલ ન જાઓ ઉનકો ઇસ લિએ સુનો યે કહાની 2

શહીદ જવાનોના મુબઈમાં વસતાં પરિવારો કહે છે....

કોલાબાના આર્મી ક્વૉર્ટર્સમાં રહેતી ગૌરી પ્રસાદ મહાડિકના ચહેરા પર સ્માઇલ જુઓ તો તમને અંદાજ પણ ન આવે કે છેલ્લાં બે વર્ષમાં તેણે જિંદગીનો કેટલો આકરો સમય પસાર કર્યો છે. ‘પ્રસાદને મારી સ્માઇલ જ બહુ ગમતી અને એટલે જ સ્મિત તો હંમેશાં મારા ચહેરા પર અકબંધ રહેશે’ એવું કહેનારી ગૌરી પણ ટૂંક સમયમાં આર્મીમાં જોડાવાની છે. એ માટેની તમામ ટ્રેઇનિંગ તેણે પૂરી કરી લીધી છે. તેના પતિ મેજર પ્રસાદ મહાડિક અરુણાચલ પ્રદેશમાં પોસ્ટિંગ વખતે લાગેલી આકસ્મિક આગમાં 2017ની 30 ડિસેમ્બરે શહીદ થયા છે. મોટા ભાગે આર્મીના નિયમ મુજબ ઑન ડ્યુટી હોય તો પણ જવાનના આકસ્મિક મૃત્યુને શહીદનો દરજ્જો નથી મળતો. જોકે મેજર પ્રસાદના સંજોગોની તપાસ કર્યા પછી તેમને પણ શહીદ ડિક્લેર કર્યા છે. ત્રીસ ડિસેમ્બરે સવારે ગૌરીને આર્મીમાંથી ફોન આવ્યો કે પ્રસાદ આ દુનિયામાં નથી. ગૌરી કહે છે, ‘સાચું કહું તો એ સમયે મને વિશ્વાસ જ નહીં થયો કે આવું પણ બની શકે. આ વાતને પહેલાં તો મશ્કરી સમજી. ક્યાંક તેના મિત્રો મારી સાથે મજાક તો નથી કરી રહ્યા? ઘરના લોકોને ખબર પડી. મારાં સાસુ-સસરા પણ સાંભળીને ફસડાઈ પડ્યાં. એ પછીના શરૂઆતના એ ત્રણ મહિનાનું વર્ણન નહીં કરી શકું.’

પ્રસાદ મહાડિક

આટલું કહેતાં ખબર ન પડે એ રીતે ગૌરી આંખો લૂછી લેવાની ચેષ્ટા કરી લે છે. જોકે આ એક ફોનકૉલમાં મા-બાપે પોતાનો એકનો એક દીકરો ગુમાવ્યો અને સુખી દામ્પત્યનાં સપનાંઓ જોતી એક પત્નીએ પોતાનો પતિ. ગૌરી કહે છે, ‘અમે આગલે દિવસે જ રાત્રે મોડે સુધી ફોન પર વાતો કરી હતી. એ સમયે અમે આવતી રજામાં યુરોપ જઈશું એનું પ્લાનિંગ કરી રહ્યાં હતાં. વીઝાની અને બજેટની વાતો ચાલતી હતી. મારા માટે એ કલ્પના જ શક્ય નહોતી કે તે હવે નથી.’

