૮ તારીખે મળીએ પોતાના ક્ષેત્રમાં ડંકો વગાડનારી ૮ ક્ષેત્રની ૮ મહિલાઓને1-3

08 March, 2020 06:36 PM IST  |  Mumbai Desk | Ruchita Shah, Shailesh Nayak, Aparna shirish

૮ તારીખે મળીએ પોતાના ક્ષેત્રમાં ડંકો વગાડનારી ૮ ક્ષેત્રની ૮ મહિલાઓને1-3

ઝંખના પાસડ, ભારતી ઓડદરા, શીલા ગાલા

એ હારતી નથી, એ થાકતી કે ભાગતી નથી, પણ ફેસ કરે છે. ઝઝૂમે છે. લડે છે અને એટલે જ ધારેલું પાર પાડવાની ક્ષમતા તેની નસમાં લોહી સાથે વહે છે. સ્ત્રીનું શક્તિપણું માત્ર પુસ્તકો કે દેવાલયોની દાસ્તાન નથી. નખશિખ વાસ્તવિકતા છે. પુરુષપ્રધાન સમાજમાં તેણે ઓછું નથી સહ્યું. જોકે જેમ સહેતી ગઈ એમ વધુ ને વધુ નક્કર બનતી ગઈ. હવે તેની રફ્તારને રોકવી અશક્ય છે, કારણ કે અઢળક અને અસીમિત યાતનાઓને પાર કરીને તેણે પોતાની જાતને સાબિત કરી છે. જેમ સોનું તપે એમ શુદ્ધતાને પામે એમ સ્ત્રીઓ તપી છે. ખૂબ તપી છે. સદીઓ સુધી તપીને નીખરી છે. હજીયે પડકારો તેની સામે આંખ કાઢીને ઊભા જ છે. દિવસમાં કેટલીયે વાર તેણે બળાત્કારી આંખો અને ખરાબ દાનત ધરાવતા પુરુષોની નજર તળેથી પસાર થતા રહેવાનું છે. કોઈક કમનસીબ ઘડીઓમાં કદાચ આવી કોઈ દરિંદગીનો શિકાર પણ બનવાનું છે. તે બને છે શિકાર પણ અટકતી નથી. જ્યાં સુધી પ્રાણ હોય ત્યાં સુધી લડી લેવા તૈયાર છે. નિર્ભયાની જેમ પ્રત્યેક સ્ત્રી સજ્જ છે. હવે આવતી ગમે તેવી તલીફો સામે પડવા માટે પણ હવે તે અટકશે નહીં. હવે તેને પોતાનું મૂલ્ય સમજાઈ ગયું છે. પોતાની સજ્જતા, સક્ષમતા અને સાહસિકતાનો અનન્ય પરચો કરાવી ચૂકેલી સેંકડો મહિલાઓ આજે સમાજ ઉત્કર્ષમાં ભાગ ભજવી રહી છે. આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મહિલાઓનો મહિમા દર્શાવવા ‘મિડ-ડે’એ ૮ એવાં ક્ષેત્રો પસંદ કર્યાં છે જે પુરુષોના પ્રભુતત્વવાળો એરિયા હતો. હવે એમાં ગુજરાતી મહિલાઓનાં પગરણ પડ્યાં છે અને એવા ક્ષેત્રમાં પણ ટૉપ સુધી તે પહોંચી છે. મળીએ એવી જ કેટલીક માનુનીઓને અને ઊજવીએ સ્ત્રીઓમાં સહજ રહેલી સશક્તતાને.

દેશની સેવા કરી રહી છે ડોમ્બિવલીની આ ગુજરાતી ગર્લ

દેશની રક્ષક : ઝંખના પાસડ

ગુજરાતી ગભરુ પ્રજાવાળી માન્યતાનો છેદ ઉડાડીને ઝંખના ચંદ્રેશ પાસડ પાંચ વર્ષમાં આર્મીમાં મેજર પદ સુધી પહોંચી ચૂકી છે. બે વર્ષ સુધી પાકિસ્તાનની નજીક આવેલા બારામુલા વિસ્તારમાં તેનું પોસ્ટિંગ થયું ત્યારે ૪૦૦ જણમાં તે એકલી લેડી ઑફિસર હતી

