રફી-વિશેષ - દીવાના મુઝસા નહીં ઇસ અંબર કે નીચે

24 December, 2014 05:46 AM IST  | 

રફી-વિશેષ - દીવાના મુઝસા નહીં ઇસ અંબર કે નીચે





રજની મહેતા

પુરાણકથાઓમાં એવું વાંચ્યું છે કે હનુમાનની રામનિષ્ઠા પર પ્રશ્ન થયો ત્યારે તેમણે છાતી ચીરીને રામ સિવાય હૈયામાં કશું નથી એની પ્રતીતિ કરાવી હતી. સતયુગના રામભક્ત હનુમાનની યાદ અપાવે એવા એક રફીભક્ત ઉમેશ માખીજા અમદાવાદમાં રહે છે. તેના પોતાના જ શબ્દોમાં વાંચીએ તેની દાસ્તાન...

મારો જન્મ ૧૯૬૫માં. જન્મજાત અમે સિંધી છીએ, પણ અમદાવાદમાં જ પરિવાર રહે એટલે પાક્કો ગુજરાતી છું. પિતાજી અને ભાઈઓ રફીસાહેબના ચાહક એટલે નાનપણથી જ તેમનાં ગીતોનો ડોઝ મળતો રહ્યો, પણ ૧૯૮૪થી તેમનાં ગીતોમાં મારી દિલચસ્પી વધવા માંડી. ઇકબાલ મન્સૂરીએ મને તેમની ગાયકીની અસલી સમજણ આપી. મેં તેમનાં ગીતોની કૅસેટનું કલેક્શન શરૂ કર્યું અને ૧૯૯૫થી મારી રફીસાહેબ માટેની દીવાનગીની શરૂઆત થઈ.

૧૯૯૯માં હું સપરિવાર સૅટેલાઇટ એરિયામાં ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં ૩ બેડરૂમના ફ્લૅટમાં રહેવા આવ્યો. આ ફ્લૅટનો માસ્ટર બેડરૂમ કેવળ રફીસાહેબ માટે જ અનામત રાખ્યો છે. એના દરવાજા પર તેમનો મોટો ફોટો છે. રૂમમાં પ્રવેશ કરતાં પહેલાં ઘંટનાદ કરવાનો. ડબલ બેડના પલંગ પર ચાદર પાથરી છે જેમાં તેમનાં ગીતોનાં મુખડાં પ્રિન્ટ કરાવ્યાં છે. એક ઓશીકા પર તેમની જન્મતારીખ ૨૪-૧૨-૨૪ અને બીજા ઓશીકા પર તેમના અવસાનની તારીખ ૩૧-૦૭-૮૦ પ્રિન્ટ કરી છે. બન્ને ઓશીકાના પાછળના ભાગ પર રાત, ચાંદ, તારા જેવા વિષયનાં તેમનાં ગીતોનાં મુખડાં છે; જેવાં કે છુપ ગએ સારે નઝારે ઓય ક્યા બાત હો ગઈ (ફિલ્મ ‘દો રાસ્તે’), સુહાની રાત ઢલ ચુકી (ફિલ્મ ‘દુલારી’), મૈં ગાઉં  તુમ સો જાઓ (ફિલ્મ ‘બ્રહ્મચારી’).

એ રૂમમાં એક મોટી ઘડિયાળ છે, જેમાં તેમનો ફોટો છે. એમાં વર્ષોથી કેવળ એક જ સમય દેખાશે, ૧૦ કલાક અને ૨૨ મિનિટ (તેમના અવસાનનો સમય). એ ઉપરાંત રૂમમાં એક કબાટ છે જે ખોલતાં જ તેમનું ગીત શરૂ થાય, દિલ કા સૂના સાઝ તરાના ઢૂંઢેગા, મુઝકો મેરે બાદ ઝમાના ઢૂંઢેગા (ફિલ્મ ‘એક નારી દો રૂપ’). આ કબાટમાં રફીસાહેબનાં ગીતોની લગભગ ૧૦૦૦ કૅસેટ્સ અને વિડિયોનો સંગ્રહ છે. એ માટે હું અમદાવાદના વસંતભાઈ સિંઘવ અને મુંબઈના સંજીવ રાજપૂતનો ખાસ •ણી છું. રફીસાહેબે ગાયેલા કોઈ પણ ગીત વિશેની માહિતી હું તમને એક જ મિનિટમાં આપી શકું. આ ગીતો મેળવવા મેં કેટલાય દિવસો રઝળપાટ કરી છે. રફીસાહેબનાં બે ગીત, જે તેમણે અંગ્રેજીમાં પણ ગાયાં છે, એ મેળવવા મેં ૧૦૦૦ રૂપિયા આપ્યા હતા. શંકર-જયકિશનના સંગીતવાળા આ બે ગીતોની ચ્ભ્ મારી પાસે છે. એ ગીતો હતાં ‘હમ કાલે હૈં તો ક્યા હુઆ દિલવાલે હૈં (ફિલ્મ ‘ગુમનામ’) અને બહારોં ફૂલ બરસાઓ, મેરા મેહબૂબ આયા હૈ (ફિલ્મ ‘સૂરજ’).

