ઘુવડો માટે કાળ બનીને આવે છે દશેરા ને દિવાળી વચ્ચેનો સમય

16 October, 2011 06:54 PM IST  | 

ઘુવડો માટે કાળ બનીને આવે છે દશેરા ને દિવાળી વચ્ચેનો સમય



(માનો યા ન માનો)

આ સમયગાળામાં જો આ પક્ષીનો બલિ આપવામાં આવે તો ફાયદો થાય એવી ગેરમાન્યતાને લીધે તાંત્રિક વિધિઓમાં ઉલ્લુઓનો બલિ આપવામાં આવે છે

હિન્દુઓ માટે દશેરા અને દિવાળી બહુ મોટા તહેવારો ગણાય છે અને તેઓ ભારે ઉલ્લાસપૂર્વક ધામધૂમથી આ તહેવારોની ઉજવણી કરે છે. જોકે આ બે શુભ ગણાતા તહેવારો વચ્ચેનો સમયગાળો લક્ષ્મીદેવીના વાહન ગણાતા ઘુવડ માટે ભારે અશુભ પુરવાર થાય છે, કારણ કે આ સમય દરમ્યાન એમનું મહત્તમ નિકંદન નીકળતું હોય છે. અંધશ્રદ્ધાનો ભોગ બનેલા કેટલાક લોકો માને છે કે ઘુવડનો બલિ આપવાથી દુર્ભાગ્ય દૂર કરીને સમૃદ્ધિ મેળવી શકાય છે. દિવાળીના સમયગાળા દરમ્યાન લક્ષ્મીદેવીની પૂજા કરવાનું ચલણ હોય છે અને આ સમય દરમ્યાન જો ઘુવડનો બલિ આપવામાં આવે તો વધારે ફાયદો થાય છે એવી ગેરમાન્યતાને કારણે આ ગાળામાં મહત્તમ ઘુવડોનો બલિ આપવામાં આવે છે. લોકોની આ માનસિકતાનો ગેરલાભ ઉઠાવીને ગેરકાનૂની રીતે પક્ષીની લે-વેચ કરતા લોકો બે કે ત્રણ ઘુવડનું વેચાણ કરીને ૫૦,૦૦૦ રૂપિયા જેટલી કમાણી કરી લે છે. સામાન્ય રીતે બંગાળના કાલા જાદુ અથવા તો બ્લૅક મૅજિકની તાંત્રિક વિધિઓમાં ઘુવડનો ઉપયોગ થતો હોય છે.

વિશ્વના કેટલાક ભાગોમાં ઘુવડની પૂજા થાય છે તો કેટલાક હિસ્સાઓમાં આ પક્ષીને અપશુકનિયાળ ગણવામાં આવે છે. કેટલાક દેશોની પુરાણકથાઓમાં એને ભારે બુદ્ધિશાળી પક્ષી ગણવામાં આવ્યું છે તો અમુક દેશોમાં એ મૂર્ખામીના પ્રતીક તરીકે પ્રચલિત છે. આમ ઘુવડ ફરતે રહસ્યમય આવરણ હોવા છતાં આખી દુનિયામાં એને વિલક્ષણ પક્ષી ગણવામાં આવે છે. ઘુવડ સાથે અનેક માન્યતાઓ સંકળાયેલી છે અને કાલા જાદુ કરતા તાંત્રિકો જન્મ, મૃત્યુ તથા જીવન સાથે સંકળાયેલી અનેક સમસ્યાઓ ઘુવડનો બલિ આપીને ઉકેલી આપવાનો દાવો કરતા હોય છે.

