પ્રેમના ઉજાગરાની અને ઊંઘની કથા

22 December, 2012 11:08 AM IST  | 

પ્રેમના ઉજાગરાની અને ઊંઘની કથા



(પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ)



મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા

જોતી’તી વ્હાલાની વાટ રે...

અલબેલા કાજે ઉજાગરો

પગલે-પગલે એના ભણકારા વાગતા

અંતરમાં અમથા ઉચાટ રે... અલબેલા કાજે ઉજાગરો

ઘેરાતી આંખડીને દીધા સોગંદ મેં

મટકું માર્યું તો તારી વાત રે...

આજના તો જાગરણે આતમા જગાડ્યો

જાણે હું ઊભી ગંગાને ઘાટ રે... અલબેલા કાજે ઉજાગરો


- પ્રભુલાલ દ્વિવેદી

તમે સૌના થાઓ છો કે થવું પડે છે, પણ રાત? રાત એ તમારી પોતાની આગવી છે. ઊંઘમાં તમે યુનિક છો. અનોખા છો. તમને જે સપનાં આવે એ માત્ર અને માત્ર તમે જ જોઈ શકો છો. હું ઊંઘમાં મારી સ્વ. પુત્રી શક્તિ સાથે રમી પણ લઉં છું. આ ઊંઘ એટલી કીમતી ચીજ છે કે આપણે હકથી કમાતા નથી. જો સખત માનસિક અને શારીરિક મહેનત કરીએ એટલે ઈશ્વર ઊંઘની છાબડી લઈને ઊભો હોય છે. માનવજાતને મોટામાં મોટી ભેટ આ ઊંઘની છે. તાજેતરમાં અમેરિકામાં એક ૨૧ વર્ષના યુવાને બંદૂકથી તેની માતાને મારી નાખી, પછી સ્કૂલનાં ૨૩ બાળકોને મારી નાખ્યાં અને પોતાને મારી નાખ્યો. ડૉક્ટરો કહે છે કે આ યુવાન રાતની પૂરી ઊંઘ લેતો નહોતો. કમ્પ્યુટર કે વિડિયો ગેમ્સ રમ્યા કરતો કે ટીવી જોયા કરતો. ઉજાગરાથી સ્મરણશક્તિ ઘટે છે. રોગપ્રતિકાર શક્તિ ઘટે છે.

અમેરિકનોની આજે સૌથી વધુ ન દેખાય એવી બીમારી હોય તો અનિદ્રાનો રોગ છે. અઢી કરોડ અમેરિકનો અનિદ્રાથી પીડાઈને સ્લીપિંગ પિલ્સ અને બીજા ઉપચાર ઉપર ૩૦ અબજ ડૉલર વર્ષે ખર્ચે છે. ભારતમાં પણ આ રોગ દેખાવા માંડ્યો છે. મુંબઈ શહેરના ૭૦ ટકા માણસો પૂરી ઊંઘ લેતા નથી. ચીન સરકાર ચેતી ગઈ છે. એના કારખાનાના માણસોને બપોરે ૧ કલાકનું લંચ અને એક કલાકની ઊંઘ (સિએસ્ટા) લેવા દે છે. એક કલાકની ઊંઘથી કામદારની ઉત્પાદકતા વધે છે એમ ચીન સરકાર માને છે.

પત્રકારો, લેખકો, ટ્રેનના ડ્રાઇવરો, પાઇલટો, કેમિકલ અને પેટ્રોલિયમ વગેરે કારખાનાંના મજૂરો એ તમામ તમારા વતી ઉજાગરા કરે છે. તેની એ મહામૂલી ઈશ્વરની ભેટનો ભોગ આપે છે. ભારતની અને મુંબઈની ઑફિસોએ તેના કર્મચારીને તંદુરસ્ત રાખવા હોય તો બપોરે લંચ પછી ચીનની જેમ એક કલાક નહીં તો પણ ૨૦ મિનિટનું ઝોકું ખાવા દેવું જોઈએ. આવું થતું નથી એથી પ્લેનના પાઇલટો અને ટ્રેનના ડ્રાઇવરો અકસ્માત કરે છે. કારકુનો ભૂલો કરે છે. યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયા અને અમેરિકાના અવકાશખાતાએ સ્લીપ હાઇજીન ઉપર રિસર્ચ કર્યું તો માલૂમ પડ્યું કે માનવીની સર્જકતા માત્ર ૨૪ મિનિટનું ઝોકું ખાવાથી વધે છે! લંડનનું ડેઇલી મેઇલ મુંબઈગરાને ખાસ સલાહ આપે છે કે ઊંઘતાં પહેલાં પા કલાક કોઈ જાતનું મેન્ટલ કામ ન કરો. અઘરાં ફિલસૂફીનાં પુસ્તકો ન વાંચો. હું રાત્રે ઊંઘતાં પહેલાં ટબમાં કટિસ્નાન લઉં છું એથી ઊંઘની સમસ્યા નથી. હૉન્ગકૉન્ગમાં કોઝવે બે નામના શૉપિંગ એરિયામાં અમુક એક્ઝિક્યુટિવો બપોરે ૯૦૦ રૂપિયા આપીને ત્યાંની હાઈ-ટેક પથારીની સુંવાળી અને સંગીતમય જગ્યામાં ૨૦ મિનિટની ઊંઘ લઈને તાજામાજા થાય છે. સ્પેન અને લૅટિન અમેરિકામાં બપોરે લંચ અને પછી ઊંઘનો સમય આપવો ફરજિયાત છે. હું મલેશિયાના પિનાંગ શહેરમાં હતો ત્યારે સવારે ૮થી ૧૧ સુધી ઑફિસમાં કામ કરી ઘરે આવી લંચ કરીને ૧ કલાક સૂતા પછી રાત્રે ૯ સુધી કામ કરતાં થાકતો નહીં. ગૂગલ નામની ઇન્ટરનેટની જગમશહૂર કંપનીના ૩૦,૦૦૦ કર્મચારીઓ માટે બપોરની ઊંઘ ફરજિયાત છે.

ફ્રેન્ચ ડૉક્ટર એર્કીચ એક નવી વાત કહે છે, ‘તમે ઑફિસ કે કારખાનામાં કામ કરતા હો અને જુવાન હો ત્યારે પ્રથમ ઊંઘ ખેંચીને પછી જ પત્ની સાથે રોમૅન્સ કરો.’ ફ્રેન્ચ મજૂરોને વધુ બાળકો હોય છે, કારણ કે તે આવી રીત અજમાવે છે એથી વધુ ર્વીયવાન હોય છે! અમે સમજણા થયા ત્યારે જે પ્રથમ નાટક જોતા થયા એ પ્રભુલાલ દ્વિવેદીનું નાટક ‘વડીલોને વાંકે’ હતું. એનું ગીત ઉપર ટાંક્યું છે. એ ગીત દર્શાવે છે કે જે પ્રવૃત્તિ પરાણે-પરાણે રાત્રે કરવી પડે એ ઉજાગરો નડે છે, પણ મધુરજની વખતે નવવધૂ વહાલાની વાટ જોઈને જાગે છે એ ઉજાગરો નડતો નથી. એ બતાવે છે કે લેખકો, પત્રકારો સર્જન માટે જાગે તો ઉજાગરો નડતો નથી.