આજે વાત કરીએ મુંબઈના સાર્વજનિક ફ્રિજની

16 November, 2019 11:11 AM IST  |  Mumbai | Darshini Vashi

આજે વાત કરીએ મુંબઈના સાર્વજનિક ફ્રિજની

બોરીવલીમાં છે સાર્વજનિક ફ્રિજ

ભૂખ્યાને ભોજન કરાવવું એનાથી બીજું કોઈ મોટું પુણ્યનું કામ નથી એવી આપણી પરંપરા છે. લગભગ ૨૦૧૨ની સાલમાં જર્મની અને સ્પેનમાં ભૂખ્યાને ભોજન મળે અને વધેલા ભોજનનો બગાડ ન થાય એ આશયથી કમ્યુનિટી ફ્રિજનો કન્સેપ્ટ લૉન્ચ કરવામાં આવ્યો. જોકે આ કન્સેપ્ટને વિદેશમાંથી ભારતમાં આવતાં ચાર વર્ષ લાગી ગયાં. બન્યું એવું કે કોચીમાં આવેલી એક રેસ્ટોરાંના માલિકે રેસ્ટોરાંની બહાર આવેલા કચરાના ડબ્બામાંથી ખાવાનું શોધી રહેલી એક મહિલાને જોઈ. તેનું હૃદય દ્રવી ઊઠ્યું
અને તેણે પોતાના રેસ્ટોરાંની બહાર જ એક ફ્રિજ ઇન્સ્ટોલ કર્યું. ભારતમાં શરૂ થયેલું આ પહેલું કમ્યુનિટી ફ્રિજ.
ત્યાર બાદ આ કન્સેપ્ટ દક્ષિણ ભારતનાં શહેરોમાં જોર પકડવા લાગ્યો હતો. જોતજોતામાં દક્ષિણ ભારતમાં અનેક કમ્યુનિટી ફ્રિજ શરૂ થવા લાગ્યાં. આવો ઇન્ટરેસ્ટિંગ કન્સેપ્ટ મુંબઈથી પણ કેટલો છેટો રહેવાનો હતો? આખરે ૨૦૧૭ની સાલમાં આ કન્સેપ્ટ સાથે મુંબઈમાં પ્રથમ કમ્યુનિટી ફ્રિજ શરૂ થયું. આજે જોતજોતામાં મુંબઈમાં આવાં ફ્રિજની સંખ્યા બે આંકડાની નજીક પહોંચવા જઈ રહી છે. ફૂડ વેસ્ટેજને ઘટાડવા અને ભૂખ્યાને ભોજન આપવાના હેતુ સાથે બે વર્ષ પહેલાં મુંબઈમાં શરૂ કરવામાં આવેલો કમ્યુનિટી ફ્રિજનો કન્સેપ્ટ જોકે હવે વધુ જોર પકડી રહ્યો છે. પરંતુ જાહેર જનતા માટે જાહેર સ્થાન પર મૂકવામાં આવતાં અને લગભગ ૨૪ કલાક સેવા આપતાં કમ્યુનિટી ફ્રિજ એટલી જ દરકાર પણ માગી લે છે. એમાં પણ મુંબઈ જેવા શહેરમાં આવા ફ્રિજને ચલાવવું કોઈ સરળ વાત નથી. કમ્યુનિટી ફ્રિજને ઇન્સ્ટૉલ કર્યા બાદ એને કેવી રીતે મેઇન્ટેન કરવામાં આવે છે,
કયા-કયા અવરોધો નડે છે, કેવી રીતે આખું માળખું ગોઠવવામાં આવે છે એના વિશે વાત કરીએ.