મૂળ મુંબઈની ઝંખના પાસડનું પોસ્ટિંગ અત્યારે મેરઠમાં છે. પાંચ વર્ષ પહેલાં તેમણે આર્મી જૉઇન કર્યું એ પછી સંવેદનશીલ વિસ્તાર ગણાતા કાશ્મીરના બારામુલામાં બે વર્ષ તેમનું પોસ્ટિંગ હતું. એ સમયે તે એકલી મહિલા ઑફિસર હતી. આ વિસ્તારોમાં સ્ત્રી-પુરુષનો કોઈ ભેદ હોતો નથી. કોઈ વધારાની સગવડ ન મળે. ઝૂંપડા જેવામાં રહેવાનું હોય. જોકે મોટા ભાગના પ્રૉબ્લેમ પરિવાર સુધી પહોંચે પણ નહીં. એક વર્ષ સિરિયામાં યુનાઇટેડ નેશન્સ પીસ કીપિંગ ફોર્સમાં એકમાત્ર મહિલા આર્મી ઑફિસર તરીકે તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. દેશદાઝ તેની નસનસમાં વહે છે.

ડોમ્બિવલીમાં રહેતાં ચંદ્રેશ અને મંજુ પાસડને બે દીકરીઓ છે જેમાંથી ઝંખના મોટી દીકરી. મંજુબહેન કહે છે, ‘ઝંખનાએ ૧૨ વર્ષની ઉંમરે અલીબાગ આગળ આવેલા ધરમતરથી ગેટવે ઑફ ઇન્ડિયા સુધીનું ૪૪ કિલોમીટર સ્વિમિંગ આઠ કલાક ૫૫ મિનિટમાં પાર પાડ્યું હતું. એના આગલા દિવસોમાં સુનામીની શક્યતાને કારણે દરિયાનાં મોજાં જોરદાર ઊછળી રહ્યાં હતાં અને એક અઠવાડિયા અગાઉ ઝંખના ગૅસ્ટ્રો પ્રૉબ્લેમને કારણે હૉસ્પિટલમાં હતી. જોકે એ સમયે પણ વચ્ચે-વચ્ચે સલાઇન કાઢીને તે સ્વિમિંગની પ્રૅક્ટિસ માટે જતી. તેનામાં જબરદસ્ત ગટ્સ છે અને તે પહેલેથી જ પોતાને શું કરવું છે એ બાબતને લઈને ક્લિયર છે. આર્મીમાં પણ તેને શું કરવું એ ખબર હોય અને પછી એના માટે જીવ રેડીને તે મચી પડતી હોય છે.’

દેશ માટે ઝંખનાને પહેલેથી જ કંઈક કરવું હતું એમ જણાવીને ઝંખનાના પિતા ચંદ્રેશભાઈ કહે છે, ‘સ્કૂલમાં તેના પ્રિન્સિપાલ આર્મીમૅન હતા એટલે સ્કૂલના સમયથી જ તે આર્મીમાં જશે અથવા આઇએએસ ઑફિસર બનશે એવું કહેતી. જોકે જેમ મોટી થતી ગઈ એમ આર્મી તરફ તેનો ઝુકાવ વધતો ગયો. અમારા પરિવારમાં દૂર-દૂર સુધી કોઈ આર્મીમાં નથી. મહેનત અને કામ સિવાય તેને ક્યારેય કોઈ બાબતમાં રસ નથી પડતો. પોતાની જવાબદારીઓને શ્રેષ્ઠ રીતે નિભાવવી એ તેની ખૂબી છે. પોતાને જે કરવું છે એ કરવા માટે તે ગમે એ સ્તર પર જવા તૈયાર છે. ડર જેવું તેના મગજમાં કંઈ જ નથી.’

આર્મીમાં આમ પણ મહિલાઓનું પ્રમાણ ઓછું છે અને એમાંયે ઑફિસર કેડર તો ખૂબ જ ઓછા છે. ઝંખના એમાંથી એક છે. ચંદ્રેશભાઈ કહે છે, ‘પુરુષ હોય કે મહિલા, દરેક આર્મી ઑફિસરની ડ્યુટી પર લાગતાં પહેલાં એક વર્ષની આકરી ટ્રેઇનિંગ ચેન્નઈમાં થાય છે. એમાં ૨૪૭ કેડેડ્સમાં ઝંખના ચોથા નંબરે હતી. તેણે જૉઇન કર્યું ત્યારે તે લેફ્ટનન્ટ હતી, એ પછી કૅપ્ટન બની અને હવે તેનું પ્રમોશન મેજર તરીકે થયું છે’

