ઈશ્વરોલૉજી - પ્રકરણ - 31

17 November, 2019 01:03 PM IST  |  Mumbai | Dr. Hardik Nikunj Yagnik

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 31

ઈશ્વરોલૉજી

ડબામાં રહેલી ખાંડ અને ઉપરથી નખાતા કચરાનું ઉદાહરણ આપીને નારદમુનિ કર્મનો ખૂબ જ ગૂંચવાયેલો સિદ્ધાંત તેને સમજાવે છે. સંજયને રસ પડે છે. તે તરત જ નારદમુનિને રોકતાં કહે છે ‘તો પછી દેવર્ષિ, તમારા કહેવાનો મતલબ એટલો જ છે કે દરેક માણસને પાપ અને પુણ્ય ભોગવવું જ પડે છે?’
‘માણસને નહીં કાર્યકારી પ્રભુ, દેવોએ પણ ભોગવવું પડે છે.’
સંજયના મનમાં તરત જ બીજા પ્રશ્ને જન્મ લીધો કે હવે દેવો પણ પાપ કરે તો પછી એ દેવો કઈ રીતે કહેવાય? પણ નારદમુનિને પૂછવાનું ટાળી તેણે પોતાની વાત આગળ વધારી.
‘દેવર્ષિ તમે નરક વિશે તો બધું દેખાડ્યું, હવે એક કામ કરો કે મને પૃથ્વી પરના ખરા સ્વર્ગનાં દર્શન તો કરાવો.’
નારદમુનિએ એક સ્મિત આપીને જણાવ્યું, ‘હું તો એ જ કરવાનો હતો, આ તમે મને વાતે વળગાવ્યો. ચાલો.’
સંજયને પૃથ્વી પરના સ્વર્ગને જોવાની ઇચ્છા થઈ ગઈ. નારદમુનિએ તેનો હાથ પકડ્યો અને બન્ને જણ એક નાનકડા પ્રોવિઝન સ્ટોરની સામે જમીનથી થોડે દૂર સૂક્ષ્મ સ્વરૂપે ઊભા હતા.
સ્ટોરના બોર્ડ પર મુનિએ ઇશારો કર્યો. ત્યાં લખ્યું હતું વિશ્વાસ પ્રોવિઝન સ્ટોર.
દુકાન પ્રમાણમાં ખૂબ નાની હતી. એની એક તરફ થોડાં શ્રીફળ એક મોટા તગારામાં મૂક્યાં હતાં. જેની ઉપરની તરફ જુદી-જુદી ચૂંદડીઓ લટકતી હતી. આગળ રહેલા ટેબલ પર પીપરમિન્ટથી લઈને થોડી સાદી ચૉકલેટોના ડબા હતા.
પાછળ પ્રસાદની પૅક થયેલી કોથળીઓ પડી હતી. થોડાં નાસ્તાનાં પૅકેટ અને બિસ્કિટ પણ ત્યાં હતાં. સૌથી આશ્ચર્ય પમાડે એવી વાત તો એ હતી કે દુકાનને સંભાળનાર કોઈ જ નહોતું.
પાસે જ મંદિર હતું. સંજયે ધ્યાનથી જોયું તો કેટલાક માણસો આ સ્ટોર પાસે ઊભા રહેતા. ત્યાં પડેલી વસ્તુઓમાંથી કોઈ પણ લઈ લેતા હતા, પણ પૈસા લેવા માટે ત્યાં કોઈ માણસ નહોતો. બસ સામેના મેઇન ટેબલ પર પડેલી એક બરણીમાં ઉપરથી કાણું હતું જેમાં પૈસા નાખીને એ લોકો જતા રહેતા.
સંજયને ખૂબ આશ્ચર્ય થયું. દુકાનની વચ્ચોવચ એક ખુરસી પર એક પાટિયું માર્યું હતું, જેની ઉપર ખૂબ જ મરોડદાર સ્વચ્છ અક્ષરોમાં કશુંક લખ્યું હતું...
‘સૌ ગ્રાહકોને સાદર જણાવવાનું કે આ વિશ્વાસ સ્ટોર છે. બાજુની દીવાલ પર મારેલા બોર્ડ પર અહીં મળતી દરેક વસ્તુઓની મૂળ કિંમત લખી છે. અમારી ઉંમરને લીધે આખો દિવસ દુકાન પર બેસાય એમ નથી. આપ આપને જે જોઈએ એ વસ્તુ લઈને એની કિંમત આ ડબામાં નાખી દેજો. અને જો નહીં નાખો તો અમારા તરફથી ભેટ સમજજો. ઈશ્વર તમારું ભલું કરે.’
સંજયને થયું કે આજના જમાનામાં આવું તે કાંઈ થતું હશે! તેને થયું કે આ માણસ વિશે તો જાણવું પડે. તેના મનની વાત નારદમુનિ સમજી ગયા અને બોલ્યા, ‘મને ખબર જ હતી એટલે આ દુકાન જોઈ લો પછી તેમને ત્યાં જ જઈએ છીએ. આ દુકાનની પાછળ છે એ જ તેમનું ઘર.’
