૮ તારીખે મળીએ પોતાના ક્ષેત્રમાં ડંકો વગાડનારી ૮ ક્ષેત્રની ૮ મહિલાઓને4-6

08 March, 2020 06:55 PM IST  |  Mumbai Desk | Ruchita Shah, Shailesh Nayak, Aparna shirish

૮ તારીખે મળીએ પોતાના ક્ષેત્રમાં ડંકો વગાડનારી ૮ ક્ષેત્રની ૮ મહિલાઓને4-6

ટીના ધરમશી. જીગ્ના ગજ્જર, પ્રીતિ સાવલા

પુરુષપ્રધાન સમાજમાં તેણે ઓછું નથી સહ્યું. જોકે જેમ સહેતી ગઈ એમ વધુ ને વધુ નક્કર બનતી ગઈ. હવે તેની રફ્તારને રોકવી અશક્ય છે, કારણ કે અઢળક અને અસીમિત યાતનાઓને પાર કરીને તેણે પોતાની જાતને સાબિત કરી છે. જેમ સોનું તપે એમ શુદ્ધતાને પામે એમ સ્ત્રીઓ તપી છે. ખૂબ તપી છે. સદીઓ સુધી તપીને નીખરી છે. હજીયે પડકારો તેની સામે આંખ કાઢીને ઊભા જ છે. દિવસમાં કેટલીયે વાર તેણે બળાત્કારી આંખો અને ખરાબ દાનત ધરાવતા પુરુષોની નજર તળેથી પસાર થતા રહેવાનું છે. કોઈક કમનસીબ ઘડીઓમાં કદાચ આવી કોઈ દરિંદગીનો શિકાર પણ બનવાનું છે. તે બને છે શિકાર પણ અટકતી નથી. જ્યાં સુધી પ્રાણ હોય ત્યાં સુધી લડી લેવા તૈયાર છે. 

‘બિગ બૉસ’નું ઘર ડિઝાઇન કરેલું આપણાં આ ગુજરાતી બહેને

મળો ટીના ધરમશીને જેઓ સેટ-ડિઝાઇનર તરીકે એન્ટરટેઇન ઇન્ડસ્ટ્રીમાં માનવંતું નામ ગણાય છે

સેટ-ડિઝાઇનર : ટીના ધરમશી

મૂળ કચ્છનાં પણ ઔરંગાબાદમાં ઊછરેલાં અને લગ્ન બાદ મુંબઈમાં સ્થાયી થયેલાં ટીના ધરમશી ગુજરાતી મહિલાઓ માટે ઑફ બીટ કહેવાય એવી ફીલ્ડમાં છે. એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં તેઓ છેલ્લાં ૧૯ વર્ષથી સેટ-ડિઝાઇનર તરીકે કાર્યરત છે. બિગ બૉસ, લવ કુશ, તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સહિતની ૧૦૫ ટીવી-સિરિયલો, ૧૭ ફીચર ફિલ્મ અને ઢગલાબંધ ઍડ-ફિલ્મોના સેટ તેમણે ડિઝાઇન કર્યા છે અને ઇન્ડિયન ટેલિ અવૉર્ડ, સબકે અનોખે અવૉર્ડ, ગોલ્ડન પેટલ અવૉર્ડ, સ્ત્રીશક્તિ અવૉર્ડ જેવા પુરસ્કાર પણ પોતાને નામ કર્યા છે. મૂળ આર્કિટેક્ચરનો અભ્યાસ કરી ચૂકેલાં ટીનાબહેનની ઍબસ્ટ્રેક્ટ ડિઝાઇનર્સ નામની કંપનીમાં તેમના હાથ નીચે ૨૫ જેટલા ઇન્ટીરિયર ડિઝાઇનરો અને આર્કિટેક્ટ્સ કામ કરે છે. તાજેતરમાં ટીવી પર પ્રસારિત થયેલા ‘બિગ બૉસ’ના ઘરનો સેટ ટીનાએ જ ડિઝાઇન કરેલો. હાલમાં સ્ટાર ભારત પર ચાલી રહેલી રાધા-કૃષ્ણ સિરિયલનો સેટ પણ તેમણે ડિઝાઇન કર્યો છે જે ખૂબ જ વખણાયો છે. આ વર્ષે રિલીઝ થનારી એક બ્રિટિશ ફિલ્મ તેમ જ સલમાન ખાનની આગામી ફિલ્મના સેટ પર તેઓ કામ કરી રહ્યાં છે.