ઝંખના પાસડનો મહિલાનો મેસેજ: મહિલાઓ માટે કંઈ જ અશક્ય નથી. જોકે આજની યુવતીઓને કહીશ કે તમે તમારી જાતને પરિવાર કે સમાજ સેન્ટ્રિક બનાવીને સીમિત ન કરો. તમે દેશને ઘણું આપી શકો છો. હું કામ પર હોઉં છું ત્યારે મારી જાતને મહિલા તરીકે વધુ સ્ટ્રૉન્ગ માનું છું. નવાં ક્ષેત્રોને એક્સપ્લોર કરો. તમારા માટે સ્કાય ઇઝ લિમિટ છે. સ્વતંત્ર બનો

ગુજરાતની આ દીકરી છત્તીસગઢમાં અંતરિયાળ ગામમાં જઈને શિક્ષણ-સમાજસેવાનું કાર્ય હિંમતભેર કરી રહી છે

જૂનાગઢના કોયલી ગામની ભારતી ઓડેદરા છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં આવેલા તોયલંકા અને ચંદેનાર ગામમાં બાળકોને અભ્યાસ અને ઇતર પ્રવૃત્તિ કરાવવા ઉપરાંત સ્થાનિક આદિવાસી સમાજના ઉત્થાન માટે કાર્ય કરી રહી છે

અનોખી સેવક : ભારતી ઓડેદરા

છત્તીસગઢ અને એમાં આવેલો દંતેવાડા જિલ્લો. આ વાંચતાં જ તમારા સ્મૃતિપટ પર જાણ્યે-અજાણ્યે કદાચ નક્સલવાદનુ નામ આવી ગયું હશે. હિંસા અને ગોળીઓથી ખદબદતા આ વિસ્તારમાં ગુજરાતની એક દીકરી ભારતી નાગાભાઈ ઓડેદરા શિક્ષણ અને સમાજસેવાનું કાર્ય હિંમતભેર કરી રહી છે. પોતાના ગામમાં જ પ્રાથમિક શિક્ષણ લીધું હતું અને ત્યાર બાદ જૂનાગઢમાં ધોરણ ૮થી ૧૨ સુધીનો અને કૉલેજનો અભ્યાસ કરીને અમદાવાદમાં આવેલી ગુજરાત વિદ્યાપીઠમાંથી એમએસડબ્લ્યુનો ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. એ સમયે વિદ્યાપીઠમાં મહાત્મા ગાંધીજીનાં પુસ્તકો એક અભ્યાસના ભાગરૂપે વાંચવામાં આવ્યાં હતાં. એનાથી ઇન્સ્પાયર્ડ થયેલી ભારતી સેવાકાર્યમાં સક્રિય થઈ છે. છત્તીસગઢના દંતેવાડાનાં બે ગામમાં બાળકોને અભ્યાસ કરાવતી અને સ્થાનિક આદિવાસી સમાજના ઉત્થાન માટે કાર્ય કરતી ભારતી ઓડેદરા ‘મિડ-ડે’ને કહે છે, ‘ગુજરાત વિદ્યાપીઠમાંથી અભ્યાસ પૂરો કર્યા બાદ બૅન્ગલોરથી ફોન આવ્યો અને ‘બચપન બચાવો’ સંસ્થામાં મેં છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં આવેલા તોયલંકા ગામમાં કામ શરૂ કર્યું. મારે છત્તીસગઢમાં કામ કરવાનું હોવાથી મારાં મમ્મી–પપ્પાને કેવી રીતે કન્વીન્સ કરું એ ચિંતા હતી. નારાજગી ચાલી, પણ છેવટે બધું સારું થયું. છેલ્લા એક વર્ષથી આ ગામમાં હું બાળકોને અભ્યાસ કરાવું છું. એ ઉપરાંત ચંદેનાર ગામમાં હું ટીચર તરીકે કામ કરું છું. બાળકોને અભ્યાસ કરાવવા ઉપરાંત ચિત્રો દોરાવવા સહિત અન્ય પ્રવૃત્તિ પણ કરાવીએ છીએ. આ ગામો અંતરિયાળ ગામો છે. ત્યાં ગોંડ સમુદાય સાથે કામ કરું છું. મહિલાઓ સાથે ખેતીવાડી વિષયક, જંગલ પેદાશોના સંદર્ભમાં તેમ જ તેમના આરોગ્યની બાબતે તેમને અવગત કરાવું છું. આ બધા વિશે માહિતી આપવી, જાણકારી આપીને તેમને એમાં જોડાવા માટે પ્રયાસ કરું છું.’

