ડાકુ - વટ, વચન અને વેર ( પ્રકરણ 304)

26 January, 2019 02:45 PM IST  |  | રશ્મિન શાહ

ડાકુ - વટ, વચન અને વેર ( પ્રકરણ 304)

વટ, વચન અને વેર

હાથની ચાર આંગળીમાં એકસાથે પહેરાઈ જાય એવો એ પંજો હતો. દેખાવે વીંટી જેવા એ પંજાના આગળના ભાગમાં સિંહના ચાર નખ જડવામાં આવ્યા હતા. આ પંજો ડફેર પાસે વધુ જોવા મળતો. ખૂન કર્યા પછી એ લાશ જંગલી જાનવરનો શિકાર જેવી લાગે એ માટે ડફેરોએ જ આ હથિયાર બનાવ્યું હતું.

‘પછી શું, બધાએ છોડી દેવાનું કહ્યું એટલે કાલી ડફેરને છોડી દીધો...’ ભૂપતને સિરાજુદ્દીને કહેલી વાત યાદ આવી ગઈ, ‘હવે પછી જો આવી નાલાયકી બીજા કોઈની દીકરી સાથે કરશે તો પણ હરામખોરને જીવતો કાપી નાખીશ.’

કાલીનો એ પંજો ભૂપતે પોતાના ખિસ્સામાં સરકાવી દીધો. સિંહના નખવાળા એ પંજાનો ઉપયોગ હવે કાલી પર થવાનો હતો, જેનો કાલીને અણસાર સુધ્ધાં નહોતો.

***

કાલી ડફેર સાથે સિરાજુદ્દીનનો થયેલો ઝઘડો અને સિરાજુદ્દીનની લાશ પાસેથી મળેલો સિંહના નખવાળો પંજો આ બન્ને હકીકત એ દિશામાં શંકા કરવા મજબૂર કરતી હતી કે સિરાજુદ્દીનનો શિકાર નહીં પણ તેની હત્યા થઈ હોઈ શકે છે. જોકે આ બાબતમાં ભૂપતે કોઈની પણ પાસે આ શંકા વ્યક્ત કરી નહોતી. આમ પણ સિરાજુદ્દીનના ઘરમાં કોઈ મર્દ હતો નહીં જેની સાથે તે આ સંદર્ભની વાત કરી શકે. હુમાતાઈ કે પછી દીકરીઓ અઝાન અને રાબિયા સાથે આ વાત કરવાનો કોઈ અર્થ સરતો નહોતો. ભૂપતે વિચાર્યું હતું કે સિરાજુદ્દીનની અંતિમવિધિ દરમ્યાન સિરાજુદ્દીનના ભાઈઓ આવશે તો તે એ લોકો સાથે આ બાબતમાં વાત કરશે, પણ સિરાજુદ્દીનના ભાઈઓ અને ભત્રીજાઓ ભૂપતથી અંતર રાખીને રહેતા હતા એટલે ભૂપતને એવી કોઈ તક મળી નહીં. ભૂપત માટે આ વાત હવે વલોપાત બની રહી હતી. ભૂપત પાસે એક જ રસ્તો બાકી વધ્યો હતો અને એ પોલીસચોકીનો હતો. જોકે પોલીસચોકીએ જતાં પહેલાં ભૂપતે કોઠાસૂઝ વાપરીને કાલી ડફેર વિશે થોડી માહિતી મેળવવાનું કામ કર્યુ. કાલી વિશે વધુ જાણવા માટે તેણે સહેજ પણ વધુ મહેનત કરવી નહોતી પડી. નવાબ મહોબ્બતઅલી ખાનના મહેલમાં કામ કરતી દાસીઓ પાસેથી જ કાલીનાં કાળાં કારનામાઓ વિશે તેને જાણવા મળી ગયું.

‘સાવ લંપટ અને હરામખોર માણસ છે...’ મહેલમાં સફાઈનું કામ કરતી એક મહિલાએ ભૂપતને કહ્યું કે તરત જ બીજી દાસીએ બાજુમાં આવીને પોતાના દીકરાની ઉંમરના ભૂપતને સલાહ પણ આપી દીધી, ‘તું તો તેનાથી આઘો જ રહેજે. તને તો કાચો ખાઈ જશે અને તારાં હાડકાં પણ નહીં જડે.’