આ ફીલ્ડમાં કરીયર બનાવવામાં થયેલા અનુભવો વિશે વાત કરતાં ટીનાબહેન કહે છે, ‘જે છોકરીને લગ્નના બીજા જ દિવસે સાસુ કહી દે કે તુ તારે, કરીઅર સંભાળ, ઘરનું હું જોઈ લઈશ! તો એ વહુ આ સપોર્ટ સાથે કેટલી ઊંચાઈઓ સર કરી શકે એનો હું જીવતોજાગતો દાખલો છું. મારી કરીઅરની શરૂઆત લગ્ન પછી થઈ. એક ઘરનું ઇન્ટીરિયર કરી રહી હતી ત્યારે જ સિરિયલનો સેટ ડિઝાઇન કરવાની ઑફર મળી અને કામ કરવાની મજા આવી. આપણું કામ આખી દુનિયા ટીવી પર જોશે એ વાતનો આનંદ જ અનોખો છે અને પછી ક્યારેય પાછું વળીને નથી જોયું. બન્ને દીકરીઓના જન્મ વખતે પણ છેલ્લા દિવસ સુધી સેટ પર હતી અને ડિલિવરી બાદ ૧૫ દિવસ પછી તરત જ કામ ફરી શરૂ કરી દીધું હતું. આ બધું મારી ટાઇમ મૅનેજમેન્ટની સ્કિલ અને મારી પાછળ સપોર્ટ સિસ્ટમ તરીકે અડીખમ ઊભેલી બીજી બે નારીઓ એટલે કે મારી મમ્મી અને સાસુને લીધે શક્ય બન્યું છે. લોકો કહે છે કે ફિલ્મલાઇન છોકરીઓ માટે સારી નહીં, પણ આ લાઇનમાં મારો અનુભવ ખૂબ જ સારો અને સેફ રહ્યો છે.’
ટીનાએ ટીવી અને ફિલ્મના સેટ ડિઝાઇન કરવાની સાથે હવે લગ્નના ભવ્ય સેટ ડિઝાઇન કરવાની ફીલ્ડમાં પણ પગરણ માંડી દીધાં છે.

ટીના ધરમશીનો મહિલાઓને મેસેજ : સ્ત્રી એ ઈશ્વરે બનાવેલું સૌથી પાવરફુલ અસ્તિત્વ છે. જો તેનામાં કામ કરવાની ધગશ, ટાઇમ-મૅનેજમેન્ટ અને પોતાનાં કામ સાથે કામ રાખવાની આવડત હોય તો તેને દુનિયામાં કોઈ રોકી નથી શકતું. દરેક સ્ત્રીએ પોતાનામાં છૂપેલી ટૅલન્ટને ઓળખીને એમાં કંઈક કરવા મચી પડવું જોઈએ. જોકે સ્ત્રીને આગળ વધવા માટે સપોર્ટ મળે તો તેનો સોળે કળાએ વિકાસ થાય છે.

એક પણ રૂપિયો લીધા વિના સરકારી શાળા અને ચાલીઓનાં બાળકોને ક્રિકેટ શીખવતી અમદાવાદની જિજ્ઞા ગજ્જરને મળો

ચાર વર્ષમાં ૪૦થી વધુ બાળકોને તેમણે કોચિંગ આપ્યું છે જેમાંથી કેટલાંક દુલીપ ટ્રોફી સહિતની મૅચ રમી આવ્યાં છે

