પ્રેમને ઘનિષ્ઠ બનાવવાની સુવર્ણ ચાવી

01 September, 2012 10:16 AM IST  | 

પ્રેમને ઘનિષ્ઠ બનાવવાની સુવર્ણ ચાવી

 

(પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ)

 

પ્રેમી યુગલોને ઓશો જ્યારે મેડિટેશન માટે શિખામણ આપતા ત્યારે તેઓ કવિતાઓ ટાંકીને પ્રેમીઓએ એકબીજા સાથે તાદાત્મ્ય સાધવું જ જોઈએ એમ કહેતા. કવિ રસનિધિ પ્રેમ માટે બહુ સરસ કવિતા લખી ગયેલા. રસનિધિએ તો ઈશ્વર પ્રત્યેના પ્રેમની અને ઈશ્વર સાથે તાદાત્મ્ય થવાની વાત કરેલી, પણ બે પ્રેમીઓ પ્રેમમાં પડ્યાં એની કવિતા મુજબ પરસ્પર તાદાત્મ્ય સાધવું જ જોઈએ.

રજનીશ જ્યારે ઓશો બન્યા એ દિવસને એન્લાઇટમન્ટ ડે કહે છે. ત્યારે પ્રથમ વખત રજનીશે ‘મેડિટેશન : ધ ફર્સ્ટ ઍન્ડ લાસ્ટ ફ્રીડમ’ નામની પ્રવચનમાળા શરૂ કરેલી એમાં કવિ રસનિધિને ટાંકીને કહેલું:

સ્વામી હમ તુમ એક હૈં

કહન-સુનન કો દોય

મન સે મન કો તોલિયે

કબહૂ ન દો મન હોય

અર્થાત્ જ્યારે ખરા મનથી કોઈને પ્રેમ કરીએ ત્યારે ભિન્નતા નથી રહેતી. બન્ને વચ્ચે ઇંચના ૧૦૦મા ભાગ જેટલી અલગતા નથી રહેતી. બન્ને પ્રેમીઓ એકાકાર થઈ જાય છે. પ્રેમનો આ જાદુ છે. કવિ રસનિધિના કાવ્ય જેવું જ કાવ્ય સુરેશ દલાલે રચેલું:

મારો રસ્તો ભૂલી ગયો તો

તારો રસ્તો મળ્યો મને

હોઠ કર્યા મેં ચૂપ તો

તારાં ટહુક્યાં પંખી વને વને

આંખો મારી મીંચી તો

ખૂલી ગયું તારું આકાશ

મારાથી હું દૂર થયો કે

હું તો તારે શ્વાસેશ્વાસ.

તમને પણ લાગશે કે કવિ રસનિધિ અને રજનીશ કરતાંય માત્ર ચાર જ પંક્તિમાં સુરેશ દલાલે પ્રેમી યુગલો વચ્ચેના પ્રેમની અદ્ભુત વ્યાખ્યા અને પ્રેમની અનુભૂતિને વાચા આપી છે.

રજનીશ થોડા ‘આઘા’ જાય છે. કહે છે કે સાચા પ્રેમથી એક બનેલા પ્રેમીઓ ભૌતિક રીતે અલગ થાય પછી પણ તેમને આધ્યાત્મિક દૃષ્ટિએ અલગ કરવા કઠિન બને છે. પ્રેમીઓએ રજનીશનું પુસ્તક ‘મેડિટેશન : ધ ફર્સ્ટ ઍન્ડ લાસ્ટ ફ્રીડમ’ વાંચવા જેવું છે. આ પુસ્તક જાણે મેડિટેશનના એન્સાઇક્લોપીડિયા જેવું છે.

મેડિટેશન તો વિશ્વવ્યાપી શબ્દ છે અને એ ઇન્દિરા ગાંધી, સોનિયા ગાંધી અને પાકિસ્તાનના એક ખૂનીનો ભોગ બનેલાં વડાં પ્રધાન બેનઝીર ભુત્તો પણ મેડિટેશન કરતાં! આ વાત બેનઝીરની માતા નસરત ભુત્તોએ કરેલી. જો બેનઝીર ભુત્તોને સત્તા પરથી ઊથલાવવા અનેક કાવતરાં થતાં હોય અને જાન જોખમમાં હોય ત્યારે મેડિટેશન કરી શકતાં હોય તો આપણે પણ જ્યારે મન વિહ્વળ હોય, પ્રેમિકાનો વિરહ અગર પ્રેમીની બેવફાઈ કે તમને ઑફિસમાં, રાજકારણમાં કે સમાજમાં અન્યાય થતો હોય ત્યારે એની સામે સંઘર્ષ કરવાને બદલે મનને એકાગ્ર કરીને શાંત કરવું જોઈએ. અને એ માટે મેડિટેશન શ્રેષ્ઠ ઉપાય છે. રજનીશ તો કહેતા કે મેડિટેશન તો મોટામાં મોટું ઍડ્વેન્ચર છે - સાહસ છે. મેડિટેશનની મજા એ છે કે એમાં તમારે જેવા છો તેવા રહેવાનું છે. કોઈ પ્રવૃત્તિ નહીં કે વિચાર પણ નહીં અને લાગણીવેડા નહીં. ચિંતા તો નહીં જ નહીં. આને જ ખરું મેડિટેશન ગણવું. ચિંતામુક્ત રહેવું એ શ્રેષ્ઠ મેડિટેશન.