‘આવો હરામી છે તો પછી નવાબસાહેબ શું કામ તેને સજા નથી કરતા?’ ભૂપતે ચહેરા પર નિર્દોષ ભાવ ઓઢી રાખ્યો હતો, ‘આવા માણસને તો જેલમાં નાખી દેવો જોઈ.’

‘જેલમાં ક્યાંથી પૂરે? નવાબસાહેબનો ખાસ માણસ છે તે...’ પહેલી દાસીએ આજુબાજુમાં જોઈને દબાયેલા અવાજે ભૂપતના કાનમાં કહ્યું, ‘મહારાજનાં બધાં ખાનગી કામ કાલી જ કરે છે... કાલી તો તેમનો લાડકો છે.’

‘નવાબસાહેબને શું ખાનગી કામ હોય... આખું રાજ્ય તો તેમનું છે. તે કહે એમ તો થાય છે બધું...’ ભૂપતે પોતાની પૂછપરછની દિશા બદલી, ‘પોલીસ તો તેને પકડી શકેને?’

‘ના હવે, આપણે ત્યાં ક્યાં અંગ્રેજ પોલીસ છે. આપણી પોલીસ તો નવાબની પોલીસ છે. કોઈ કાલીની રાવ લઈને જાય કે તરત પોલીસ જમાદાર નવાબસાહેબને જાણ કરે એટલે કાલીને બધી ખબર પડી જાય.’

‘વાઘજી ઠાકોર રાવ કરે તો?’

ભૂપતના સવાલનો જવાબ મળે એ પહેલાં તો હવેલીમાં ભારેખમ મોજડીનો અવાજ ગુંજી ઊઠ્યો. મોજડીના તળિયે લોખંડની નારંગી ફિટ કરવાની નવાબની આદત હતી. આ નારંગી આરસની ફરસ પર અથડાય એટલે હવામાં સહેજ આક્રમક એવા તરંગો ઊભા થતા હતા. સૈનિકો, નોકરચાકરો અને દાસીઓ અદબમાં આવી જાય એવા હેતુથી નવાબ મોજડીમાં આ નારંગી જડાવતા હતા. નારંગીનો અવાજ દીવાનખંડની નજીક આવવા લાગ્યો એટલે દાસીઓ મૂંગી થઈને ફરીથી પોતાના કામે લાગી ગઈ અને ભૂપત ત્યાંથી સરકી ગયો. આમ પણ તેનું કામ પૂરું થયું હતું. તેને સમજાઈ ગયું હતું કે કાલી ડફેર વિશે કોઈની પણ પાસે બોલવાથી સાચી હકીકત જાણવા નથી મળવાની. ઊલટું, કાલી સાવધાન થઈ જશે અને પોતે આંખે ચડી જશે.

- તો હવે સત્ય જાણવા કરવું શું?

ભૂપતના મનમાં પ્રસરી રહેલા આ સવાલનો એક જ જવાબ હતો. પોતે જ યેનકેન પ્રકારે કાલી પાસેથી સત્ય જાણવાની કોશિશ કરે.

***

- અને ભૂપતે એ દિશામાં કામ કરવું શરૂ પણ કરી દીધું. આ કામ તેણે શરૂ ન કર્યું હોત જો લોકોની વાત તેના કાન સુધી પહોંચી ન હોત.

‘સિરાજુદ્દીનની બૈરી ને છોકરાઓ તો સાવ એકલાં થઈ ગયાને! કોણ જાણે હવે એ બિચારા કેમ જીવશે.’

‘જીવશે? કાલી આ લોકોને કેટલા દિવસ જીવતાં રહેવા દેશે એ જોવાનું છે હવે?’