રમતમાં અવ્વલ: જિજ્ઞા ગજ્જર

ગુજરાતની મહિલા ક્રિકેટ ટીમમાંથી સતત ૬ વર્ષ સુધી સ્ટેટ પ્લેયર તરીકે ક્રિકેટ રમનારા અને બૅન્ગલોરની નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીમાંથી કોચનો કોર્સ કરનારી અમદાવાદની જિજ્ઞા બિપિન ગજ્જર અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ભાડેથી મેદાન રાખીને ૩૦થી વધુ છોકરા–છોકરીઓને ક્રિકેટનું કોચિંગ નિ:શુલ્ક આપી રહ્યાં છે. આજથી ચાર વર્ષ પહેલાં તેમણે બે બૅટ અને ચાર સૉફ્ટ બૉલ લઈને સામાન્ય વર્ગના અને મિડલ ક્લાસના છોકરાઓને ફ્રીમાં ક્રિકેટ શીખવવાની શરૂઆત કરી હતી. આજે પરિસ્થિતિ એવી છે કે તેમની પાસે ક્રિકેટના કોચિંગમાં આવતા તમામ સ્ટુડન્ટ્સ પાસે પર્સનલ ક્રિકેટની કિટ-બૅગ છે

જિજ્ઞા ગજ્જર ‘મિડ-ડે’ને પોતાના ક્રિકેટના પૅશન વિશે વાત કરતાં કહે છે, ‘મને ક્રિકેટનો શોખ મારી મમ્મીમાંથી આવ્યો. મમ્મી કામ કરતાં-કરતાં રેડિયો પર ઇન્ડિયાની તમામ મૅચોની કૉમેન્ટરી સાંભળતી. ટીવીમાં મ‍ૅચનું પ્રસારણ થતું ત્યારે તે જોતી એટલે મને પણ ક્રિકેટ માટે શોખ જાગ્યો અને મેં ક્રિકેટર બનવાનું નક્કી કર્યું. સ્કૂલમાં પ્રોફેશનલ ક્રિકેટ કોચિંગ ન મળ્યું. એ પછી એચ. કે. આર્ટ્સ કૉલેજમાં ઍડ્મિશન લીધું, પણ એમાં વુમન્સ ક્રિકેટ માટે કોચિંગ નહોતું, પણ એક વર્ષ પછી ખબર પડી કે કૉમર્સ વિભાગમાં વુમન્સ ક્રિકેટ માટે કોચિંગ કરાવતા હતા. હું સ્પોર્ટ્્‍સસર ગૌતમ શાહને મળી. તેમણે મારા ક્રિકેટના શોખ વિશે જાણીને મને હા પાડી અને એ રીતે ૨૦૦૩માં પ્રોફેશનલ કોચિંગ કૉલેજમાંથી મળવાનું શરૂ થયું. હું ગુજરાત સ્ટેટ પ્લેયર તરીકે ૬ વર્ષ સુધી ટીમમાં એક ઑલરાઉન્ડર તરીકે ક્રિકેટ મૅચ રમી છું. આ વર્ષો દરમ્યાન ૩૦થી ૩૫ જેટલી ડોમેસ્ટિક ફર્સ્ટ ક્લાસ મૅચો હું રમી હતી. હું ઓપનિંગ બોલર હતી. ૨૦૦૮માં મારાં મૅરેજ થયા બાદ ક્રિકેટમાં બ્રેક આવ્યો. મને ટીમ ઇન્ડિયા વતી રમવાનો મોકો નથી મળ્યો અને ઇન્ડિયન ટી-શર્ટ પહેરવા નથી મલ્યું એનો વસવસો રહ્યો છે.’

