તુમ ભુલ ન જાઓ ઉનકો ઇસ લિએ સુનો યે કહાની

26 January, 2019 02:27 PM IST  |  | રુચિતા શાહ

તુમ ભુલ ન જાઓ ઉનકો ઇસ લિએ સુનો યે કહાની

શહીદ જવાનોના મુબઈમાં વસતાં પરિવારો કહે છે....

આ મુલાકાત દરમ્યાન અનુભવાયેલો શહીદ જવાનોનાં માતા-પિતાની મીઠી યાદો, પત્નીના મનની હૃદયદ્રાવક પીડા, પોતાના પ્રિયજન સાથે વિતાવેલી મીઠી યાદોનો ધોધ અને એકાએક તેમની વિદાયથી આવી ચડેલી આંધીનો આઘાત જેવું ઘણુંબધું શબ્દરૂપે અહીં આપની સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો છે

મેજર કૌસ્તુભ રાણે

2018માં 46 આર્મી ઑફિસરો કાશમીરમાં આતંકવાદીઓ વિરુદ્ધનાં વિવિધ ઑપરેશન દરમ્યાન શહીદ થઈ ગયા. ગયા વર્ષે લગભગ સોળસો જેટલા જવાનો ઍક્સિડન્ટ, પ્રતિકૂળ આબોહવા, બીમારી અને આપઘાતને કારણે મૃત્યુ પામ્યા હતા. ભારતના મિલિટરી ફોર્સની ગણના વિશ્વના સૌથી મોટા મિલિટરી ફોર્સમાં થાય છે. 2010ના આંકડા મુજબ ભારત પાસે લગભગ 14 લાખ જવાનો ઍક્ટિવલી સરહદ પર છે. આજે આપણે સૌ શાંતિથી ચાની ચુસકી લેતાં છાપું વાંચી શકીએ છીએ કે આપણાં તમામ સપનાઓ પૂરાં કરી શકીએ છીએ, કારણ કે આપણી સરહદો પર દુશ્મન દેશોના બદઇરાદાને નાકામિયાબ કરવા માટે આર્મીના અધિકારી 24/7 પહેરો લગાવીને બેઠા છે. આપણા જીવનની તમામ ખુશાલીમાં અને તમામ શાંતિમાં ખૂબ મોટું શ્રેય આ જવાનોને જાય છે જેમણે દેશની રક્ષા માટે જાતને સમર્પિત કરી દીધી છે. આ જવાનો જ્યારે પ્રતિજ્ઞા લે છે ત્યારે એમાં બાકાયદા પોતે પોતાની જાતને દેશ માટે સમર્પિત કરી રહ્યા છે એવું મોટા અવાજે બોલે છે. પરિવાર પ્રત્યેની તેમની જવાબદારી દેશ પછી આવે છે. જોકે પોતાના વહાલા દીકરાને કે પોતાના જીવનના સર્વેસર્વા પતિને સરહદ પર મોકલનારા એ પરિવાર પર શું વીતતી હોય છે. દીકરો શત્રુઓથી દેશની રક્ષા કરવા માટે સરહદ પર છે એ બાબત સ્વીકારવી તમે ધારો છો એટલી સહેલી નથી. ઇન ફૅક્ટ, સતત તેની ચિંતા અને ઝંખના પછી પણ દુનિયાની સામે કાળજા પર પથ્થર મૂકીને આર્મીમેનના પરિવારો મોઢું હસતું રાખે છે. જોકે ત્યારે શું દશા થાય જ્યારે પોતાના સ્વજનને ડ્યુટી દરમ્યાન જ કાળ ભરખી જાય. દુશ્મન સાથે લડતા શહીદ થયેલા પોતાના દીકરા વિશે જાણે છે ત્યારે કેવો વલોપાત અને આઘાત તેમના મનમાં સર્જાય છે. આજે 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મુંબઈમાં વસતા કેટલાક એવા આર્મી પરિવારો સાથે ‘મિડ-ડે’એ ખાસ મુલાકાત કરી જેમની વ્યક્તિએ દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા હોય. શહીદ જવાનોનાં માતા-પિતા, પત્નીના મનનો વલોપાત, પોતાના પ્રિયજન સાથે વિતાવેલી મીઠી યાદો અને એકાએક તેમની વિદાયથી આવી ચડેલી આંધીનો આઘાત શબ્દરૂપે પ્રસ્તુત છે.