આ એ દિવસોની વાત છે જ્યારે આપણા દેશમાં હજી ઇન્ટરનેટનો પ્રવેશ નહોતો થયો. લોકો જેમ પાણીની પરબ બંધાવે એમ મેં રફીસાહેબનાં ગીતોની પરબ ખોલી છે. દર રવિવારે બપોરના ત્રણથી પાંચ સંગીતપ્રેમીઓ નિ:શુલ્ક તેમની પસંદગીનાં રફીસાહેબનાં ગીતો સાંભળવા આવે છે. તેમના ચહેરા પરનો આનંદ અને સંતોષ મને રફીસાહેબને જીવતા રાખ્યાનો અહેસાસ કરાવે છે.

એ જ રૂમમાં મેં તેમની એક આર્ટિફિશ્યલ મજાર બનાવી છે જેની માટી હું તેમની બાંદરાના કબ્રસ્તાનની કબર પરથી લાવ્યો છું. અહીં આવી ઘણા મુસ્લિમો ફાલિયા વાંચે છે. દેશ-પરદેશથી રફીભક્તો અહીં દર્શન માટે આવે છે. વરિષ્ઠ ગુજરાતી સંગીતકાર દિલીપ ધોળકિયા, શબ્બીરકુમાર, દેબાશિષ ગુપ્તા અને ઊગતા કલાકારો અહીં આવી ગયા છે. દિલીપકાકા તો લાડથી મને ‘રફી’ કહીને જ બોલાવતા. વારંવાર આવતા અને કહેતા તેં રફીસાહેબને ક્યાંય જવા દીધા નથી, તારી પાસે જ રાખ્યા છે.

દરરોજ સવારે તેમની મજાર પર ધૂપ, અગરબત્તી અને ફૂલો સાથે પૂજા કરતાં હનુમાનચાલીસા વાંચું છું. રાતે સૂતાં પહેલાં તેમને પોઢાડીને, તેમનું એકાદ ગીત ગણગણીને જ હું સૂવા જાઉં છું. આ રૂમમાં તેમના અનેક ફોટો છે. આ દરેકની સાચવણીમાં મારી પત્ની પૂનમ અને દીકરી આરતીનો ખૂબ જ સહકાર છે. એ ઉપરાંત મારા જમાઈ દીપક, પુત્ર હિતેશ, પુત્રવધૂ જિયા અને પૌત્ર હિતાંશ અમે સૌ રફીસાહેબના રંગમાં રંગાઈને તેમની પૂજા કરીએ છીએ. એક વર્ષનો પૌત્ર જ્યારે રફીસાહેબનાં ગીત કાલીઘેલી ભાષામાં ગણગણતાં નાચે છે ત્યારે મન  ભરાઈ જાય છે.

ખૂબીની વાત એ છે કે મારા વેવાઈ સુરેશભાઈ રફીસાહેબના ચાહક છે. તેમની ઇચ્છા દીકરીને અમદાવાદ બહાર પરણાવવાની હતી, પણ જ્યારે મારી રફીભક્તિ વિશે સાંભળ્યું ત્યારે તરત આ સંબંધની હા પાડતાં કહ્યું કે આવા ચાહકના ઘેર દીકરી દુ:ખી નહીં થાય. આને અમે રફીસાહેબની કૃપા જ માનીએ છીએ.