ગરીબ બાળકોને નિ:શુલ્ક ભણાવતા શિક્ષકપિતા પાસેથી ક્રિકેટ શીખવવાની પ્રેરણા મળી હતી એમ જણાવીને જિજ્ઞા કહે છે, ‘જો પપ્પા ફ્રીમાં એજ્યુકેશન આપે તો હું આવાં બાળકોને ક્રિકેટ ફ્રીમાં કેમ ન શીખવાડી શકું. હું એવાં બાળકોને ક્રિકેટ શીખવાડવા માટે પૈસા નહીં લઉં એવું મેં નક્કી કર્યું. બૅન્ગલોરથી નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીમાંથી લેવલ-એ કોચનો કોર્સ કર્યો. મારા મિસ્ટરને ક્રિકેટ ઍકૅડેમી શરૂ કરવાની વાત કરી અને એ પણ ફ્રીમાં કોચિંગ આપવાની વાત કરી તો તેમણે હા પાડી અને કહ્યું કે આ અઘરું કામ છે, શરૂ કરે છે તો મક્કમ રહેજે. અમે મિડલ ક્લાસ ફૅમિલી હોવાથી બહુ ખર્ચ કરી શકીએ એમ નહોતા, પણ ક્રિકેટ માટેનાં જરૂરી સાધનો માટે સ્પોર્ટ્‍સની દુકાનવાળા અમિતભાઈ અને બીજા મિત્રોનો સપોર્ટ મળી રહ્યો છે અને ટુકડે-ટુકડે પૈસા આપી રહી છું. કોચિંગ કરાવવા માટેના ખર્ચને મૅનેજ કરવા માટે દોઢ વર્ષ સુધી મૂવી જોવા બહાર જતાં નહોતાં તેમ જ બહાર ખાવા જવાનું ટાળ્યું હતું અને કપડાં ઓછાં લેતાં હતાં.’
જિજ્ઞાબહેન પાસે શીખેલાં બાળકોમાંથી ૬ છોકરાઓ દુલીપ ટ્રોફીની મૅચો રમ્યા છે. આ ઉપરાંત પ્રાઇવેટ લીગ મૅચ પણ છોકરાઓને રમાડવા મોકલે છે. તેઓ કહે છે, ‘હું તો ઇન્ડિયન ટીમમાં સિલેક્ટ થઈ ન શકી, પણ અન્ડર પ્રિવિલેજ બાળકોને અહીં સુધી પહોંચાડી શકી છું ત્યારે મારું સપનું છે કે મારે ત્યાંથી કોચિંગ લઈને કોઈક છોકરો કે છોકરી ઇન્ડિયન ટીમમાં સિલેક્ટ થાય.’

જિજ્ઞા ગજ્જરનો મહિલાઓને મેસેજ: હિંમત નહીં હારો. તમે ગમે તે કરવા સક્ષમ છો. તમારા માર્ગમાં પડકારો આવશે, રસ્તો નહીં દેખાય, પણ એની સામે જો અડગ રહ્યાં તો તમે જંગ જીતી ગયાં સમજજો

વેસ્ટર્ન રીજનમાં ધ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયાનાં આ મહિલા પ્રેસિડન્ટે શું કમાલ કરી છે?

બાવીસ વર્ષની ઉંમરે લગ્ન થઈ ગયા પછી સીએનું રિઝલ્ટ આવેલું. પરિવારની જવાબદારી નિભાવતાં-નિભાવતાં પ્રોફેશનલ વર્લ્ડમાં પણ અવ્વલ કઈ રીતે થવાય એ થાણેમાં રહેતાં પ્રીતિ સાવલા પાસેથી શીખવા જેવું છે

