આ દિવાળીએ શાહરુખે ધમાકો કરવો જ પડશે

24 October, 2011 03:41 PM IST  | 

આ દિવાળીએ શાહરુખે ધમાકો કરવો જ પડશે

 

(અર્ચિત એ. મહેતા)

આમિર ખાન અને સલમાન ખાન સાથેની રેસમાં પાછળ રહી ગયેલા કિંગ ખાન માટે આ બુધવાર ખૂબ મહત્વનો છે : ‘Ra.OnE’ની સફળતા તેના માટે આર્થિક કારણોસર નહીં પણ શાખ બચાવવા જરૂરી છે


આ ફિલ્મ બે રીતે શાહરુખની કરીઅરનો ટર્નિંગ પૉઇન્ટ બની શકે છે. અત્યાર સુધીમાં જે રીતે ફિલ્મને પ્રોજેક્ટ કરવામાં આવી છે એટલી સફળતા ફિલ્મને ન મળી તો એના સ્ટારડમ પર ખતરો છે જ. જ્યારે બીજી શક્યતા સ્વાભાવિકપણે એ જ કે તેની સાઇઝ પ્રમાણે સફળતા મળી તો કિંગ ખાન ફરીથી બૉલીવુડના એ સ્થાને પહોંચી જશે જ્યાં તેણે લગભગ આખો દાયકો રાજ કર્યું હતું.

સલ્લુ-આમિરની સરખામણીમાં પાછળ

છેલ્લાં અમુક વષોર્માં જો કિંગ ખાનની કરીઅર પર નજર કરવામાં આવે તો મોટું નામ ધરાવતા બાકીના બન્ને ખાન સલમાન અને આમિરની સરખામણીમાં તેની સફળતા ઘણી ઍવરેજ ગણી શકાય. આમિરે ૨૦૦૭થી અત્યાર સુધીમાં ઍક્ટર અને પ્રોડ્યુસર તરીકે એક પછી એક લૅન્ડમાર્ક ફિલ્મો આપી છે. તેની ‘ગજિની’ અને ‘થ્રી ઇડિયટ્સ’ બૉક્સ-ઑફિસ કલેક્શનમાં ટોચની પાંચ ફિલ્મોમાં આવે છે અને પ્રોડ્યુસર તરીકેની ‘ધોબીઘાટ’, ‘પીપલી લાઇવ’ અને ‘દેહલી બેલી’ની સફળતા એ સાબિત કરે છે કે એક એન્ટરટેઇનર અને ફિલ્મમેકર તરીકે તેની સફળતા ખૂબ જ મોટી છે. આ બાજુ ૨૦૦૯માં ‘વૉન્ટેડ’થી સલમાન ખાનની કરીઅરનો જે બીજો તબક્કો શરૂ થયો છે એ ફિલ્મની સાથે-સાથે તેના ખુદના જ રેકૉર્ડ્સ તોડવા માટે જાણીતો બન્યો છે. ‘દબંગ’, ‘રેડી’ અને ‘બૉડીગાર્ડ’ની ૧૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણીથી બનાવેલી આ હૅટ-ટ્રિક તેને અત્યારે બૉલીવુડનો સૌથી મોટો સુપરસ્ટાર સાબિત કરે છે. આ બાજુ શાહરુખની ‘રબ ને બના દી જોડી’ અને ‘માય નેમ ઇઝ ખાન’ બૉક્સઑફિસ પર સફળ ભલે કહેવાય, પણ સરખામણી કરવા જઈએ તો સલ્લુ-આમિરની કક્ષાએ એ સફળતા ઘણી નાની છે. આ ઉપરાંત માત્ર પ્રોડ્યુસર તરીકે તેની ‘બિલ્લુ’ અને ‘ઑલ્વેઝ કભી કભી’ ફ્લૉપ સાબિત થઈ હતી. આને કારણે જ એક બ્લૉકબસ્ટર ફિલ્મની કિંગ ખાનને ખૂબ જ જરૂર છે અને એ જાણીને જ તેણે આ સુપરહીરો ફૅન્ટસી ફિલ્મમાં ઘણુંબધું દાવ પર લગાડ્યું છે.

સુપરહીરો ફિલ્મ એક સારી તક?

