બૉસ, તમારી લાગણી કેમ નથી દુભાતી?

24 December, 2011 05:50 AM IST  | 

બૉસ, તમારી લાગણી કેમ નથી દુભાતી?



(નો પ્રૉબ્લેમ - રોહિત શાહ)

નજીવા મેઘથી ખાબોચિયાં
છલકાય છે જલદી,
હળવા સૂરજના તાપથી ખાબોચિયાં
શોષાય છે જલદી!


ખાબોચિયાંની બિચારાની ઓકાત કેટલી? વરસાદનું સાવ નાનુંઅમથું ઝાપટું પડે એટલામાં તો એ છલકાઈ જાય ને વાદળું સહેજ ખસે તથા સૂરજની આંખનો જરાક તાપ એના પર પડે એટલામાં તો બિચારું સુકાઈ જાય.
છલકાઈ જવું અને સુકાઈ જવું એ ખાબોચિયાની આઇડેન્ટિટી છે. દરિયાને કદી છલકાઈ જતો જોયો? મહાસાગરને કદી શોષાઈ જતોયે સાંભળ્યો? છલોછલ હોય એને વળી છલકાવાનું શોભે ખરું? છલકાઈ તો એ જાય છે જે છીછરું છે.

અખબારમાં કોઈ જલદ વિચારનો લેખ વાંચીને ઘણાં ખાબોચિયાં છલકાઈ જતાં હોય છે. એમની ધાર્મિક લાગણીઓ એવી છીછરી હોય છે કે તરત કિનારા છોડીને બહાર ધસી આવે છે. ખાબોચિયાં પાસે દેડકાંનો મબલક સ્ટૉક હોય છે. દેડકાં તરત જ ડ્રાંઉં-ડ્રાંઉં કરીને દેકારો મચાવી મૂકે.

ધોબી જેવો ધોબી ભગવાન રામની પત્ની સીતા સામે આક્ષેપ કરે તોયે રામની લાગણી ન દુભાય. સંગમ દ્વારા ભગવાન મહાવીર પર અનેક ઉપસર્ગો (ત્રાસ) થયા છતાં તેમની લાગણી ન દુભાઈ, પરંતુ એ જ રામ કે એ જ મહાવીર વિશે જો કોઈ કડવું સત્ય ઉચ્ચારે તો તેમના ભક્તોની વેવલી લાગણી લોહીલુહાણ થઈ ઊઠે. કોઈ વ્યક્તિ આપણને ગમેએટલી પ્રિય હોય કે આપણા માટે એ ગમેએટલી આદરણીય હોય તોયે તેની કોઈક વાત સાથે આપણું અસંમત થવું સહજ જ ગણાય અને તેમની કોઈ વાત સાથે કે તેમની કોઈ વર્તણૂક સાથે આપણે અસંમત થઈએ એટલે આપણે થોડા કાંઈ તેમના વિરોધી થઈ ગયા ગણાઈએ?

જે સીતાની અગ્નિપરીક્ષા કરીને રામે સ્વીકાર કર્યો હતો એ જ સીતાને એક સામાન્ય ધોબી દ્વારા ટીકા થતાં રામે ત્યાગી દીધી હતી. રામને શું પોતે કરેલી અગ્નિપરીક્ષાયે ખોટી લાગી? રામને શું સીતા પર અવિશ્વાસ હતો? તેમણે એવી ક્ષણે સીતાજીનો ત્યાગ કર્યો જે ક્ષણે કોઈ પણ પત્નીને પતિની સૌથી વધુ હૂંફ અને સ્નેહની જરૂર હોય. યસ, સીતાજી પ્રેગ્નન્ટ હતા ત્યારે રામે તેમનો ત્યાગ કર્યો હતો; પેલા ત્રણ ટકાના ધોબીની વાહિયાત ટીકા સાંભળીને.રામની ફેવર કરનારા એમ કહે છે, રામ માત્ર પતિ જ નહોતા, એક રાજા પણ હતા. રાજા હોવાના નાતે પ્રજાની લાગણીનો તેમણે સ્વીકાર કરવો પડે. આપણને એવો પ્રશ્ન થાય કે એવી ક્ષણે રાજા તરીકે રાજીનામું આપી દઈને પત્નીનું રક્ષણ કરીને પતિધર્મ નિભાવવો ના જોઈએ? પત્ની કરતાં સત્તા મહત્વની હતી? બીજી રીતે વિચારીએ તો એક રાજા તરીકે પણ રામ પેલા દુષ્ટ ધોબીને પનિશમેન્ટ કરી શક્યા હોત. ધોબીને કોઈની અંગત લાઇફની ટીકા કરવાનો વળી શો હક? એમાંય સાવ હંબગ ટીકા કરવાની? અફવાઓ ફેલાવનારાને તો આકરી પનિશમેન્ટ કરવી જોઈએને. તટસ્થ રીતે નિષ્ઠાવાન વ્યક્તિએ આવી ક્ષણે એવો જ નિર્ણય લેવાનો હોય જેમાં કોઈને કશો અન્યાય ન થાય. સીતાજીને કયા અપરાધની સજારૂપે પ્રેગનન્સીના સમયે વનમાં મૂકી આવવાની આજ્ઞા અપાઈ? એમાં ન તો પતિનું ગૌરવ વધે એમ હતું કે ન તો રાજાની પ્રતિષ્ઠાને ગૌરવ મળે એમ હતું. ખરું કારણ શું હશે? રાજા (જ) જાણે.

ભગવાન મહાવીર પણ શરૂમાં તો દેવાનંદાના ગર્ભમાં હતા, પછી તેમને ત્રિશલા માતાના ગર્ભમાં વિધાઉટ ઍની ઑપરેશન ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા. કેમ? કારણ કે ર્તીથંકરને જન્મ આપવાનો અધિકાર માત્ર ક્ષત્રિયાણીને જ હોય. જો આવા અતાર્કિક અધિકારની વાત સ્વીકારી લઈએ તો પણ એક પ્રશ્ન તો ઉદ્ભવે છે જ કે જે પરમ (દિવ્ય) શક્તિ એક સ્ત્રીના ગર્ભમાંથી બાળકને કશીયે સર્જરી વગર બીજી સ્ત્રીના ગર્ભમાં મૂકી દેવાનું સામથ્ર્ય ધરાવતી હોય એ શક્તિ આવી હંબગ ભૂલો કરી બેસે ખરી?

પણ અધ્યાત્મજગતમાં સવાલો કરવાનો ક્યાં કોઈને હક મળે છે? ડોકાં હલાવીને અતાર્કિક વાતોના ગપગોળા તમે સ્વીકારી લો તો તમે આસ્તિક અને સવાલો કરો તો તમે નાસ્તિક! શું આવી આજ્ઞા રામ અને મહાવીરે કરી છે? આવા સવાલો સાંભળીને તમારી કોઈની લાગણી ન દુભાય તો નો-પ્રૉબ્લેમ.