બન્ને જણ સૂક્ષ્મ સ્વરૂપે ઘરમાં પ્રવેશે છે. ઘર નાનું પણ એકદમ ચોખ્ખું છે. દરવાજે તુલસીક્યારો છે. એક ખૂબ ઘરડો માણસ નાનકડા સ્ટૂલ પર બેઠો છે. એક ઘરડી સ્ત્રી પથારીમાં બેઠી છે. પુરુષના હાથમાં એક વાટકો છે જેમાં ગરમાગરમ સૂપ  છે. એક હાથે ચમચી વડે સૂપને હલાવે છે અને વારે-વારે ફૂંક મારીને પત્નીને પીવડાવે છે. પત્ની પણ એ જ રીતે વચ્ચે-વચ્ચે ચમચી લઈ એ માણસને પીવડાવે છે. બન્નેના ચહેરામાં એક અજબનો સંતોષ અને પ્રેમની લાગણી છે. બન્નેના બોખા મોઢા પર એક અનેરું સ્મિત અને આંખોમાં જીવન જીવ્યાનો સંતોષ છે. સૂપ પતે છે એટલે પેલો ઘરડો માણસ ખાલી વાસણ અંદર મૂકવા જાય છે. ડોશી બાજુમાં મૂકેલો રેડિયો ચાલુ કરે છે. એના પર એક જૂનું ગીત વાગતાં જ એ બૂમ પાડીને પતિને બોલાવે છે. ગીતના શબ્દો એ ઘરડા માણસની ચાલમાં થોડો જુસ્સો આપે છે. ગીત સાંભળતાં પત્ની હાથથી તાલ આપી રહી છે. તેનો પતિ પાસે આવીને સ્ટૂલને બદલે તેની સાથે ખાટલામાં બેસે છે. પત્ની તેના ખભે માથું મૂકે છે. બન્ને જણ ગીત સાંભળતાં એક અનેરા ભૂતકાળને યાદ કરતાં આનંદની અનુભૂતિ કરતાં નજરે ચડે છે.
ભલભલા યુવાનોને ઈર્ષા થાય એવા આ યુગલને જોઈને નારદમુનિ તો મનોમન આશીર્વાદ આપી  રહ્યા છે, પણ સંજયને અજીબ લાગે છે. અચાનક વર્ષોજૂની ઘડિયાળમાં સાત વાગ્યાના ટકોરા પડે છે. એ વ્યક્તિ ધીમેકથી ઊભી થઈને બાજુમાં પડેલી લાકડી લઈ ઘરની બહાર નીકળે છે. સંજય અને નારદમુનિ પણ તેમની સાથે સૂક્ષ્મ  સ્વરૂપે છે. એ માણસ દુકાને આવે છે. તેમને જોઈ સામેની સાઇકલની દુકાનવાળો એક નવયુવાન આવીને કાકાને પગે લાગી એક પછી એક વસ્તુઓ, શ્રીફળ, ચુંદડીઓ અંદર દુકાનમાં મૂકવા માંડે છે અને એ ઘરડો માણસ દુકાનમાં મૂકેલા નાનકડા મંદિરમાં અગરબત્તી ફેરવીને છેક બહાર માટીમાં ગોઠવે છે. ત્યાર બાદ પેલા કાણાવાળા ડબાને ખોલી એની અંદર રહેલા પૈસા પોતાના ખિસ્સામાં મૂકી દેતાં બોલે છે...
‘ભાઈ કશું લાવવાનું લાગે છે...’
પેલા સાઇકલવાળા માટે રોજનું હોય
એમ ચારે તરફ નજર નાખતાં કહે છે, ‘આમ તો બધું છે દાદા, એક કામ કરો, સિંગ-સાકરિયાના પ્રસાદનાં મોટાં પૅકેટ ઓછાં છે એ કાલે
લઈ આવીશ.’
‘ભલે ચાલ’ એમ કહીને પેલા મંદિર તરફ બે હાથ જોડી ખાલી ડબાને એ જ જગ્યાએ મૂકીને તેઓ બહાર નીકળે છે. પેલો અબ્દુલ નામનો છોકરો શટર પાડે છે, પણ તાળું નથી મારતો.
લાકડીના ટેકે પેલો માણસ ઘર તરફ જાય છે. સંજય નારદમુનિની તરફ જુએ છે. હજી તો તે કશું બોલે એ પહેલાં તો જાણે સઘળું સમજી ગયા હોય એમ તેઓ ત્યાંથી અદૃશ્ય થાય છે અને બીજી જ ક્ષણે તેઓ પેલા માણસની સામે પૅન્ટ-શર્ટ પહેરીને ઊભેલા દેખાય છે.
‘એ કાકા, જય સીતારામ’ બે હાથ જોડીને એ માણસને કહે છે.
‘એ જય સીતારામ ભાઈ, કોણ?’
