ધનથી ભૌતિક સુખ ખરીદી શકાય, પણ મનની શાંતિનું શું?

10 November, 2012 08:58 AM IST  | 

ધનથી ભૌતિક સુખ ખરીદી શકાય, પણ મનની શાંતિનું શું?



(મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર)


ચંપા પચીસ ગ્રામ વધુ હસીને બોલી, ‘કારણ કે તું ગાય છે.’

બસ, આટલું સાંભળતાં જ ચંબુ સળગતી ભોંયચકરડી પર પગ પડ્યો હોય એમ ચમક્યો. ‘શુંઉઉઉ? હું અને ગાય? મારું જાતીય પરિવર્તન..’ ચંબુએ પોતાનાં અંગઉપાંગોનું બરાબર નિરીક્ષણ કર્યું. ને મનમાં શંકા સાથે સ્મરણ કર્યું કે આજ સુધી કોઈએ ડચ ડચ ડચકારો બોલાવ્યો ને હું ખાવા માટે ગઈ છું? સૉરી ગયો છું?’

‘એય, ક્યાં ખોવાઈ ગયો?’ ચંપા બોલી. ‘એમ ચમક નહીં. ગાય એટલે બળદપત્ની (કે પ્રેમિકા)ની વાત નથી, પણ તું ગીત એવું ગાય છે કે મનમોહન પણ હસી પડે સમજ્યો?’ 

‘ઓ..હ, તે તો મને ડરાવી દીધો. કેમ, હું બરાબર નથી ગાતો?’

‘અરે હોય? તું તો સચિન તેન્ડુલકર જેવું સુંદર ગાય છે.’

ચંબુને ઝાટકા નં.૨ લાગ્યો. ‘પણ મારા જ્ઞાન પ્રમાણે સચિન તો..’

‘યસ ક્રિકેટર છે, ગાયક નહીં. તો તું પણ કોઈએ બસો ગ્રામ સિંદૂર પીવડાવી દીધું હોય એવું ઘસાયેલું ગાય છે ને પાછું...’

 ‘પાછું શું?’

‘એક ફૂટપાથ પરથી બીજી ફૂટપાથ પર, બીજી ફૂટપાથ પરથી ત્રીજી, ત્રીજીથી... બસ આમ ને આમ સરનામા વગરનાં ઘર શોધવા હજી ભટક્યા કરીએ છીએ, આથડ્યા કરીએ છીએ ને તું ધીમી ગતિના સમાચારની જેમ કે. એલ. સાયગલ બની એક બંગલા બને ન્યારા, સોને કા બંગલા ચાંદી કા બંગલા ગાય છે ત્યારે હું ગદ્ગદિત થઈ જાઉં છું. નિવાસસ્થાન ફૂટપાથનું ને કલ્પના બંગલાની. શું તારો વિચાર...’

 ‘એક મિનિટ, તું મને પૂછ કે કાશ્મીર જવાનો વિચાર છે, કેટલો ખર્ચ થશે?’

 ‘લે, આપું છું.’

‘એક પણ નહીં.’

‘હેં?’

‘એમ ચમક નહીં. વિચાર કરવાનો ક્યાં ખર્ચ લાગે છે? સુખ તો કાલ્પનિક છે. આ વાલકેશ્વર, પેડર રોડ, નેપિયન સી રોડ પરના બધા ફ્લૅટ આપણા જ છેને! આપણે ભાડે આપ્યા છે એ કલ્પના સુખના હોજમાં ડુબાડી દેશે.’

‘અરે ડિયર, અત્યારે તો આપણે જ એવા ડૂબી ગયાં છીએ કે ઈશ્વર પણ આપણું સાંભળતો નથી. એ વઢેરાને કે ગડકરીને કહે છે કે આપ કા સમય શુરુ હોતા હૈ અબ.’

‘અરે તું ભલે સરકાર ન ચલાવી શકે, બરાબર કાર ચલાવતાં આવડશે તો નીતિનભાઈ ગડકરી પોતે જ તને કહશે... આપકા સમય શુરુ હોતા હૈ અબ.’

‘અરે તને ક્યાં ખબર છે? હું ગયેલો.’

‘તો પછી પાછો કેમ આવ્યો?’

‘પછીનું દૃશ્ય જોઈ નક્કી કર્યું કે આવાં લક્ષ્મીજીની કૃપા મને ન જોઈએ.’

‘શું થયું?’

‘આ ગડકરીના ઘરની અંદર લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાનના ફોટા માટે તેમનો દીકરો ફ્રેમ લઈ આવ્યો. હવે બન્યું એવું કે ફોટો થોડો મોટો હતો ને ફ્રેમ નાની પડી. પછી દીકરાએ ફ્રેમ મોટી લાવવાને બદલે વચ્ચેથી ફોટો જ કાપી બે ભાગ કર્યા. ચંપા, વિષ્ણુભગવાનનો ચહેરો જોઈ આપણને એમ જ લાગે કે જાણે ભગવાન બોલતાં ન હોય, ‘દેવી! તેણે આપણો ફોટો નથી કાપ્યો, આપણાં હૈયાં કાપી નાખ્યાં છે. ‘બાગબાન’નાં અમિતાભ-હેમાની જેમ આપણને અલગ કર્યા છે.’

‘ચંપા, વિષ્ણુ ભગવાનની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.’

‘નાથ, એમ દુ:ખી નહીં થવાનું.’ લક્ષ્મી બોલ્યાં. ‘તેને ધન અને લક્ષ્મીના તફાવતની ખબર નથી. નાથ, ધનથી દવા ખરીદાય, પણ તંદુરસ્તીનું શું? ધનથી પલંગ ખરીદાય, પણ ઊંઘનું શું? ભૌતિક સુખ ખરીદાય, પણ મનની શાંતિનું શું?’

‘તું નાથ-નાથ બોલી મને એક દિવસ અનાથ બનાવી દેવાની. અરે ડાર્લિંગ, તે તારી પૂજા કરે છે ને બોલે છે તારા ઘરમાં લક્ષ્મીનો વાસ હો. મારી કોઈ કિંમત જ નહીં અને તારા જ ફોટાની પૂજા કરે ને લક્ષ્મીછાપ ટેટા પર તારો જ ફોટો હોય છે ત્યારે એ જ ટેટા ફોડી તારા ફુરચેફુરચા ઉડાડી દે છે. આઇ કાન્ટ બેર, મારાથી સહન નથી થતું.’

‘અરે ભલેને ઉડાડતો. તેને ક્યાં ખબર છે કે તે મારા નામના ટેટાના ફુરચા ઉડાડે કે મારા-તમારા ફોટા કાપીને ટુકડા કરે, પણ હું એક દિવસ તેને કાપીને એવા ફુરચા ઉડાડીશ કે ટુકડો શોધ્યો નહીં જડે.’

‘ચંપા, લક્ષ્મીનારાયણનો આ સંવાદ સાંભળી તરત જ ભાગીને આવ્યો છું. રખેને ગડકરી સાથે કદાચ ક્યારેક મારા પણ ફુરચા ઊડી જાય તો!’

શું કહો છો?