પરાજયને વિજય માનનારા માટે અનોખી ફિલસૂફી

15 December, 2012 10:35 AM IST  | 

પરાજયને વિજય માનનારા માટે અનોખી ફિલસૂફી


(પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ)

સંઘર્ષનું ઓશોનું જય-પરાજયનું ગીત

અગર આંધિયાં ચલ રહી તો ચલે

કિસીને સંજોયા મુઝે પ્યાર સે

પ્યાર સે આજ સંભાલા કડી હાર સે

સંવારા મુઝે જીત ઔર હાર સે

અગર બિજલી ગિર રહી હો તો ગિરે

નહીં ડર મુઝે આજ તુફાન સે

અગર આંધિયાં ચલ રહી તો ચલે


    - રજનીશ

ઇંગ્લૅન્ડ સામે ભારતના ધુરંધર ક્રિકેટરો બીજી ઇનિંગ્સમાં પારેવાં સખત ગરમીમાં પટોપટ મરી જાય એમ આઉટ થયા ત્યારે સ્પિન બૉલર આર. અશ્વિને ૮૩ રન કરી ભારતને ઇનિંગ્સની હારમાંથી બચાવ્યું ત્યારે કલકત્તાના તમામ પ્રેક્ષકો આપણા પરાજયને જીત માનીને વધાવતા હતા. કૉન્ગ્રેસના નરહરિ અમીન સત્તાની બહાર રહીને સતત ‘હારી’ ગયા ત્યારે નરેન્દ્ર મોદીના પક્ષમાં પક્ષપલટાનો શરમજનક પરાજય ખાધો એને મોદી સાથે ભેટીને હસતાં-હસતાં વિજય માનતા હતા.

આજે જીવનના દરેક ક્ષેત્રમાં માનવ ડગલે ને પગલે હારી રહ્યો છે, પણ તેણે ગાલે તમાચો મારીને ગાલ લાલ રાખવો પડે છે. લગ્નજીવન તૂટી પડ્યું હોય તો પણ આજે લગ્ન ટકાવીને હારેલા ગૃહજીવનને ગૃહિણીએ ટકેલું બતાવવું પડે છે ત્યારે મને મૅડમ ડિયાન એકરમેનનું પુસ્તક ‘ડીપ પ્લે’ યાદ આવે છે.

તેમણે જીવનથી હારીને આપઘાત કરનારને ખાસ ઉપદેશ આપ્યો છે કે ‘ઈશ્વરે મને બક્ષેલા આ કીમતી જીવનને હું હર હાલતમાં જીવીશ એવો સંકલ્પ કરો.’

ડિયાન એકરમેન આજે ૫૪ વર્ષની ઉંમરે એકલી રહે છે. ન્યુ યૉર્કની લાસબ્રેરીમાં પડી રહે છે. ઘણી યુનિવર્સિટીમાં ફિલસૂફી શીખવીને તેમણે ખાસ જય-પરાજયને સરખી રીતે પચાવતાં તેના વિદ્યાર્થીને શીખવ્યું છે. માત્ર ક્રિકેટ, હૉકી કે ફૂટબૉલ જ નહીં; આ આખી જિંદગી એક રમત છે. આ લખું છું ત્યારે ટેસ્ટક્રિકેટના પરાજયને કાંઠે હતા. હૉકીમાં ઑસ્ટ્રેલિયા સામે ચૅમ્પિયન મૅચમાં બૂરી રીતે હાર્યા છીએ. ભ્રષ્ટાચારને ડામવામાં સૉક્રેટિસ નામના મહાન ફિલસૂફ પ્લેટોનું સૂત્ર યાદ આવે છે. એક વખતના પરાજયથી રમત હોય કે વેપાર હોય કે પ્રેમજીવન હોય, એમાં હારીને હાથ ઊંચા કરી ન શકાય. પ્લેટોના શબ્દો હતા :

મૅન ઇઝ મેડ ગૉડ્ઝ પ્લેથિંગ

ધેરફોર એવરી મૅન ઍન્ડ વુમન

શુડ લિવ લાઇફ અકૉર્ડિંગલી

ઍન્ડ પ્લે ધ નોબલેસ્ટ ગેમ

ધ રાઇટ થિંગ ઇઝ

લાઇફ મસ્ટ બી લિવ્ડ ઍઝ પ્લે!

આ જિંદગીના સ્ટેજ ઉપર તમને જેવો રોલ આપવામાં આવ્યો હોય તેવો વિલન કે હીરોના જય કે પરાજયનો રોલ ભજવવાનો છે. મારા પત્રકારત્વમાં ૪૫ વર્ષમાં ઘણા ધક્કા ખાધા છે. મુંબઈની લોકલ ટ્રેન વિરાર નજીક અફળાઈ. લેડીઝ ડબ્બો આખો ચગદાઈ ગયો. ૨૬ કમાતી મહિલાઓની લાશો સ્ટેશન ઉપર ઢળેલી દેખાઈ. હું ફ્રીલાન્સ પત્રકાર હતો. ગાંઠના પૈસાથી ફોટોગ્રાફર પાસે ફોટો પડાવ્યા. છવ્વીસ-છવ્વીસ લાશો ઢળેલી અને સફેદ વસ્ત્રોમાં લપેટેલી પડેલી. તેમના પતિઓ, દીકરીઓ, માતાઓ જે કલ્પાંત કરતાં હતાં તેમને હું લાશ ઓળખવામાં મદદ કરતો હતો. જેવી લાશ ઓળખાય એટલે સગાંઓના ચહેરા પર ક્ષણિક આંદની લહેર (ક્ષણિક) ફેલાતી એ જોવાનો પણ અવસર હતો. મારો રિપોર્ટ મેં અમદાવાદના દૈનિકને મોકલ્યો એ ન છપાયો. મેં પત્રકારત્વમાં હાર ન માની. મારો રિપોર્ટ નાનકડા સ્થાનિક ફરફરિયામાં છપાયો એ વાંચી કેટલાયના ધન્યવાદ મળ્યા. એક પાઈ પુરસ્કાર ન મળ્યો, પણ એ ‘પરાજય’ને મારા પત્રકારત્વની નૈતિક જીત ગણતો હતો.

આવી જય-પરાજયની ફિલસૂફી ક્રિકેટના ચાહકોને ગળે ન ઊતરે. મારા લેખમાં પણ ઊતરતા ધોરણનો લેખ હોય એમાંય ફિલસૂફી ન ચાલે. જિંદગીમાં સંઘર્ષ કરવા નીકળીએ કે ક્રિકેટ રમીએ ત્યારે જીત માટે આંતરડાં તોડીને મહેનત કરવી જોઈએ. એ પછી તમે ફિલસૂફીમાં આશ્વાસન લઈ શકો કે ભગવાન કૃષ્ણે મહાભારતના યુદ્ધમાં અજુર્નને કહેલું, ‘કર્મનું ફળ મારા પર છોડીને તું યુદ્ધ કર.’ ખરેખર કૃષ્ણ મોટા સાઇકોલૉજિસ્ટ હોવા જોઈએ. અજુર્નના મનમાં સાઇકોલૉજી ઑફ વિનિંગ પેદા કરવા માગતા હતા. લેટ અસ કલ્ટિવેટ સાઇકોલૉજી ઑફ વિનિંગ.