તુલસીવિવાહ, દેવદિવાળી અને જીવનમાં હાર્મની

06 November, 2011 12:05 AM IST  | 

તુલસીવિવાહ, દેવદિવાળી અને જીવનમાં હાર્મની



(પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ)

How to bring harmony
If there be righteousness in the heart
there will be beauty in the character.
If there is beauty in the character
there will be harmony in the home.
- Confucius


કન્ફ્યુશ્યસ કહે છે કે જો તમારા હૃદયમાં રાઇટ્યસનેસ હશે તો ચારિત્ર્યમાં સૌંદર્ય હશે. જો ચારિત્ર્યમાં સુંદરતા હશે તો સમગ્ર જીવનમાં અને ઘરમાં અને એ રીતે સમાજમાં હાર્મની હશે, એકસૂત્રતા હશે. શાંતિ, સદ્ભાવ હશે. રાઇટ્યસનેસ એટલે ધર્મભાવના, ન્યાયપરાયણતા, ઈમાનદારી અને સંયમ.


એકવીસમી સદીના ૨૦૧૧ના વર્ષની વિદાય થઈ રહી છે અને ૨૦૧૨ આવશે ત્યારે માનવીમાં વધુ ને વધુ ધર્મભાવના જરૂરી બનશે અને જો ધર્મભાવના હશે તો ઘરમાં અને સમાજમાં હાર્મની હશે. ડૉ. ડેવિડ જે. પૉલેના વિચિત્ર મથાળાવાળા પુસ્તકમાં કન્ફ્યુશ્યસનું સૂત્ર છે, પણ ગાર્બેજ ટ્રક જેવો શબ્દ શું કામ વાપયોર્ છે? એટલા માટે કે આજે જે સમાજમાં રહીએ છીએ ત્યાં ચારેકોર નઠારા અને તમારી ધીરજ અને સજ્જનતાની કસોટી કરનારા લોકો રહે છે. તેઓ તેમનાં કૃત્યોનો અગર ખોટા વિચારોનો ગાર્બેજ-કચરો તમારા પર ઠાલવે છે. તેમનાથી તમારે બચતાં રહેવું જોઈએ. તમારું ચારિત્ર્ય વધુ બળવત્તર બનાવવું પડશે. ઓગણીસમી સદીના સ્વિસ ફિલસૂફ ગૉટફ્રીડ કેલરે લખેલું, ‘વી ડોન્ટ રિમેન ગુડ ઇફ વી ડોન્ટ ઑલ્વેઝ સ્ટ્રાઇવ ટુ બિકમ બેટર.’ જો સતત સારા, વધુ સારા અને શ્રેષ્ઠ થવા માટેની દૃષ્ટિ ન રાખીએ તો સારા રહી શકીશું નહીં. બીજા સાથે આપણેય બગડી જઈશું.


અચ્છા! તો આ મથાળામાં ચાઇનીઝ ફિલસૂફીનું સૂત્ર અને અમેરિકન લેખકના પુસ્તકની સાથે તુલસી અને તુલસીવિવાહ કે દેવદિવાળીની વાત શું કામ જોડી છે? એનું લૉજિક શું છે? જો મારા વિદ્વાન વાચકોને ગળે ઊતરે તો લૉજિક છે. આજકાલ અમેરિકા અને યુરોપમાં મંદી અને ગુનાખોરીનો વધારો, બેકારી તેમ જ અર્થતંત્ર ખાડે જવાની વાતો થાય છે. અમેરિકાની સરકાર જ ત્રણ ટ્રિલ્યન ડૉલરના દેવામાં છે, પરંતુ ભારત કેમ ઊગરી ગયું? એટલા માટે કે ભારતની વિવિધ પ્રજા ધર્મપ્રિય છે અને એમાં હિન્દુઓમાં તો ડગલે ને પગલે ધાર્મિક પવોર્, ધાર્મિક ઉત્સવો, વ્રતો, પૂજાઓ, કથાઓ, ઉપવાસો આવે છે. એટલે હિન્દુસ્તાનને કદી જ પશ્ચિમના દેશો જેવી આર્થિક કઠિનાઈ નહીં નડે.


આપણી ધર્મભાવના કે ઉત્સવપ્રિયતા એટલી બધી છે કે નવરાત્રિ પછી દિવાળી, પછી નવું વર્ષ, પછી ભાઈ ભાઈબીજ. અને દિવાળીથી ધરવ ન થતાં હવે દેવદિવાળી પણ ઊજવીશું. દેવદિવાળી ઊજવાય ત્યારે તુલસીવિવાહ થાય. માત્ર ભારત દેશ છે જ્યાં વૃક્ષ પૂજાય છે, છોડ પૂજાય છે. શેરડીનો વાઢ પિલાય અને રસ કાઢીને ગોળ થાય એ પહેલાં શેરડીના ખેતરનું પૂજન થાય છે. આ ભાવના આપણને કુદરત સાથે એકાકાર રાખે છે. મારા ઘરે કામ કરનારાં બહેન હેમા બોરીચા તુલસીના છોડની શોધમાં હતાં. તેને બુધવારે તુલસીવિવાહ કરવા હતા. એ માટે તે જે તુલસીના છોડને મોર ઊગ્યા હોય (બીજ) એવા છોડની શોધમાં હતી. અર્થાત્ મોર આવ્યા હોય એ તુલસી મૅચ્યોર ગણાય એ જ વિવાહયોગ્ય ગણાય.


હિન્દુઓમાં તુલીસીનો છોડ પવિત્ર માનવામાં આવે છે. કાળી તુલસી વધુ મહત્વની છે, કારણ કે એમાં આૈષધીય ગુણો છે. એનાથી હવા શુદ્ધ થાય છે. મારી ગૅલેરીમાં મેં એક ડઝન તુલસીનાં કૂંડાં રાખ્યાં છે. મને શુદ્ધ હવા મળે છે.


રાજકોટના ડૉ. નિરંજન રાજગુરુ જેમને પ્રાચીન ભજનો પર મહાનિબંધ લખ્યો એથી ડૉક્ટરની ડિગ્રી મળી છે. તેમણે દેવદિવાળીમાં તુલસીવિવાહનું માહાત્મ્ય સમજાવ્યું. એક અસુરની પત્ની વૃંદાના અણીશુદ્ધ ચારિત્ર્યને કારણે જ અસુરને દેવતા હાથ લગાવી શકતા નથી. દેવદિવાળીએ આ વૃંદાના ચારિત્ર્યને જ માત્ર યાદ રાખો કે જો એકવીસમી સદીની સ્ત્રી તેનું ચારિત્ર્ય અખંડ રાખશે તો તેના પતિનું જ નહીં, સમગ્ર સમાજનું કલ્યાણ કરી શકશે.