ખરી કસોટી
આ વાત સાચી, પણ આ પુણ્ય કમાવા માટે પરિશ્રમ પણ એટલો જ કરવો પડે છે. આજે કોઈ પણ વ્યક્તિ માત્ર થોડાં નાણાંની સાથે આ ફ્રિજ લાવીને મૂકી શકે છે, પરંતુ ફ્રિજને મૂક્યા બાદ ખરી કસોટી શરૂ થાય છે એમ જણાવીને રોટરી ક્લબ ઑફ બોરીવલીના મેમ્બર અને કમ્યુનિટી ફ્રિજના દાતા હરીશ દાવડા કહે છે, ‘મેં છેલ્લા બે મહિનામાં રોટરી ક્લબ ઑફ બોરીવલીના નેજા હેઠળ બે ફ્રિજ ઇન્સ્ટૉલ કરાવ્યાં છે, એક બોરીવલી (વેસ્ટ)માં સાંઈબાબાના મંદિરની બહાર અને બીજું કાંદિવલી (ઈસ્ટ)માં સાંઈબાબાના મંદિરની બહાર. આ બન્નેને આજે ખૂબ સફળતા મળી છે. પરંતુ એની પાછળ ખૂબ મહેનત પણ કરવી પડે છે. શરૂઆતમાં રિસ્પૉન્સ નબળો રહ્યો હતો એટલે અમે જ ઘરેથી પાણીની બૉટલ, નાસ્તા અને ખાવાના પૅકેટ મૂકતા હતા. પછી અમે બાજુની દુકાનો અને રેંકડી પર બોર્ડ લગાવ્યાં, જેમાં લખ્યું હતું કે તમે જે કંઈ અહીંથી ખાવાની વસ્તુ લો તો એમાં એક હિસ્સો કેટલાક ભૂખ્યા માટે પણ રાખજો અને અહીં ફ્રિજમાં મૂકી જજો. બોર્ડ વાંચીને ઘણા લોકો અહીં ખાવાનું મૂકતા જાય છે. સોશ્યલ મીડિયાનો પણ સહારો લીધો. માઉથ-ટુ-માઉથ પબ્લિસિટી કરી અને ધીમે-ધીમે ફ્રિજ ભરાવા લાગ્યું. ફ્રિજ ભરાવા લાગે એટલે
ચોખ્ખાઈ પણ ખૂબ જ જરૂરી બને છે. લોકો ગમેતેમ ન મૂકે એટલે અમે અંદર ખાલી કાગળનાં બૉક્સ અને સાથે ઍલ્યુમિનિયમના ફૉઇલ પણ મૂકી રાખ્યાં છે. બાજુમાં ડસ્ટબિન મૂક્યું છે જેથી ફ્રિજમાંથી ખાવાનું લેનાર વ્યક્તિ ખાલી પૅકેટને ડસ્ટબિનમાં નાખી શકે. ઘણા એવું કરતા નથી. આપણા ઘરમાં ચાર વ્યક્તિની વચ્ચે એક ફ્રિજ હોય તો પણ એની વારેઘડીએ સંભાળ રાખવી પડતી હોય છે ત્યારે અહીં તો સેંકડો અને હજારો લોકો માટે ફ્રિજ મૂકવામાં આવ્યું છે ત્યારે એની કેટલી દરકાર રાખવી પડતી હશે એ તમે વિચારી જુઓ.’
તાજેતરમાં થયેલી ઘટનાનું ઉદાહરણ આપતા તેઓ કહે છે, ‘ગયા અઠવાડિયે એક કેટરર લગભગ ૫૦ જેટલી વ્યક્તિને ચાલે એટલું ખાવાનું અમારા ફ્રિજની બહાર મૂકીને જતા રહ્યા હતા. પ્લાસ્ટિકની બૅગમાં દાળ ભરેલી હતી. ભાત અને શાક પણ ગમેતેમ પૅક કરેલાં હતાં, જેને લીધે ફ્રિજની બહાર પણ ગંદકી થઈ ગઈ હતી. અમને જાણ થતાં અમે એને અલગ-અલગ બૉક્સમાં વ્યવસ્થિત રીતે પૅક કર્યાં અને ફ્રિજમાં મૂક્યાં અને રસ્તો સાફ કર્યો. આ સેવાનું કામ છે એટલે હું અને અમારી ફૅમિલી જ ફ્રિજની સાફસફાઈથી માંડીને ફ્રિજમાં ખાવાનું બાકી રહ્યું છે કે નહીં એ જોવાનું કામ પણ કરીએ છીએ. ઘણી વખત ઘણા લોકો વાસી ખાવાનું મૂકીને જતા રહેતા હોય છે. અમારા ફૅમિલી મેમ્બર્સ થોડા-થોડા કલાકના અંતરે ફ્રિજ ખોલીને ચેક કરે છે. જો કોઈ ખોરાક વાસી લાગે તો એ દૂર કરવામાં આવે છે.
