એવાં સમૂહલગ્ન જે સમૂહમાં નથી થતાં અને નામ છે એનું લક્ઝરી લગ્ન

16 October, 2011 07:14 PM IST  | 

એવાં સમૂહલગ્ન જે સમૂહમાં નથી થતાં અને નામ છે એનું લક્ઝરી લગ્ન

 

 

(પલ્લવી આચાર્ય)

તમે એવું કદી વિચાર્યું છે કે તમારા દીકરા કે દીકરીનાં લગ્ન સમૂહમાં હોય અને છતાં આખા હૉલ (અફર્કોસ ઍરકન્ડિશન્ડ)માં એકમાત્ર તમારો જ લગ્નપ્રસંગ ગોઠવાયો હોય, સાથે ભવ્ય રિસેપ્શન પણ હોય? એનો જવાબ તમે ચોક્કસ નામાં આપશો, પણ કચ્છના વાગડ વીસા ઓસવાળ સમાજની ચારેક વ્યક્તિઓએ આ વિચારને હકીકતમાં મૂક્યો છે. ૨૦૦૪થી લઈને સમાજના લોકો માટે તેમણે એવી વ્યવસ્થા ગોઠવી છે કે સાવ નજીવા ખર્ચમાં તમે તમારા દીકરા કે દીકરીને બડી ધામધૂમથી પરણાવી શકો એટલું જ નહીં, લગ્નમાં આવેલા સાજન-માજનને તમે જણાવો નહીં તો ખબર પણ ન પડે કે સમાજની એક સ્પેશ્યલ વ્યવસ્થા થ્રૂ આ લગ્ન ગોઠવાયાં છે. આ વ્યવસ્થાને તેમણે નામ આપ્યું છે લક્ઝરી લગ્ન! તેઓ વરસમાં ચાર વાર લગ્ન યોજે છે, એમાં આ વરસનું પહેલું લક્ઝરી લગ્ન ૨૯ ડિસેમ્બરે છે, જેમાં કુલ છ યુગલ લગ્ન કરશે.

સમૂહલગ્નોનો માહોલ તમે જોયો હશે.

લગ્ન-સમારંભ કરતાં એ મેળા જેવો વધુ લાગે. ઘણી વાર ૨૫થી ૫૦ લગ્નો સાથે હોય ત્યારે લગભગ આખા ગામને આમંત્રણ હોય, મેળો જામ્યો હોય એવું વાતાવરણ હોય, કોનાં લગ્નમાં કોણ છે એની કંઈ ખબર જ ન પડે, એમાં જોડાનારા કોઈને પ્રાઇવસી જેવું કંઈ ન રહે ત્યારે પૈસાના અભાવે એમાં જોડાનારાને ચોક્કસ લાગે કે પૈસા હોત તો પરાણે આમાં જોડાવું ન પડ્યું હોત. વાગડ વીસા ઓસવાળ સમાજના પોપટભાઈ નંદુ આ સંદર્ભમાં કહે છે, ‘અમે વિચાર્યું આપણે એવાં લગ્ન યોજીએ જેમાં લોકો સ્વમાનભેર અને ધામધૂમથી પોતાનાં સંતાનોને પરણાવી શકે અને એ પણ સાવ નહીં જેવા ખર્ચમાં. સામાન્ય રીતે અત્યારે લગ્ન પાછળ ઓછામાં ઓછા છથી સાત લાખ રૂપિયા ખર્ચાઈ જાય છે. આ લગ્ન યોજવાનો અમારો ઉદ્દેશ જ એ છે કે સમાજના લોકોના પૈસા બચે અને છતાં ધામધૂમથી સંતાનોને પરણાવાની પોતાની હોંશ પૂરી કરી શકે.’

તેમના આ વિચારને બધી જ રીતે સાથ આપ્યો જગશી ગડા, નાનજી સત્રા અને હસમુખ ફરીઆએ અને શરૂ થયું એક નવું મિશન. અત્યાર સુધીમાં આ રીતે કુલ ૨૬ ઇવેન્ટમાં ૧૨૫ લગ્નો થઈ ચૂક્યાં છે અને એ રીતે અઢીસો પરિવારોએ એનો લાભ લીધો છે. ૨૯ ડિસેમ્બર પછી ૩૦ જાન્યુઆરી ૨૦૧૨, ૧૧ માર્ચ ૨૦૧૨ અને ૧૫ એપ્રિલ ૨૦૧૨ના રોજ આવી બીજી ત્રણ ઇવેન્ટ થશે.

