આનંદાશ્વર્ય : બેલગામના મામલે રાજ ઠાકરેએ ચીલો ચાતર્યો

25 December, 2011 09:44 AM IST  | 

આનંદાશ્વર્ય : બેલગામના મામલે રાજ ઠાકરેએ ચીલો ચાતર્યો

 

આ પ્રદેશના મરાઠીઓએ કર્ણાટકમાં રહેતાં શીખી લેવું જોઈએ અને આમ પણ પોતાની સમસ્યાઓમાં ગ્રસ્ત મહારાષ્ટ્ર બેલગામના મરાઠીઓને કંઈ વધુ આપી શકવાની સ્થિતિમાં નથી. રાજ ઠાકરેના પ્રસ્તાવનો શિવસેનાએ વિરોધ કર્યો છે જે સ્વાભાવિક છે.

મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચેનો સીમાવિવાદ ૬૧ વર્ષ જૂનો છે અને એ વિવાદનો અંત નથી અને અર્થ પણ નથી. ભાષાવાર પ્રાંતરચના કરવાની માગણી ઊઠી ત્યારે સીમા નક્કી કરવાના પ્રશ્ને ઝઘડાઓ થશે એવો ભય દર્શાવવામાં આવ્યો હતો. આપણા મૂર્ધન્ય સાહિત્યકાર કનૈયાલાલ મુનશી ભાષાવાર પ્રાંતરચનાના વિરોધી હતા. એ સમયે ભાષાવાર પ્રાંતરચનાના સમર્થકો એમ કહેતા હતા કે ભાષાવાર પ્રાંતોની રચના થવા દો, સીમાઓના પ્રશ્નો અમે ઉદારતાપૂર્વક સાથે બેસીને હલ કરી લઈશું. આજે આ વાતને છ દાયકાઓથી વધુ સમય વીતી ગયો છે. મહારાષ્ટ્ર અને દક્ષિણનાં બીજાં રાજ્યોના નેતાઓ ક્યારે ઉદારતા બતાવશે એની રાહ જોવાય છે.
આવી ઉદારતા ગુજરાતીઓએ બતાવી છે એ માટે ગુજરાતીઓએ ગૌરવ લેવું જોઈએ. આબુ અને દેલવાડા ગુજરાતમાં ન હોય એની કલ્પના ન થઈ શકે. ગુજરાતીઓના આશ્ચર્ય વચ્ચે રાજ્ય પુનર્રચના આયોગે આબુ અને દેલવાડા રાજસ્થાનને આપ્યાં, જેનો ગુજરાતીઓએ પહેલાં કમને પણ પછી ઉદારતાથી સ્વીકાર કરી લીધો હતો.

ઉત્તર કર્ણાટક, ગોમાંતક પ્રદેશ અને દક્ષિણ મહારાષ્ટ્રની એક વિશિષ્ટ મિલીજુલી સંસ્કૃતિ છે. આ પ્રદેશમાં કોંકણી, કાનડી અને મરાઠી ભાષા પણ બોલાય છે અને એના મિશ્રણવાળી સ્થાનિક ભાષા પણ બોલાય છે. પ્રજાજીવનમાં સંસદીય રાજકારણે જ્યાં સુધી પ્રવેશ નહોતો કર્યો ત્યાં સુધી સ્થાનિક પ્રજા પોતાની એક ખાસ સંસ્કૃતિ સાથે લહેર કરતી હતી અને ગૌરવ અનુભવતી હતી. એક સમયે લોકમાન્ય ટિળકના ખાસ વિશ્વાસુઓમાંના એક ગણાતા બેલગામના વરિષ્ઠ નેતા ગંગાધરરાવ દેશપાંડેને પુણેના મરાઠીઓ ‘કર્ણાટક કેસરી’ તરીકે નવાજતા હતા. ગંગાધરરાવ દેશપાંડેને ૨૦મી સદીના પહેલા દાયકામાં આપવામાં આવેલું વિશેષણ એમ બતાવે છે કે એ સમયના મરાઠીઓ બેલગામને કર્ણાટકનો પ્રદેશ માનતા હતા.

આ એક એવો પ્રદેશ છે જ્યાં રાજકીય સીમા તો ખેંચી શકાય, પરંતુ ભૌગોલિક અને સાંસ્કૃતિક સીમા આંકવી મુશ્કેલ છે. લતા મંગેશકર, ભીમસેન જોશી, ગંગુબાઈ હંગલ, મલ્લિકાજુર્ન મન્સુર, કુમાર ગંધર્વ જેવા દિગ્ગજ સંગીતકારો આ પ્રદેશમાંથી આવે છે. આ કલાકારો જેટલા કાનડી છે એટલા જ મરાઠી છે અને એટલા જ કોંકણી છે. ગિરીશ કર્નાડ આવું એક બીજું નામ છે. ક્યારેક તો એવું જોવા મળે છે કે જ્યાં ભાષાઓ એકબીજા સાથે મળતી હોય એવા સંગમપ્રદેશમાં સંસ્કૃતિ વધારે ખીલેલી જોવા મળે છે. સંસ્કૃતિઓનો સંગમપ્રદેશ સંસ્કૃતિઓના મધ્ય પ્રદેશ કરતાં વધારે ફળદ્રુપ હોય છે. બેલગામ, ધારવાડ, કારવાર આવો એક સંગમપ્રદેશ છે. દેશમાં અને વિદેશમાં ભાષાસંગમના પ્રદેશોએ આપેલા સાંસ્કૃતિક યોગદાન વિશે સ્વતંત્ર લેખ લખવાનો ઇરાદો છે. અત્યારે મહારાષ્ટ્ર-કર્ણાટક સીમાવિવાદ પર પાછા ફરીએ.

