સેવક : કિડની-પેશન્ટ્સના નિરાધાર પરિવારોના

16 October, 2011 07:11 PM IST  | 

સેવક : કિડની-પેશન્ટ્સના નિરાધાર પરિવારોના


(મુઠ્ઠીઊંચેરા માણસોની વાત - ફાલ્ગુની જડિયા-ભટ્ટ)

સ્વાભાવિક રીતે લગભગ બધા જ લોકો એવું માને કે આવું તો કંઈ કરાય? પરંતુ ક્યારેક ફિલ્મી લાગતી સ્ટોરી રિયલ લાઇફમાં સત્ય બની જતી હોય છે.  આવી જ એક વ્યક્તિ એટલે કૌશિક કાન્તિલાલ શાહ. મૂળ ગોધરા પાસેના મહેલોલ ગામના બાવન વર્ષના ખડાયતા વાણિયા કૌશિકભાઈ કૅનેડાની સિટિઝનશિપ ધરાવે છે. ભારતથી પ્રોડક્શન-એન્જિનિયરિંગમાં ડિપ્લોમા મેળવી કૅનેડા જતા રહેલા કૌશિકભાઈ ત્યાં એક એન્જિનિયરિંગ ફર્મમાં કામ કરતા હતા અને પોતાનો ટૅક્સ-કન્સલ્ટન્સીનો બિઝનેસ પણ ચલાવતા હતા. ૧૦ વર્ષ બાદ તેઓ એ બધું પડતું મૂકી ભારત આવી ગયા અને પોતાનું સંપૂર્ણ જીવન સમાજસેવા માટે સમર્પિત કરી દીધું. હવે કૌશિકભાઈ સેવક ટ્રસ્ટ નામે એક બિનસરકારી સંસ્થા દ્વારા ડાયાલિસિસના દરદીઓ તથા તેમના પરિવારજનોને વિવિધ મદદ પૂરી પાડી તેમના હમદમ અને હમરાહી બની ગયા છે. તેઓ તેમના સેવક ટ્રસ્ટના નેજા હેઠળ ૫૫૦ પરિવારોને દર મહિને રાહતના દરે અનાજ પૂરું પાડી લોકસેવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. આ બધા વચ્ચે પોતાનું ગુજરાન તેઓ અગાઉ કરેલી બચતના વ્યાજ પર ચલાવે છે.

કૌશિકભાઈ કહે છે, ‘ડાયાલિસિસના દરદીઓની સારવાર પાછળ થતા ખર્ચને પગલે ઘણી વાર તેમના પરિવારો ખુવાર થઈ જતા હોય છે. મધ્યમ કે સામાન્ય વર્ગ માટે તો આ ખર્ચબોજ ન સહી શકાય, ન કહી શકાય એવો હોય છે. એમ છતાં યેનકેન પ્રકારેણ આ પરિવાર પોતાના સ્વજન માટે દરેક પ્રકારનાં ઍડ્જસ્ટમેન્ટ કરવા તૈયાર રહે છે. તેમની એક સાંધો તો તેર તૂટે જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અમે આવા દરદીઓના પરિવારોને દત્તક લઈને તેમને રાહતના દરે અનાજ પૂરું પાડીએ છીએ. આ સાથે અમે આવા દરદીઓને પણ પૂરક દવાઓ પૂરી પાડીએ છીએ. હવે અમે તેમનાં બાળકોને પણ દત્તક લઈને તેમની સ્કૂલ અને કૉલેજની ફી આંશિકરૂપે ભરી આપવામાં મદદરૂપ થઈ રહ્યા છીએ અને અમારી ઇચ્છા તો ડાયાલિસિસના ટેક્નિશ્યનોનાં બાળકોને પણ આ પ્રકારની સુવિધા આપવાની છે. વધુમાં, અમે આવા દરદીઓ અને તેમના પરિવારજનો માટે નિયમિતરૂપે મેડિકલ-કૅમ્પનું આયોજન પણ કરતા રહીએ છીએ.’

