રફી-વિશેષ - મોહમ્મદ રફીના ગયા પછી તેમની કમીને સહેજ ભરવામાં સફળ થયેલા આ બે સિંગર હવે ક્યાં છે?

24 December, 2014 05:50 AM IST  | 

રફી-વિશેષ - મોહમ્મદ રફીના ગયા પછી તેમની કમીને સહેજ ભરવામાં સફળ થયેલા આ બે સિંગર હવે ક્યાં છે?



રુચિતા શાહ

માત્ર પંચાવન વર્ષની ઉંમરે મોહમ્મદ રફીની આકસ્મિક વિદાય પછી સંગીતચાહકોના મનમાં ધ્રાસકો પડ્યો હતો. મિલેનિયમ સિંગર તરીકે મોહમ્મદ રફીની કમીને કેમ કરીને ભરાશે એ વાત તેમના મનને કોરી રહી હતી. એવા સમયે બે-ત્રણ સિંગર એવા આવ્યા જેમનો અવાજ થોડાક અંશે રફીસાહેબ સાથે મળતો આવતો હતો. એમાંનાં કેટલાંક નામોમાંથી શબ્બીરકુમાર, મોહમ્મદ અઝીઝ અને સોનુ નિગમ મુખ્ય હતા. સોનુ નિગમે ગાયેલાં રફીનાં ગીતોમાં થોડાક અંશે રફીની ઝલક શરૂઆતમાં દેખાતી હતી. જોકે ધીમે-ધીમે તેના અવાજની દિશા ફંટાઈ ગઈ. એક અરસા સુધી શબ્બીર કુમાર અને મોહમ્મદ અઝીઝ પણ ખૂબ ડિમાન્ડમાં રહ્યા. અનેક મ્યુઝિક-ડાયરેક્ટરો માટે તેઓ હૉટ ફેવરિટ હતા. જોકે ધીમે-ધીમે એમાં પણ વળતાં પાણી થયાં. મોહમ્મદ રફીના લેજન્ડરી અવાજ સાથે જેમની તુલના થઈ હતી અને રફીની જગ્યા પૂરવા માટે જેમની પાસે અઢળક ગીતો મ્યુઝિક-ડાયરેક્ટરોએ ગવડાવ્યાં હતાં એ શબ્બીરકુમાર અને મોહમ્મદ અઝીઝને મળીએ અને જાણીએ આજકાલ તેઓ શું કરી રહ્યા છે.

પ્રચાર પાછળ નથી ભાગ્યો એટલે કામના મામલામાં પાછળ રહી જવાયું : મોહમ્મદ અઝીઝ


મોહમ્મદ રફી જેવો મહાન અવાજ ધરાવતો ગાયક આ ધરતી પર ન બીજો પાક્યો છે ન પાકશે એવી નમ્ર કબૂલાત કરતાં ગાયક મોહમ્મદ અઝીઝ કહે છે, ‘હું ગાતાં રફીસાહેબને સાંભળતાં-સાંભળતાં શીખ્યો છું. રફીસાહેબને સાંભળ્યા છે અને તેમને ગુરુ માન્યા છે. તેમની પાસેથી એક વાત શીખી છે કે કોઈ મોટા સંગીતકાર માટે હોય, કોઈ નાના બજેટની નાનકડી ફિલ્મ હોય કે મોટા બજેટની મલ્ટી-સ્ટારર ફિલ્મ હોય, કોઈ સાવ નવોદિત ઍક્ટર માટે ગાવાનું હોય કે સુપરસ્ટાર માટે ગાવાનું હોય, રફીસાહેબ એટલા જ તલ્લીન થઈને ગાતા. તેમના ગાયનમાં એક પ્રામાણિકતા હતી. તેમણે ક્યારેય ગીતને એની બ્રૅન્ડ-વૅલ્યુ સાથે આંકી નથી અને પોતાના સંગીત પ્રત્યેની એ ઈમાનદારી તેમનાં તમામ ગીતોમાં ઝળકે છે. શ્રોતાઓએ મારા અવાજને રફીસાહેબના અવાજ સાથે સરખાવ્યો એ જ મારા માટે સૌથી મોટો પુરસ્કાર છે. મેં ક્યારેય પ્રયત્નપૂર્વક રફીસાહેબની કૉપી કરવાની કોશિશ કરી નથી. કારણ કે નકલ એ હંમેશાં નકલ જ રહે છે. બેશક એવું બની શકે કે નાનપણથી તેમને સાંભળવાને કારણે અને ગુરુ તરીકે તેમની છબિને સતત મનમાં રાખવાને કારણે ક્યાંક તેમના અવાજની છાંટ સહજ રીતે મારામાં ઊતરી હોય.’

