અધિકના અંતમાં સારો કથાકાર એ જ સાચો કલાકાર

15 September, 2012 10:42 AM IST  | 

અધિકના અંતમાં સારો કથાકાર એ જ સાચો કલાકાર



(મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર)

જે મળ્યું એની કદર નથી અને જે નથી મળ્યું એ મેળવવા રાત-દિવસ દોડાદોડ ચાલુ કરી દે છે. યાદ રાખો, જે નથી મળ્યું એની ફિકર કરી તો જે મળ્યું એનો આનંદ ક્યારેય નહીં લૂંટી શકો પણ આપણને તો આ જોઈએ છે, તે જોઈએ છે, પેલું જોઈએ છે. જોઈએ જ છે, આપણે આપવું કશું નથી. આપવું ગમે તો માત્ર સલાહ-ઉપદેશ, બાકી તો ઈશ્વરે ખોબલે-ખોબલે આપ્યું હોવા છતાં આપણે ચપટી-ચપટી પણ આપી શકતા. ઈશ્વરે તો નસીબ કરતાં અધિક આપ્યું છે તો અધિક મહિનામાં અધિકારની ભાવના જવા દઈ અધિક આપી પુણ્યનું ભાથું બાંધી લો.

માય, માય, માય... હવે તમને થવાનું સાલો આ ઠાકરિયો આવું મીઠું-મીઠું ઉપાડી લાવ્યો. તો માય ડિયર વાચક, વેઇટ, હું સમજાવું. આ અધિક મહિનાની પૂર્ણાહુતિ વખતે પેલા ભક્ત-સુધારક-કથાકાર પોતાની કથામાં ઇમ્પ્રેશન પાડવા વાપરી શકાય એટલો માલ આપણી આગળ ઠાલવે, આપણને ઉલ્લુ બનાવે અને આપણે પણ માયાવતીના સ્ટૅચ્યુની જેમ ચૂપચાપ બધું સાંભળી લઈએ. પણ ડિયર, આ બાજુ આવો ને પેલા કથાકારને કાનમાં કહી દો કે ભૈ કથાકાર, તારા કહેવાતા ભક્તોએ તારા માટે સફેદ કે ભગવાં કપડાંની વ્યવસ્થા કરી દીધી છે. બે ટંકનો જ નહીં પણ ચાર ટંક માટે માત્ર રોટલો જ નહીં પણ આખી થાળીની મીઠાઈ, ચા-પાણી સાથેની વ્યવસ્થા પણ કરી દીધી છે ને સૂવા માટે ડનલોપિલોવાળા ગાદલા સાથે

બાર-બાય પંદરના પલંગની પણ. એટલે ચિંતા વગર તારાથી આવું બધું પવિત્ર અને મનગમતું બોલાય, બાકી તમે જ કહોને વહાલા કે ઈશ્વર નસીબ કરતાં વધારે કઈ રીતે અને શું કામ આપે?

અરે ભૈ-બેન, આપણા નસીબ જેટલું જ મળે, ન વધુ ન ઓછું, તે ઉત્તમ પણ આપે ને કચરો પણ આપે. તેની પાસે જે સ્ટૉક પડ્યો છે એમાંથી આપણે જેના માટે લાયક હોઈશું એટલું આપશે, પણ આપણે ભૂખડીબારસની જેમ પ્રભુ પાસે જઈને ગાવા લાગીએ, ‘તમે મન મૂકીને વરસ્યા, અમે જનમ-જનમના તરસ્યા.

મેં તો નાનકડા ગુસ્સા સાથે જ પ્રભુને પૂછ્યું, ‘હે પ્રભુ! વાત સાચી છે? તું મન મૂકીને વરસે છે? ખોટું ન લગાડતો, બાકી અમારી આંખોમાં વરસાદ આવી જાય ત્યાં સુધી તું વરસાદ પણ નથી વરસાવતો તો તું બીજું શું વરસાવીશ? સાચું કહું તો અમને શું જોઈએ છે એની અમને જ પૂરી ખબર નથી. અને જે ખબર છે એ તું ક્યાં આપે છે?’

મારો મિત્ર જીલુદાનની સરસ વાત છે, ‘ચંબુને તું જાણે છે? આવો-આવો એવો આવકાર આપી રાત રોકાવાનું કીધું. મને થયું આ ૮x૮ની રૂમમાં મને સૂવડાવશે ક્યાં? પણ તેનાં બે સંતાનો જેવાં રાતે સૂતાં કે તેમને ચાદરમાં વીંટાળી ખીંટીએ ટીંગાડી દીધાં. મને કહે, હવે સૂઈ જા.’

‘અરે પણ તમે બન્ને?’

‘તું અમારી ચિંતા છોડ, તું અમારો મહેમાન છે. તું શાંતિથી સૂઈ જા.’

હું સૂઈ તો ગયો પણ સવારે જોયું તો આ શું? હું પોતે જ ખીંટીએ ટીંગાતો હતો. ચંબુ-ચંપા નીચે આરામથી સૂતાં હતાં. આ અમારી કૉમેડી-કમ-ટ્રૅજેડી છે. અમે અમારું જીવન પણ તારા પર આશાની ખીંટી પર ટીંગાડી દીધું છે. માણસ ભલેને મરતો હોય, પણ આશા તો અમર છે અને એ જ આશામાં ને આશામાં મારા ગાયકમિત્રો સંજય ઓમકાર અને પરેશ બદાણી આખા સમાજ વતી તારા પર શ્રદ્ધા રાખીને ગાતા હોય કે તારે દ્વારે જે કોઈ આવે ખાલી હાથ જાય ના. કરુણાનિધાન, હે કરુણાનિધાન... ત્યારે મને એ સમજાતું નથી કે આ જગતમાં ખાલી હાથે તું જ મોકલે છે ને ખાલી હાથે તું જ પાછો બોલાવી લે છે એ નકરું સત્ય હોવા છતાં તું અમારા હાથમાં શું ભરી દેવાનો? હું તો જાણું છું કે તું પણ તારી પાસે સિલકમાં હશે ત્યાં સુધી આપ્યા કરીશ અને અમે સ્વીકારતાં જ જઈશું. પછી તું સાવ ખાલી થઈ જઈશ ત્યારે તારે જ અમારા આંગણે આવીને ગાવું પડશે, ‘તેરે દ્વાર ખડા ભગવાન, ભગત ભર દે રે ઝોલી.’ તારું જ આપેલું હોય તો તને જ પાછું આપવામાં વાંધો શું હોય, પછી ભલેને અમારો દેહ જ ન હોય. બોલો મિત્રો, ભગવાન પાસે માગવું છે કે આપવું છે?

શું કહો છો?