લોકોના મોઢે કાલી માટેના આ સંવાદો સાંભળવાની સાથોસાથ પોતાના માટે પણ ઘસાતા શબ્દો ભૂપતે સાંભળ્યા હતા. જોકે એનાથી ભૂપતને કોઈ ફરક નહોતો પડતો. તે અત્યારે સમય અને જરૂરિયાતને મહkવ આપી રહ્યો હતો. ભૂપતને ખબર હતી કે ઈશ્વર દરેકને માઠું લગાડવાનો સમય આપતો હોય છે. એવો સમય તેને પણ મળવાનો જ હતો. અત્યારે સમય હુમાતાઈ અને અઝાન-રાબિયાની રક્ષા કરવાનો હતો, અત્યારે સમય સિરાજુદ્દીનના મોતને ન્યાય અપાવવાનો હતો. આ જ ગાળા દરમ્યાન ભૂપત સુધી કાલીના બીજા શબ્દો પણ પહોંચ્યા.

‘મોતનો મલાજો રાખીને બેઠો છું. બાકી અઝાને આવતા મહિનાથી મારા ઘરમાં રોટલા ઘડવા બેસવાનું છે એ નક્કી છે...’

સવારે અફઘાન ઘોડાને નવડાવીને ભૂપત એને ચક્કર મરાવવા નીકYયો ત્યારે દરબારગઢ વિસ્તારમાં લોકોના મોઢેથી આ શબ્દો સાંભળ્યા હતા. ભૂપતે તપાસ કરી તો ખબર પડી હતી કે થોડી મિનિટો પહેલાં જ કાલી ડફેર આ વિસ્તારમાંથી નીકળ્યો ત્યારે તેના ચમચાઓને આવા શબ્દો તેણે કહ્યા હતા.

આ શબ્દો પછી જ ભૂપતે મનોમન નક્કી કરી લીધું હતું કે જો શક્ય બનશે તો તે હુમાતાઈની સાથે જ રહેશે. અલબત્ત, એ માટે હુમાતાઈની પરવાનગી હોવી જરૂરી હતી, જે તેને મળી ગઈ એટલે ભૂપત પોતાનું ઘર એવું ઘોડાઘર છોડીને સિરાજુદ્દીનના ઘરમાં રહેવા આવી ગયો અને આડકતરી રીતે ચોકીદારની જેમ બહાર સૂવા લાગ્યો. રાતે બહાર સૂતો ભૂપત ઘરના બધા સૂઈ જાય એટલે ઘરની બહાર ફળિયામાં ખાટલા પર બેસીને ઘરની ચોકીદારી કરતો. બિલાડીના પગના અવાજથી પણ તે સાવધ થઈ જતો અને સિરાજુદ્દીનની લાશ પાસેથી મળેલા સિંહ-નખના પંજા સાથે અવાજની દિશામાં એવી સાવધાની સાથે વાર કરતો જેથી ઘરમાં સૂતેલાઓની ઊંઘમાં ખલેલ ન પડે. આ એ સમયગાળો હતો જે સમયમાં કાલી જૂનાગઢ છોડીને સંતાઈ ગયો હતો. જોકે ભૂપતને આ બાબતની જાણકારી નહોતી. તે એવું જ ધારી રહ્યો હતો કે કાલી ડફેર શહેરમાં છે અને કોઈ પણ ઘડીએ હુમાતાઈના ઘર પર હુમલો કરી શકે છે. એ હકીકત છે કે સિરાજુદ્દીનની હત્યા પછીના બે દિવસ કાલી શહેરમાં જ હતો, પણ એ પછી મહેલમાંથી આવેલા આદેશને કારણે તેણે જંગલમાં ચાલ્યા જવું પડ્યું હતું. બારેક દિવસ જંગલમાં રહ્યા પછી નવાબે જ તેને આદેશ મોકલાવ્યો અને જૂનાગઢ મળવા માટે બોલાવ્યો.

જે રાતે કાલી ડફેર નવાબને મળવા માટે મોડી રાતે નવાબના મહેલમાં ગયો એ સાંજે ભૂપતને આની જાણકારી મહેલમાંથી સાવ અનાયાસ મળી ગઈ હતી.

***

‘ચાલો, જલદી કરો...’