બૉલીવુડમાં જોવા જઈએ તો સુપરહીરો ફિલ્મો ઘણી ઓછી બની છે અને એને કારણે જ એમાં જો એક સારી સ્ટોરી ડેવલપ કરી એનું હૅન્ડલિંગ સારું રહે તો આ પ્રકારની ફિલ્મ તરફ પ્રેક્ષકોનું ધ્યાન ખેંચાય એ સ્વાભાવિક છે, જે રજનીકાંતની ‘રોબોટ’થી સાબિત થયું છે. ભારતમાં જેટલી પણ ફિલ્મો બની છે એમાં ‘રોબોટ’ આજ સુધીની સૌથી વધુ કમાણી કરનારી બની છે. આ સાથે જ ભૂતકાળમાં પણ શેખર કપૂરની ‘મિસ્ટર ઇન્ડિયા’ અને રાકેશ રોશનની ‘કોઈ... મિલ ગયા’ તથા ‘ક્રિશ’ને પણ દર્શકોએ ફિલ્મના કૉન્સેપ્ટને કારણે ઘણી પસંદ કરી છે. આને કારણે જ શાહરુખ ખાનની આ કરીના કપૂર અને અજુર્ન રામપાલ સાથેની ફિલ્મ પાસેથી ઘણી આશા રાખી શકાય એમ છે.

આજ સુધીની સૌથી મોટી ફિલ્મ

માનવામાં આવે છે કે જ્યારે આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું હતું ત્યારે તેનું બજેટ લગભગ ૧૦૦ કરોડની આસપાસનું ગણવામાં આવતું હતું. જોકે સમયની સાથે-સાથે ફિલ્મનું બજેટ વધતું ગયું હતું અને લગભગ ૧૫૦ કરોડ રૂપિયાના ખર્ચ સાથે તેને બૉલીવુડની આજ સુધીની સૌથી મોંઘી ફિલ્મ ગણવામાં આવી રહી છે. જોકે માત્ર બજેટની દૃષ્ટિએ જ નહીં, બીજી ઘણી રીતે આ ફિલ્મ આજ સુધીની ભારતની સૌથી મોટી ફિલ્મ છે.

સ્પેશ્યલ ઇફેક્ટ્સમાં નંબર વન

‘Ra.OnE’ પહેલાં જેટલી સુપરહીરો ફિલ્મો આવી હતી એમાં જે પ્રકારની સ્પેશ્યલ ઇફેક્ટ્સ (સાઉન્ડ અને વિઝ્યુઅલ)નો ઉપયોગ થયો હતો એના કરતાં આ ફિલ્મમાં આ ઇફેક્ટ્સમાં વધુ મહેનત કરવામાં આવી છે એ ફિલ્મના બન્ને પ્રોમો પરથી જોવા મળે છે.  ફિલ્મમાં સ્પેશ્યલ ઇફેક્ટ્સ માટે જર્મની અને અમેરિકાના જાણીતા સ્ટુડિયો સાથે કિંગ ખાને પાર્ટનરશિપ કરી હતી અને પોસ્ટ-પ્રોડક્શનમાં બધી ફાઇનલ સ્પેશ્યલ ઇફેક્ટ્સ અમેરિકાથી ડિલિવર થઈ છે. ઇન્ડિયામાં માત્ર ફાઇનલ પ્રિન્ટમાં મિક્સિંગનું જ કામ કરવામાં આવી રહ્યું છે. ખબરો અનુસાર આ ફિલ્મમાં જૅમ્સ કૅમરૂનની ‘અવતાર’ કરતા પણ વધુ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ શૉટ્સ લેવામાં આવ્યા છે. ‘અવતાર’માં કુલ ૨૭૦૦ શૉટ્સ હતા અને ‘Ra.OnE’માં ૩૫૦૦ શૉટ્સ લેવામાં આવ્યા છે.

રિલીઝ પણ જાયન્ટ

રિલીઝની દૃષ્ટિએ આ ફિલ્મ કુલ ૩૬૦૦ પ્રિન્ટ્સ સાથે ‘બૉડીગાર્ડ’નો ૨૭૦૦ પ્રિન્ટ્સનો રેકૉર્ડ તોડશે. ભારતમાં આ ફિલ્મ કુલ ૩૦૦૦ પ્રિન્ટ્સ સાથે અને અન્ય દેશો જેમ કે અમેરિકા, બ્રિટન, ઑસ્ટ્રેલિયા, જર્મની, પોલૅન્ડ, રશિયા, કોરિયા અને ફિજીમાં કુલ ૬૦૦ પ્રિન્ટ્સમાં રિલીઝ થશે. આ ઉપરાંત ફિલ્મને ચીન અને જપાનમાં પણ રિલીઝ કરવાની કોશિશો ચાલી રહી છે. આ રીતે ઇન્ટરનૅશનલ રિલીઝ તરીકે પણ આજ સુધીની એ સૌથી મોટી ફિલ્મ હશે. ભારતમાં મલ્ટિપ્લેક્સના માલિકોએ પણ ફિલ્મને સપોર્ટ કરતા હોય એમ કુલ ૯૫ ટકા શો ‘Ra.OnE’ને આપ્યા છે. આ પહેલાં ‘બૉડીગાર્ડ’ને ૮૦ ટકા અને આમિર ખાનની ‘થ્રી ઇડિયટ્સ’ને કુલ ૬૫ ટકા શો આપવામાં આવ્યા હતા.

