અમારા વ્યવહારોમાં એક સ્પષ્ટતા હતી : જુદા નથી થવાનું

15 November, 2014 05:07 AM IST  | 

અમારા વ્યવહારોમાં એક સ્પષ્ટતા હતી : જુદા નથી થવાનું



સ્પેશ્યલ સ્ટોરી- રશ્મિન શાહ

છેલ અને મારા સંબંધો રોકડા ઓગણપચાસ વર્ષના. આટલા સમયમાં મને મારી વાઇફ લીના જેટલી સમજી નથી શકી એટલો તેણે મને સમજ્યો છે અને તેને જેટલો તેની વાઇફ કુસુમે નથી સમજ્યો એટલો મેં સમજ્યો છે. આ સમજદારીના કારણે જ અમારી વચ્ચે કોઈ પણ પ્રકારનો લેખિત કરાર નહીં હોવા છતાં પણ આ ભાગીદારી ટકી, ભાઈબંધી અકબંધ રહી અને ભાઈઓ જેવા સંબંધોની મીઠાશ પણ જળવાઈ રહી.

સ્વભાવે બેઉ એકબીજાથી સાવ વિપરીત. તે આગ જેવો ને હું બરફ જેવો શાંત. તેનામાં જરાય ધીરજ નહીં ને મને ક્યારેય અધીરાઈ દોડાવે નહીં. છેલને દરેક વાતમાં કોઈ ને કોઈ વાંધો ઊભો જ હોય. રિક્ષામાં બેઠો હોય તો રિક્ષાથી તકલીફ હોય, ટૅક્સ ભરીએ તો ભારત સરકારથી તકલીફ હોય, ઘરમાં હોય તો વાઇફથી પ્રૉબ્લેમ હોય, ચાલતા હોઈએ તો સુધરાઈ સામે વાંધો હોય, ખાતા હોઈએ તો એ રેસિપી સામે તકલીફ હોય. ઍનીથિંગ મીન્સ ઍનીથિંગ. છેલને દરેક વાતમાં વાંધો હોય અને એ વાંધાના કારણે જ તેને બહુ ગુસ્સો આવતો. શરૂઆતમાં હું તેને શાંત રહેવા માટે સમજાવતો, પણ પછી મેં એ છોડી દીધું હતું. એક વખત તેને આ બાબતનો પણ વાંધો પડ્યો હતો અને ગુસ્સે થઈને મને કહ્યું હતું, ‘તું મને હવે શાંત રહેવાનું કેમ નથી કહેતો?’ મેં ધીમેકથી જવાબ આપ્યો હતો કે તું ક્યાં મારું માનવાનો છે અને તેણે પણ સામે કહ્યું હતું, ‘મારે શું કરવું એ હું નક્કી કરીશ, તું તારું કર્મ કરને...’

અમારા વ્યવહારોમાં એક સ્પષ્ટતા હતી કે જુદા નથી થવાનું. આ સ્પષ્ટતા પછી જેણે જે કંઈ કરવું હોય એ કરે. પૈસાનો કોઈ મુદ્દો અમારી વચ્ચે ક્યારેય આવ્યો જ નથી. બેમાંથી કોઈએ ક્યારેય એકબીજાનો હિસાબ ચેક કર્યો નથી અને તોય બન્ને અકાઉન્ટ બનાવીને એકબીજાને આપી દઈએ. અકાઉન્ટ આપીએ એટલે એ કાગળ ખોલવાનો. સીધી નજર નીચે નાખવાની. ફાઇનલ ફિગર જોવાનો અને પછી કાગળનો ડૂચો વાળીને ફેંકી દેવાનો.

એવું નથી કે અમારી વચ્ચે કજિયો ન થયો હોય. કજિયો થાય પણ ખરો અને નિયમ મુજબ તે જ અકળાય. એવું નહીં કહું કે તેની અકળામણની મને કોઈ અસર નહોતી થતી, પણ હા; તે જ્યારે પણ અકળાતો ત્યારે હું એ અકળામણનું કારણ સમજવાની કોશિશ કરતો એટલે વાત ક્યારેય આગળ વધતી નહીં. છૂટા નહીં પડવાનું નક્કી હોવા છતાં પણ છેલનો ગુસ્સો એવો કે ક્યારેક તે મારા પર પણ અકળાઈ જાય. તે અકળાઈ જાય એટલે હું ચૂપ થઈને સાંભળી લઉં, પણ જો તે રાડ પાડીને દૂરથી મારા પર ગુસ્સો કાઢે તો હું ન ચલાવું. નજીક જઈને તેને ધીમેકથી કહેવાનું, ‘જો આવું જ કરવું હોય તો હવે હું જાઉં છું...’