સામાન્ય સંજોગોમાં કાલી અને નવાબની મુલાકાત મહેલ સાથે સંકળાયેલા લોકોથી પણ ખાનગી રાખવામાં આવતી હતી. સાત વાગ્યે ઢળતી સંધ્યાના સમયે વાઘજી ઠાકોરના આદેશથી મહેલના પટાંગણમાં કામ કરતા બધાને રવાના કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી અને મહેલના સૈનિકો એ વિસ્તારમાં કામ કરી રહેલા લોકોના હાથમાંથી કામ મુકાવી રહ્યા હતા. એ સમયે ભૂપત તોશાખાનાનાં હથિયારો અને એ હથિયારોના દારૂગોળાની ગણતરી કરી રહ્યો હતો. તોશાખાનામાં સળગી રહેલા ફાનસને જોઈને બે સૈનિક અંદર આવ્યા.

‘એય, આટલી મોડી સાંજે અહીં શું દાટ્યું છે?’ સૈનિકે રોફ છાંટ્યો, ‘ચાલો, હવે ઘરે જાઓ. મોડું થઈ ગયું છે.’

‘દીવાનસાહેબને આ બધાનો હિસાબ જોઈએ છે...’ ભૂપતે કારતૂસની લાકડાની પેટીનું ઢાંકણું ખોલતાં જવાબ આપ્યો, ‘કહીને ગયા છે કે રાતના ગમે એટલા વાગે, હિસાબનો કાગળ મને આપીને જવાનું છે.’

‘દીવાનસાહેબ કેવા લોકોને કામ વળગાડી દે છે...’ સૈનિકને મજાક સૂઝી હતી, ‘અલ્યા એય, કેટલે સુધી તને લખતાં આવડે છે?’

‘દસ હજાર સુધી...’ ભૂપતે જમણી તરફ ગોઠવેલી લાકડાની પેટીઓ તરફ હાથ કર્યો, ‘દસ-દસ હજારની ગોળીની પેટી બનાવીને અહીં ગોઠવતો જઉં છું.’

‘ઠીક છે હવે...’ પોતાની ભોંઠપ સંતાડતાં સૈનિકે અવાજ મોટો કર્યો, ‘એ બધું હવે કાલે કરજે. ચાલો, અત્યારે રજા લો.’

‘પણ મારે આ કામ આજે જ પૂરું કરવાનું છે.’ ભૂપતે પોતાનો દૃઢ નિર્ધાર જણાવવાની સાથોસાથ સૈનિકોને વહાલા થવાની રીત પણ અપનાવી લીધી, ‘તમને ના પાડવાની ગુસ્તાખી બદલ માફી... જો આપ વાઘજી ઠાકોરને જવાબ આપવા માટે બંધાતા હો તો હું તો ઘરે જવા તૈયાર જ છું’

હવે મૂંઝાવાનો સમય બન્ને સૈનિકોનો આવ્યો. જો વાઘજી ઠાકોરના આદેશની ઉપરવટ જાય તો નોકરી ગુમાવવી પડે અને હવેલીમાં કામ કરતા રોજમદારોને હટાવીને સૌને ઘરે મોકલવાના આદેશનું ઉલ્લંઘન કરે તો પણ એમાં નોકરી ગુમાવવી પડે.

‘શું કરશું હવે?’ બન્ને વચ્ચે મસલત શરૂ થઈ, ‘તોશાખાનાનું કામ પણ અગત્યનું જ છે અને આને પણ દીવાનસાહેબે જ કામે લગાડ્યો છે...’

‘આના કરતાં પેલું કામ વધારે અગત્યનું હશે, નવાબસાહેબની મુલાકાત છે એટલે... કાલીને કોઈ દિવસ એમ ને એમ નવાબસાહેબ બોલાવે નહીં.’

કાલીનું નામ આવ્યું એટલે ભૂપતના કાન સરવા થયા. તે ધીમેથી બન્ને સૈનિકોની દિશામાં સરક્યો. બન્ને સૈનિક તોશાખાનાના દરવાજા તરફ મોઢું કરીને ઊભા હતા એટલે તેમની પીઠ ભૂપત તરફ હતી. ભૂપત આગળ વધ્યો એ તરફ બેમાંથી કોઈનું ધ્યાન નહોતું. બન્ને પોતાની મૂંઝવણમાં મશગૂલ હતા.