અમે બાધા-માનતા પણ તેમના નામની જ રાખીએ. રવિવારને રફીવાર કહીએ છીએ. મારા બે મોબાઇલના નંબર છે ૯૩૭૫ ૨૪૧૨૨૪ (મોહમ્મદ રફીની જન્મતારીખ) અને  ૯૩૭૭૩ ૩૧૭૮૦ (મોહમ્મદ રફીની મૃત્યુતિથિ). આ ઉપરાંત મારા ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલરનો નંબર છે ૧૦૬૭, જે રફીસાહેબની કાળી ફીઆટનો નંબર હતો (જે આજે પણ સફેદ કલર લગાવીને રફી વિલાના કમ્પાઉન્ડમાં ઊભી છે). મારા ઘરનું નામ આપ્યું છે રફી દર્શન.

મારો રેડીમેડ ગાર્મેન્ટનો બિઝનેસ છે. ઑફિસમાં લેટરહેડ, બિલ, ચલાન, ક્વોટેશન, એન્વેલપ દરેક પર તેમનાં ગીતોની પંક્તિઓ પ્રિન્ટ કરી છે.

ભગવાનનાં અનેક સ્વરૂપ છે, પણ મને તો દરેક સ્વરૂપમાં ચહેરો રફીસાહેબનો જ દેખાય છે. મારા ઘરમાં બે પેઇન્ટિંગ ઑર્ડરથી બનાવ્યાં છે. એકમાં કૃષ્ણ સ્વરૂપે રફીસાહેબ વૃંદાવનમાં વાંસળી વગાડે છે. બીજામાં દરિયામાંથી માઇક્રોફોન સાથે રફીસાહેબ પ્રગટ થાય છે. બન્ને પેઇન્ટિંગમાં તેમણે હાથમાં તેમની મનપસંદ રાડોની ઘડિયાળ પહેરી છે, જેમાં સમય છે ૧૦ કલાક ૨૨ મિનિટ.

રફીસાહેબનો આખો પરિવાર મને, મારા પરિવારને ખૂબ જ પ્રેમ અને આદર આપે છે. તેમના કેટલાય પ્રસંગોમાં મેં સપરિવાર હાજરી આપી છે. મારા પુત્રનાં લગ્નમાં રફીસાહેબના પુત્ર શાહિદ રફી, પુત્રી નસરીન અને યાસ્મિન સપરિવાર ૯ સભ્યો ચાર દિવસ અમદાવાદ આવ્યા હતા. શાહિદ રફીએ એક ઇન્ટરવ્યુમાં પત્રકારને કહ્યું હતું કે આનાથી વધુ રફીસાહેબની વિગતો જો તમારે જાણવી હોય તો અમદાવાદમાં ઉમેશ માખીજાનો સંપર્ક કરવો.

દર વર્ષે ૨૪ ડિસેમ્બરે અમે તેમનો જન્મદિન ધામધૂમથી ઊજવીએ છીએ. પંદર દિવસ પહેલાં ઘરની સાફસફાઈ શરૂ થઈ જાય. દિવાળી કરતાં પણ વધુ ઉત્સાહથી ઘરને શણગારીએ. તેમના દરેક ફોટો પર કંકુ-ચાંદલો કરીએ. આખો દિવસ તેમનાં ગીતો વાગતાં હોય. સંગીતપ્રેમીઓ કેક લઈને તેમનાં દર્શને આવે અને તેમની મજાર પર ફૂલો ચડાવે. અમને કૃષ્ણજન્મ જેટલો આનંદ થાય. મારા પરિવાર પર રફીસાહેબની અસીમ કૃપા છે. તેમના આર્શીવાદથી હું સુખી છું. કોઈ ચીજની કમી નથી, કોઈ ફરિયાદ નથી. કેવળ એક નાની પીડા છે, સરકારે આજ સુધી તેમને ભારત રત્નનો ખિતાબ કેમ નથી આપ્યો? અરે દાદાસાહેબ ફાળકે અવૉર્ડથી પણ તેઓ વંચિત છે. આટલી ઉદાસીનતા શા માટે? તેમની યાદમાં એક સંગ્રહસ્થાન પણ આપણે બનાવી નથી શક્યા. શું કરીએ તો તેમને યોગ્ય માન-સન્માન આપ્યાનો સંતોષ થાય?’

હું મારા ઈશ્વર-રફીસાહેબને રોજ એક જ પ્રાર્થના કરું છું - આજના આ ઘોંઘાટભર્યા વાતાવરણમાં જેમાં સંગીત આટલું પ્રદૂષિત થઈ ગયું છે, તમે ફરી વાર અવતાર લો અને અમારા તારણહાર બનો. મારી પાસે તમારી કૃપાથી સઘળું છે. આનાથી વિશેષ મારે કંઈ જોઈતું નથી.