જૈન મુનિઓના અકસ્માતો અટકશે?

24 November, 2014 03:30 AM IST  | 

જૈન મુનિઓના અકસ્માતો અટકશે?



અલ્પા નિર્મલ

ચાતુર્માસ પૂર્ણ થતાં જૈન સાધુ-સાધ્વીઓ ચાર મહિનાનો સ્થિરવાસ છોડી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા પદયાત્રા (વિહાર) કરે છે. આ વિહાર ચાલુ થયાના એક દિવસમાં જ બે અલગ-અલગ જગ્યાએ થયેલા અકસ્માતમાં ૩ જૈન સાધ્વીઓ ઘાયલ થયાં અને એક શ્રમણી કાળધર્મ પામ્યાં. છેલ્લાં થોડાં વર્ષોથી ૮ મહિનાના વિહારકાળમાં દર વર્ષે ભારતભરમાં આવા ૨૦થી ૨૫ હાદસાઓ થાય છે જેમાં સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબ ઉપરાંત સાથે રહેલા શ્રાવકો કે સેવક, પરિચારિકા બહેનો પણ મરણને શરણ થાય છે કે ઈજાગ્રસ્ત થાય છે ત્યારે પ્રશ્ન થાય છે કે આવા કિસ્સાઓ કેમ બને છે? શું આ અકસ્માતો પૂર્વનિયોજિત હોય છે? કોની ક્યાં ભૂલ થાય છે? એને અટકાવવા શું પ્રયત્નો કરવા જોઈએ?

કેરળથી નેપાળ અને આસામથી રાજસ્થાન એમ ભારતભરનાં અનેક રાજ્યોમાં વિહાર કરનારા અને તપગચ્છ પરંપરામાં સૌથી વધુ કિલોમીટરનો વિહાર કરનારા રાષ્ટ્રસંત પદ્મસાગરસૂરિ મ. સા. નાકોડા (રાજસ્થાન)થી મિડ-ડેને જણાવે છે કે ‘છેલ્લા અઢી દાયકાથી સાધુ-સાધ્વીજીઓ હાઇવે પરથી વિહાર કરતાં થયાં છે. એની પહેલાં રાજમાર્ગોનો વિકાસ ન હોવાથી અંદર-અંદરના રસ્તાઓ દ્વારા એક જગ્યાએથી બીજે જગ્યાએ જતાં. છતાં પણ ૨૫-૨૭ વર્ષોમાં જૈન સાધુ-સાધ્વીજીના અકસ્માતના એટલા બનાવો નથી બન્યા જેટલા છેલ્લાં પાંચ વર્ષોમાં થયા છે. પાંચ વર્ષ પહેલાં તો ૮ મહિનામાં મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન મળી કુલ ૬૫થી ૭૦ સાધુ-સાધ્વીઓના ઍક્સિડન્ટ થયા હતા. જોકે એ સમયે એવી વાતો પણ આવી હતી કે આ પૂર્વનિયોજિત કાવતરાં હતાં અને અમુક સંગઠન જૈન ધર્મની વિરુદ્ધ હોવાથી તેઓ આ કાર્ય કરાવતા હતા. ખેર, આ આક્ષેપોની પુષ્ટિ નથી થઈ આથી આ પ્રકારનું બ્લેમિંગ ન કરી શકાય. પરંતુ એ હકીકત છે કે ત્યાર બાદ પણ અકસ્માતો થાય છે અને એથી સાધુ-સાધ્વીઓ કાળધર્મ પામે છે.’

ભૂલ કોની હોય છે? પ્રશ્નના ઉત્તરમાં વિમલસાગર મ. સા. મિડ-ડેને નાકોડાથી કહે છે, ‘આમ તો આવી હોનારત માનવસર્જિત હોય છે એટલે બહુધા ડ્રાઇવરની બેદરકારી, વાહનોનું ઓવરટેકિંગ કે ઓછી વિઝિબિલિટી ઍક્સિડન્ટનાં મુખ્ય કારણો છે; પણ ક્યારેક સાધુ-સાધ્વીજીઓ પણ પોતાની ધૂનમાં સાઇડની કેડી છોડી મુખ્ય રસ્તા પર આવી જતા હોય છે.’