આઝાદી પહેલાં બેલગામ અને અત્યારના કર્ણાટકનો કેટલોક પ્રદેશ મુંબઈ પ્રાંતનો હિસ્સો હતા. મરાઠી માનસ સ્વભાવ: પ્રાંતવાદી છે એટલે આઝાદી મેળવવાની સાથે જ ૧૯૪૮માં બેલગામ નગરપાલિકાએ ઠરાવ કર્યો હતો કે ભાષાવાર પ્રાંતરચના કરવામાં આવે અને એમાં બેલગામનો સમાવેશ સૂચિત મહારાષ્ટ્રમાં કરવામાં આવે. આમ બેલગામના મરાઠી રાજકારણીઓએ પેટ ચોળીને શૂળ પેદા કર્યું હતું. એ પછી મોરચા માંડ્યા. ૧૯૫૬માં મુંબઈ પ્રાંતમાંથી કાનડીભાષી વિસ્તાર અલગ કરીને મૈસુર રાજ્યની રચના કરવામાં આવી અને ત્યારે બેલગામ મૈસુરને આપવામાં આવ્યું. ૧૯૪૮માં બેલગામના અને તેમને ટેકો આપનારા આચાર્ય અત્રે જેવા હરખપદૂડા મરાઠીઓએ સામે ચાલીને મોરચો ન માંડ્યો હોત તો કદાચ બેલગામ આજે મહારાષ્ટ્રમાં હોત. મોરચા બન્ને પક્ષે મંડાયા, બન્ને પક્ષે દાવાઓ મજબૂત હતા અને આજે પણ છે. સીમાવિવાદમાં હંમેશાં એવું જોવા મળે છે કે બન્ને પક્ષના દાવાઓ લગભગ એકસરખા મજબૂત હોય છે. આપણને સ્વીકારવામાં તકલીફ થશે, પરંતુ ભારત-ચીન સીમાવિવાદમાં ચીનનો દાવો ભારત જેટલો જ મજબૂત છે અને કેટલાક પ્રદેશ માટે વધુ મજબૂત છે.

ખેર, ૧૯૬૦માં મહારાષ્ટ્ર રાજ્યની રચના તો થઈ, પરંતુ બેલગામ મહારાષ્ટ્રને આપવામાં ન આવ્યું. મહારાષ્ટ્રમાં હોબાળો મચી ગયો. સેનાપતિ બાપટ, એસ. એમ. જોશી અને નાનાસાહેબ ગોરે જેવા ઉદારમતવાદી નેતાઓ પણ મહારાષ્ટ્રનું દોજખ નીકળી ગયું હોય એમ કૂદી પડ્યા. ૧૯૬૬માં સેનાપતિ બાપટના ઉપવાસ છોડાવવા મહારાષ્ટ્ર વિધાનસભાએ એક ઠરાવ કરીને સીમાવિવાદનો અંત લાવવા કેન્દ્ર સરકાર સમક્ષ પંચની રચના કરવા માગણી કરી. રાજ્ય વિધાનસભાના ઠરાવમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પંચનો નિર્ણય મહારાષ્ટ્ર માન્ય રાખશે. વિધાનસભાના ઠરાવના પગલે કેન્દ્ર સરકારે મહાજનપંચની રચના કરી. મહારાષ્ટ્રના કમનસીબે મહાજનપંચે બેલગામ પરના મહારાષ્ટ્રના દાવાને નકારી કાઢ્યો. મહારાષ્ટ્રે મહાજનપંચના અહેવાલનો અસ્વીકાર કર્યો છે જે એના પોતાના ઠરાવની જ વિરુદ્ધ છે.

અહીં એક પ્રસંગ યાદ આવે છે. ૧૯૮૦ના દાયકામાં જ્યારે પંજાબ સળગતું હતું ત્યારે એસ. એમ. જોશી અને નાનાસાહેબ ગોરે પંજાબ ગયા હતા. પંજાબમાં તેમણે પંજાબીઓને ઉદારતા દાખવી ફઝિલ્કા અને અબોહર હરિયાણાને આપવાની સલાહ આપી હતી. એ સમયે સમાજવાદી ચિંતક મધુ લિમયેએ એસ. એમ. અને ગોરેને ટોણો મારતાં કહ્યું હતું કે તમે આટલી ઉદારતા બેલગામના પ્રશ્ને કેમ નથી દાખવતા?

મહારાષ્ટ્રની આ તાસીર છે. સંયુક્ત મહારાષ્ટ્ર માટેના આંદોલનનો મધુ લિમયેએ વિરોધ કર્યો ત્યારે આચાર્ય અત્રેએ તેમને ‘અધુ મેન્દુચા મધુ’ કહીને નવાજ્યા હતા અને વિનોભા ભાવેએ વિરોધ કર્યો ત્યારે તેમને ‘માકડોબા’ કહેતા હતા.બાપટ, એસ. એમ. અને નાનાસાહેબ ડહાપણની જે બસ ચૂકી ગયા હતા એમાં રાજ ઠાકરેને જોઈને આશ્ચર્ય પણ થાય છે અને આનંદ પણ થાય છે.