લગ્ન ઓશિવરા રોડ પર આવેલા સમાજના ચાર માળના ચંપાબહેન મહાજનવાડી હૉલમાં યોજાય છે. એક દિવસે છ લગ્ન રાખવામાં આવે છે ખરાં, પણ છએ છ લગ્નમાં એકસાથે લાઇનસર ચોરીઓ હોય એવું નહીં. વાડીના ત્રણેય માળના એરકન્ડિશન્ડ હૉલમાં ત્રણ યુગલોનાં અલગ લગ્ન થાય. સવારે સાડાઆઠ વાગ્યાથી લઈને સાડાત્રણ વાગ્યા સુધીમાં ત્રણ લગ્ન પતે પછી સાંજે સાડાત્રણ વાગ્યાથી લઈને રાત્રે સાડાદસ વાગ્યે બીજાં ત્રણ લગ્ન એ રીતે એક દિવસે છ લગ્ન યોજાય, પણ દરેકને અલગ હૉલ મળી રહે છે. હૉલના એક ફ્લોર પર જમવાનું રાખવામાં આવે છે; જેમાં બે સ્વીટ્સ, ફરસાણો, ચાટ આઇટમ્સ સાથેની ડિશમાં કોઈ કચાશ રાખવામાં નથી આવતી. કન્યાપક્ષ વહેલો આવી જાય એથી એના માટે નાસ્તાની સુવિધા ઉપરાંત સૌ માટે આખો દિવસ

ચા-કૉફી અને ઠંડાં પીણાંનાં કાઉન્ટર્સ હોય છે. લગ્ન ચાલુ થાય ત્યારથી લઈને બધો સમય સૌને ફ્રેશ જૂસ સાથે હળવું સંગીત પણ પીરસાતું રહે. લગ્ન પતે પછી રિસેપ્શન યોજાય. હા, એટલું ખરું કે સવારે અને સાંજે લગ્નનો સમય દરેકે જાળવવો પડે, જેથી કોઈ અવ્યવસ્થા ન સર્જાય.

દરેક હૉલમાં જેનાં લગ્ન હોય એ બે પાર્ટીઓનાં સગાં સિવાય બીજું કોઈ ન હોય. લગ્નના સ્ટેજ પર સમાજના અગ્રણીઓનાં ભાષણો કે સન્માનો કે દાતાઓની વધામણી કે એવું કંઈ જ અહીં નથી થતું. કોઈ બૅનરો પણ નથી લગાવાતાં. દરેકનો વ્યક્તિગત હોય એવો જ માત્ર એ પ્રોગ્રામ હોય છે. ચાંદલા લેવા હોય કે કન્યાદાન વગેરે જે તેમને કરવું હોય એ કરી શકે. હા, લગ્નમાં ગોરમહારાજ પણ દરેકે પોતાના જ લાવવાના અને પૂજાની સામગ્રી પણ લાવવાની, જેથી કુળના ગોરનું પણ સન્માન જળવાઈ રહે. વર અને કન્યાપક્ષને પોતાના સ્થળથી વાડીએ આવવા અને જવા માટે એક ગાડી અને એક બસની વ્યવસ્થા આપવામાં આવે છે અને વાડીમાં તેઓ એન્ટર થાય ત્યાંથી લઈને રિસેપ્શન પૂરું થાય ત્યાં સુધીની બધી જ વિધિના ફોટા પાડવા તથા વિડિયો-શૂટિંગ માટે દરેકને અલગથી ફોટોગ્રાફર આપવામાં આવે છે. લગ્ન પછી સીડી અને ફોટો-આલબમ તેમને આપવામાં આવે છે. ફોટો લગભગ દોઢસો જેટલા પાડવાના.

છઠ્ઠી ડિસેમ્બર ૨૦૦૪ના રોજ પહેલી વાર આ પ્રયોગ થયો પછી લગભગ બે વર્ષ સુધી ફ્રી સેવા અપાઈ અને એ પછી ભાગ લેનારની આવક મુજબ અને તે આપી શકે એમ હોય એ રીતે ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયાથી લઈને ૬૦ હજાર રૂપિયા લેવાતા હતા, પણ આ વરસથી ભાગ લેનારી વ્યક્તિની આવક મુજબ ૨૫, ૫૦ કે ૭૫ હજાર રૂપિયા લેવાનું નક્કી કર્યું છે. લગ્ન યોજનારી કમિટીનું કહેવું છે કે અમે વિચાર્યું કે આપણે એવી વ્યવસ્થા કરીએ જેમાં લોકો હરખાઈને જોડાય અને એવું ફીલ ન કરે કે પૈસાના અભાવે ગમે એમ પરણી જવું પડ્યું; એટલું જ નહીં, તેમને એવો અહેસાસ ન થાય કે તેમનાં લગ્ન કોઈ બીજું કરાવી રહ્યું છે.