મેજર કૌસ્તુભ રાણેના પત્ની બાળક સાથે

7 ઑગસ્ટ, 2018. આતંકવાદીઓ સાથેની ટક્કરમાં આર્મીના ચાર જવાનોએ પ્રાણોની આહુતિ આપી, જેમાં મીરા રોડમાં રહેતા મેજર કૌસ્તુભ પ્રકાશ રાણે પણ હતા. કહે છે કે આ ઑફિસરે મરતાં-મરતાં પણ બે આંતકીઓને ઠાર કર્યા હતા. એ ઘટનાને હજી છ મહિના જ પૂરા થયા છે ત્યારે આ પરિવારે પહેલી વાર કોઈ પણ મીડિયા પ્રતિનિધિ સામે કહેલી રૂંવાડાં ઊભી કરનારી અઢળક લાગણીસભર વાતો પ્રસ્તુત છે.

મેજર કૌસ્તુભ રાણે અને કનિકાના પાંચ વર્ષના લગ્નજીવનમાં તેમને એક અઢી વર્ષનું બાળક પણ છે, અગસ્ત્ય. પત્ની, બાળક, તેમની નાની બહેન કશ્યપા અને માતા-પિતા જ્યોતિ અને પ્રકાશ સાથે મીરા રોડમાં વષોર્થી આ પરિવાર રહે છે. કોઈ પણ જાતનું આર્મીનું બૅકગ્રાઉન્ડ નહીં ધરાવતા કૌસ્તુભ આર્મીમાં ગયા એ ગાથા પણ એટલી જ રસપ્રદ છે. વાતની શરૂઆતમાં તેમનાં પત્ની કનિકા કહે છે, ‘અમે પહેલી વાર જ્યારે પુણેમાં મળ્યાં ત્યારે આર્મીમાં જવાનો તેમનો કોઈ વિચાર નહોતો. કમ્પ્યુટર ઍપ્લિકેશનમાં ગ્રૅજ્યુએશન કરવાની સાથે તેમણે પણ મારી જેમ MBA કરવાનું નક્કી કર્યું હતું. એની એન્ટ્રન્સ એક્ઝામમાં ખૂબ જ આકસ્મિક રીતે અમે મળ્યાં અને ફિલ્મી સ્ટાઇલમાં અમારો પરિચય શરૂ થયો. મને યાદ છે કે કૌસ્તુભ ભણવાના ચોર હતા. તે હંમેશાં કહેતા કે જે નૉલેજ તમને પ્રૅક્ટિકલ લાઇફમાં કામ ન આવે એમાં શું સમય અને એનર્જી બગાડવાનાં? તેમને પોતાની એક અલગ ઓળખ બનાવવી હતી અને લોકોને તેમના માટે પ્રાઉડ થાય એવું કંઈક કરવું હતું એ કારણે આર્મીમાં જવાનું આકર્ષણ જાગ્યું હતું. જોકે અમે પુણેમાં સાથે ભણી રહ્યાં હતાં એ સમયે મુંબઈ પર કસબવાળો આતંકી હુમલો થયો, જેમાં મારી ફ્રેન્ડના એક રિલેટિવ પણ ભોગ બન્યા હતા. આ ઘટનાએ મને ખૂબ જ ડિસ્ટર્બ કરી દીધી હતી. એ વખતે અમારું ખૂબ ડિસ્કશન થયું હતી. એ સમયે કૌસ્તુભે કહ્યું હતું કે હું એવો નથી બનવા માગતો કે મને કોઈ આવીને મદદ કરશે એની રાહ જોઉં. ખરેખર કંઈક એવું કરવું જોઈએ જેમાં આપણે લોકોને બચાવવા જઈએ. બસ, એ પછી આર્મીમાં જવાનો વિચાર તેનો દૃઢ થઈ ગયો. યુ વૉન્ટ બિલીવ, પણ આર્મીમાં જવાની ગંભીરતા આવી એ પછી કૌસ્તુભમાં મેં 360 ડિગ્રીનો બદલાવ જોયો છે. MBAની એન્ટ્રન્સ એક્ઝામમાં ફેલ કૌસ્તુભે આર્મીની તમામ એક્ઝામ વન શૉટમાં પાસ કરી હતી. બેપરવા અને બેફિકર થઈને ફરનારો યંગ છોકરો અચાનક જવાબદાર અને ડિસિપ્લિનથી સભર બની ગયો હતો. એકબીજાને અમે પ્રપોઝ કરી લીધા પછી તેણે આર્મીમાં જવાની ઇચ્છા જતાવી હતી. સાચું કહું તો એ સમયે મને શ્યૉર પણ નહોતું કે ખરેખર તે આમાં આગળ ગંભીરતા સાથે વધશે અને બીજું, હું તેનાં સપનાંઓને સપોર્ટ કરવા માગતી હતી, આડખીલી નાખવા નહોતી માગતી. દિવસના કલાકો સુધી વાતો કરનારા અમે એ પછી બે-ત્રણ દિવસે વાતો કરતાં. કૌસ્તુભે કહ્યું પણ હતું કે જો તું ઇચ્છે છે કે હું કંઈક કરું તો મને આ ભોગ આપવા દે અને તું મને સપોર્ટ કર. ઑબ્જેક્શન લેવાનો તો પ્રશ્ન જ નહોતો.’