‘એક કામ કરીએ, વાઘજી ઠાકોરને પૂછી આવીએ.’

‘ના ભાઈ, ના. તેમને પૂછીને મારે તેમની ગાળો નથી ખાવી...’ બીજા સૈનિકે વચ્ચેનો રસ્તો દેખાડ્યો, ‘છોકરાને અહીં રહેવા દઈએ. આમ પણ આ બટાટા જેવડો ક્યાં મહેલમાં જવાનો છે...’

‘જશે તોય કાલીને જોઈને પાટલૂનમાં મૂતરી પડશે...’

‘હા... હા... હા...’

જાણે કે કોઈ મોટી રમૂજ કરી હોય એમ બન્ને જણ ખડખડાટ હસી પડ્યા.

બન્નેનું હસવાનું પૂરું થાય ત્યાં સુધીમાં ભૂપત પાછો પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયો હતો અને કારતૂસના થપ્પા પર પાથરવામાં આવેલા સૂકા ઘાસને હટાવવાનું કામ કરતો હતો. તેના ચહેરા પર અજબની નિષ્ફિકરાઈ પથરાયેલી હતી. આ નિષ્ફિકર ચહેરામાં કામ પ્રત્યેની નિષ્ઠા પણ ઝળકી રહી હતી. ગણગણાટ કરતા હોઠ પર સોંપવામાં આવેલા કામની ગણતરી ચાલતી હતી અને ઝીણી કરેલી આંખોમાં સૂકા ઘાસ સાથે કોઈ કારતૂસ વેડફાઈ ન જાય એની ચીવટ હતી.

‘જો છોકરા, તું તારું કામ કર... પણ તારું કામ પૂરું થાય એટલે સીધો અહીંથી નીકળી જજે... વાઘજી ઠાકોર કામમાં છે. તે અત્યારે તને નહીં મળે.’

‘જી સારું...’ ભૂપતે પોતાની નૌટંકી ચાલુ રાખી, ‘આ બધી ગણતરી પૂરી થઈ જાય એટલે હિસાબનો કાગળ પણ અહીં રહેવા દઈશ. રાતે દીવાનસાહેબનું મન થાય અને જો અહીં આવે તો જાતે જ જોઈ લે.’

‘ઠીક છે...’

બન્ને સૈનિકો તોશાખાનામાંથી બહાર નીકળ્યા અને પટાંગણમાંથી અન્ય લોકોને હટાવવાના કામે લાગી ગયા. વીસેક મિનિટે પછી આખો મહેલ શાંત થઈ ગયો. ભૂપત શાંતચિત્તે પોતાનું કામ કરી રહ્યો હતો. જોકે તેનો જીવ બહાર ચોંટ્યો હતો. કાલી આવવાનો છે એ સાંભળ્યા પછી ભૂપતને એક વાર કાલીને જોવાની તાલાવેલી લાગી હતી. બીજી દસેક મિનિટ પસાર થયા પછી ભૂપત ધીમેકથી ઊભો થઈને તોશાખાનાની બારી પાસે ગયો અને બારીના બે દરવાજા વચ્ચે જરાસરખી જગ્યા બનાવી. બહારનું વાતાવરણ બિલકુલ શાંત હતું. એકાદ મિનિટ એમ જ શ્વાસ રોકીને ઊભા રહ્યા પછી ભૂપત બહાર નીકળવાનું વિચારતો હતો ત્યાં જ બહારથી જોર-જોરથી હસવાનો અવાજ આવ્યો. હસવાના અવાજને કારણે ભૂપત ફરીથી બારી પાસે ગોઠવાઈ ગયો. દૂરથી આવી રહેલો હસવાનો અવાજ ધીમે-ધીમે નજીક આવ્યો અને પછી એમાં સંવાદો પણ ઉમેરાયા.