‘એ તો હું ટીવીના ન્યુઝ-ડિપાર્ટમેન્ટમાંથી આવુ છું.’ નારદમુનિને ગોઠવતાં જરાય
વાર ન લાગી.
‘ભલું, પણ મારી જોડે તમને શું મળશે?’
‘અરે તમારી જોડે જે મળશે એ બીજે ક્યાંયથી નહીં મળે દાદા. જો હું તમને સમજાવું. આ અમારા મૂળ બૉસ છે અને તેઓ રજા પર ગયા છે એટલે તેમણે એક કાર્યકારી બૉસ મૂક્યા છે. આ નવા બૉસ જરા ભારે છે. એ તેમનો ઑર્ડર છે કે નવા પ્રકારના ન્યુઝ લઈ આવો. તે કોઈકે તમારી આ અજીબ દુકાન વિશે કહ્યું એટલે એની સ્ટોરી કવર કરવા મોકલ્યો.’
આ બોલતી વખતે નારદમુનિની આંખો સૂક્ષ્મ સ્વરૂપે રહેલા સંજય પર હતી. સંજય
થોડો ચિડાયો પણ ખરો, પરંતુ ત્યાં તો પેલા દાદાએ કહ્યું,
‘અરે ભાઈ, આપણો સાહેબ આપણો અન્નદાતા કહેવાય. તેમના વિશે ખરાબ બોલવું શાને? અને હું તો કહું છું કે કોઈને પણ માટે ખરાબ બોલવું જ શા માટે? હશે ભાઈ, બોલો શું પૂછતા હતા?’
‘આ તમારી દુકાન અને તમારા જીવન
વિશે પૂછવું હતું. આમ કેવી રીતે તમે વિશ્વાસ કરી શકો?’
‘વિશ્વાસનું તો એવું છેને ભાઈ, આજે માણસને વિશ્વાસ પર જ વિશ્વાસ રહ્યો નથી એની જ બધી મોંકાણ છે. આ મારી અને પત્ની બન્નેની તબિયત હમણાંની સારી રહેતી નથી. એક જ દીકરી અને તે તેના ઘરમાં સુખી છે. હવે દુકાને આખો દિવસ બેસી રહેવાનું શરીરને ફાવે નહીં. કેડના બે મણકા દબાઈ ગયેલા છે અને આટલી ઉંમરે તો શરીર ઘસાય કે નહીં. તે વિચાર આવ્યો કે જેને કદી જોયા નથી એ ભગવાન પર ભરોસો કરીએ  છીએ તો આ રોજ આજુબાજુ દેખાતા માણસ પર કેમ ન કરાય? તે એ દિવસથી નક્કી કર્યું આ પાટિયુ મારવાનું. જેને જે જોઈએ એ લઈ લે અને એની કિંમત મૂકી દે ડબામાં. આ સામેવાળો અબ્દુલ દુકાન ખોલવામાં અને બંધ કરવામાં અને કંઈક લાવવાનું હોય તો મદદ કરે. બાકી લોકોને જે જોઈતું હોય તે લઈ લે. ડબામાં એટલા પૈસા આવી જ જાય જેમાં મૂળ રકમ કાઢતાં અમારા ડોસા-ડોસીનું જીવન સુખેથી ચાલે.’
‘તે કાકા, તમને એમ ન થાય કે કોઈ દગો કરીને પૈસા ન મૂકે તો...’
‘જો ભાઈ, મારી દુકાનમાં ભગવાનને ચઢાવાની વસ્તુ મળે છે અને બીજો ખાવાપીવાનો નાસ્તો. હવે જો કોઈ માણસ દગો કરીને પૈસા મૂક્યા વગર જતો રહેશે તો ક્યાંક તો તે ભગવાનને ધરાવશે અને ક્યાંક તેના પેટમાં પડશે.’
‘પણ જો કોઈ પેલા પૈસાનો ડબો જ લઈને જતો રહે તો?’
‘લે આવો તો વિચાર પણ મને નથી આવ્યો બેટા, અને આજ સુધી કોઈએ એવું કર્યું પણ નથી. જો મને તો એટલી જ ખબર પડે છે, સૌને સારી નજરે જોવું. મેં આજ સુધી આવું તો ક્યારેય નથી જોયું. હું તો માનું છું કે દુનિયામાં સારા માણસોની હજી પણ કમી નથી. ખાલી આપણે તેમના પર વિશ્વાસ કરવાની જરૂર છે. આજ સુધી એ ડબામાં કોઈ કોઈ વાર વધારે પૈસા આવ્યા છે, પણ ઓછા તો ક્યારેય નહીં. બેટા સંતોષ અને વિશ્વાસ બન્ને રાખો તો આ જગતમાં  જીવ્યા જેવું છે હોં!’
(વધુ આવતા અંકે)

weekend guide