2011માં આર્મીની ટ્રેઇનિંગ શરૂ થઈ એ પછીથી જ એક જુદું વ્યક્તિત્વ કૌસ્તુભમાં ઘડાવું શરૂ થઈ ગયું હતું. તેમની માતા જ્યોતિ રાણે કહે છે, ‘તેના પ્લાનિંગ અને કૅલ્ક્યુલેટિવ નર્ણિયો અને વ્યૂહરચનાની તારીફ થતી હતી. તેનામાં ડેરિંગ હતી. તેનો આત્મવિશ્વાસ અને પોતાની ક્ષમતા પ્રત્યેની અવેરનેસ સચોટ હતી. ભયંકર મેન્ટલ અને ફિઝિકલ ટ્રેઇનિંગ તેણે એકઝાટકે ક્લિયર કરી એ પણ અમારા માટે આર્યની બાબત હતી. પહેલું જ પોસ્ટિંગ તેનું નક્સલાઇટ એરિયામાં થયું હતું. અમને ડર લાગતો, પણ અમે ક્યારેય અમારો ડર તેની સામે આવવા દીધો નથી. તેની સાથે વિડિયો કૉલિંગ પર વાતો થતી. એકાદ વાર પત્ર પણ લખ્યો છે. ફોન પર વાત થતી. મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારો દીકરો આમ અચાનક નહીં રહે. આટલો પાવરફુલ છોકરો હતો અને દેશ માટે ઘણુંબધું કરી શકવાની ક્ષમતાવાળો કૌસ્તુભ આમ અચાનક ચાલ્યો જશે એની કલ્પના ખરેખર અમને નહોતી. ભલે તે આર્મીમાં હતો અને ત્યાં જીવનું જોખમ હોય, પણ અમે એ બાબત પર વધુ ફોકસ કર્યું જ નહોતું. તેણે અમને કરવા પણ દીધું નહોતું.’

મેજર કૌસ્તુભને જુલાઈમાં એક ઑપરેશન બદલ સેના પુરસ્કાર મYયો હતો અને સપ્ટેમ્બરમાં એની સેરેમની હતી. એ થાય પછી વાજતેગાજતે કૌસ્તુભનું સ્વાગત કરીશું એ નક્કી કરીને એ દિશામાં તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હતી. જોકે સપ્ટેમ્બર આવે એ પહેલાં જ આ કમનસીબ ઘટના ઘટી ગઈ. જ્યોતિ રાણે કહે છે, ‘કૌસ્તુભના ગયા પછી ગણપતિ આવ્યા ત્યારે અમે બધાં તો સાવ દિગ્મૂઢ બની ગયાં હતાં. એક જ પ્રાર્થના બાપ્પાને હતી કે બસ, કૌસ્તુભ આ ઘટનામાં છેલ્લી વ્યક્તિ હોય. હવે કોઈ જવાનનો આમ જીવ ન જવો જોઈએ.’