આ એક વાત અમારી વચ્ચે શસ્ત્ર જેવી હતી. ‘હું જાઉં છું’; પણ ભાગીદારી છોડીને જાઉં છું, ઘરે જાઉં છું, પ્રોજેક્ટ છોડીને જાઉં છું કે એવી કોઈ સ્પષ્ટતા એમાં હોય નહીં એટલે અધ્યાહાર રહેલી આ વાતમાં જ છેલ બધું સમજી જાય અને બીજાં ચાર-પાંચ વર્ષ તે એવું વર્તન ન કરે. પછી પાછો ભૂલી જાય અને સ્વભાવગત રીતે વર્તી લે અને પાછો હું તેને ‘હું જાઉં છું’ કહી દઉં એટલે પાછું બધું શાંત.

છેલની હાજરીમાં પણ કહ્યું છે અને તેની ગેરહાજરીમાં પણ કહું છું, છેલના શૉર્ટ ટેમ્પરનો બહુ બધા લોકોએ લાભ અને ગેરલાભ લીધો છે. લેગ-પુલિંગ કરીને લોકોએ મનોરંજન માટે પણ તેને ગુસ્સે કર્યો છે અને બધું કામ કરાવીને પછી પૈસા ન આપવા પડે એ માટે ઇરિટેટ કરીને પણ કામ છોડાવ્યું છે. છેલના મોઢે સરસ્વતીનો કાયમી વાસ એટલે એ નવી-નવી સરસ્વતી સાંભળવા માટે પણ તેને ગુસ્સે કરનારાઓ એક સમયે હતા. એવું નહોતું કે આ બધાની છેલને ખબર નહોતી. તેને ખબર જ હતી, પણ એ પછી પણ તે પોતાના ટેમ્પરામેન્ટ પર કાબૂ નહોતો રાખી શકતો.

છેલ અને સૉરી. આ બે શબ્દને જન્મોજન્મની દુશ્મની. ભાગ્યે જ કોઈ હશે જેણે તેના મોઢે સૉરી સાંભળ્યું હોય. એ ભાગ્યશાળી આત્માઓ પણ રોકડા ચાર કે પાંચ હશે જેમાંથી એક હું. પણ હા, મને પણ કોઈ દિવસ S O R R Y વાળું સૉરી નથી કહ્યું. એવી રીતે વર્તન કરવા માંડે કે જેનાથી આપણને ખબર પડી જાય કે તે સૉરી કહેવા માગે છે. વાઇફ કુસુમ અને સંતાનો સંજય કે અલ્પના સાથે લાંબો સમય સુધી તેનો ઝઘડો રહે, લાંબો સમય સુધી અબોલા રહે એવું બને; પણ અમને ચોવીસ કલાકથી વધારે અબોલા રાખવા પણ ગમ્યા નથી. કેટલીક વખત તો એવું થાય કે બોલવાનું મન થયું હોય, પણ બોલવામાં નાના થઈ જવાતું હોય તો ચૂપચાપ એકબીજાના ઘરે જઈને છાપાં વાંચવા માંડીએ અને એ રીતે દૈહિક બોલચાલ શરૂ કરી દઈએ અને પછી ધીમે-ધીમે અબોલા પણ નીકળી જાય.

આજે છેલની ગેરહાજરીમાં સમજાય છે કે તે નાના બાળક જેવો હતો. તેની વાત સાંભળીને જો તેને સમજાવો તો તે વાત માની પણ જાય, પણ જો તેની વાત સાંભળ્યા વિના તેને સમજાવવાનો આગ્રહ રાખો તો તે ભડકી જાય. પછી એ ભલે ઘર હોય કે પ્રોફેશનની વાત હોય. એક કિસ્સો મને યાદ છે. એક બહુ જાણીતા ઉદ્યોગપતિના ઘરમાં મૅરેજ-ફંક્શનનું ડેકોરેશનનું કામ ચાલતું હતું. એ સમયે તે ઉદ્યોગપતિ આવ્યા અને પોતાનાં સજેશન આપવા માંડ્યા. છેલે એક-બે વખત તેમને વાત સમજાવવાની કોશિશ કરી, પણ પેલા ભાઈ તો પોતાનો જ કક્કો ગાયા કરે. છેલની કમાન છટકી. તેણે પોતાના હાથનું કૂંડું પકડાવી દીધું પેલા ભાઈના હાથમાં અને કહી દીધું, ‘મૂકી આવો જ્યાં મૂકવું હોય ત્યાં...’ પેલા અબજોપતિ ભાઈ તો છોભીલા પડી ગયા. તેમને છોભીલી અવસ્થામાં એક-બે મિનિટ રાખીને છેલે કૂંડું પાછું લીધું અને કહ્યું કે ‘જે કામ અમારું છે એ અમને કરવા દોને, શું કામ વગર કારણે ડાહ્યું થવું છે?’

