૮ તારીખે મળીએ પોતાના ક્ષેત્રમાં ડંકો વગાડનારી ૮ ક્ષેત્રની ૮ મહિલાઓને7-8

08 March, 2020 07:07 PM IST  |  Mumbai Desk | Ruchita Shah, Shailesh Nayak, Aparna shirish

૮ તારીખે મળીએ પોતાના ક્ષેત્રમાં ડંકો વગાડનારી ૮ ક્ષેત્રની ૮ મહિલાઓને7-8

ચૌલા દોશી, સ્તુતિ ગલિયા

નિર્ભયાની જેમ પ્રત્યેક સ્ત્રી સજ્જ છે. હવે આવતી ગમે તેવી તલીફો સામે પડવા માટે પણ હવે તે અટકશે નહીં. હવે તેને પોતાનું મૂલ્ય સમજાઈ ગયું છે. પોતાની સજ્જતા, સક્ષમતા અને સાહસિકતાનો અનન્ય પરચો કરાવી ચૂકેલી સેંકડો મહિલાઓ આજે સમાજ ઉત્કર્ષમાં ભાગ ભજવી રહી છે. આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મહિલાઓનો મહિમા દર્શાવવા ‘મિડ-ડે’એ ૮ એવાં ક્ષેત્રો પસંદ કર્યાં છે જે પુરુષોના પ્રભુતત્વવાળો એરિયા હતો.

ટ્રમ્પને અમદાવાદમાં જે રૂમમાં ઉતારો અપાયેલો ત્યાં આ ગુજરાતી બહેને બનાવેલું પેઇન્ટિંગ મુકાયેલું

પંદર વર્ષથી પ્રોફેશનલી પેઇન્ટિંગ ક્ષેત્રમાં પોતાની ઓળખ ઊભી કરનારાં ચૌલા દોશીની અન્ય ખાસિયત ખબર છે?

પેઇન્ટર: ચૌલા દોશી

મહિલાઓમાં આર્ટ સહજ હોય છે, પરંતુ જ્યારે તમારી આસપાસ કોઈ આર્ટિસ્ટ ન હોય, આર્ટક્ષેત્રમાં પણ કારકિર્દી બની શકે એવો વિચાર પણ તમારી સામે ક્યારેય કોઈએ ન મૂક્યો હોય અને તમે આર્ટિસ્ટ બનશો એ વિચારને પણ હસી કઢાયો હોય એવા સમયે તમે આર્ટ ક્ષેત્રમાં પગરણ માંડો તો નવાઈ લાગેને? પેઇન્ટિંગ ક્ષેત્રે અગ્રણી ગુજરાતી મહિલા તરીકે જેનું નામ બોલાય છે એ ચૌલા દોશીના પેઇન્ટિંગને તાજેતરમાં અમદાવાદમાં ટ્રમ્પના ઉતારાવાળી રૂમમાં સ્થાન અપાયુ હતું. કુદરત, સ્ત્રીઓની અંતરંગ લાગણીઓ અને સંબંધોને ચિત્રોમાં બહેતરીન રીતે ઝીલીને એને પ્રસ્તુત કરવા એ ચૌલાબહેનની ખૂબી છે. દેશ-વિદેશમાં અત્યાર સુધીમાં તેમનાં ૫૫ કરતાં વધારે ચાર્ટ એક્ઝિબિશન થઈ ચૂક્યાં છે. ચૌલાબહેન કહે છે, ‘મારા ઘરમાં કોઈ પ્રોફેશનલ પેઇન્ટર નથી. મારી આસપાસ પણ કોઈ નહોતું, પરંતુ મને ચિત્રકામમાં રસ પડી રહ્યો હતો. મારી મમ્મીને પેઇન્ટિંગનો શોખ હતો. તેઓ ખૂબ સારાં સિંગર પણ હતાં, પરંતુ તેમની આવડત પોતાના પૂરતી હતી. ઘરનો પણ એવો માહોલ નહોતો કે તેમને આ દિશામાં કોઈ ઍન્કરેજમેન્ટ મળે. મારામાં આ આર્ટ કદાચ મમ્મીમાંથી આવ્યું હશે એવું હું માનું છું. નાનપણથી જ ચિત્રો દોરતી અને મારા મનના ભાવોને, કલ્પનાઓને ચિત્રોમાં ઉતારવાની કોશિશ કરતી. લોકોને એ ગમતાં પણ ખરાં. જોકે હું જે બૅકગ્રાઉન્ડમાંથી આવું છું ત્યાં આ બધી બાબતોને ખાસ મહત્ત્વ મળતું નહીં. એમાં શું વળવાનું કહીને કામને ઉતારી પાડવામાં આવતું. પેઇન્ટિંગ માટે જોઈતો સામાન લેવા માટે હું નોકરી કરતી. એમાં જે પગાર મળે એમાંથી જરૂરી સામાન લેતી અને પોતાના વધારાના સમયે એ કર્યા કરતી.’

જોકે ચૌલાબહેન ગમે તેવા સંજોગોમાં પોતાના પૅશનને વળગી રહ્યાં અને હવે તો પેઇન્ટિંગમાં તેમનું કામ દેશ-વિદેશમાં નામના મેળવી ચૂક્યું છે. કુવૈત, લંડન, સ્પેન જેવા દેશોમાં તેમના પેઇન્ટિંગનાં પ્રદર્શનો યોજાયાં છે. તેમનું એક પેઇન્ટિંગ સવાબે લાખ રૂપિયામાં વેચાયું હતું. તેઓ કહે છે, ‘કુવૈતમાં મંથન નામની એક પેઇન્ટિંગની સિરીઝ ડિસ્પ્લે કરેલી. એનાં તમામેતમામ પેઇન્ટિંગ સોલ્ડ આઉટ થઈ ગયાં હતાં. એ જ એક્ઝિબિશનમાં પાકિસ્તાન એમ્બેસીના ઑફિસરે એક પેઇન્ટિંગ પ્રત્યે પોતાની વિશેષ લાગણી જાહેર કરી એ ક્ષણ પણ યાદગાર છે. પેઇન્ટિંગે મને બીજું જીવન આપ્યું છે. હું ફિઝિકલી ખૂબ જ નબળી પડી ગઈ હતી એ સમયે પેઇન્ટિંગ દ્વારા જાતને અભિવ્યક્ત કરતી ગઈ અને સ્વસ્થ
બનતી ગઈ.’