અહીં વાતાવરણ તંગ હોય છે એ વિશે ભારતી કહે છે, ‘ગમે તેવી ઘટનાઓ વચ્ચે પણ હિંમત હાર્યા વગર કામ કરી રહી છું. મેં મારી જાતને ક્યારેય છોકરી જોઈને કામ કરવાનું વિચાર્યું નથી. મારા કામને એ રીતે જોયું નથી. હજી મારી સફર શરૂ થઈ છે, હજી ઘણું ચાલવાનું બાકી છે. અહીં ટૅલન્ટેડ બાળકો છે, તેમને મોકો મળે તો તેઓ પણ ગ્રો થઈ શકે છે એ અમે જોઈ રહ્યા છીએ.’‍

અહીં ઉલ્લેખનીય છે કે અમેરિકાની ગાંધિયન સોસાયટી અને ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ગાંધીવિચારને વરેલા ૧૫ જેટલા કર્મશીલોને તાજેતરમાં સેવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા એમાં ભારતી ઓડેદરાના કાર્યની નોંધ લઈને એનું સન્માન કરવામાં આવ્યું હતું. ગાંધીજીના વિચાર વિશે વાત કરતાં ભારતી ઓડેદરા કહે છે, ‘ગાંધીજીની વાત હતી કે શિક્ષણથી મશીન નહીં, માણસ બનાવો. ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો અને તે ક્યાંક ને ક્યાંક કામે લાગ્યું. જ્યાં કોઈ ન પહોંચે ત્યાં જઈને કામ કરવું એ જરૂરી છે. કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. મેં જે કામ પસંદ કર્યું છે એનાથી લોકો જાગ્રત થાય અને એ રસ્તે લઈ જવાની વાત છે. વિદ્યાપીઠમાં ‘ગાંધીવિચાર અને સમાજકાર્ય’ વિષય તરીકે અભ્યાસ કર્યો હતો. ‘ગાંધીજીની નજરે શિક્ષણ’ વાંચેલું, ગાંધીજીની આત્મકથા, રચનાત્મક કાર્યો વિશે વાંચ્યું છે. ગાંધીજીએ જે વાત કરી છે એ વર્તમાન સમયમાં મહત્ત્વની છે. બાપુએ ભાઈચારા, અહિંસાની વાત કરી છે. હું હવે ગાંધીજીને ફરી વાંચી રહી છું અને એમાંથી અત્યારની પરિસ્થિતિને લઈને કંઈક રસ્તો નીકળશે. મારે ગાંધી એકલાને નહીં, પણ ઘણાબધા લોકોને વાંચવા છે.’

ભારતી ઓડેદરાનો મહિલાઓને મેસેજ : તમે જે પણ કરો એમાં જ્યારે ઓતપ્રોત થઈ જાઓ છો ત્યારે એમાં તમને સફળતા મળે જ છે. પુરુષો ભલે તાકાતવાર હોય, પણ મહિલાઓ વધુ સાહસિક હોય છે. મહિલાઓએ સંવેદનશીલતા અને સાહસિકતાના કૉમ્બિનેશનવાળા પોતાના ગુણોનો સર્વાધિક ઉપયોગ કરવાની જરૂર છે.’

મુંબઈના ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર તમે જે ઊભાં ગાર્ડન જુઓ છોને એની પાછળ આ બહેનનો હાથ છે

ભારતમાં જ્યારે વર્ટિકલ ગાર્ડનનો કન્સેપ્ટ પૉપ્યુલર નહોતો ત્યારે શીલા ગાલાએ ભેજું દોડાવીને કામ શરૂ કર્યું. આજે તેમની કંપનીએ ઍરપોર્ટથી લઈને અંબાણી અને પ્રિયંકા ચોપડા જેવા અનેક સેલિબ્રિટીને ત્યાં દીવાલો પર છોડવા રોપણનું કામ કર્યું છે