જોકે હજીયે ગૌરીએ એ સ્વીકાર્યું નથી. આખું ઘર તેણે પ્રસાદની યાદોથી સજાવ્યું છે. ઘરમાં જે પણ રાચરચીલા પર નજર કરો એ તેમણે બન્નેએ સાથે ખરીદેલી વસ્તુઓ છે. ગૌરી કહે છે, ‘તે મારી સાથે જ છે. મેં સાંભળ્યું છે કે દેશનો જવાન મૃત્યુ પામે ત્યારે તે સ્વર્ગમાં જ હોય. હવે મને શેની ચિંતા હોય? તે ઉપરથી મને જોઈ રહ્યા છે અને મારું ધ્યાન પણ રાખી રહ્યા છે. ક્યારેક કોઈ નર્ણિય લેવામાં મૂંઝાઉ તો આંખ બંધ કરીને તેને હેલ્પ કરવાનું કહું છું તો રસ્તો પણ સૂઝી જાય છે. હવે તો મારું એક જ લક્ષ્ય છે કે પ્રસાદનાં તમામ સપનાંઓ પૂરાં કરવાં. હું મારા હસબન્ડની રાહ પર ચાલવાની છું. આમ ભલે 2014માં અમે એકબીજાને મળ્યાં, પણ ખરેખર સાથે રહ્યાનો સમય ગણું તો એક વર્ષ. તે અહીં 45 દિવસની રજામાં આવતા ત્યારે પણ હું તેની આગળ-પાછળ ફરતી હોઉં. એક-એક વસ્તુમાં સિસ્ટમૅટિક કામ કરવાની પ્રસાદની ટેવ. મને યાદ છે કે ગુજરાતથી મારે અમે ખરીદેલી પહેલી ગાડીની ડિલિવરી લેવાની હતી. પ્રસાદે મને વીસ પૉઇન્ટ લખીને મોકલાવ્યા હતા. દેશદાઝનો ભાવ તેના મગજમાંથી એક ક્ષણ માટે પણ હટતો નહીં. કલકત્તામાં હું તેની સાથે લાંબો સમય રહી હતી. એ દરમ્યાન ત્યાંની એક પણ રેસ્ટોરાં નહોતી જ્યાં અમે જમવા ન ગયાં હોઈએ. ખાવાપીવાના અમે બન્ને શોખીન હતાં. મારો બાયોડેટા તેણે બનાવીને આપ્યો હતો જેથી હું મારી જૉબમાંથી કલકત્તામાં નવા પ્રોજેક્ટની રજૂઆત કરીને ત્યાં શિફ્ટ થઈ શકું. ’

ગૌરી મહાડિક પ્રસાદ મહાડિકના પત્ની.

મૅટ્રિમોનિયલ સાઇટ પર એકબીજાને મળેલાં અને 2014માં લગ્ન ગ્રંથીથી જોડાનારા આ કપલની એન્ગેજમેન્ટની તારીખ ત્રણ વાર શિફ્ટ કરવી પડી હતી, કારણ કે મેજર પ્રસાદને રજાઓ નહોતી મળતી. ગૌરીએ પોતાના હસબન્ડ સાથે થયેલી તમામ વાતચીતો, વિડિયો, મેસેજથી થયેલી વાતો સાચવીને રાખી છે. તે કહે છે, ‘હવે આ યાદો જ મારા જીવનનો સહારો છે. આવનારાં ચાલીસ વર્ષ એને જ આધારે કાઢવાનાં છે. પ્રસાદના આર્મીમૅન તરીકેનાં સપનાંઓ પૂરાં કરવાની હું કોશિશ કરીશ. અમે બાળકનું પ્લાનિંગ કરવાનું પણ વિચારી રહ્યાં હતાં, પણ કુદરતને એ મંજૂર નહોતું. હવે જોકે આવનારા સમયમાં હું એક બાળક પણ અડૉપ્ટ કરીશ અને તેને પ્રસાદનું નામ આપીશ એવું પણ વિચાર્યું છે.’

આ પણ વાંચો : તુમ ભુલ ન જાઓ ઉનકો ઇસ લિએ સુનો યે કહાની

પ્રસાદના પેરન્ટ્સ પણ દીકરાની કમી સતત મહસૂસ કરે છે, પણ જે બની ગયું છે એને પાછું લાવી શકાય એમ નથી. પ્રસાદને ગિટાર વગાડવાનો શોખ હતો એટલે ગૌરીએ એ શીખવાનું પણ શરૂ કર્યું છે. પ્રસાદના મિત્રો પાસેથી તેના જીવનના કિસ્સાઓને કમ્પાઇલ કરીને એક પુસ્તક લખવાનું પણ તેણે શરૂ કર્યું છે. ગૌરી કહે છે, ‘હવે હું લાંબા ગાળાના ગોલ્સ નથી બનાવતી. હું મોટા ભાગે શૉર્ટ ટર્મ ગોલ્સ જ બનાવું છું અને સતત તેનો સાથ મારી સાથે છે એ અનુભૂતિ સાથે જીવન જીવી રહી છું.’

weekend guide republic day