ઘણી વાર રાતના ફ્રિજ ખાલી થઈ જાય છે અને કેટલાક ભૂખ્યા લોકો બહાર રાહ જોઈને ઊભા રહેલા હોય છે તો અમે ફ્રિજમાં ખાવાનું મૂકી દઈએ છીએ. આજે રોજ લગભગ ૧૦૦ જણને આ ફ્રિજમાંથી ખાવાનું મળી રહે છે. બન્ને કમ્યુનિટી ફ્રિજ સાંઈબાબાના મંદિરની બહાર છે જેથી સાંઈબાબા મંદિરનું ધ્યાન રાખનારા લોકો અમારા ફ્રિજનું પણ ધ્યાન રાખે છે. ત્યાં સુધી કે તેઓ ઇલેક્ટ્રિસિટીનો ચાર્જ પણ ભરી દે છે. અમે અત્યારે અનેક સ્થળે ફ્રિજ શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ, પરંતુ અમને એ જગ્યાના માલિકો અને ત્યાંના ટ્રસ્ટનો સાથ સહકાર મળી રહ્યો નથી. તેમનો એક પણ પૈસો ખર્ચાવાનો ન હોવા છતાં તેમને ભૂખ્યાને સાર્વજનિક ફ્રિજ ભોજન પીરસતાં આવાં ફ્રિજ બેસાડવામાં રસ નથી.’
અસામાજિક તત્ત્વો
આ તમને દરેક જગ્યાએ નડતરરૂપ બનતાં જ હોય છે, જેમાં આવાં સેવાનાં કામ પણ બાકાત રહેતાં નથી એવું જણાવતાં વર્સોવા વેલ્ફેર અસોસિએશનનાં મેમ્બર પ્રીતિ ખુરાના કહે છે, ‘અસોસિએશને જોગેશ્વરી અને અંધેરીમાં ઘણીબધી જગ્યા પર કમ્યુનિટી ફ્રિજ બેસાડ્યાં છે. ઓશિવરામાં મૂકવામાં આવેલા ફ્રિજની વાત કરીએ તો શરૂઆતમાં અમને અસામાજિક તત્ત્વોના લીધે ઘણી તકલીફ પડતી હતી. રાતના સમયે ચરસી અને નશો કરતા લોકો અહીં આવીને બેસી જતા હતા, સૂઈ જતા હતા, હલ્લો મચાવતા હતા. એને લીધે આ ફ્રિજનો ઉપયોગ રાતના સમયે  લોકો કરી શકતા નહોતા, પરંતુ સ્થાનિક લોકો
અને પોલીસની મદદ મળ્યા બાદ બધું બરાબર થઈ ગયું હતું. ઘણી વાર ઘણા લોકો અથવા તો બાળકો ગમેતેમ રીતે વસ્તુઓ ફ્રિજમાંથી બહાર કાઢે છે. બંધ બૉક્સ ઓપન કરીને જુએ છે, બરાબર ગોઠવતાં નથી. એટલે અમે ફ્રિજને લૉક રાખ્યું છે સાથે એક કૅરટેકર પણ રાખ્યો છે જે એની સંભાળ રાખે છે. અંધેરીમાં ઇન્ફિનિટી મૉલની નજીક મૂકવામાં આવેલું ફ્રિજ મારી ઑફિસ જે સોસાયટીમાં આવેલી છે એની બહાર જ મૂકેલું છે, જેથી અમારી સોસાયટીનો વૉચમૅન પણ એનું ધ્યાન રાખે છે. કૅરટેકર અને વૉચમૅન પણ આ ફ્રિજમાંથી ખાવાનું ખાઈ લે છે એટલે તેઓ ફ્રિજની સાફસફાઈ કરવાના અને દેખરેખ રાખવાના પૈસા લેતા નથી.’