‘હાથી તો ગામમાંથી નીકળે એટલે મગતરાં મૂતરી પડે... આ તો દુનિયાનો નિયમ છે. આ નિયમ કાલીએ તોડ્યો છે. કાલી નીકળે એટલે હાથી મૂતરી પડે... ’ ફરીથી મોટું અટહાસ્ય, ‘હા... હા... હા...’ આ અટ્ટહાસ્ય ધીમે-ધીમે તોશાખાના પાસેથી પસાર થયું અને પછી મહેલની બારી પાસેથી નીકળ્યું. ભૂપતે આંખો ઝીણી કરીને નજર બારીની તિરાડ વચ્ચે માંડી રાખી હતી. અજવાશવાળી એ રાતમાં બહારનું દૃશ્ય સ્પષ્ટ નહોતું દેખાતું, પણ બહારનો અણસાર ચોક્કસ આવી શકતો હતો.

છ ફુટ ઊંચો અને ત્રણ ફુટ પહોળો એક કાળો ઓળો પસાર થતો બારી પાસે આવ્યો અને બારી પાસે આવીને રોકાયો. તેના હાથમાં ચલમ હતી. ચલમમાં ચરસ ભર્યું હતું. ચરસનો એક ઊંડો કસ ફેફસાંમાં ભર્યા પછી એ ઓળાએ જમણા હાથમાં પકડેલી ચલમ ડાબા હાથની હથેળીમાં ઊંધી ઠપકારી અને અંદરની આગ બહાર કાઢી. આગની સાથે ચરસની સળગેલી કાંકરી પણ બહાર નીકળી. ઓળાએ એ કાંકરીને બે હાથ વચ્ચે રમાડીને ઓલવી અને પછી કૂરતાના ઝભ્ભામાંથી ડબ્બી કાઢી કાંકરી રૂમાલમાં મૂકી દીધી. સળગેલા એ ચરસની વાસ વાતાવરણમાં ભળી ગઈ.

ચલમ ઓલવાઈ ગઈ એટલે એ ઓળો મહેલમાં દાખલ થઈ ગયો.

ભૂપત બારી પાસેથી હટ્યો અને તોશાખાનાનો દરવાજો ખોલીને લપાતા પગલે બહાર નીકળ્યો.

***

‘કાલી, સિરાજુદ્દીન તો શું, તારા માટે તો જૂનાગઢનો સેનાપતિ પણ કુરબાન છે.’ નવાબ મહોબ્બતખાને હીરાજડિત શરાબનો ગ્લાસ મોઢે માંડ્યો હતો, ‘સિરાજુદ્દીનને માર્યા પછી હવે તો તારા જીવને શાંતિ થઈને...’

‘હૈયે ટાઢક પહોંચી ગઈ નવાબસાહેબ, પણ આ બે ટાંટિયા વચ્ચે હજી ગરમી અકબંધ છે એનું શું?’

આલીશાન દીવાનખંડમાં નવાબ અને કાલી વચ્ચે વાર્તાલાપ ચાલી રહ્યો હતો. ચાલીસ આદમકદ પિલર પર ઊભા કરવામાં આવેલા એ દીવાનખંડના આઠમા પિલરની પાછળ ભૂપત સંતાયેલો હતો. અહીંથી તેને કાલી અને નવાબની વાત સ્પષ્ટપણે સંભળાતી હતી. આ વાત સાંભળતી વખતે ભૂપતનું ક્ષત્રિય લોહી ઊકળી રહ્યું હતું, પણ એ ઉકળાટનો કોઈ અર્થ સરવાનો નહોતો. સંજોગ અને સમય કહેતા હતા કે આ સમયે દિમાગમાં આગ નહીં પણ બરફ રાખવાનો હતો. ભૂપત પણ એ જ કામ કરી રહ્યો હતો.

‘ફદિયાં છે કે પછી ખાલીખમ ફરે છે?’

‘જરૂર તો છે...’

‘કાલે વાઘજી પાસેથી લઈ લેજે...’ નવાબ બગાસું ખાઈને સિંહાસન પરથી ઊભા થયા, ‘ચાલ હવે નીકળ...’

નવાબના નીકળવાના આ આદેશની સાથે જ ભૂપત પણ પિલરની પાછળથી અવળા પગે દરવાજા તરફ સરક્યો. ભૂપત દરવાજા પાસે પહોંચ્યો ત્યારે તેના કાને કાલીના શબ્દો અથડાયા.