ફિલ્મને ૨Dની સાથે-સાથે ૩Dમાં પણ રિલીઝ કરવામાં આવશે. ભારતમાં આજ સુધીમાં કોઈ મોટા સુપરસ્ટારની ફિલ્મ આ ફૉર્મેટમાં રિલીઝ કરવામાં નથી આવી અને એને કારણે જ નવી ટેક્નૉલૉજી માટે પ્રેક્ષકોની ઉત્સુકતાને સમજીને કિંગ ખાને આ ફૉર્મેટમાં પણ ફિલ્મને રિલીઝ કરવાનું નક્કી કર્યું હતું. વિશ્વભરમાં ફિલ્મના આ ફૉર્મેટને કુલ ૫૫૦ પ્રિન્ટ્સમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મને ભારતમાં હિન્દી ઉપરાંત તામિલ અને તેલુગુમાં પણ રિલીઝ કરવામાં આવશે.

સફળતાના ચાન્સ ઊભા કરે એવી બાબતો

શાહરુખનું ફૅન-ફૉલોઇંગ : દરેક મોટા સ્ટારની ફિલ્મ માટે એક ચોક્કસ વર્ગ તો હોવાનો જ અને શાહરુખના ચાહકો પણ ભારતભરમાં મોટી સંખ્યામાં છે એમાં કોઈ બેમત નથી. આ ફિલ્મ શાહરુખની ‘માય નેમ ઇઝ ખાન’ પછી લગભગ એક વર્ષે આવી રહી છે અને એને કારણે જ તેના ચાહકો ફિલ્મ માટે એક્સાઇટેડ હશે એ સ્વાભાવિક છે.

દિવાળીનો સમય : દિવાળીનો સમય હંમેશાં બૉલીવુડમાં નસીબદાર જ રહ્યો છે. જો એક કરતાં વધુ રિલીઝ હોય તો પણ એમાંથી કોઈ એક ફિલ્મ તો બ્લૉકબસ્ટર હિટ હોય જ છે. આ ફેસ્ટિવલ-મૂડમાં જો એવી કોઈ ફિલ્મ આવે જેમાં એન્ટરટેઇનમેન્ટની દૃષ્ટિએ ઘણી નવીન બાબતોનો પણ ઉમેરો થયો હોય તો એ ફિલ્મ દર્શકો જોવા જવાના છે એ ચોક્કસ છે. ‘Ra.OnE’ પણ એક અલગ કૉન્સેપ્ટ ધરાવતી ફિલ્મ છે, હવે માત્ર જોવાનું એટલું જ રહ્યું કે એ કૉન્સેપ્ટનું ઓવરઑલ હૅન્ડલિંગ કઈ રીતે કરવામાં આવ્યું છે.

પાંચ દિવસનો વીક-એન્ડ : દિવાળીનો સમય અને એમાં પણ પાંચ દિવસનો લાંબો વીક-એન્ડ. જે રીતે ‘બૉડીગાર્ડે’ ઈદના સમયે એક પછી એક રેકૉર્ડ્સ પોતાના નામે કર્યા હતા એ રીતે જ જો પાંચ દિવસ આ ફિલ્મ એની ક્ષમતા મુજબ ચાલી ગઈ તો એ બૉલીવુડની સૌથી મોટી ઓપનિંગ મેળવનારી હોઈ શકે. એક સરખામણી એ પણ થઈ શકે કે ‘બૉડીગાર્ડ’ ૨૭૦૦ પ્રિન્ટ્સમાં વર્લ્ડવાઇડ રિલીઝ થઈ હતી, જ્યારે ‘Ra.OnE’ કુલ ૩૬૦૦થી પણ વધુ પ્રિન્ટ્સની સંખ્યા ધરાવે છે.

મ્યુઝિક : આ ફિલ્મના સંગીત સાથે રમવામાં આવેલા બે સફળ જુગાર આ ફિલ્મમાં દેખાઈ આવે છે. એક તો ઇન્ટરનૅશનલ સિંગર ઍકોને ફિલ્મમાં બે ગીતો ‘છમ્મક છલ્લો...’ અને ‘ક્રિમિનલ...’ ગાયાં છે અને આ ગાયકના ચાહકોમાં ફિલ્મનું સંગીત રાતોરાત ફેવરિટ બની ગયું છે. બીજો જુગાર ફિલ્મનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક છે. ભલે આર. ડી. બર્મનના ‘ડૉન’ કે ‘શાન’નું એ કૉપી લાગતું હોય, પણ એની ઇફેક્ટ પ્રોમોમાં સંપૂર્ણપણે દેખાઈ આવે છે. આ ઉપરાંત ‘રફ્તારેં...’ ગીત પણ આર. ડી. બર્મન સ્ટાઇલથી છે.