આખા ભારતમાં ગેરકાયદે રીતે પક્ષીઓનું વેચાણ થતું હોય એવાં લગભગ ૫૦ કેન્દ્રો છે અને અહીં ઘુવડને સહેલાઈથી ખરીદી તથા વેચી શકાય છે. આ કેન્દ્રોમાંથી ૨૧ કેન્દ્રો એવાં છે જ્યાં ઘુવડ સહિત રોજનાં ૨૦,૦૦૦થી ૫૦,૦૦૦ જંગલી પક્ષીઓનું વેચાણ થાય છે. મોટા ભાગના લોકો આ જંગલી પક્ષીઓને ઘરમાં પાળવા માટે નહીં પણ તાંત્રિક વિધિમાં બલિ આપવા માટે ખરીદતા હોય છે. જે તાંત્રિકો બ્લૅક મૅજિક કરતા હોય છે તેઓ આ બલિ આપવાથી પુત્રજન્મમાં સફળતા, બીમારીથી મુક્તિ, વંધ્યત્વની સમસ્યાથી છુટકારો તેમ જ વશીકરણમાં સફળતાની ગૅરન્ટી આપતા હોય છે. જોકે એ વાત અલગ છે કે નર્દિોષ ઘુવડને માર્યા પછી ભાગ્યે જ એનો બલિ આપનારી વ્યક્તિના નસીબમાં ફેરફાર થાય છે. સામાન્ય રીતે જ્યાં અંધશ્રદ્ધાનું સામ્રાજ્ય ફેલાયેલું હોય એવા આદિવાસી વિસ્તારો તેમ જ શિક્ષણનું પ્રમાણ ઓછું હોય એવા વિસ્તારોમાં ઘુવડનો બલિ આપવાનું પ્રમાણ વધારે છે.

ઘુવડના નિકંદન માટે બલિ સાથે સંકળાયેલી ગેરમાન્યતા સિવાય અનેક દેશી ઔષધિઓમાં થતો એનાં અંગોનો ઉપયોગ પણ જવાબદાર છે. આદિવાસી વિસ્તારોમાં લાગતા મેળાઓમાં અને તેમનાં દેવસ્થાનોની બહાર ફેરિયાઓ ઘુવડનાં હાડકાંમાંથી બનતાં લકી ચાર્મ વેચતા હોય છે. આ સિવાય આ વિસ્તારોમાં ઘુવડની ચાંચ અને નહોરનો ઉપયોગ અનેક રોગોની સારવાર માટે કરવામાં આવે છે. અજમેરની દરગાહ શરીફ, દિલ્હીની જામા મસ્જિદ તથા કલકત્તામાં ચોરંઘી અને કાલિઘાટની આસપાસની સાંકડી ગલીઓમાં અનેક ફેરિયાઓ ઘુવડના શરીરનાં અલગ-અલગ અંગોમાંથી બનેલાં તાવીજ અને અન્ય વસ્તુઓ વેચતા નજરે ચડે છે. બ્લૅક મૅજિક તો ઘુવડનો મોટા પાયે ભોગ લે છે, પણ આ સિવાય પણ દેશી દવાઓમાં એનાં અંગોનો મોટા પાયે કરવામાં આવતો ઉપયોગ પણ વિનાશનું કારણ બને છે. ભારતમાં માનવામાં આવે છે કે ઘુવડનાં અંગોનું સેવન કરવાથી ઘણી ગંભીર બીમારીની સારવાર શક્ય છે. પરંપરાગત માન્યતા પ્રમાણે ઘુવડનાં અંગોમાંથી બનતી દવાનું સેવન કરવાથી બાળકોમાં આવતા આંચકીના હુમલા અને સંધિવાની સારવાર કરી શકાય છે, જ્યારે એની આંખોનું સેવન કરવાથી દૃષ્ટિ સતેજ બને છે અને વ્યક્તિ અંધારામાં પણ સ્પષ્ટ રીતે જોઈ શકે છે. આદિવાસી વિસ્તારોમાં તો એવી માન્યતા છે કે ઘુવડના માંસનું સેવન કરવાથી વ્યક્તિની જાતીય શક્તિમાં ભારે વધારો થાય છે અને આ કારણે ત્યાં લગ્નપ્રસંગોના મેનુમાં ઘુવડના માંસમાંથી બનતી વાનગીઓનો સમાવેશ કરવામાં આવે છે.