ખાલી મગજમાં પણ ખાલી ચડી જાય

15 December, 2012 10:36 AM IST  | 

ખાલી મગજમાં પણ ખાલી ચડી જાય



(મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર)



 મંચ પર બુધાલાલની પાછળ જ હું ગોઠવાયો. પણ હદ એ વાતની થઈ કે પોતે પોતાનું નામ જ ભૂલી ગયા અને ઊભા થયા. ‘ડગલું ભર્યું કે ના હટવું’ એમ નર્મદને યાદ કરી ભાષણારંભ કર્યો. ‘ભાઈઓ-બહેનો, હમારે દેશ મેં મહાન નેતા હો ગએ હૈં. જૈસે કિ લાલબહાદુર શાસ્ત્રી, મહાત્મા ગાંધી, સુભાષ બોઝ આૈર જવાહરલાલ નેહરુ. જવાહરલાલ કો ગુલાબ કા ફૂલ બહોત પ્યારા થા. ગુલાબ કઈ રંગ કે હોતે હૈં - લાલ હોતે હૈં, પીલે હોતે હૈં ઓર ગુલાબી હોતે હંૈ. ગુલાબી રંગ કે ગુલાબમેં સે ગુલકંદ બનતા હૈ આૈર ગુલકંદ પેટકો ઠંડક દેતા હૈ. આૈર પેટ હર બીમારી કી જડ હૈ, જડંે તો તરબુચ કે બહોત લંબી હોતી હૈં લેકિન તરબુચ સાલા રંગ બદલતા હૈ. રંગ દેખો તો જર્મની કા. હા, જર્મની એક ઐસા દેશ હૈ જિસને દો બાર વૉર (યુદ્ધ) કિયા. વૉર કો કહીં લોગ વાર કહતે હૈં. વાર સાત હૈ - રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર... અરે બુધવાર સે યાદ આયા બુધાલાલ. ઇસી લિએ આપ સબ બુધાલાલ કો યાને મુઝે મત દેના.’

આટલું બોલતાં શિયાળામાં પણ પરસેવો વળી ગયો. પછી અચાનક ગુજરાતમાં છું, ગુજરાતી બોલું એમ વિચારી ખિસ્સામાંથી કાગળ કાઢી ‘આજે મને યાદ આવે છે’ કરી કાગળ ખોલ્યો ‘૨૫૦ ગ્રામ બટેટા, સો ગ્રામ મરચાં, કોથમીરની ઝૂડી... અરે સૉરી’ એટલું બોલી કાગળ મૂકી દીધો. બીજો કાગળ કાઢી ફરી બફાટોનો મારો શરૂ થયો. ‘અરે બીજું તો ઠીક, કેન્દ્ર સરકાર હજી ગુજરાતને સારું સ્મશાન નથી આપી શકી એ જીવન શું આપે? મર્યા પછી સ્મશાનને શું કરવું છે એવી વાહિયાત દલીલ કરે છે. સ્મશાન ગયા પછી પણ સાન ક્યાં ઠેકાણે આવે છે. પણ તમે મુંઝાશો નહીં, હું તો દરેકના ઘરે એક-એક સ્મશાન બનાવી આપીશ. બાકી આને કહેવાય ગુજરાત સરકાર ને કેન્દ્ર સરકારનો ઝળહળતો અન્યાય..’

 ‘ઝળહળતો નહીં, હડહડતો અન્યાય.’ મેં પાછળથી સુધાર્યું.

‘હા, હડહડતો અન્યાય, ઓકે? બાકી ભૂતકાળમાં અમારાથી થયેલી ભૂલો માટે હજી અમારો આત્મા ઝંખે છે.’

‘ઝંખે નહીં, ડંખે છે.’ 

‘અરે ભૈ ડંખે છે, બસ? હવે તો આપ સૌનો સાથ જ ગુજરાતને વિનાશના પંથે લઈ જશે.’

‘બાફ્યું બાપા, પાછું બાફ્યું. વિનાશના પંથે નહીં, વિકાસના પંથે.’

‘હા ભૈ હા, વિકાસને પંથે લઈ જશે. અને મિત્રો, અત્યાર સુધી ગુજરાતની પ્રજાએ બહુ ટૉઇલેટ કર્યું. આનાથી વધુ ટૉઇલેટ ગુજરાતની પ્રજા નહીં કરે.’

‘બાપુ, ટૉઇલેટ નહીં, ટૉલરેટ ટૉ...લ...રે...ટ. તમે કેટલા ભગા કરો છો!’