બીજી કોઈ મોટી હરીફાઈ નહીં : ફિલ્મ દિવાળીમાં એકમાત્ર મોટા સ્ટારની રિલીઝ હશે. બાકી ઘણી વખત એકસાથે બે મોટા સ્ટારની ફિલ્મો આમને-સામને હોય છે. જોકે હવે જે રીતે આ સ્ટાર કલાકારોની ફિલ્મો કમાણી કરી રહી છે એના પરથી કહી શકાય કે ભવિષ્યમાં ભાગ્યે જ તેઓ આમને-સામને જોવા મળે. આ ફિલ્મની હરીફાઈમાં એશા દેઓલની ‘ટેલ મી ઓ ખુદા’ અને હિમેશ રેશમિયાની ‘દમાદમ!’ છે અને મલ્ટિપ્લેક્સમાં માત્ર પાંચ ટકા (બાકીના ૯૫ ટકા ‘Ra.OnE’ના નામે છે)નો શો-ટાઇમ મળતાં એમની હરીફાઈ વિચારી શકાય છે.


મોટા ભાગનું બજેટ રિકવર : ‘Ra.OnE’નું બજેટ ૧૫૦ કરોડ રૂપિયા માનવામાં આવે છે. જોકે ફિલ્મની રિલીઝ પહેલાં જ શાહરુખની રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટને મોટા ભાગનું ઇન્વેસ્ટમેન્ટ પાછું મળી ગયું છે. એવું કહેવામાં આવે છે કે ફિલ્મના સૅટેલાઇટ રાઇટ્સ ૩૫થી ૪૦ કરોડ રૂપિયામાં સ્ટાર ટીવી નેટવર્કને વેચવામાં આવ્યા છે અને ઑડિયો રાઇટ્સ ટી-સિરીઝને ૧૫ કરોડ રૂપિયામાં મળ્યા છે. આ ઉપરાંત હોમ ડી.વી.ડી. માટેની ડીલથી પણ ફિલ્મને ઘણી કમાણી થઈ છે. ફિલ્મના ડિસ્ટ્રિબ્યુશનમાં પાર્ટનરશિપ મેળવવા ઇરોઝ ઇન્ટરનૅશનલે કિંગ ખાન સાથે ૭૭ કરોડ રૂપિયાની ડીલ કરી છે. આ ઉપરાંત તામિલ અને તેલુગુ ડિસ્ટ્રિબ્યુશન માટે બહાર પાડવામાં ન આવેલી રકમથી રાઇટ્સ વેચવામાં આવ્યા છે.

ફિલ્મ માટે કિંગ ખાને નૅશનલ અને ઇન્ટરનૅશનલ બ્રૅન્ડ્સ સાથે ડીલ કરી છે. આ બધી કંપનીઓ સાથે થયેલી ડીલમાં ફિલ્મને લગભગ ૫૦ કરોડ રૂપિયાથી ઉપરની કમાણી થઈ છે. આ રીતે જોવા જઈએ તો ફિલ્મે અત્યાર સુધીમાં શૂટિંગ અને પ્રમોશન-બજેટનો લગભગ મોટો ભાગ રિકવર કરી લીધો છે.

ફિલ્મમાં શું છે?

આ ફિલ્મ એક કમ્પ્યુટર ગેમમેકર શેખર સુબ્રમણ્યમ (શાહરુખ)ની સ્ટોરી છે. નવી જનરેશનના તેના દીકરાની આશા પર ખરો ઊતરવા તે એક એવી ગેમ અને વિલન બનાવે છે જેને હરાવવો ઘણું અઘરું બની રહે. જોકે આ ગેમમાં બનાવવામાં આવેલો વિલન કોઈ કારણસર તેમની રિયલ લાઇફમાં પણ અસર કરવા લાગે છે અને એ વિલનને હરાવવાની કોશિશ કરનારો દીકરો તેનો ટાર્ગેટ બની રહે છે. જોકે ત્યારે પિતા તરીકે શેખર દીકરાને બચાવવા માટે આ સુપરવિલન Ra.OnE કઈ રીતે તેમની રિયલ લાઇફમાં અસર કરે છે એ શોધે છે અને પછી પોતે તેનો સામનો કરવા માટે G.OnEનો અવતાર ધારણ કરે છે.