આજે પણ પરિવારના એકેક સભ્યના ચહેરાની માયૂસીને પકડી શકાય છે. દીકરાનું નામ આવતાં માતાપિતા વિલાયેલા મોઢે આંખો ઊંચી નથી કરી શકતાં તો મેજર કૌસ્તુભની ધર્મપત્ની કનિકા તો આ ઘટના જાણે ઘટી જ નથી એ જ રીતે ઘણી વાર વાત કરી બેસે છે. કૌસ્તુભ હતા નહીં, પણ છે એ જ દલીલ સાથે તેના અવાજમાં ભીનાશ આવી જાય છે. 24 જુલાઈએ 2016માં આ કપલને ત્યાં દીકરા અગસ્ત્યનો જન્મ થયો. બાળકના નામકરણ વખતે તો કૌસ્તુભ હાજર રહ્યા પણ તેના પહેલા જન્મદિવસે તેઓ હાજરી ન આપી શક્યા. કનિકા કહે છે, ‘ઠંડીમાં કાશ્મીર જેવી જગ્યાએ થોડીક શાંતિ હોય, કારણ કે બરફ એટલો હોય કે કોઈ પણ ઍન્ટિ-નૅશનલ ઍક્ટિવિટી કરી શકે એવો સ્કોપ ટેરરિસ્ટને પણ ન મળે. ચારેય બાજુ બરફ હોય એટલે ઝાડની આડશમાં છુપાઈને વાર ન કરી શકે. ખૂબ આકરી સ્થિતિ હોય. આ કારણથી એ સમયે રજા લઈને કૌસ્તુભ ઘરે આવતા. જોકે જુલાઈ-ઑગસ્ટ ખૂબ સેન્સિટિવ સમય ગણાય. મને યાદ છે મારા દીકરાનો પહેલો બર્થ-ડે હતો. મેં કૌસ્તુભને ખૂબ કહ્યું હતું કે તમે આવો, પણ તેમને રજા મળે એમ નહોતી. ઇન ફૅક્ટ, એ સમયગાળામાં લગભગ દસ દિવસ સુધી તેમનો ફોન પણ નહીં. મારો જીવ અધ્ધર હતો. એ દસ દિવસ મોટા ભાગનો સમય હું મહામૃત્યુંજયનો જાપ કરતી રહી. હું ભણેલીગણેલી સાયન્સમાં ગ્રૅજ્યુએટ થયેલી છોકરી છું. મંદિરોમાં બહુ નથી જતી, પણ કૌસ્તુભની વાત આવતી ત્યારે જ્યાં કહો ત્યાં માથું ઝૂકી જતું. જ્યારે આપણું કોઈ ખૂબ અંગત સંકટમાં હોઈ શકે છે એવો ભય આપણામાં હોય અને આપણે સાવ લાચાર હોઈએ ત્યારે લોકો જે કહે એ આપણે કરવા માંડીએ. દસ દિવસ પછી કૌસ્તુભે ફોન કર્યો અને હું રીતસર લડી પડી, હું મજામાં છું એટલું કહેવા માટે પણ બે દિવસે તો એક ફોન કરો. મારે વધારે વાત નથી કરવી પણ તમારા વેલબીઇંગ વિશે જાણવું મારા માટે ખૂબ જરૂરી છે. ત્યારે તે બોલ્યા હતા, ફોન ન આવે ત્યારે ખુશ થવાનું કે બધું બરાબર છે. હકીકતમાં ફોન આવે ત્યારે ડરવાનું, કારણ કે એ ફોન કોઈ પણ સમાચાર આપવા માટે હોઈ શકે છે. જોકે એ વખતે મને ખૂબ ડર લાગ્યો હતો. આર્મી ઑફિસરની વાઇફ ક્યારેય રડે નહીં, પોતાના લાગણીવેડા બહાર ન દેખાડે; પણ અંદરખાને તેને પીડા થતી હોય છે. અમુક ગંભીર વાતો પણ તેઓ એટલી મસ્તીમાં કહી દેતા કે આપણો ડર નીકળી જ જાય અને આપણે હસી પડીએ. એ બર્થ-ડે પછીના બર્થ-ડેમાં પણ તેઓ ન આવી શક્યા. બીજા બર્થ-ડે વખતે પણ મેં તેમને ખાલી બે દિવસ માટે આવી જાઓ એવી રિક્વેસ્ટ કરી હતી, પણ બાળકના જન્મદિવસ કરતાં દેશ મહત્વનો છે એ વાત મને સમજાવાઈ હતી. બીજા બર્થ-ડેમાં મેં બધા જ મહેમાનોને રિક્વેસ્ટ કરી હતી કે તમે અગસ્ત્યને કંઈ ગિફ્ટ આપવા માગતા હો તો માત્ર એટલું પ્રે કરજો કે હવે પછીના બધા જ બર્થ-ડેમાં તેના પપ્પા તેની સાથે હોય અને બર્થ-ડે સેલિબ્રેશન કરાવતા હોય. જોકે કુદરત એ સમયે મારા પર હસી હશે, કારણ કે 24 જુલાઈએ અગસ્ત્યનો જન્મદિવસ હતો અને 14 જ દિવસમાં આ કમનસીબ ઘટના ઘટી ગઈ. મારા દીકરાનો ત્રીજો બર્થ-ડે આવે એ પહેલાં જ.’