ચૌલા દોશીનો મહિલાઓને મેસેજ : જ્યારે કોઈ તમને ચૅલેન્જ કરે અને તમને હાસ્યાસ્પદ ગણે ત્યારે રડવાને કે હારવાને બદલે વધુ ઉત્સાહ દેખાડો. કોઈના શબ્દોથી તમે નથી, તમારાં કાર્યોથી છો. હું તો માનું છું કે જીવનમાં વિરોધ કરનારા લોકો હકીકતમાં આપણને વધુ નિખારવા માટે જ આવતા હોય છે

વર્લ્ડ બૅન્ક પણ આ ગુજરાતી યુવતી પાસે ઍડ્વાઇઝ લે છે

ઘાટકોપરમાં રહેતી અને ૨૩ વર્ષની ઉંમરે દેશની યંગેસ્ટ સૉલિસિટર બનેલી સ્તુતિ ગલિયા અત્યારે ભારતની ટૉપ થ્રી ઍડ્વોકસી ફર્મમાંની એક ફર્મમાં પાર્ટનર તરીકે કામ કરે છે

કાયદાની આરપાર : સ્તુતિ ગલિયા

ત્રેવીસ વર્ષની ઉંમરે સૉલિસિટર બનનારી દેશની પહેલી યંગેસ્ટ સૉલિસિટર સ્તુતિ ગલિયા અત્યારે ભારતની ટૉપ થ્રી સૉલિસિટર કંપનીમાંથી એકમાં પાર્ટનર તરીકે સક્રિય છે. આર. આર. પાટીલના હાથે તેમને નારી રત્ન અવૉર્ડ મળ્યો છે. રિસન્ટ્લી, હાઈ કોર્ટના જજ દ્વારા તેને અવૉર્ડથી સન્માનિત કરવામાં આવી. સ્તુતિ ગલિયા કહે છે, ‘હું ઘાટકોપરમાં જ જન્મી અને ઊછરી છું. મારું ગ્રૅજ્યુએશન માઇક્રોબાયોલૉજી અને બાયોટેક્નૉલૉજીમાં થયું છે. એ પછી મારે ફૉરેન ભણવા જવું હતું એ દરમ્યાન લૉમાં ખૂબ સારો સ્કોપ છે એવી ખબર પડી એટલે કાયદાનો અભ્યાસ શરૂ કર્યો એમાં મુંબઈ યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવી. એ પછી સૉલિસિટર અને એલએલએમનો સાથે અભ્યાસ શરૂ કર્યો અને એમાં પણ ફર્સ્ટ અટેમ્પમાં બધું ક્લિયર થઈ ગયું. કાયદાની વાત મને વધુ સમજાતી હતી. એ આપણા રોજબરોજના જીવન સાથે સંકળાયેલું છે અને એમાં ઘણી બાબતો છે જે નેશન બિલ્ડિંગ માટે મહત્ત્વની છે.’

વર્લ્ડ બૅન્ક નિયમિત ધોરણે ભારતના ડેવલપમેન્ટ, સરકારી નીતિઓ અને લીગલ સિનારિયો પર ઇન્પુટ્સ લેવામાં આવતા હોય છે જે તેમના રેગ્યુલર રિપોર્ટ્સમાં પબ્લિશ કરવામાં આવે છે, જેમાં દરેક દેશને રૅન્કિંગ્સ આપવામાં આવે છે અને એના આધારે વિદેશી કંપનીઓ ભારતમાં રોકાણ કરતી હોય છે. સ્તુતિ ગલિયા વર્લ્ડ બૅન્કને આ રિપોર્ટ માટે જરૂરી ડેટા અને આર્ટિકલ્સ પૂરા પાડે છે. તે કહે છે, ‘જીવનમાં હાર્ડવર્ક વિના કોઈ સફળતા મળતી નથી. હું જ્યારે લૉનો અભ્યાસ કરી રહી હતી ત્યારે ૬ મહિના ઘરની બહાર નહોતી નીકળી. સામાજિક ધોરણે મારે પોતે બહુ પડકાર નથી સહેવા પડ્યા, કારણ કે પરિવારનો પૂરો સપોર્ટ હતો, પરંતુ મેં એવી મહિલાઓ જોઈ છે જે ખૂબ સંઘર્ષ કરીને ઘરની બહાર નીકળતી હોય છે. મહેનત અને સંઘર્ષ કરવાની તૈયારી હોય તો કોઈ પણ ગોલ દૂર નથી રહેતો. કેટલા પણ મોટા ઘરની સ્ત્રી હોય તેણે અમુક અંશે તો ઘરની જવાબદારી અને પ્રોફેશનલ જવાબદારી વચ્ચે મલ્ટી ટાસ્કિંગ કરવું જ પડતું હોય છે.’

સ્તુતિનો મહિલાઓને મેસેજ : માત્ર પૈસા માટે નહીં, પર્સનલ ગ્રોથ માટે આગળ વધતા રહો. તમારી હૉબી અને પૅશનને પણ જીવો અને શક્ય હોય તો એમાં જ જાતને વધુ નિખારો.

international womens day womens day