કમિટીએ શરૂ કરેલી આ વ્યવસ્થા કેટલી યુનિક છે એની વાત કરતાં પોપટભાઈ નંદુ કહે છે, ‘પાર્ટી જો કોઈને ન કહે તો કોઈને ખબર ન પડે કે સમૂહલગ્નમાં લગ્ન થયાં છે. મુંબઈ અનેક સેવાસંસ્થાઓ પણ છે, પરંતુ અમારા જેવાં લક્ઝરી લગ્નની વ્યવસ્થા કોઈએ હજી નથી કરી એથી જ કદાચ કેટલાક સમાજો અમારા આ પ્રસંગમાં ખાસ જોવા આવે છે.’

ઘરમાં એક લગ્ન હોય તોય છ મહિના સુધી ઊંચાનીચા થવું પડે તો આટલાંબધાં લગ્નની વ્યવસ્થા કરવામાં બહુ સમય આપવો પડતો હશે નહીં? આયોજકો કહે છે, ના... રે... ચારેક વાર બે-બે કલાક કાઢીએ એટલે અમારું કામ પત્યું.’

તેમના મિત્રોનું ગ્રુપ પણ કામ હોય તો મદદ કરે. લગ્ન યોજવાનાં હોય ત્યારે એની જાહેરાત સમાજની પત્રિકામાં આપવામાં આવે છે. શરૂઆતમાં તેમણે આ વિશેનો એક પરિપત્ર આઠ હજાર ઘરોમાં કુરિયરથી મોકલ્યો હતો, પણ હવે તો એક જાહેરાત આપે ને એન્ટ્રીઓ ફુલ થઈ જાય છે. નવરાત્રિના બીજા દિવસે તેમણે અરજી કરનારા લોકો સાથે એક મીટિંગ કરી હતી અને સઘળી વ્યવસ્થા સમજાવી ત્યારે દરેકને એક ફૉર્મ ભરવા અપાયું પછી નક્કી કરાયું કે કોણ કેટલા રૂપિયા આપી શકશે. પોઝિશન ન હોય તે કંઈ ન આપે તો પણ અરજી કૅન્સલ નથી થતી.

કપડાં કેવાં?

લક્ઝરી લગ્નમાં એવું નથી કે દરેક યુગલનાં કપડાં એકસરખાં હોય. આયોજકોએ દરેકને આમાં પણ પૂરતી ચૉઇસ આપી હોવાથી તેમણે નક્કી કરેલી દુકાનેથી વર અને કન્યાએ પોતાની ચૉઇસનાં કપડાં લઈ લેવાનાં. હા, એમાં પ્રાઇસ-રેન્જ નક્કી કરેલી છે. અફર્કોસ, એ હાઈ છે અને ખરીદી માટે પણ ડિઝાઇનર સ્ટુડિયોમાં મોકલવામાં આવે છે. પોતાના પૈસા ઉમેરીને વધુ મોંઘું લેવાની કોઈને છૂટ નથી. કન્યાને પાનેતર અને રિસેપ્શન માટે શરારા અને છોકરાઓને લગ્નસમયે શેરવાની સૂટ અને રિસેપ્શન માટે થ્રી-પીસ સૂટ હોય છે.

ખર્ચને કેવી રીતે પહોંચી વળે?

શરૂઆતનાં બે વર્ષ ચારેય આયોજકોએ અને તેમના ૫૦થી ૬૦ મિત્રોએ દર ઇવેન્ટમાં ૫૦૦૦ રૂપિયા એટલે કે વર્ષે ૨૦,૦૦૦ રૂપિયા આપ્યા અને બાકીનો ખર્ચ પોપટભાઈએ આપ્યો. આજે પણ આ આખુંય મિત્રવૃંદ જરૂર પડે ત્યારે ૫૦૦૦ રૂપિયા આપે છે. કામ ક્યાંય અટકતું નથી. એક લગ્નનો ખર્ચ અંદાજે દોઢેક લાખ રૂપિયાથી વધુ આવે છે.

આયોજકોનો પરિચય

૭૦ વર્ષના પોપટ ભચુ નંદુની દમણમાં વિનિયર પ્લાયવુડ બનાવવાની ફૅક્ટરી છે, પણ બિઝનેસ તો તેમના બન્ને દીકરા જ સંભાળે છે અને તેઓ ૨૦ વર્ષથી સમાજસેવામાં રત છે. તેઓ પાર્લા (ઈસ્ટ)માં રહે છે.

જગશી લખધીર ગડાનો ઘરવપરાશની પ્લાસ્ટિકની આઇટમ્સનો હોલસેલનો બિઝનેસ છે. તેઓ પાર્લા (ઈસ્ટ)માં રહે છે.

હસમુખ વીરજી ફરિયાની પાર્લા (ઈસ્ટ)માં જ રીટેલ દુકાન છે અને પાર્લા (ઈસ્ટ)માં જ રહે છે.

નાનજી અરજણ સત્રાની સાડીઓની રીટેલ શૉપ (બાલાજી) પાર્લા (ઈસ્ટ)માં છે અને ત્યાં જ તેઓ રહે છે.