આવું તો એક નહીં, અનેક વખત બન્યું છે. એક બહુ મોટા સુપરસ્ટારને લઈને નાટક થઈ રહ્યું હતું. પેલા ભાઈ પોતાની સગવડ મુજબ સેટમાં ચેન્જ કરાવવા માગતા હતા. એક વખત કંટાળીને છેલે તેના હાથમાં હથોડી પકડાવી દીધી અને કહ્યું, ‘અમે બેઠા છીએ, તમતમારે જેવો સેટ બનાવવો હોય એવો બનાવી લો. ન આવડે તો અમને પૂછી લેજો...’સાચી વાત હોય ત્યાં છેલને કોઈનું સ્ટેટસ નડે નહીં અને ખોટી વાત હોય તો છેલ કોઈ દિવસ એ વાતને સાચી બનાવ્યા વિના રહે નહીં. આવો હતો છેલનો સ્વભાવ.

હું શું, ખુદ છેલનો દીકરો સંજય છેલ પણ કહે છે કે તેનામાં જે કૉમેડી વન-લાઇનરની ખૂબી છે એ ખૂબી પપ્પા છેલભાઈમાંથી આવી છે. વાત સાચી છે. છેલની દરેક વાતમાં રમૂજ ઝળક્યા કરતી હોય. અખતરા કરવામાં પણ સહેજે ડરે નહીં. ખાવા-પીવાનો પણ ભારોભાર શોખીન. બહુ ઓછા લોકોને ખબર હશે કે છેલને રસોઈ બનાવતાં પણ સરસ આવડતી. એક વખત અમે જકાર્તા ગયા. જકાર્તામાં તો ભજિયાં મળે નહીં ને ભાઈને ભજિયાંનો મૂડ બન્યો. કહે કે આજે તો કાંદાનાં ભજિયાં જ ખાવાં છે. ઊપડી ગયો માર્કેટ અને લોટ લઈને આવ્યો. કાંદા સમાર્યા અને ભજિયાંની તૈયારીઓ માંડી દીધી. થોડી વારમાં ભજિયાં ઊતયાર઼્, પણ એ ઊતરેલાં ભજિયાં એવાં ચીકણાં કે ભજિયાંને બદલે ભજિયાંની રબડી બનાવી હોય એવું લાગે. આવાં ભજિયાં મોઢામાં કેમ નાખવાં? છેલે એમાંથી પણ રસ્તો કાઢ્યો અને એ જે કંઈ વ્યંજન બન્યું હતું એ લઈને લોકલ લોકો પાસે પહોંચી ગયો. એ જે કોઈ લોટ હતો એ લોટ સ્થાનિક લોકો તો નિયમિત રીતે ખાતા જ હતા એટલે તેમને એ વ્યંજન ખાવામાં કોઈ વાંધો ન આવ્યો. એક-બે જણ તો છેલને રેસિપી પણ પૂછવા લાગ્યા ને છેલે એ લોકોને રેસિપી પણ સમજાવી. તમે માનશો નહીં, છેલની એ રેસિપીના આધારે ત્યાંના લોકોમાં એ વ્યંજન ફેમસ થઈ ગયું અને આજે પણ જકાર્તામાં એ લોકો કાંદાનો એ વિચિત્ર પદાર્થ ખાઈ રહ્યા છે.

દીકરા સંજયની ફરિયાદ કરવામાં છેલ એક્કો હતો. છેલ પહેરવા માટે શર્ટ કાઢે અને સંજય પહેરીને ચાલ્યો જાય. બાપુજીને ગુસ્સો આવે એટલે તે એમ જ ઘરે બેસી રહે. અમારે મળવાનું હોય એટલે મોડું થાય તો સ્વાભાવિક રીતે હું ફોન કરું તો ફોન પર કહે, ‘મારો છોકરો અડધાં કપડાં લઈને ભાગી ગયો છે, આવે એટલે આવું.’

