એકલતાના એકદંડિયા મહેલના કેદ

03 November, 2019 01:46 PM IST  |  મુંબઈ | Come On જિંદગી! કાના બાંટવા

એકલતાના એકદંડિયા મહેલના કેદ

એકદંડિયા મહેલમાં પુરાયેલી રાજકુમારી જેવા આપણે સૌ. નોકરચાકરની ફોજ છે, સુખ–સાહ્યબી છે, પાણી માગે ત્યાં દૂધ મળે છે, બધું છે, પણ રાજકુમારી પાસે કોઈ સાથી-સંગાથી નથી. એકલતા નામના રાક્ષસ સામે ઝઝૂમે છે રાજકુમારી. આપણે સૌ આવા જ એકલતાના એકદંડિયા મહેલના કેદીઓ. અગણિત લોકોથી ઘેરાયેલા છતાં એકલાઅટૂલા. વ્યક્ત થવા, કનેક્ટ થવા મથતા. ઝરૂખામાં ઊભા રહીને કોઈની વાટ નીરખતી રાજકુમારીની આંખોમાંની પ્રતીક્ષાના પ્રતિબિંબ જેવા થીજી ગયેલા. એકલતા અને એકાંત સમાનાર્થી શબ્દો નથી, વિધ્ધાર્થી શબ્દો છે. કોઈ પોતાનું નહીં હોવાનો અહેસાસ એકલતા છે, પોતાનામાં રમમાણ હોવું એકાંત છે. જાતના સાથમાં હોવું એકાંત છે. સ્વના સંગાથમાં હોવું એકાંત છે. સ્વસ્થ એ છે જે સ્વમાં સ્થિર થયેલો છે. સ્વસ્થ એટલે નીરોગી નહીં, તમામ આધિ–વ્યાધિ–ઉપાધિથી દૂર જે પોતાનામાં જ પ્રતીત છે એ સ્વસ્થ છે. જાત સાથે વાત થઈ શકે એ એકાંત. જ્યાં બીજું કોઈ ન હોય. અન્યની આવશ્યકતા ન હોય. કોઈને કશું કહેવાનું ન હોય, પોતાને જ કહેવાનું હોય અને પોતે જ સાંભળવાનું હોય. ઊંડે, ભીતર સંવાદ ચાલતો હોય. જાત સાથે મુલાકાત થઈ રહી હોય, પોતાને ઓળખવાની પ્રક્રિયા ચાલતી હોય. આ એકાંતનું સૌંદર્ય છે. એકાંત સ્વૈચ્છિક છે, એકલતા ઇચ્છા વિરુદ્ધ વળગેલી ચીજ છે. કેદી એકલતા ભોગવે છે અને સાધુ એકાંત.
બન્નેની શારીરિક પરિસ્થિતિમાં બહુ ફરક નથી. એક જેલની કોટડીમાં રહે છે, બીજો જંગલની ઝૂંપડીમાં, પણ માનસિક સ્થિતિમાં ફરક છે. એક નિજાનંદમાં મસ્ત છે, બીજાને કયાંય ચેન પડતું નથી. આ જ અંતર છે એકાંત અને એકલતા વચ્ચે. જાત સાથે પણ વાત બંધ થઈ જાય એ એકલતાની ચરમસીમા છે. માણસ વધુ ને વધુ પૃથક બનતો જાય છે. એકલો પડતો જાય છે. ભીડ છે, પણ એ ભીડમાં કોઈ ચહેરો એ નથી જે પોતીકો હોય, જે તમને જોઈને ખીલી જતો હોય, જેને જોઈને તમે મહોરી ઊઠતા હો. જેની પાસે તમે વ્યક્ત થઈ શકતા હો, જેની પાસે ખૂલી શકતા હો, દિલ ખોલી શકતા હો. જેની સાથે મૌનની ભાષામાં વાત થઈ શકતી હોય, જેની પાસે બસ કશું જ બોલ્યા વગર બેસીને અઢળક વાતો થઈ શકતી હોય. કોઈ એવું હોય જે તમારો આનંદ અને તમારી પીડા બન્નેને એટલી જ લાગણીથી શૅર કરે. જે તમારા સ્મિત અને આંસુ બન્નેને સમજી શકે. જેને તમારાં દુ:ખ પોતાનાં લાગતાં હોય, જે કહી શકે, ‘હું બેઠો છુંને, ટેન્શન ન લે.’ જે તમારો ચહેરો જોઈને કહી દે, ‘કેમ મૂંઝાયેલો લાગે છે?’ જે ફોન કરીને હકથી બે ગાળ દઈ શકે. આવા પોતાના ન હોવાનો અહેસાસ થાય છે? આવી ફીલિંગ થતી હોય એવા તમે એકલા નથી, તમારી આજુબાજુના મોટા ભાગના માણસોને આવી જ લાગણી થાય છે. ‘મેલે મેં અકેલા, અકેલે મેં મેલા.’