૨૦ ભાષામાં મોહમ્મદ અઝીઝે અત્યાર સુધીમાં ૧૮,૦૦૦ ગીતો ગાયાં છે. દેશ-વિદેશની પ્રાદેશિક ભાષાઓમાં રોમૅન્ટિક, ડિવોશનલ, કૉમેડી, કવ્વાલી જેવા દરેક પ્રકારનાં ગીતો ગાનારા મોહમ્મદ અઝીઝનો બૉલીવુડમાં લાંબો દોર ન ચાલ્યો એનું કારણ આપતાં તેઓ કહે છે, ‘મારું વ્યક્તિત્વ પણ કદાચ રફીસાહેબ જેવું રહ્યું છે એનું એક કારણ એ હોઈ શકે. હું એક સીધોસાદો મારી ધૂનમાં રહેનારો માણસ છું. મેં ક્યારેય મારો જાતે પ્રચાર નથી કર્યો. સમય બદલાતો ગયો એમ મીડિયા અને માર્કેટિંગનો જમાનો આવ્યો, જેમાં હું કાચો પડ્યો. અહીં વાત સારું-ખરાબ ગાવાની હતી જ નહીં. લોકો મારા અવાજને પસંદ કરતા હતા, પરંતુ હું મારું માર્કેટિંગ ન કરી શક્યો. ધીમે-ધીમે ઇન્ડસ્ટ્રીમાં કમર્શિયલાઇઝેશન વધવા માંડ્યું. બૉસને મળવા જતાં પહેલાં ચાર-પાંચ ચેલાઓને પહેલાં મળવું પડે. મારું કોઈ ગ્રુપ નથી. મારા કૉન્ટૅક્ટ્સ ઓછા છે. એ જોતાં મને લાગે છે કે મારી સાથે થોડો અન્યાય થયો છે. હું કોઈની પાસે કામ માગવા જઈ શકું એમ નથી. એવુંબધું મને ફાવે એમ નથી.’

મોહમ્મદ અઝીઝે ગાયેલાં ટૉપ ફાઇવ ગીતો

૧. તૂ મુઝે કુબૂલ મૈં તુઝે કુબૂલ - ખુદા ગવાહ

૨. મૈં તેરી મોહબ્બત મેં પાગલ હો જાઉંગા - ત્રિદેવ

૩. દિલ દિયા હૈ જાં ભી દેંગે અય વતન તેરે લિયે - કર્મા

૪. આપકે આ જાને સે - ખુદગર્ઝ

૫. આજ કલ યાદ કુછ ઔર રહતા નહીં - નગીના


૨૦ વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છું અને હજીયે ગાઈ રહ્યો છું, શું એટલું કાફી નથી? : શબ્બીરકુમાર

‘કૂલી’નાં બધાં જ ગીતો જે ગાયકે ગાયાં હતાં એ શબ્બીરકુમારનું માનવું છે કે મોહમ્મદ રફીના મુકામ સુધી કોઈના માટે પહોંચવું શક્ય નથી. બૉલીવુડના એકમાત્ર મહિલા મ્યુઝિક-ડાયરેક્ટર ઉષા ખન્નાએ શબ્બીરકુમારને પહેલવહેલી ‘તજુર્બા’ નામની ફિલ્મમાં ગાવાની તક આપી હતી. એ ગીત તો જોકે એટલું હિટ ન ગયું. તેઓ કહે છે, ‘૧૯૮૧માં મેં પહેલી વાર ગીત ગાયું હતું. એ દૌર એવો હતો જ્યારે કોઈ પણ નવા સિંગરને ભાગ્યે જ ચાન્સ મળતો, કારણ કે એ જમાનામાં તમારા અવાજમાં પણ સ્ટારડમ હોવો જરૂરી ગણાતો. ફિલ્મોની સફળતા ગીતોની અને ગાયકોની સફળતા પર નર્ભિર રહેતી. એ અરસામાં મને ગાવાનો ચાન્સ મળ્યો. મને એવું ગુમાન ક્યારેય નથી આવ્યું કે હું રફીસાહેબનો સબ્સ્ટિટ્યુટ છું, કારણ કે એ હું હોઈ જ ન શકું. રફીસાહેબ એ હસ્તી છે જેને આંબવાની મારી કોઈ ક્ષમતા નથી. તેમની સાથે મારી તુલનાને હું એક ખૂબસૂરત ગલતફહેમી સિવાય બીજું કંઈ નથી ગણતો. બીજા રફીસાહેબ બની જ ન શકે. તેમને ગયાને આટલાં વર્ષ થયા છતાં તેમના ચાહકોમાં કોઈ ફરક નથી આવ્યો. ઇન ફૅક્ટ યુવા પેઢી પણ રફીસાહેબના અવાજને પસંદ કરી રહી છે. તેમના ચાહકવર્ગમાં ઉમેરો જ થઈ રહ્યો છે.’