‘તું શબ્દ ન પકડ, ભાવાર્થ પકડ. જનતાને બધી જ ખબર છે.’

બાપુ બુધાલાલના ભાષણથી ખાલી મગજમાં પણ ખાલી ચડી જાય એવું વાતાવરણ ઊભું થયું. એટલામાં તો ભીડમાંથી સનનન કરતી એક ટિંક્ચર આયોડિનની બૉટલ આવીને બુધાલાલના કપાળ સાથે અથડાઈ. જરાક લોહી નીકળ્યું. છુટ્ટી બૉટલ ફેંકનારો પકડાઈ ગયો. તેને મેં પૂછ્યું, ‘તંે ટિંક્ચર આયોડિનની બૉટલ કેમ ફેંકી?’

‘સાહેબ વાગ્યા પછી તરત જ રૂઝ આવી જાય.’

‘બરાબર, પણ આટલો બધો ક્રોધ? કારણ?’

‘કારણ કે ઘરે-ઘરે સ્મશાનની વાત જાહેરમાં કરતાં શરમાતો નથી. અરે તમે શું સ્મશાન બનાવતા હતા, અમે ગામવાળા ભેગા થઈ સ્મશાન બાંધશું ને ઉદ્ઘાટન પણ તમને બાળીને જ કરશું.’

એટલું બોલતાંની સાથે જ પાંચ માણસોની ટોળી ટિંગાટોળી કરી સ્મશાનમાં જીવતા બુધાલાલને મંચ પરથી જ ઉપાડ્યા. જીવતી સ્મશાનયાત્રા ગામમાં પહેલી વાર નીકળી. પેલા માતાજીના ભજનની જેમ ‘જોવા લોકે ટોળે વળ્યા રે...’ ઠાઠડીમાં સુવાડી બાળવા લઈ જતી વખતે ‘બુધાલાલ અમર રહો’ના નારા સાંભળી બુધાલાલ ખૂબ ગભરાયા.

‘અરે ભાઈઓ, મને મરવા માટે લઈ જાઓ છો ને અમર રહોની વાણી...’

 ‘ચૂપચાપ સૂઈ જાઓ, મોતની રાહ જુઓ. હજી સ્મશાન આવ્યું નથી.’

છેવટે સ્મશાન ચિતા પર સુવાડી અગ્નિદાહ દીધો. પણ આર્ય, લાકડાં બધાં બળી ગયાં, પણ બુધાલાલ એમના એમ. ‘આવું કેમ બન્યું.’ એવું કોઈ બોલ્યું તો ચિતાનાં લાકડાંમાંથી અવાજ આવ્યો, ‘જેણે દેશની ચિંતા કરી નથી તેને ચિતા પર સૂવાનો અધિકાર નથી.’

પછી દાટવાનો વિચાર કરી મીઠા સાથે દફનવિધિ કરી તો મીઠું ઓગળી ગયું, પણ બુધાલાલ ન ઓગળ્યા. ‘અરે ઠાકર, આમ કેમ?’ હું મુંઝાયો. ત્યાં તો માટીમાંથી વાણી ફૂટી, ‘જે માટીમાંથી પેદા થયો એ માટીનું •ણ અદા ન કરે ત્યાં સુધી અમારામાં સમાવીશું નહીં.’ પછી પારસીના કૂવામાં ફેંકવાનું વિચાર્યું. ભલે હવે તો ગીધડાં ખાઈ જતાં. પણ એમ કર્યું તો ઊલ્ટા કૂવામાંનાં ગીધડાં ઊડી ઉપર આવ્યાં. બુધાલાલને કેમ નહીં ખાતાં હોય આ ગીધડાં? ત્યાં ગીધડાં બોલ્યાં, ‘તેને ખાવાથી અમને ફૂડ-પૉઇઝન થઈ જાય.’

 હિન્દુ વિધિ, મુસલમાન વિધિ, પારસી વિધિ બધા પ્રયત્નો કર્યા; હવે આનું તો દેહદાન પણ કોઈ સ્વીકારવા તૈયાર ન થાય. શરીરમાં આત્મા છે, ઉપર પરમાત્મા છે; પણ આ બન્ને વચ્ચે જે છે એ પ્રેતાત્મા... બુધાલાલ જેવા કેટલા પ્રેતાત્મા ચૂંટણીમાં ચૂંટાશે. હવે બોલો ભારત માતા કી... નહીં, બિલકુલ નહીં. જ્યાં સુધી આવા પ્રેતાત્માનો નિવેડો ન આવે ત્યાં સુધી ‘જય’ બોલ્યા છો તો ખબરદાર!

શું કહો છો?