‘મિડ-ડે’માં મારો આ લેખ કદાચ છેલ્લો હોય

22 October, 2011 06:14 PM IST  | 

‘મિડ-ડે’માં મારો આ લેખ કદાચ છેલ્લો હોય

 

(નો પ્રૉબ્લેમ - રોહિત શાહ)

અથવા મને ખુદને જ એમ લાગે કે ‘હવે મારી પાસે નવો કોઈ મુદ્દો કે નવો કોઈ થૉટ નથી. કયા વિષય પર લખવું એની વિમાસણ મને સતત થયા કરે છે. માંડ-માંડ કલમ ચલાવીને ગાડું ગબડાવ્યા કરું છું.’

આવું મને લાગે અને હું સ્વયં તંત્રીશ્રીને જાણ કરું કે ‘હવેથી હું ‘મિડ-ડે’માં નહીં લખી શકું. આજ સુધી તમે મને મારા વિચારો વ્યક્ત કરવા માટેનું એક સરસ પ્લૅટફૉર્મ આપ્યું એ માટે આભાર... આજનો લેખ મારો છેલ્લો લેખ છે એમ સમજશો...’

અથવા વાચકમિત્રોને મારા લેખો તથા વિચારો પ્રત્યે હવે અણગમો થવા માંડ્યો હોય અને વાચકમિત્રો જ તંત્રીને જણાવે કે ‘મિડ-ડે’ અખબારને વધુ લોકપ્રિય બનાવવું હોય, એનું સક્યુર્લેશન વધારવું હોય તો રોહિત શાહની કૉલમ બંધ કરી દો...

અથવા ‘મિડ-ડે’ના સંપાદકને એમ લાગે કે હવે ‘મિડ-ડે’માં કંઈક નવું અને વધુ એક્સાઇટિંગ ઉમેરવું છે, નવી તાજગીસભર કલમને ચાન્સ આપવો છે, જૂની કલમો અને કૉલમો બંધ કરીને ‘મિડ-ડે’નું સ્વરૂપ તદ્દન બદલી નાખવું છે.

અથવા... આવા અનેક અથવા હોઈ શકે જેના પરિણામે ‘મિડ-ડે’માં મારો આ લેખ શક્ય છે કે કદાચ છેલ્લો જ હોય. કદાચ આવતી કાલે હું મૃત્યુ પામ્યો હોઉં...

કદાચ આવતી કાલે ‘મિડ-ડે’ને કોઈ ધારદાર કલમ અને તેજાબી વિચારોવાળી નવી કૉલમ મળી આવે.

આજ પહેલાં ‘મિડ-ડે’ની ઘણી કૉલમો બંધ થઈ છે અને ઘણી નવી કૉલમો શરૂ થઈ છે.

જીવનમાં ઘણુંબધું બદલાતું રહે છે. પરિવર્તન સતત ચાલનારી ઘટના છે. એક ઘરેડ આપણને માફક આવી ગઈ હોય, એક પરંપરાનું આપણને વ્યસન પડી ગયું હોય એટલે એમાંથી બહાર નીકળવાનું મુશ્કેલ લાગે, વસમું લાગે, આઘાતજનક લાગે... છતાં એ પરિવર્તન સ્વીકારવું જ પડતું હોય છે. પરિવર્તન થોડોક વખત નવું કે અજાણ્યું લાગે, એની સાથે મન જલદી જોડાઈ ન શકે; પરંતુ થોડા સમય પછી એ પરિવર્તન પોતે જ પરંપરા બની જાય અને વળી પાછું નવું પરિવર્તન ન આવે ત્યાં સુધી આપણે એ પરંપરાને વહાલ કરતા રહીએ.

પરંપરા ગમેએટલી પ્રિય હોય છતાં પરિવર્તન સામે એનું કશું નથી ચાલતું. છતાં પ્રાચીન સુભાષિતનો આધાર લઈને એક વાત અવશ્ય કહેવી છે. જે પંખીને આંબાની ડાળે બેસવાની આદત પડી હોય એને પછી ચંદનના વૃક્ષ તરફ જવાનું ગમશે, પણ બાવળના વૃક્ષની ડાળે જઈને બેસવાનું હરગિજ નહીં ગમે. આપણને લાઇફમાં જે કંઈ મળ્યું હોય એનાથી સવાયું અને ઉત્તમ મેળવવાનું જ આપણને ગમે છે, જરાય નીચું કે ઊતરતું સ્થાન નથી ગમતું. ક્લર્કને હેડ ક્લર્ક બનવાનું ગમે પણ પ્યુન બનવાનું નહીં ગમે. ઑફિસ-સુપરિન્ટેન્ડન્ટને મૅનેજર બનવાનું મન થશે પણ તેને કદીયે ક્લર્ક બનવાનું નહીં ગમે.

જેના વગર એક ક્ષણ પણ નહીં જીવી શકાય એમ લાગતું હોય એ જ વ્યક્તિ સાથે થોડાંક વર્ષ પછી એક ક્ષણ માટે પણ જીવવાનું અઘરું બની જતું હોય એવું ક્યાં નથી થતું? જેનો વિરહ વસમો લાગતો હતો એનું મિલન હવે ડંખીલું કેમ લાગે છે? જે મંત્ર-તંત્ર પર ભરપૂર શ્રદ્ધા હતી એ મંત્ર-તંત્ર હવે ધતિંગ કેમ લાગે છે? જે ફિલ્મી ગીતો પર આપણે ઝૂમી ઊઠતા હતા એ જ ગીતો હવે બકવાસ કેમ લાગે છે? જે પરંપરાનું ખંડન આપણને પાપકૃત્ય લાગતું હતું એ જ પરંપરાનું ખંડન હવે પુણ્યકાર્ય કેમ લાગે છે?

મનને પરિવર્તન જોઈએ છે. દિલને કશુંક નવું અને તાજગીસભર જોઈએ છે.

અને એ ન મળે તો મન બળવો કરે છે, દિલ બળ્યા કરે છે.

એવી ક્ષણે જો પરિવર્તનનો શાશ્વત નિયમ સ્મરણમાં રહેશે તો આપણે જાતે જ ફીલ કરીશું - નો પ્રૉબ્લેમ.