અંધારી આલમના જાણ્યા-અજાણ્યા કિસ્સા: ડીની ધાક

17 November, 2019 12:27 PM IST  |  Mumbai | Vivek Agarwal

અંધારી આલમના જાણ્યા-અજાણ્યા કિસ્સા: ડીની ધાક

અંધારી આલમના જાણ્યા-અજાણ્યા કિસ્સા

મુંબઈના પોલીસ-અધિકારીઓ ભલે ગમે એટલા મૂછે તાવ દે, સત્ય તો એ જ છે કે અહીં જો કોઈનું ચાલતું હોય તો તે આજે પણ દાઉદ ઇબ્રાહિમ જ છે. દેશનો આવકવેરા વિભાગે એની ડઝનબંધ સંપત્તિઓ જપ્ત ભલે કરી, પણ એના પર કબજો કદી મેળવી નથી શક્યો. એના પર સીલ તો માર્યું, પણ કદી દેખરેખ નથી રાખી શક્યા.આ તમામ સંપત્તિ ‘ડી’ કંપનીનાં પ્યાદાં અને સાગરીતોએ મળીને ખોલી લીધી અને મોજથી એનો ઉપયોગ કરતા રહ્યા. એટલું જ નહીં, ભાડે આપીને કમાણી પણ કરી અને પોલીસ આરામથી ઊંઘતી રહી. જે. જે. માર્ગ પોલીસચોકીથી માંડ ૨૦૦ મીટર દૂર પાકમોડિયા સ્ટ્રીટ પર દાઉદની એક સીલબંધ સંપત્તિનાં તાળાં તોડીને બિન્ધાસ્ત રીતે દર મહિને ૨૨,૦૦૦ રૂપિયાના ભાડા પર આપી દીધી. ત્યાં હોટેલ રોનક અફરોઝ ચાલવા માંડી. પોલીસ ખાતું ઘસઘસાટ ઊંઘતું રહ્યું. ઇકબાલના ખિસ્સામાં દર મહિને રકમ જમા થતી રહી. ત્યાર બાદ તેણે હોટેલ દિલ્લી ઝાયકાવાળી જગ્યા પણ ભાડે આપી દીધી. ત્યાંથી તેને દર મહિને ૩૫,૦૦૦ રૂપિયા મળવા માંડ્યા. દિલ્લી ઝાયકાનો ધંધો જામી તો ગયો, પણ ભાગીદારોમાં તકરાર થતાં એક જ ભાગીદારે આખી જગ્યા પર કબજો જમાવી દીધો.
જ્યારે આવકવેરા ખાતાને જુલાઈ ૨૦૧૩માં સઘળી હકીકત માલૂમ પડી ત્યારે સ્થાનિક પોલીસની મદદથી ફરી એ જગ્યા સીલ કરી. પ્રાપ્ત માહિતી અનુસાર આ તમામ મિલકતો ભાડે આપવાનું કામ બીજું કોઈ નહીં, અબ્દુલ ગની માપલે, ઉર્ફે ગનીચાચા કરે છે. તે ઇકબાલનો ખાસ માણસ છે.
પોલીસનું કહેવું છે કે તેમને જાણ જ ન થઈ, કારણ કે આ તમામ મિલકતો સીલ હતી. હવે, જો તેમને ખબર જ ન હોય તો તેઓ રક્ષણ કોનું અને કોનાથી કરશે? રસપ્રદ વાત તો એ છે કે દાઉદના માણસો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં પોલીસ હજી પણ લાચાર જ જણાઈ. આવકવેરા ખાતાએ પોલીસ અધિકારીઓને જણાવ્યું પણ ખરું કે સીલ મારેલી મિલકતોનાં તાળાં તોડીને સરકારી કામગીરી આડે અંતરાય ઊભો કરવામાં આવ્યો છે. આટલું બધું થવા છતાં ‘ડી’ની ધાક (અથવા તો ‘ડી’ના અર્થતંત્રનો ખેલ પણ કહી શકાય) એવી છે કે પોલીસે કદી એક એફઆઇઆર પણ દાખલ ન કર્યો.
આખી વાર્તા પછી એ ઉક્તિ યાદ આવે છેઃ ભાઈ જીધર બોલે, ઉધર ડોંગરી. (ભાઈ જ્યાં કહે, ત્યાં ડોંગરી.)

weekend guide dawood ibrahim