આ વાતને આગળ વધારતાં ભિવંડીના વિહાર ગ્રુપના મુખ્ય કાર્યકર જયનિન્દ્ર જૈન કહે છે. ‘સાધુમહારાજોમાં ઓછું થાય છે, પણ સાધ્વીજીઓ વાતો કરતાં-કરતાં રસ્તાની સાઇડ પરથી વચ્ચે આવી જાય છે ત્યારે અમારે તેમને રોકી-ટોકી ફરી સાઇડમાં આવવાનું કહેવું પડે છે.’

અકસ્માતોનાં કારણો અને નિવારવાના ઉપાયો વિશે વાત કરતાં પહેલાં વિહાર ગ્રુપ વિશે જાણીએ. પાંચ વર્ષ પહેલાં અતિ વિદ્વાન જૈન મુનિ જંબુવિજયજીમહારાજસાહેબનું જીવલેણ અકસ્માતમાં મોત થતાં મહાબોધિવિજયજી મહારાજે મુંબઈના િભવંડીમાં વિહાર ગ્રુપ શરૂ કર્યું જેમાં જૈન શ્રાવકો દરેક વિહાર કરતાં સાધુ-સાધ્વીજીને ભિવંડીથી શહાપુર, વાડા, પડધા, અંબરનાથ, ડોમ્બિવલી, શીલફાટા જેવા વિસ્તારોમાં સુધી લેવા અને મૂકવા જતા એટલે મિનિમમ ત્રણ અને પછી સાધુ-સાધ્વીની સંખ્યા વધુ હોય તો ચાર મુનિ વચ્ચે એક શ્રાવક મોટી લાકડી, ટૉર્ચ તેમ જ રિફ્લેક્ટિંગ જૅકેટ પહેરીને તેમની સાથે હાઇવે પર ચાલતા જેથી વાહનોથી અન્ય અનિષ્ટોથી તેમનું રક્ષણ થાય. બહુ ટૂંકા ગાળામાં આ પ્રકારની વ્યવસ્થાઓ ઠેર-ઠેર શરૂ થઈ જેમાં સમસ્ત મુંબઈ (પશ્ચિમી, તળ મુંબઈ), નવી મુંબઈ, ભિવંડી, કલ્યાણ સહિત મુંબઈથી અમદાવાદનો મોટા ભાગનો વિસ્તાર અને ભિવંડીથી નાશિક સુધીનો વિસ્તાર અલગ-અલગ શહેરના જૈન સંઘોના વિહાર ગ્રુપ દ્વારા સાંકળી લેવામાં આવ્યો જેમાં વર્ધમાન સંસ્કાર ધામ, સભક્તિગ્રુપ, વિહાર ગ્રુપ જેવાં સંગઠનો વર્ષના ચોમાસાના ૪ મહિના છોડી બાકીના આઠ મહિનાઓમાં દરેક સાધુ-સાધ્વીના વિહાર દરમ્યાન તેમને મૂકવા કે પછી લેવા જાય છે-આવે છે. આ કાર્યના ગ્રુપનો ઉદ્દેશ્ય મહારાજસાહેબોને સલામત રીતે એક સ્થળેથી બીજે સ્થળે પહોંચાડવાનો હોય છે.

અકસ્માતો નિવારવા હજી શું કરવું જોઈએ? એના જવાબમાં બોરીવલીથી સમકિત ગ્રુપના કલ્પેશ શાહ મિડ-ડેને કહે છે, ‘અમે સૂર્યોદયના અડધો કલાક પહેલાં જ મહારાજ વિહાર માટે નીકળે એનું ધ્યાન રાખીએ છીએ. ખાસ કરીને શિયાળાના દિવસોમાં ખૂબ ધુમ્મસ અને અંધારું હોય છે. આથી ઍક્સિડન્ટના ચાન્સ વધી જાય છે. વળી જે દિશામાં જવું હોય એ સાઇડના ટ્રાફિકની સાથે ચાલવાને બદલે સામેથી આવતા ટ્રાફિકની સાઇડ પર ચાલવાનો અનુરોધ કરીએ છીએ. ઉપરાંત દરેક હાઇવેની એક્સ્ટ્રીમ સાઇડ પર સફેદ કલરના પટ્ટાની અંદરની બાજુ જ ચાલવાની કોશિશ કરીએ છીએ. જોકે હાઇવે પર થતા અકસ્માતોની પરંપરા જોતાં પદયાત્રીઓ માટે ચાલવા સાઇડમાં રેલિંગ સહિતની કેડી ઊભી થાય એવી અરજી અમે ફરી એક વાર નવી સરકારને પણ કરી છે. રેલિંગને કારણે ઓવરટેક કરનારાં વાહનો અટકી જાય અને એમની સ્પીડને પણ એક બૅરિયર રહે જે ફક્ત સાધુ-સાધ્વી જ નહીં, અનેક સ્થાનિક પદયાત્રીઓ અને અન્ય ધર્મના અનુયાયીઓ જેઓ ચાલતાં-ચાલતાં પોતાના શ્રદ્ધેય તીર્થદેવને ત્યાં પહોંચે એવી માન્યતા રાખે છે તે સર્વે માટે ઉપકારક બની રહે.’