એવું નથી કે અહીં ગરીબ લોકો જ આવે છે, ઘણા સારા ઘરના લોકોને પણ ફ્રિજ ખોલીને મનગમતી વસ્તુ ખાતાં જોયા છે. એમ જણાવીને પ્રીતિ કહે છે, ‘રોજ અહીં લગભગ ૧૫૦ જેટલા લોકો ખાવાનું ખાઈ જાય છે. એટલે એટલી બધી વખત ફ્રિજ ને ખોલ-બંધ કરવું પડે છે અને
એથી એની સાફસફાઈ પણ એટલી જ કરવી પડે છે. દિવસમાં એક-બે વાર તો સાફ કરવું જ પડે છે, કેમ કે અંદર અવ્યવસ્થિત ગોઠવણ કે ગંદકી હોય તો લોકો ખાવાનું પસંદ કરતા નથી. આમ તો આ ફ્રિજ સવારે દસથી રાત્રે દસ સુધી ફૂડ મૂકવા અને લેવા માટે ઓપન હોય છે, પરંતુ ઘણી વખત લેટ પાર્ટીવાળા રાત્રે એક અને બે વાગ્યે પણ ખાવાનું પહોંચાડવા આવતા હોય છે તો અમે તેમને ત્યારે પણ ફ્રિજ ખોલી આપીએ છીએ. એવી રીતે મોડી રાતના સમયે ઘણા લોકો ખાવાનું લેવા આવતા હોય તો અમે તેમને ક્યારેય ના નથી પડતા. કોઈના ઘરે કોઈ પ્રસંગ હોય તો અમે ત્યાં જઈને વધેલું ખાવાનું પણ લઈ આવવા તૈયાર રહીએ છીએ. આમ તો આ ફ્રિજ પાછળ કોઈ વિશેષ ખર્ચ થતો નથી, પરંતુ ધ્યાન પુષ્કળ રાખવું પડે છે. ફ્રિજની ઇલેક્ટ્રિસિટીનું બિલ દર મહિને સોસાયટી જ આપી દેતી હોય છે. બીજું એ કે અમે ફ્રિજમાં વેજિટેરિયન વસ્તુઓ જ મૂકીએ છીએ. જો કોઈ નૉનવેજ લાવે તો એને અલગ મુકાવીએ છીએ.’