‘નવાબસાહેબ, એક નાનકડી વિનંતી છે... અઝાનને થોડાક દિવસ લઈ જવી છે... સિરાજુદ્દીનની છોકરીને, તમારું બધું કામ પતાવીને... પહેલાં નહીં.’

ભૂપતની આંખોમાં લોહી ધસી આવ્યું, પણ ફરી એક વખત સમય અને સંજોગોએ તેના હાથ બાંધી દીધા. તે ચૂપચાપ દબાયેલા પગલે પહેલાં હવેલીની અને પછી મહેલના વરંડાની બહાર નીકળી ગયો.

***

કાલીએ બહાર આવીને આજુબાજુનું વાતાવરણ જોયું અને પછી પોતાના ગજવામાંથી ચરસની ડબ્બી કાઢીને ચલમમાં ભરી. પહેલેથી બહાર નીકળી ગયેલો ભૂપત એ સમયે મહેલની બહાર ભરાતી બજારની લોખંડની એક કૅબિનની પાછળ લપાઈને ઊભો હતો. આ જગ્યાએથી તેને કાલી સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ઊંચાઈની દૃષ્ટિએ કાલી ભૂપતથી બમણો ઊંચો હતો. પહોળાઈના સંદર્ભમાં પણ એવું જ કહી શકાય. ભૂપતની છાતી અઢાર ઇંચની હતી, જ્યારે કાલી છત્રીસની છાતીની પહોળાઈ ધરાવતો હતો.

‘બેટા, એક વાત યાદ રાખજે... ઘા કરવા માટે જિગર જોઈએ. જિગર હોય તો હાથમાં પકડેલા એક પથ્થરના ટુકડાથી પણ ડાલામથ્થા સિંહને આંતરી શકાય અને જો કાળજું બૈરાનું હોય તો હાથમાં બંદૂક હોય અને શિયાળ મારી જાય...’

ભૂપતની આંખ સામે મોટા બાપુ કર્ણવીરસિંહનો ચહેરો ઊપસી આવ્યો. ચહેરાની સાથોસાથ તેના કાનમાં મોટા બાપુના આ શબ્દો પણ ગુંજી ઊઠ્યા.

વાત સહેજ પણ ખોટી નહોતી. જો હિંમત કરીને તે કાલીને અત્યારે જ નાથી લે તો આનાથી ઉત્તમ અવસર તેને બીજો કોઈ મળવાનો નહોતો. ભૂપતે નરી આંખે જોઈ લીધું હતું કે કાલી પર નવાબના બાર હાથની કૃપા હતી. આ કૃપાને કારણે ક્યારેય કોઈ તેનો વાળ વાંકો કરી શકવાનું નહોતું. ભૂપતે સાંભળી લીધું હતું કે કાલીના કાંડ હવે અટકવાના નથી. સિરાજુદ્દીનને માર્યા પછી હવે તેની નજર સિરાજુદ્દીનની મોટી દીકરી અઝાન પર હતી. અઝાનની જિંદગી અભડાવવાના મનસૂબા સાથે આ માણસ મહેલમાંથી બહાર નીકળ્યો હતો. ક્યારે અને કેવા સંજોગોમાં તે અઝાન સાથે બદવ્યવહાર કરશે એ કોઈ કહી શકે એમ નહોતું. જો કાલી અઝાન સાથે એવું કોઈ પગલું ભરશે તો નક્કી હુમાતાઈ અને રાબિયા આત્મહત્યા કરી લેશે. એક આખો પરિવાર ખેદાનમેદાન થઈ જશે. એવો પરિવાર જે પરિવારે તેને દીકરા જેવો પ્રેમ આપ્યો હતો, સગા દીકરાથી વિશેષ લાગણી આપી હતી. એક પરિવારને તે ગુમાવી ચૂક્યો હતો. સંજોગો એવા ઊભા થયા હતા કે મોટા બાપુની હત્યા પછી તેણે પોતાનું ગામ, બા-બાપુજી અને ભાઈબંધ-દોસ્તારો સૌને છોડીને વણઝારાની જેમ એક અજાણ્યા ગામમાં રહેવા આવી જવું પડ્યું હતું. અજાણ્યા ગામમાં આવ્યા પછી તેને સિરાજુદ્દીનના પરિવારે પ્રેમ આપ્યો. એ પ્રેમ માટે, એ લાગણી માટે અને લોહીના બંધન વિના જોડાઈ ગયેલા એ સંબંધો માટે જો કંઈ કરવું હોય તો આ જ યોગ્ય સમય હતો.