કોઈ પણ ધર્મ, જ્ઞાતિ, જાતિ કે ઊંચ-નીચના ભેદભાવ વિના કે કોઈનું બૅન્ક-બૅલેન્સ કે ક્વૉલિફિકેશન ધ્યાનમાં લીધા વિના કિડનીના દરદીઓના પરિવારોની તકલીફો દૂર કરવા સજ્જ આ સેવક ટ્રસ્ટની સ્થાપના આમ તો ૨૦૦૪માં થઈ, પરંતુ એ પહેલાંથી જ કૌશિકભાઈએ આ કાર્ય આરંભી દીધું હતું. એ માટે નિમિત્ત બની લાયન્સ ક્લબ. આ વિચારનો જન્મ કઈ રીતે થયો એની દાસ્તાન જણાવતાં તેઓ કહે છે, ‘એ સમયે હું લાયન્સ ક્લબની ડાયાલિસિસ કમિટીનો ચૅરમૅન હતો. મારા પહેલાં આ કમિટી આવું કોઈ જ કામ કરતી ન હતી. મેં તેમને કિડનીના દરદીઓની સારવાર તથા તેમના પરિવારજનોને સહાયરૂપ બનવા માટેનો એક પ્રોજેક્ટ તૈયાર કરી આપ્યો હતો, પરંતુ લાયન્સ ક્લબે એનો અસ્વીકાર કર્યો. મને મારા પ્રોજેક્ટની વિશ્વસનીયતામાં શ્રદ્ધા હોવાથી મેં એને એક ચૅલેન્જ તરીકે સ્વીકારી લીધો અને કિડનીના દરદીઓના પરિવારને રાહત આપવાના ઉદ્દેશ સાથે આ પ્રવૃત્તિ શરૂ કરી.’

વ્યક્તિગત સ્તરે માત્ર ચાર પરિવારોથી શરૂ થયેલી કૌશિકભાઈની આ પ્રવૃત્તિ હવે રાષ્ટ્રીય સ્તરે ૫૦૦થી વધુ પરિવાર સુધી પહોંચી ગઈ છે અને હવેના વર્ષ માટે તેમનું લક્ષ્ય ૧૦૦૦ પરિવારોને આ પ્રવૃત્તિ હેઠળ આવરી લેવાનું છે. ગયા વર્ષે તેમણે આ પરિવારોને સ્ટાન્ડર્ડ ફૂડ-પૅકેજિસ પૂરાં પાડ્યાં હતાં; જેમાં દરદીના પરિવારને ચોક્કસ માત્રામાં ઘઉં, ચોખા, દાળ, તેલ, મીઠું વગેરે જેવી જીવનજરૂરી ખાદ્ય-સામગ્રી મળે. આ ઉપરાંત કૅલ્શિયમ, ફોલિક ઍસિડ અને મલ્ટિ-વિટામિન દવાઓ પણ પૂરી પાડવામાં આવી હતી. સેવક ટ્રસ્ટ આ અનાજ અને જીવનજરૂરી ચીજવસ્તુઓના વિતરણ સમયે આ પરિવારો પાસેથી નજીવી રકમ લે છે, જેમ કે ૧૫૦૦ રૂપિયાની ચીજવસ્તુઓ અપાય ત્યારે તેમની પાસેથી ૩૦૦ રૂપિયા જેટલી જ રકમ લેવામાં આવે છે. આમ તદ્દન મફતમાં વિતરણ ન કરવાનું કારણ જણાવતાં કૌશિકભાઈ કહે છે, ‘સાવ મફત આપવામાં ઘણી વાર લોકો એનો ગેરલાભ પણ લેતા હોય છે. અત્યારે આ પ્રવૃત્તિઓ કાંદિવલી, ઘાટકોપર અને પાર્લાનાં ત્રણ કેન્દ્રોમાંથી ચલાવીએ છીએ. આ સેવાકાર્યમાં સંખ્યાબંધ કંપનીઓ અને વ્યક્તિઓ પણ સેવક ટ્રસ્ટને સહાય કરે છે.’

