ભેગું કરે તે નહીં, ભોગવે તે ભાગ્યશાળી

24 November, 2012 07:55 AM IST  | 

ભેગું કરે તે નહીં, ભોગવે તે ભાગ્યશાળી



(નો પ્રૉબ્લેમ - રોહિત શાહ)


આ માણસ પણ આઠમી પેઢીની ચિંતામાં એવો ડૂબી ગયો કે ખાવા-પીવાનું તેને ગમતું નહીં. રાત્રે નિદ્રા પણ ન આવે.

કોઈ સજ્જને તે માણસને કહ્યું કે ‘તમારે જો હજી પણ સંપત્તિ વધારવી હોય અને તમારી પચીસ પેઢી નિરાંતે જીવી શકે એટલી ધન-દોલત મેળવવી હોય તો એક રામબાણ ઉપાય છે. તમારે એવી પ્રતિજ્ઞા લેવાની છે કે હું દરરોજ એક વ્યક્તિને ભોજન કરાવીને પછી જ ભોજન કરીશ. જે દિવસે તમને કોઈ ગરીબ ભિખારીને જમાડવાની તક ન મળે, એ દિવસે તમારે પણ ભોજન નહીં કરવાનું.’

લોભી માણસે આ ઉપાય સ્વીકારી લીધો. દરરોજ કોઈ એક દરિદ્ર ભિખારીને જમાડ્યા પછી જ પોતે ભોજન લેવાનું શરૂ કર્યું. થોડો સમય તો એમ ચાલ્યું, પણ એક દિવસ એવું બન્યું કે તેને નગરમાંથી કોઈ ભિખારી ન મળ્યો. માંડ-માંડ બાજુના ગામમાંથી એક ભિખારીને બોલાવ્યો. લોભી માણસે તેને વિનંતી કરી કે ‘આજે તારે મારે ત્યાં ભોજન કરવાનું છે.’

 ભિખારીએ કહ્યું, ‘શેઠ! આજે તો મેં ભોજન કરી જ લીધું છે. હવે બીજી વખત ભોજન કરી શકાય એવી મારી સ્થિતિ નથી.’

લોભી માણસે કહ્યું, ‘જો એમ હોય તો ભોજનની પીરસેલી થાળી તું તારી સાથે લઈ જા. મારે વ્રત છે. ગરીબ માણસને ભોજન આપ્યા વગર હું પોતે ભોજન નથી કરી શકતો.’

ગરીબ માણસ ખુમારીથી બોલ્યો, ‘શેઠ! અત્યારે મારું પેટ ભરાયેલું છે અને આવતી કાલના ભોજનની પરવા હું કરતો નથી. ધન હોય કે ભોજન, સંગ્રહ કરવાની મને જરૂર નથી લાગતી.’

ભિખારીના શબ્દોએ પેલા લોભી આદમીના ભીતરમાં ચિંતન પ્રગટાવ્યું, ‘રે! આ માણસ આવતી કાલનીય પરવા નથી કરતો અને હું તો મારી આઠમી પેઢીની ચિંતા કરી રહ્યો છું! તેની પાસે કાંઈ નથી તોય મસ્તીથી જીવે છે અને મારી પાસે આટઆટલું હોવા છતાં હું દુખી-દુખી છું. હું કેવો મૂરખ.’

દુનિયામાં લોભી અને પરિગ્રહી માણસ કદીય સુખી નથી હોતો. તેની પાસે ગમેતેટલો કુબેર ભંડાર હશે તોય તેને વધારે મેળવવાની અને વધારે સંગ્રહ કરવાની લાલચ હશે. હાથવગાં સુખોને તે ભોગવી નહીં શકે.

એક સનાતન સત્ય સૌએ યાદ રાખવા જેવું છે કે ભેગું કરે તે નહીં પણ ભોગવી જાણે તે ભાગ્યશાળી ગણાય.

આપણે ક્યારેક આપણા અતીતને યાદ કરવો જોઈએ. આપણી પાસે ત્યારે સ્કૂટર કે મોટર કશું નહોતું, બંગલોય નહોતો અને નોકર-ચાકર પણ ન હતા. છતાં એ દિવસોમાં આપણે કેવા સુખી હતા! આપણે મરજી મુજબ મોજથી જીવી શકતા હતા. ભાડાના ઘરમાંય અજંપો નહોતો. આજે આપણી પાસે બધું જ છે, તોય આપણા હૈયે નિરાંત કેમ નથી? એનું કારણ છે લોભ. લોભ જેમ-જેમ વધતો ગયો તેમ-તેમ આપણે વધારે દુખી થતા ગયા. ગરીબીમાં જે સુખોની આપણે ઝંખના કરતા હતા એ તમામ સુખો મળી ગયાં છતાં આપણે સુખી ન થયા.

લાઇફમાં માત્ર સંપત્તિનું સુખ ઇનફ નથી હોતું. સંતાનનું સુખ, સંબંધોનું સુખ, સ્નેહ પામવાનું સુખ, સ્નેહ વહેંચવાનું સુખ આવાં બધાં સુખો ન હોય ત્યારે સંપત્તિનું સુખ તો ડંખ્યા કરે છે. ઍરકન્ડિશન્ડ બેડરૂમમાં કીમતી પથારી હોવા છતાં ઉજાગરા થતા હોય તો જાણવું કે આપણે ભટકી ગયા છીએ. સંગ્રહ કરીને, સંપત્તિના ઢગલા ઉપર બેસીનેય અલ્ટિમેટલી આપણે દુખી જ રહ્યા. એનો અર્થ એ થયો કે આપણે ખોટી દિશામાં દોડ્યા અને વ્યર્થ ઉધામા કર્યા.

આનો અર્થ એવો પણ નથી કે સંપત્તિને પાપ સમજીને ગમે ત્યાં વેડફી મારવી કે એનો ત્યાગ કરીને નીકળી પડવું. સંપત્તિને છોડી દેવી એય મૂર્ખામી જ છે. સંપત્તિને વળગીય ન પડાય અને એને ફેંકી પણ ન દેવાય. બસ, એનો ઉપયોગ કરાય અને વધારાની સંપત્તિ હોય તો એનું બીજાઓનાં હિતમાં વિસર્જન કરાય.

આપણી લાઇફની કીમતી પળો માત્ર સંપત્તિના સંગ્રહમાં જ વેડફાઈ જવી ન જોઈએ. સંબંધો મહેકાવવામાં અને સાચા સુખોને ગોતવામાંય સક્રિય રહેવું જોઈએ. આપણે સભાનતાપૂર્વક, આપણી આવશ્યક્તાઓ અનુસાર પરિગ્રહની એક સીમા ફિક્સ કરવી જોઈએ. એ સીમા સુધી પહોંચ્યા પછી વધારાનું સઘળું પરહિતમાં વિસર્જિત કરતા રહેવું જોઈએ. સર્જન જેટલું સુખદ છે એથીય વિશેષ સમજણપૂર્વકનું વિસર્જન દુખદ છે- આ વાત જે લોકો સમજી ચૂક્યા છે તે લોકો મોજથી અને ગર્વથી કહે છે : નો પ્રૉબ્લેમ!