ચાર્ટર અકાઉન્ટન્ટ: પ્રીતિ સાવલા

મુલુંડમાં મોટાં થયેલાં અને હવે થાણેમાં રહેતાં પ્રીતિ સાવલાને સંઘર્ષથી ડર નથી લાગતો. ભણવામાં હંમેશાં અવ્વલ રહેલાં પ્રીતિબહેન આ વર્ષે ભારત સરકાર અંતર્ગત આવતું સંગઠન ધ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ અકાઉન્ટન્સી ઑફ ઇન્ડિયાનાં પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયાં છે. આ સંસ્થા સાથે એક લાખ સોળ હજાર સીએ જોડાયેલા છે. એના અંતર્ગત ૩૫ શાખા, અઢી લાખ સ્ટુડન્ટ્સ અને ૬૫ સ્ટડી સર્કલ છે. તેમના અધ્યક્ષપદ હેઠળ તેમના અસોસિએશનને બેસ્ટ રીજનનો અવૉર્ડ મળ્યો છે. પોતાની ચાર્ટર્ડ અકાઉન્ટન્સી ફર્મ ધરાવતા અને ત્રણેક કંપનીમાં ડિરેક્ટરપદ ધરાવાં પ્રીતિ સાવલા કહે છે, ‘હવે તો ખેર જીવન ઘણું સ્મૂધ થઈ ગયું છે. જોકે પહેલાં સ્ટ્રગલ મેં પણ કરી છે. મારે સાયન્સમાં જવું હતું, પણ પિતાના આગ્રહને કારણે કૉમર્સ લીધું. એમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્સીનું ભણી. મને યાદ છે કે અગિયારમા ધોરણમાં હતી અને મને પગમાં મસ્ક્યુલર લેવલની કોઈ બીમારી હતી એટલે ભયંકર દુખાવો થતો હતો. હું ચાલી નહોતી શકતી અને પરિસ્થિતિ એટલી બગડી કે તાત્કાલિક સર્જરી કરાવવી પડી. ફેબ્રુઆરીમાં સર્જરી થઈ અને પંદર જ દિવસમાં એક્ઝામ હતી. મને સંપૂર્ણ બેડ-રેસ્ટ કરવાનું કહેવામાં આવ્યું હતું, પણ જો હું પરીક્ષા ન આપું તો વર્ષ બગડે. છેલ્લે પપ્પા અને અંકલે સ્કૂલમાં બેડની વ્યવસ્થા કરીને હું એક્ઝામ આપી શકું એ માટે મૅનેજમેન્ટ સાથે વાત કરી અને ૬ દિવસ હું ઍમ્બ્યુલન્સમાં એક્ઝામ આપવા ગઈ હતી અને ફર્સ્ટક્લાસ સાથે પાસ થઈ. જીવનમાં ઘણું કરવું હતું, પણ એ દરમ્યાન લગ્ન થઈ ગયાં. બાવીસ વર્ષની ઉંમરે લગ્ન થઈ ગયા પછી સીએનું રિઝલ્ટ આવ્યું અને એમાં પહેલા જ અટેમ્પમાં પાસ થઈ ગઈ.’

લગ્ન પછી તેમણે ઇન્સૉલ્વન્સી પ્રોફેશનલનો કોર્સ કર્યો, ઇન્ડિયન સ્કિલ ઑફ બિઝનેસમાંથી ઑન્ટ્રપ્રનરશિપનો કોર્સ કર્યો છે જેમાં તેમને ૧૨ લાખ રૂપિયાની સ્કૉલરશિપ મળી હતી. આવા અન્ય પણ ઘણા કોર્સ કર્યા. તેઓ કહે છે, ‘મેં લગ્ન પછી કારકિર્દી બનાવવાની શરૂઆત કરી રહી હતી છતાં ઘરના કામમાં મેં ક્યારેય ના નથી પાડી. બસ બધું મૅનેજ કરતી જતી હતી. મારાં સાસુ-સસરા ચોવિહાર કરતાં તો એ ધ્યાન રાખતી. મહેમાન આવે તો તેમનું પણ ધ્યાન રાખ્યું છે. સવારે વહેલી ઊઠીને ઘરનાં કામ કરતી, પછી ઑફિસ જતી અને સાંજે ચાર વાગ્યે પાછું સાસુ-સસરાના ચોવિહાર માટે ઘરે આવતી. શરૂઆતના સમયમાં તકલીફો પડી પણ પછી સિસ્ટમ બનાવતી ગઈ.’

જૉઇન્ટ ફૅમિલીમાં રહ્યા પછી પણ તેમણે બધાનું માન જાળવતાં-જાળવતાં પોતાનું કામ કર્યું છે. લગ્ન અને બાળક પછી પોતાનું કામ છોડી દેતી મહિલાઓને તેઓ મેન્ટર કરીને ફરી પાછાં પોતાના પ્રોફેશનમાં સક્રિય કરે છે.

પ્રીતિ સાવલાનો મહિલાઓને મેસેજ : હું ત્રણ Dને ફૉલો કરવાની સલાહ દરેક મહિલાઓને આપીશ. ડિઝાયર, ડેડિકેશન અને ડિટરમિનેશન. કોઈ વસ્તુની ઇચ્છા કરો, એને માટે નિશ્ચય કરો અને પછી એને માટે મહેનત કરો તો બધું જ શક્ય છે. આજની યંગ મહિલાઓને કહીશ કે થોડી ધીરજ રાખો. શરૂઆતમાં જતું કરીને ધીરજથી આગળ વધો. બધું જ ફાસ્ટ નહીં મળે, થોડો સમય લાગે છે એ વાતને સ્વીકારો

international womens day womens day