તેઓ દર વર્ષે દિવાળીનાં બે અઠવાડિયાં પૂર્વે એક મેગા મેડિકલ-કૅમ્પનું આયોજન કરે છે જેમાં કિડનીના દરદીઓના ૧૦૦૦ જેટલા પરિવારોનું મેડિકલ ચૅક-અપ કરવામાં આવે છે. આ વર્ષે વિલે પાર્લેમાં સંન્યાસ આશ્રમમાં તેમનો કૅમ્પ આજે છે, જેમાં આશરે ૪૦૦૦થી ૫૦૦૦ જેટલા લોકો ભાગ લે એવી સંભાવના છે. અત્યારે કૌશિકભાઈના પ્રયત્નો એવા છે કે ડાયાલિસિસના દરદીઓને અપંગ જાહેર કરવામાં આવે જેથી આ દરદી તથા તેમના પરિવારોને પ્રવાસ વગેરેમાં સરકારી છૂટનો લાભ મળે. તેઓ કિડનીના રોગને લગતાં સાધનોની આયાત પર લાગતી ઇમ્ર્પોટ ડ્યુટી વગેરેમાં પણ છૂટ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી તેમની સારવારનો ખર્ચ ઘટી શકે. કિડનીના દરદીઓ વિશે પોતાની લાગણી એક જ વાક્યમાં વર્ણવતાં તેઓ કહે છે, ‘આ દરદીઓનું જીવન અતિશય કષ્ટદાયક હોય છે. હું કંઈક એવું કરવા માગું છું કે તેમનું મૃત્યુ શાંતિમય બની શકે.’

અંગત-સંગત

અંધેરીમાં રહેતા કૌશિકભાઈના પરિવારમાં તેમનાં પત્ની મયૂરી, પુત્ર ધવલ અને પુત્રી આકાંક્ષાનો સમાવેશ થાય છે.

સમર્પણ હોય તો આવું

ડાયાલિસિસના દરદીઓને મદદ કરવાની પોતાની આ ઝુંબેશ માટે કૌશિક શાહે પોતે ડાયાલિસિસ-ટેક્નિશ્યન તરીકેનો સર્ટિફાઇડ ર્કોસ પણ કર્યો છે અને એની સાથે જ કિડની વિશે લોકોમાં જાગૃતિ લાવવા ‘જાગૃતિમાં રોકાણ’ નામનું પુસ્તક લખી એનો હિન્દી અને અંગ્રેજીમાં અનુવાદ પણ કરાવ્યો છે.

પ્રવૃત્તિઓનો વ્યાપ વિસ્તાર્યો

હવે કૌશિક શાહે પોતાની પ્રવૃત્તિઓનો વ્યાપ ગુજરાતનાં શહેરો સુધી વિસ્તાર્યો છે. સેવક ટ્રસ્ટે ગયા વર્ષે વાપીના ફ્રેન્ડશિપ ગ્રુપના સહયોગથી ત્યાંના લગભગ ૪૬ પરિવારોને પણ મદદ પૂરી પાડી હતી. વધુમાં, તેઓ પાર્લાના કલ્યાણદીપ સંસ્થા સાથે પણ જોડાયેલા છે જેનાં બાળકોને તેઓ દર મહિને પ્રોટીનેક્સ પાઉડર, દૂધ તથા બિસ્કિટનો પુરવઠો પૂરો પાડે છે. એવી જ રીતે તેઓ સાયનના પૅરાપ્લેજિક ફાઉન્ડેશનને પણ આખા વર્ષની દવાઓ આપે છે. હવે તેમણે વસઈમાં પણ મેડિકલ-કૅમ્પનું આયોજન કરી ત્યાંના જરૂરિયાતમંદ દરદીઓને મફતમાં મોતિયાનું ઑપરેશન કરાવી આપવાનું કામ શરૂ કર્યું છે. આ કામ માટેની પોતાની સરળ ફિલોસૉફી સમજાવતાં તેઓ કહે છે, ‘આપણે સુખ અને દુ:ખને પાર્ટ ઑફ લિવિંગ કહીએ છીએ, પરંતુ આ સુખ-દુ:ખ વચ્ચે પણ દુખિયારાઓના ચહેરા પર સ્મિત લાવી શકીએ તો મારી દૃષ્ટિએ એ જ ખરું આર્ટ ઑફ લિવિંગ છે.’