બિઝનેસ-માઇન્ડ: શીલા ગાલા

ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ ટર્મિનલ 2 પર તમે ગ્રીનરી જોઈ હશે. દીવાલોની દીવાલો લીલીછમ્મ છે. કોના પ્રતાપે ખબર છે? નવી મુંબઈમાં રહેતી શીલા ગાલાને કારણે. ઍરપોર્ટની ૫૧ દીવાલો પર ૪૦,૦૦૦ કૂંડાંઓમાં લગભગ સવા લાખ છોડવાઓ છે. મૂળ ઇન્ટીરિયર ડિઝાઇનિંગ તરીકે સક્રિય રહેલાં શીલા ગાલા છેલ્લાં ૧૦ વર્ષથી વર્ટિકલ ગાર્ડનિંગનું કામ કરી રહ્યાં છે. આંતરાષ્ટ્રીય ઍરપોર્ટ ઉપરાંત અન્ટિલિયામાં, પ્રિયંકા ચોપડા, હેમા માલિની જેવા સેલિબ્રિટી અને બ્યુરોક્રૅટ્સના ઘરે તેમણે વર્ટિકલ ગાર્ડન ઊભાં કર્યાં છે. શીલાબહેન કહે છે, ‘વિદેશમાં વર્ટિકલ ગાર્ડનનો કન્સેપ્ટ ખૂબ પૉપ્યુલર હતો, પણ ભારતમાં એ મોડો આવ્યો. અમારા પહેલાં પણ ભારતમાં લોકો આ કામ કરતાં હતાં, પણ તેઓ સફળ નહોતા રહ્યા. પ્લાસ્ટિકના કૂંડામાં માટીનો ઉપયોગ કર્યા વિના છોડવા ઉગાડવા અને એને સદૈવ લીલાછમ રાખવાનું કામ મહેનત માગી લેનારું છે. ટેક્નિકથી કામ કરો અને પ્રમાણસર વસ્તુ લો ત્યારે જ એ ગ્રો કરે. અમે કોકોપીટમાં એટલે કે સૂકા નારિયેળની છાલ અને કાચલીના ભુકાનો માટીને બદલે ઉપયોગ કરીએ છીએ. ઑર્ગેનિક ખાતર વાપરીએ છીએ. પ્લાન્ટ્સને મેઇન્ટેનન્સની પણ જરૂર પડતી હોય છે.’

ઇન્ટીરિયરમાંથી આ ક્ષેત્રમાં કેવી રીતે? એનો જવાબ આપતાં શીલાબહેન કહે છે, ‘કુદરત માટેનો મારો લગાવ પહેલેથી જ વધારે છે. જ્યારે વર્ટિકલ ગાર્ડન વિશે ખબર પડી ત્યારે જ હું ખૂબ એક્સાઇટેડ હતી. અમે પોતે બે વર્ષ સુધી એક્સપરિમેન્ટ કર્યા. અહીંની આબોહવા પ્રમાણે કયા છોડવાઓ ઊગશે, કેવું મેઇન્ટેનન્સ કરવું પડે જેવી બધી બાબતો પર પૂરતો અભ્યાસ કર્યો. નાના લેવલથી પછી મોટા લેવલ સુધી પહોંચ્યા છીએ. હવે તો આ સૅમ્પલિંગ્સ માટે પોતાનો ફાર્મ રાખ્યો છે જ્યાં ૪૦ લોકો કામ કરે છે જેમાં ૯૦ ટકા આદિવાસીઓ છે. એવા લોકો જેમને વાંચતા-લખતા પણ નથી આવડતું. દર અઠવાડિયે હું ફાર્મ પર જઈને સૅમ્પલિંગ્સ પસંદ કરું અને સાથે જ આદિવાસીઓને ભણાવું છું. ભણશો તો જ કામ આપીશ એવો નિયમ બનાવ્યો ત્યારથી તેમની અભ્યાસ પર રુચિ વધી છે. તેમની જરૂરિયાતોને સમજીને એ દિશામાં અમે અમારાથી બહેતર બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ.’

 

શીલા ગાલાનો મહિલાઓને મેસેજ: તમે મા છો, પત્ની છો, વહુ છો. આ બધા રોલ અદા કરતાં-કરતાં જ તમારે તમારા જીવનના લક્ષ્યને પાર પાડવાના છે. તમે એ કરી શકો છો. જાતને ઓળખો અને પરિસ્થિતિને રડવાને બદલે એનો સામનો કરીને આગળ વધો

international womens day womens day