લોકોનો સપોર્ટ
કમ્યુનિટી ફ્રિજ મૂકીને આજે બે મહિના થવા આવ્યા છતાં આજની તારીખમાં અમારા અને મિત્રોના ઘરેથી ફ્રિજમાં ખાવાનું મૂકવામાં આવે છે. આ સિવાય અન્ય કોઈ વ્યક્તિ ફૂડ મૂકવા માટે આગળ આવી નથી એમ જણાવતાં આયુ પ્રથમ ફાઉન્ડેશનનાં સ્નેહા મજમુદાર કહે છે, ‘ઓશિવરામાં એક મંદિરની બહાર આયુ પ્રથમ ફાઉન્ડેશને કમ્યુનિટી ફ્રિજ આશરે બે મહિના પૂર્વે જ  મૂક્યું છે. જોકે ત્યારથી લઈને આજ સુધી ફ્રિજને અમે લોકો જ ભરી રહ્યા છીએ. કોઈ અન્ય વ્યક્તિ એમાં ખાવાનું મૂકવા આગળ આવતી નથી. હું અને મારા મિત્રો અહીં ફૂડ પૅકેટ રાખીએ છીએ. દિવસના ચાર વખત ૩૦ પૅકેટ અમે અહીં મૂકીએ છીએ. ફ્રિજ જ્યાં મૂક્યું છે એની આસપાસ રહેવાવાળો વિસ્તાર ક્રીમ છે એટલે તેમને અહીં આવીને ખાવાનું મૂકવાનું ગમતું નથી. જેમ અહીં શ્રીમંતોનાં ઘરો છે એમ અહીં નજીકમાં ગરીબો પણ ઘણા રહે છે સાથે અહીં રિક્ષા સ્ટૅન્ડ પણ છે જ્યાં ઘણી રિક્ષા ઊભી રહેતી હોય છે. કામવાળી બહેનો પણ એટલી જ અવરજવર કરતી હોય છે. એટલે અહીં અમે ફૂડ પૅકેટ મૂકીને જઈએ ત્યાં ૧૫ મિનિટની અંદર ફ્રિજ સાફ થઈ જાય છે. એટલે અહીં ફૂડની ખૂબ જરૂર છે, પરંતુ ફૂડ આપવાવાળા આગળ આવતા નથી. દરેકની રસોઈમાં હંમેશાં કંઈક ને કંઈક તો વધતું જ હોય છે તો એ ફેંકી દેવાને બદલે અહીં આવીને મૂકવાની જરૂર હોય છે. પરંતુ એવું કોઈ કરવા તૈયાર થતું નથી. ફૂડ પૅકેટ પણ ઘણી વખત મંદિરના કેટલાક લોકો લઈ લેતા હોય છે. અમે જોઈએ છીએ છતાં આંખ આડા કાન કરીએ છીએ. ફ્રિજ ખોલીને લોકો પ્રેમથી ખાવાનું ખાઈ લે છે અને ત્યાર બાદ તેમના ચહેરા પર જોવા મળતો આનંદ અમારી બધી ફરિયાદ ભુલાવી દે છે. ભવિષ્યમાં બીજી જગ્યાએ પણ આવું ફ્રિજ નાખવાની ઇચ્છા ધરાવીએ છીએ, પરંતુ યોગ્ય જગ્યા મળી રહી નથી.’
તમે પણ કમ્યુનિટી ફ્રિજ મૂકી શકો છો
વર્સોવા વેલ્ફેર અસોસિએશનના સેક્રેટરી ડૉ. ક્ષિતિજ મહેતા કહે છે, ‘કમ્યુનિટી ફ્રિજ કોઈ પણ મૂકી શકે છે. એવું નથી કે કોઈ એનજીઓ કે પછી કોઈ ગ્રુપ જ કમ્યુનિટી ફ્રિજ ચલાવી શકે. ખાનગી સ્થળે કમ્યુનિટી ફ્રિજ નાખવા માટે કોઈની મંજૂરી લેવાની પણ જરૂર રહેતી નથી, માત્ર તમે જે સ્થાને એને મૂકવા માગતા હો એટલે કે કોઈ મંદિર કે કોઈ સોસાયટીની બહાર મૂકવા માગતા હો તો માત્ર તમારે તેમની મંજૂરી લેવી પડે છે
અને સાથે એક ઇલેક્ટ્રિસિટીની લાઇન પણ ખેંચવી પડે છે. બજારમાં સારી કન્ડિશનનાં સેકન્ડહૅન્ડ ફ્રિજ પણ મળે છે, જેથી દાતાઓને વધુ ખિસ્સાં ખાલી કરવા પડતાં નથી. આ ફ્રિજ માત્ર અઢી ફુટની જગ્યા લે છે. એટલે વધુ જગ્યા માટેની મારામારી પણ નહીં. અમારી પાસે કમ્યુનિટી ફ્રિજ નાખવા માટે ઘણી ઇન્ક્વાયરી આવે છે. ઘણાને ફ્રિજ મૂકવાં છે, પણ જગ્યા નથી મળતી એવું પણ સાંભળવા મળે છે.’

mumbai borivali