જોકે આ પ્રકારની વ્યવસ્થા થવી અશક્ય છે એમ માનતા વિહાર ગ્રુપ કલ્યાણના ભોગીલાલ જૈન કહે છે, ‘પૂરા ભારતના મોટા-મોટા માર્ગો પર રેલિંગ બનાવવી શક્ય નથી. ક્યારેક તો રસ્તા જ એટલા સાંકડા હોય છે કે ત્યાં અલગ ફૂટપાથ અને રેલિંગની જગ્યા ક્યાંથી નીકળે? વળી રૅશ ડ્રાઇવિંગ કરનારા મોટા-મોટા ડિવાઇડરો, દીવાલોને તોડી પાડે છે ત્યાં આ રેલિંગનું શું ગજું? ઉપરાંત એની ચોરી, મેઇન્ટેનન્સના પ્રશ્નો તો ખરા જ. આથી આ સુવિધાની આશા ન રાખી ભારતભરના દરેક સંઘ સાધુ-સાધ્વીના વિહારની જવાબદારી જાતે લે અને તેમને લેવા-મૂકવા જાય કે પછી જ્યાં જૈન વસ્તી ન હોય ત્યાં વિહારધામોના ટ્રસ્ટીઓ બે-ચાર પગારદાર માણસો રાખી આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરાવે તો અકસ્માતની સંખ્યા ઘણી ઘટી જાય.

જોકે એ હકીકત નજરઅંદાજ કરવા જેવી નથી કે મોટા ભાગના અકસ્માત મહારાષ્ટ્ર અને ગુજરાતમાં થાય છે જ્યાં જૈન ધર્મીઓની વસ્તી વધુ છે. હા, અહીં અન્ય સ્ટેટ કરતાં મહારાજસાહેબોની સંખ્યા પણ વધુ હોય છે. છતાં તામિલનાડુ, કર્ણાટક, મધ્ય પ્રદેશ જેવાં રાજ્યોમાં પણ દરેક સંપ્રદાયના જૈન મુનિઓની આવનજાવન હોવા છતાં ત્યાં આવા હાદસાઓ બહુ ઓછા પ્રમાણમાં થાય છે.

જૈન સાધુ-સાધ્વીઓ વિહાર કેમ કરે છે?

જૈન ધર્મમાં દરેક મુનિએ ૧૦ કલ્પ પાળવાના હોય છે. એમાંનો એક કલ્પ એ હોય છે કે ચાતુર્માસ સિવાયના મહિનાઓમાં કોઈ પણ જગ્યાએ મહિનાથી વધુ સ્થિરવાસ કરવો નહીં. એનું કારણ એ કે તેમને એ જગ્યા, ત્યાંના લોકો પરત્વે મમત્વ થાય નહીં. આથી દરેક સાધુ-સાધ્વીએ વિહાર કરવો એ તેમના આચારનો એક ભાગ છે. આ સાથે જ તેમણે જીવે ત્યાં સુધી છ મહાવþત પાળવાં ફરજિયાત હોય છે, જેમાંનું એક મહાવþત છે અહિંસા. એટલે જ દરેક ફિરકાનાં સાધુ-સાધ્વીઓ પદયાત્રા કરે છે, કારણ કે વાહનો દ્વારા યાત્રા કરવાથી અસંખ્ય જીવોની હિંસા થાય છે. જ્યારે ખુલ્લા પગે પગપાળ ચાલવથી મિનિમમ જીવ હિંસા થાય છે. બીમાર કે વૃદ્ધ સાધુઓ વ્હીલ-ચૅરનો ઉપયોગ કરે છે. એનું પણ તેઓ પ્રાયિત્ત લે છે. એ જ રીતે વિહાર દરમ્યાન હવે મુનિઓ ખુલ્લા પગે ચાલવાને બદલે કપડાનાં મોજાંઓનો ઉપયોગ કરતા થયા છે.