ચંદ્ર આપણો મામો નહીં પણ ભાઈ છે

16 October, 2011 06:57 PM IST  | 

ચંદ્ર આપણો મામો નહીં પણ ભાઈ છે

 

(સાયન્સ પ્લીઝ - જગદીશચંદ્ર ભટ્ટ)

એક દિવસ બાળસ્વરૂપ શ્રીરામને માતા કૌશલ્યા ઘોડિયામાં હિંચકાવતાં હતાં. ઘોડિયામાં હીંચકતાં-હીંચકતાં રામે આકાશમાં ચંદ્ર જોયો. સુંદર, આકર્ષક અને ગોળ થાળી જેવા ચંદ્રમાને નિહાળીને તેને એને હાથમાં લઈને રમવાની ઇચ્છા થઈ. બસ, રામ ઘોડિયામાં રડવા લાગ્યા. આકાશ તરફ જોતા જાય અને રડતા જાય. માતા કૌશલ્યાએ દીકરાને મનાવવા-સમજાવવા બહુ પ્રયાસ કર્યા, પરંતુ શ્રીરામે બાળહઠ ન મૂકી. છેવટે માતા કૌશલ્યાએ એક તરકીબ કરી. તેમણે એક મોટી થાળીમાં પાણી ભર્યું અને એને ખુલ્લા આકાશ નીચે મૂકી. ચંદ્રનું સીધું પ્રતિબિંબ પેલી પાણીની થાળીમાં પડયું એટલે તરત જ દીકરા રામને દેખાડ્યું. બાળરામે થાળીમાં ચંદ્રમા સાવ નજીકથી જોયો અને રાજીના રેડ થઈ ગયા. હસવા-રમવા લાગ્યા. રામાયણના આ પ્રસંગને ધ્યાનમાં રાખીને ભારતીય ખગોળશાસ્ત્રીઓ થાળીમાં પાણી ભરીને એમાં આકાશી પિંડ બતાવવાના પ્રયોગને વિશ્વનું સૌપ્રથમ ટેલિસ્કોપ ગણે છે. ઉપરાંત પોષી પૂનમ અને કડવાચોથ જેવાં વ્રતો સાથે પણ ચંદ્રનો સંબંધ રહ્યો છે. ગામડાંઓમાં તો આજે પણ માતા તેનાં

દીકરા-દીકરીને ‘જો બેટા, આકાશમાં ચાંદામામા કેવા ચમકે છે’ એમ કહીને રમાડતી હોય છે. હજી હમણાં જ ગયેલા શરદપૂર્ણિમાના તથા ગઈ કાલે ઊજવાયેલા કરવા ચૌથ ઉત્સવની ઊજળી રાતે ઘણા લોકોએ આકાશમાં જોઈને મનોમન ચાંદામામાને નમસ્કાર કર્યા હશે.

ચંદ્ર કાંઈ પૃથ્વીવાસીઓના મામા નથી

જોકે હકીકત એ છે કે ભારતીય સમાજનો ચાંદામામા સાથેનો સંબંધ સામાજિક સગપણ અને ખગોળશાસ્ત્રના નિયમો મુજબ સાચો નથી. વળી, વિશ્વના અન્ય કોઈ દેશમાં ચંદ્રને મામા (મૅટર્નલ અન્કલ) કહેવાતા નથી. હા, મધર અર્થ એટલે કે પૃથ્વી માતા એવો ઉલ્લેખ થાય છે જે સાચો છે.

આજે આપણે ચંદ્રને શા માટે મામા ન કહેવાય, ખગોળશાસ્રના નિયમો ઉપરાંત સામાજિક સગપણ મુજબ પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સાવ સાચકલો સંબંધ કયો છે એની મજેદાર અને રસપ્રદ માહિતી જાણીએ.

ખગોળશાસ્રના નિયમો શું કહે છે?

સૌપ્રથમ આપણે ખગોળશાસ્રના નિયમો મુજબ સમજીએ તો આપણી પૃથ્વી સહિત મંગળ, બુધ, ગુરુ અને શનિ વગેરે ગ્રહો વિરાટ સૂર્યમાંથી છૂટા પડ્યા છે. આ નિયમ મુજબ સૂર્ય આ બધા ગ્રહોના પિતા ગણાય અને પૃથ્વી, મંગળ, બુધ અને શનિ વગેરે એકબીજાના ભાંડુઓ ગણાય. હવે ચંદ્ર સૂર્યમાંથી છૂટો નથી પડ્યો એટલે એ કાંઈ સૂર્યમંડળના ભાંડુઓનો સભ્ય ન ગણાય. સરળ રીતે સમજીએ તો આપણી પૃથ્વીનો ભાઈ ન કહેવાય. હકીકત એ છે કે ચંદ્રમા આપણી પૃથ્વીમાંથી છૂટો પડ્યો છે એટલે એ પૃથ્વીનો ઉપગ્રહ છે. આમ પણ ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન વગેરે ગ્રહોને એના ઉપગ્રહો છે. ખગોળવિજ્ઞાનના નિયમ મુજબ મૂળ ગ્રહમાંથી છૂટા પડેલા આકાશી પિંડને ઉપગ્રહ કહેવાય. આમ ચંદ્ર ખરેખર આપણી પૃથ્વીના ગર્ભમાંથી છૂટો પડ્યો હોવાથી એનો ભાઈ નહીં પણ પુત્ર કહેવાય.

સામાજિક સગપણ શું કહે છે?

આ સમગ્ર બાબતને સામાજિક સગપણની રીતે પણ સમજીએ તો મામા એટલે માતાનો ભાઈ. હવે આપણી માતા પૃથ્વીના ભાઈઓ તો મંગળ, બુધ, ગુરુ અને શનિ વગેરે કહેવાય; કારણ કે આ બધાં સૂર્ય નામના પિતાનાં સંતાનો છે. જ્યારે ચંદ્ર તો પૃથ્વીના ગર્ભમાંથી છૂટો પડ્યો હોવાથી એનો દીકરો છે. કહેવાનો અર્થ એ છે કે ચંદ્રમા ખગોળશાસ્ત્રના નિયમો અને સામાજિક સંબંધ મુજબ એમ બન્ને રીતે આપણા પૃથ્વીવાસીઓના મામા નથી જ નથી, પણ ભાઈ છે. આમ ખરેખર તો આપણે બધાએ ચંદ્રને ચાંદામામા નહીં પણ ચાંદભાઈ અથવા ચંદ્રભાઈ કહેવા જોઈએ. આપણો ચંદ્ર સાથેનો આ જ સાચકલો સંબંધ છે.

ચંદ્રમાની અજીબોગરીબ વિશિષ્ટતાઓ