છેલને બધું પર્ફેક્ટ જાઈએ. લક્ઝરી પણ જોઈએ. સારી હોટેલ, સારું ફૂડ, સારી રીતભાત, સારું મટીરિયલ, સારી રહેણીકરણી. બધું પર્ફેક્ટ હોવું જોઈએ. આ બધી બાબતોમાં હું અલગારી છું. મને બધું ચાલે. હું તો અત્યાર સુધીમાં પચીસેક વખત હિમાલયમાં પણ રખડવા માટે જઈ આવ્યો છું. શનિ-રવિ રજા હોય તો હું તો ટ્રેકિંગ પર ચાલ્યો જાઉં. ફૉરેસ્ટ એરિયામાં રહેવા ચાલ્યો જાઉં. વાઇફ એકને ખબર હોય. મારી ગેરહાજરીમાં છેલનો ઘરે ફોન આવે અને તેને ખબર પડે કે હું તો બહાર ચાલ્યો ગયો એટલે તે વાઇફ લીના પર ભડકે અને મજાકમાં ચાવી પણ ચડાવીને કહે, ‘આવા વરને હૅન્ડલ કરતાં ન આવડે તો મને કહો, હું શીખવીશ; પણ આ રીતરસમ સારી નથી. આવું કરનારા ઘરવાળા આડી લાઇને હોઈ શકે છે.’

આડી લાઇન અમારા બેમાંથી કોઈના નસીબમાં નહોતી. અમે બન્ને કામ કરીને ખુશ થનારા અને કામનાં વખાણ સાંભળીને રાજી થનારાઓ હતા. થોડી અમસ્તી તારીફ અમને ખુશ કરી જાય અને એ તારીફથી રાજી થઈને છેલ તારીફ કરનારાઓને મસ્ત પાર્ટી પણ આપી દે. મને દેખાતું હોય કે કેટલાક તો વગર કારણે માત્ર પાર્ટી માટે વખાણ કરી રહ્યા છે. પાર્ટી પૂરી થયા પછી હું છેલનું ધ્યાન પણ એ બાબતમાં દોરું તો તે પણ ધીમેકથી કહે, ‘ખવડાવ્યુંને... એમ માની લે કે એ પુણ્ય કમાવાનું નસીબમાં લખ્યું હશે.’

પુષ્કળ પુણ્ય કમાયો છેલ અને એ પુણ્યના આધારે જ આજે છેલ-પરેશની જોડી આ સ્તર પર પહોંચી. છેલ વિના નહીં ગમે એવું કહેવું તો બહુ વાહિયાત લાગશે, કારણ કે છેલ વિનાનો એક દિવસ પણ પસાર થતો તો એ પણ નહોતું જ ગમતું. હવે છેલ વિના સેટ તૈયાર કરવાનો છે. હવે એ તૈયાર કરીશ ત્યારે એ સેટની ટીકા કરનારો ભાઈબંધ નહીં હોય. હવે ગ્રૅન્ડ રિહર્સલ વખતે યુદ્ધની ઝડપે સેટ ઊભો કરાવી રહેલો અને સરસ્વતીની વષાર્ કરતો દોસ્તાર પણ ક્યાંય જોવા નહીં મળે. હવે નાટક જોતી વખતે મારી બાજુમાં બેસીને વાર્તા અને ઍક્ટર વિશે કચકચ કરનારો યાર પણ નહીં હોય અને હવે રિક્ષામાં મારી બાજુમાં બેસીને દેશ આખા પર બળાપો કાઢનારો જિગરજાન પણ નહીં હોય. હજારો વખત એવું બન્યું છે કે લોકોને કન્ફ્યુઝન થયું હોય અને મને છેલ-પરેશનો છેલ ધારી લીધો હોય અને ‘છેલભાઈ’ના સંબોધન સાથે જ મને બોલાવ્યો હોય. હવે એવું નહીં થાય. હવે મને કોઈ ‘છેલભાઈ’ નહીં કહે.

ફૈબા અમારા પ્રબોધ જોષી

૧૯૬૫માં અમે મળ્યા અને સાથે કામ કરવાનું નક્કી કર્યું. એ નાટકનું નામ તો અત્યારે યાદ નથી આવતું, પણ કૉમ્પિટિશનનું એક નાટક હતું અને એમાં ફૉર્મ ભરવાનું હતું. ફૉર્મ ભરાયું, પણ સેટ-ડિઝાઇનરનું નામ ખાલી હતું. એ સમયે ફૉર્મ લેવાનું કામ જ્યાં થતું હતું ત્યાં નાટuકાર પ્રબોધ જોષી બેઠા હતા. ફૉર્મ સ્વીકારનારાએ અમને પૂછયું કે સેટ- ડિઝાઇનરમાં કયું નામ લખીએ. અમે જવાબ આપીએ એ પહેલાં તો પ્રબોધ જોષીએ જવાબ આપી દીધો, ‘લખ, છેલ-પરેશ.’એ દિવસથી અમારું નામ આ જ પડી ગયું અને પ્રબોધ જોષી અમારા નામકરણનાં ફૈબા બની ગયા.