જેટલી ભીડ વધે છે એટલી જ એકલતા વધે છે. કમ્યુનિકેશનનાં સાધનો જેટલાં વધે છે એટલું એકલવાયાપણું વધે છે. અત્યારે તમે સોશ્યલ મીડિયા થકી ચોવીસે કલાક હજારો લોકો સાથે કનેક્ટ રહો છો છતાં ડિસકનેક્ટેડ મહેસૂસ કરો છો. અગાઉ કોઈ યુગમાં વ્યક્ત થઈ શકાતું નહોતું એટલું અત્યારે વ્યક્ત થઈ શકાય છે, જે કહેવું હોય એ કહેવા માટેનાં અનેક સાધનો છે છતાં અવ્યક્ત રહી જવાય છે. અનેક લોકો તમે વ્યક્ત કરેલું વાંચે–સાંભળે છે છતાં લાગે છે કે કોઈ સાંભળતું નથી. તમે વ્યક્ત થાઓ છો એના પ્રતિસાદ મળે છે છતાં કંઈક ખૂટતું લાગે છે. જાણે તમે અલગ-અલગ થઈ ગયા હોય એવું ફીલ થયા કરે છે. કેમ આવું થાય છે? કેમ એક-એક જણ હાલતીચાલતી એકલતા બની ગયો છે? ક્યારેય વિચાર્યું છે?
જિંદગીની દડમજલમાં આપણે એવું તે શું ગુમાવી દીધું છે કે સાવ એકલસૂડા થઈ ગયા, તરપકડામાં બેઠેલા હોલા જેવા? એવા તે શેના પોપડા બાઝી ગયા છે કે અંદર કશું ઊતરતું જ નથી? બે મુખ્ય કારણ છે. સંબંધો અને ખુલ્લાપણું. વિચાર્યું કે સ્વાર્થ મહત્ત્વનો થઈ પડ્યો છે, સંબધં નહીં. સગા ભાઈ સાથે સંપત્તિના મુદ્દે વાંધો પડે એટલે દુશ્મન બની જવાનું. દોસ્ત જરા ભૂલ કરે એટલે દોસ્તી ખતમ. પત્ની કે પતિ પાસે અપેક્ષા વધી જાય કે પ્રેમ જેવું કશું બચે જ નહીં. મા–બાપ ઘરડાં થાય એટલે ભારરૂપ લાગવા માંડે. દીકરા પરણે એટલે વહુના થઈ ગયેલા લાગે. જરા જતું ન કરી શકાય? સંબંધનું મૂલ્ય આપણે જ ઘટાડી નાખ્યું છે અને પછી છાતી કૂટીએ છીએ.
કયાં છે એ ખુલ્લાપણું, જેમાં પોતાનાઓથી કશું જ છુપાવવાનું નથી હોતું. સોશ્યલ મીડિયાના હજારો મિત્રોથી તમે તમારો અસલી ચહેરો પણ છુપાવો છો. તમારો ફોટો સ્ટેટસમાં કે ઇન્સ્ટાગ્રામ પર કે ફેસબુક-સ્ટોરીમાં મૂકો છે ત્યારે પણ બ્યુટી મોડ સ્ટ્રૉન્ગ રાખીને પાડેલો ફોટો જ અપલોડ કરો છોને? અને એ ફોટો પાડતી વખતે તમે ચહેરા પર ચોંટાડેલું સ્મિત સાચું હતું? તમે જે લખો છો, જે રજૂ કરો છો સોશ્યલ પ્લૅટફૉર્મ પર એ તો તમારો અહંકાર છે, ઈગો છે, તમે નથી. તમે છુપાવો છો તમારા ભાવ. તમારી ઈર્ષા, તમારી વૃત્તિ, તમારી અંદરની પીડા, આક્રોશ, આનંદ. બધું જ છુપાવ્યા પછી એકલા ન પડી જવાય તો જ નવાઈ. કોની સામે તમે સંપૂર્ણ ઉઘાડા થઈ શકો? તમે અંદરથી જેવા છો એવા જ કશા આવરણ વગરના કોની સમક્ષ ઊભા રહી શકો છો? કોની સામે તમારે જરાય દંભ કરવાની જરૂર નથી પડતી? જેને કશું કહેતાં પહેલાં વિચારવું નથી પડતું કે આ વાત સાંભળીને તે શું વિચારશે કે શું પ્રતિક્રિયા આપશે, મારા વિશે કેવો અભિપ્રાય બાંધશે? છે એવી કોઈ વ્યક્તિ જેને તમે બધું જ કહી શકો, તદ્દન નૅકેડ? પતિ–પત્ની પણ એકબીજાને બધું જ કહી શકતાં નથી. સૌથી ઇન્ટિમેટ ગણાતા આ સંબંધમાં પણ પડદા આવી જાય છે. તમારી નજીકના લોકો પર વિશ્વાસ મૂકો. જે તમને ગમે છે એ નહીં, તમે જેમને ગમો છો એ લોકોને યોગ્ય મહત્ત્વ આપો. હૂંફ આપો. એના પ્રત્યુત્તરમાં તમને બેવડી લાગણી મળશે. લાગણી ચક્રવૃદ્ધિ દરથી વધતી વસ્તુ છે. તમારી આજુબાજુ નજર નાખો, તમારા પોતાના મળી આવશે, જે તમારી રાહ જુએ છે.
તમે જ તમારા સૌથી નજીકના મિત્ર છો અને તમે જ તમારા કટ્ટર શત્રુ છો. તમારી અંદર જોવાની કોશિશ કરો. જાત સાથે વાત કરો. એકલતાને એકાંતમાં પરિવર્તિત કરવાનું મુશ્કેલ નથી. બસ થોડા બહારના પરિવર્તન અને થોડી અંતરયાત્રા જ બસ છે.

weekend guide