કૉન્ગ્રેસ ‘ઘરનું ઘર’ ન આપી શકે તો?

01 September, 2012 10:17 AM IST  | 

કૉન્ગ્રેસ ‘ઘરનું ઘર’ ન આપી શકે તો?

 

(નો પ્રૉબ્લેમ - રોહિત શાહ)

 

ઇન્દિરા ગાંધી જ્યારે કેન્દ્રમાં બેસીને રાષ્ટ્રનું સુકાન સંભાળતાં હતાં ત્યારે તેમણે ‘ગરીબી હટાવો’નું સૂત્ર આપેલું. એ જ કૉન્ગ્રેસના વહીવટદારો હવે ‘ઘરનું ઘર’ આપવાનું તઘલખી ખ્વાબ પ્રજાને બતાવીને પોતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવાનું ખ્વાબ જોઈ રહ્યા છે.

ભારતમાં સૌથી વધુ સમય માટે સત્તા પર રહેવાનું સદ્ભાગ્ય માત્ર કૉન્ગ્રેસને જ મળ્યું છે. જો કૉન્ગ્રેસની નીતિ અને એની દાનત શુદ્ધ હોત તો અત્યાર સુધીમાં તો ભારતની ગરીબી હટી જ ગઈ હોત અને ગરીબી હટી ગઈ હોત તો ‘ઘરનું ઘર’ યોજનાની જરૂર જ ન પડી હોત! પરંતુ સૌ જાણે છે કે ભારતમાં ગરીબી સતત વધતી જ રહી છે, અને આ વધતી જતી ગરીબીની સાથે ભ્રષ્ટાચાર પણ સ્પર્ધા કરી રહ્યો છે. કેન્દ્રમાં સત્તા પર હોવા છતાં કૉન્ગ્રેસની સરકાર ગરીબી અને ભ્રષ્ટાચારને કન્ટ્રોલ નથી કરી શકી. ઊલટાનું મોંઘવારીના ડામ દઈને પ્રજાને રિબાવી છે.

ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસે ગુજરાતની માત્ર ગૃહિણીઓને જ કેમ ‘ઘરનું ઘર’ આપવાનું ખ્વાબ બતાવ્યું? ગુજરાતના પુરુષોનો કોઈ વાંક ખરો? કોઈ અનમૅરિડ અને હોમલેસ ગરીબ પુરુષ ગુજરાતમાં વસતો હોય તો કૉન્ગ્રેસને તેના પ્રત્યે સહાનુભૂતિ કેમ ન હોય?

કૉન્ગ્રેસે અત્યારે તો ‘ઘરનું ઘર’ આપવાની માત્ર કાગળ પરની યોજના જ બનાવી છે. હજી તો એણે માત્ર ફૉર્મનું વિતરણ કર્યું છે તોય જાણે કે એણે ખરેખર સૌને ઘરનું ઘર આપી દીધું હોય એવો વટ મારે છે! શું ગુજરાત કૉન્ગ્રેસ ગુજરાતની પ્રજાને લેખિતમાં ગૅરન્ટી આપવા તૈયાર છે ખરી કે જો તે સત્તા પર આવશે તો બે વર્ષમાં ફૉર્મ ભરનાર દરેકને ઘરનું ઘર અચૂક આપી દેશે. જો પોતે આ કામ પાર નહીં પાડી શકે તો બે વર્ષ પછી કોઈ પણ ચૂંટણીપ્રક્રિયા વગર પોતે વિરોધ પક્ષને સત્તા સોંપીને કાયમ માટે વિદાય લઈ લેશે?

ફિલ્મ ‘પ્યાર તો હોના હી થા’માં સંજના (કાજોલ) એક સરસ ડાયલૉગ બોલે છે : માણસને સૌથી વધુ તકલીફ (દુ:ખ) ક્યારે થાય છે? જ્યારે તેણે જોઈ રાખેલું કોઈ સ્વપ્ન તૂટી જાય છે ત્યારે એટલે આજ પછી હું કોઈ સ્વપ્ન નહીં જોઉં. સાચી વાત છે. સ્વપ્ન જોવાનું સુખદ લાગે છે, પણ એ સ્વપ્ન તૂટી જાય ત્યારે વસમું લાગે છે. ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસે ગુજરાતની ગરીબ ગૃહિણીઓને ‘ઘરનું ઘર’નું સ્વપ્ન બતાવીને અત્યારે જે હવાઈ સુખની લહાણી કરી છે, એ સ્વપ્ન નંદવાઈ  જશે ત્યારે કૉન્ગ્રેસ પ્રજાનો વિશ્વાસ ફરીથી ખોઈ બેસશે.

ઘરનું ઘર યોજનાના ફૉર્મ-વિતરણ પાછળ ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસે કુલ જેટલા લાખ રૂપિયા ખચ્ર્યા એટલી રકમમાંથી થોડાક લોકોને તો ખરેખર જ ‘ઘરનું ઘર’  આપી શકાયું હોત. લાખો ફૉર્મ છપાવવાં અને ગુજરાતનાં ગામેગામ એના વિતરણની વ્યવસ્થા કરવી એ કંઈ મફતમાં તો ન જ થાયને?

હવે બીજી વાત. કૉન્ગ્રેસ સપોઝ સત્તા પર આવે તોય આટલા બધા લોકો માટે ઘર બનાવશે ક્યાં? એ માટેની જમીનનો સર્વ કર્યો છે ખરો? કે પછી ચૂંટણીલક્ષી સ્ટન્ટ કરવાની જ આ યોજના છે? ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસ ધારે તો કેન્દ્રમાં અત્યારે જ કૉન્ગ્રેસની જ સરકાર છેને! એની પાસેથી રકમ લઈને ગરીબોને વગર વ્યાજે ઘરનું ઘર બનાવવા માટે ફિક્સ રકમ ફિક્સ મુદત માટે આપી શકે. જો એ રકમ લેનાર વ્યક્તિ બે વર્ષમાં ઘર ન બનાવે તો એ રકમ પરત આપવાની બાંયધરી લેવાની. પણ આમ કરવા માટે તો ચોવીસ કૅરેટની દાનત જોઈએ.

ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસને, પુનરુક્તિનો દોષ વહોરીનેય ફરીથી પૂછવું છે કે જો તમે સત્તા પર આવો અને બે વર્ષની મુદતમાં ગુજરાતની ગૃહિણીઓને તમે કરેલા પ્રૉમિસ મુજબ ઘરનું ઘર ન આપો તો  પર્મનન્ટ રાજકારણ છોડી દેવાની લેખિત ગૅરન્ટી કાનૂની રીતે આપવા તૈયાર છો? જો ગરીબ ગૃહિણીઓને ‘ઘરનું ઘર’ યોજના અંતર્ગત ઘર ન આપી શકો તો એવા ઘોર પાપના પ્રાયિશ્ચત્ત રૂપે તમે બે વર્ષ પછી સ્વેચ્છાએ સત્તા છોડી દઈને એ વખતના વિરોધ પક્ષને સત્તા પર બેસાડવા તૈયાર છો?

મહિલાઓ લાલચમાં આવીને ઇઝીલી છેતરાઈ જતી હોય છે. વળી, ઘરમાં મહિલાઓનું વર્ચસ હોય છે એટલે ચૂંટણીમાં જીતવા માટે ગુજરાત કૉન્ગ્રેસે માત્ર ગૃહિણીઓને ‘ઘરનું ઘર’ આપવાની યોજના બનાવી હોવાનું રહસ્ય તમને સૌને સમજાઈ જાય તો નો-પ્રૉબ્લેમ.