આ વાત કરતાં કનિકાના અવાજમાં અને વાતાવરણમાં ભાર વરતાઈ રહ્યો હતો. આવા અઢળક કિસ્સાઓ કનિકાએ પોતાના ફ્લોમાં કહેવા માંડ્યા અને આંખોમાંથી બહાર આવવા પ્રયાસ કરી રહેલાં ઝળહળિયાંને અટકાવવાનું પણ ચાલુ રાખ્યું. વટસાવિત્રી કે કરવા ચૌથમાં નહીં માનનારી કનિકાને બદલે કૌસ્તુભે એક વાર કરવા ચૌથ કરી હતી અને પછી બન્નેએ સાથે મળીને એક દિવસ જાતે નક્કી કરીને પોતાના મનગમતા દિવસે કરવા ચૌથનું વ્રત કર્યું હતું એ વાત હોય કે પોતાના બાળક સાથે નાના બાળક જેવા બની જતા કૌસ્તુભના વિડિયો કૉલિંગમાં પણ ગેમ્સ રમીને બાળકને ખુશ કરવાની આવડત હોય. આજે પણ તેનો દીકરો વિડિયો કૉલનો ટોન ફોનમાં સાંભળે તો ‘બાબા’ ‘બાબા’ની ચિચિયારીઓથી ઘર ગજવી નાખે છે.

આ પણ વાંચો : તુમ ભુલ ન જાઓ ઉનકો ઇસ લિએ સુનો યે કહાની 2

છેલ્લે કનિકા કહે છે, ‘કૌસ્તુભ વૉઝ વેરી મચ પ્રોટેક્ટિવ અબાઉટ અગસ્ત્ય. તે કહેતા કે આઇ વૉન્ટ ટુ બી હિઝ ફ્રેન્ડ મૉર. તે મારી સાથે હોય તો રિલૅક્સ્ડ હોવો જોઈએ. હું થોડીક સ્ટ્રિક્ટ છું. પણ હવે હું પ્રયત્નો કરી રહી છું. મેં કૌસ્તુભના ફ્રેન્ડને રિક્વેસ્ટ કરી છે કે કૌસ્તુભની વાત કરતા પત્રો અને ઑડિયો મેસેજ મને મોકલે. અમારું બાળક છે અને તે પોતાનાં મા અને પિતાથી પૂરેપૂરું પરિચિત હોય એ જરૂરી છે. હું તો કહીશ જ પણ તેના પિતાના મિત્રો પાસેથી પિતાની વાત સાંભળશે તો એ તેના ઘડતરમાં વધુ મદદરૂપ બનશે.’

republic day weekend guide