‘ક્યાં જાય છે કાલી...’

ચલમમાં સળગાવીને કાલીએ જેવા પગ ઉપાડ્યા કે તેની પીઠ પાછળથી અવાજ આવ્યો. કાલીએ પાછળ ફરીને જોયું. પાછળ કોઈ નહોતું. અવાજ મહેલમાંથી આવ્યો હશે એવી ધારણા સાથે કાલીએ મહેલના દરવાજાઓ તરફ જોયું, પણ એ દરવાજાઓ બંધ હતા.

‘કોણ છે?’ જોરથી રાડ પાડીને કાલીએ ચારે દિશામાં નજર ફેરવી, પણ સામેથી કોઈ પ્રત્યુત્તર ન આવ્યો એટલે પોતાના મનનો આ ભ્રમ હશે એવું ધારીને કાલીએ માથુ ખંખેર્યું, ‘સાલ્લુ, આ વિલાયતી દારૂની અસર આવી થશે એ તો ખબર જ નઈ.’

કાલીએ ફરીથી પોતાના પગ ઉપાડ્યા.

‘કાલી, બહુ ઉતાવળ છેને કંઈ જવાની?’ ફરીથી અવાજ આવ્યો. કાલીના પગ રોકાયા. આ વખતે તેણે પાછળ ફરવાની દરકાર ન કરી અને જ્યાં ઊભો હતો ત્યાં જ ઊભા રહીને ફરીથી અવાજ સંભળાય છે કે નહીં એની રાહ જોઈ. ભૂપતે આ તકનો ઉપયોગ કરી લીધો અને પોતાની સંતાવાની જગ્યા બદલી નાખી, ‘કોની રાહ જુએ છે સાલ્લા, મોતની?’

‘અબે એય, કોણ છે?’ કાલી એકઝાટકે પાછળ ફર્યો, પણ પીઠ પાછળ દૂર-દૂર સુધી અંધકાર સિવાય કોઈ નહોતું, ‘કોણ છે? કહું છું કોણ છે?’ કાલી ઉતાવળા પગે પોતાની આસપાસનાં દસ ડગલાં જેટલા ભાગમાં ફરી વળ્યો, પણ કોઈ દેખાયું નહીં એટલે તેણે ગંદી ગાળ સાથે ફરીથી રાડ પાડી, ‘એય નીચ, બહાર નીકળ. સાલ્લા...’

‘મર્દ સાથે મર્દ જેવો વ્યવહાર હોય અને બાયલા સાથે બાયલા બનવાનું હોય...’

‘કોણ છે?’ કાલીનો અવાજ મોટો થયો, ‘સામે આવ...’

‘સિરાજુદ્દીને પણ મરતાં પહેલાં આવી જ રાડ પાડી હશે, કેમ?’ ભૂપતે બુશકોટના ખિસ્સામાંથી સિંહ-નખનો પંજો કાઢીને પોતાના જમણા પંજા પર ચડાવ્યો, ‘એ સમયે તે શું કર્યું હતું?’

આ પણ વાંચો : ડાકુ - વટ, વચન અને વેર ( પ્રકરણ 303)

ઓહ, સિરાજુદ્દીન!

કાલી ડફેરની માંજરી આંખ પહોળી થઈ. એકાએક તેને નવાબની કાળવાણી યાદ આવી ગઈ.

‘સાવધાન કાલી, એ સસલાને નજરઅંદાજ કરવાની જરૂર નથી. તે છોકરો સસલાના સ્વાંગમાં સિંહ છે, ક્યારે સ્વાંગ છોડીને ફાડી ખાશે એની ખબર નહીં પડે...’ (વધુ આવતા શનિવારે)

weekend guide