શબ્બીરકુમાર મોહમ્મદ રફીનાં ગીતોનો સ્ટેજ-શો પણ કરે છે. ગયા અઠવાડિયે ષણમુખાનંદ હૉલમાં તેમણે કરેલા શોમાં ૫૦ મ્યુઝિશ્યનોએ હાજરી આપી હતી. રફીસાહેબ જેવો અવાજ હોવા છતાં શા માટે હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં તેમને ગીતોની સંખ્યા ઓછી મળી રહી છે એના જવાબમાં તેઓ કહે છે, ‘અત્યારનો આખો દૌર જ જુદો છે. અહીં રોજેરોજ નવા સિંગર આવે છે. તેમની અંદર ટૅલન્ટ ભરેલી છે એમાં શંકાને સ્થાન નથી. પરંતુ અફસોસ સાથે કહેવું પડે છે કે બે કે ચાર ગીતો જેટલી જ તેમની લાઇફ હોય છે. લોકોમાં તેઓ પોતાની ઓળખ નથી બનાવી શકતા, કારણ કે જેવું તેમનું એકાદું ગીત હિટ જાય કે તરત જ બીજા કોઈ સિંગરનું નવું ગીત લૉન્ચ થાય છે. બધું જ એટલું સ્પીડમાં થઈ રહ્યું છે કે નામ બનાવવાની તક નવા સિંગરોને નથી મળી રહી. જૂનાનું સ્થાન નવાએ લીધું છે અને નવાનું સ્થાન બની નથી રહ્યું. જોકે એ પછી પણ ૨૦ વર્ષથી હું ટકી રહ્યો છું. હજી પણ એકલ-દોકલ ફિલ્મોમાં ગીતો ગાઈ રહ્યો છું. એ બાબતમાં હું મારી જાતને ખુશનસીબ માનું છું. લોકોએ મને એ જમાનામાં અઢળક પ્રેમ આપ્યો છે જ્યારે કિશોરકુમાર મારા સમકાલીન હતા અને ગાઈ રહ્યા હતા. એ પછી પણ હમણાં મેં અક્ષયકુમારની ફિલ્મ ‘હાઉસફુલ’માં ગીત ગાયું હતું. હજી કેટલીક ફિલ્મોમાં ગાવાની તક મને મળી રહી છે. મને નથી લાગતું હું ખતમ થઈ ગયો, કારણ કે પ્લેબૅક સિન્ગિંગમાં પણ મને ગીતો મળી રહ્યાં છે અને મારા શોઝ ચાલુ જ છે. ખતમ તો હું ત્યારે જ થઈશ જ્યારે હું પોતે શ્વાસ લેવાનું છોડી દઈશ. બાકી સંગીત સાથેનો મારો નાતો જીવનભર જીવંત જ રહેશે.

શબ્બીરકુમારે ગાયેલાં ટૉપ ફાઇવ ગીતો

૧. જબ હમ જવાં હોંગે - બેતાબ

૨. તુમસે મિલકર ના જાને ક્યું - પ્યાર ઝુકતા નહીં

૩. ઝિંદગી હર કદમ એક નઈ ઝંગ હૈ - મેરી જંગ

૪. ગોરી હૈં કલાંઇયાં - આજ કા અજુર્ન

૫. સોચના હૈ ક્યા જો ભી હોગા - ઘાયલ