મુંબઈમાં જૈન ધાર્મિક શિક્ષણક્ષેત્રના ભીષ્મ પિતામહ

16 October, 2011 07:09 PM IST  | 

મુંબઈમાં જૈન ધાર્મિક શિક્ષણક્ષેત્રના ભીષ્મ પિતામહ



(ચીમનલાલ કલાધર)

માણસની લક્ષ્મી, સૌંદર્ય, યૌવન, કીર્તિ, સત્તા વગેરેની બીજાને ઈષાર્ આવે એમ બનતું હોય છે; પરંતુ કોઈના વૃદ્ધત્વની ઈષાર્ આવે એવું સાંભળ્યું છે ખરું? ઘડપણથી તો સૌકોઈ ભાગે છે, પછી એની ઈર્ષા તો કરે જ કોણ? પરંતુ છેલ્લાં ૬૦ વર્ષથી મુલુંડમાં રહેતા ૮૪ વર્ષના વયોવૃદ્ધ ચીમનલાલ પાલિતાણાકરને આજે પણ જે સ્ફૂર્તિથી અને ઉત્સાહથી કામ કરતા જોઈએ તો સ્વાભાવિકપણે જ તેમની કોઈને પણ ઈર્ષા આવે.

મુંબઈના જૈન ધાર્મિક શિક્ષણક્ષેત્રે છેલ્લાં ૬૪ વર્ષથી અવિરત સેવા કરનારા જૈન ધાર્મિક શિક્ષણક્ષેત્રના ભીષ્મ પિતામહસમા ચીમનલાલ હીરાલાલ શાહ-પાલિતાણાકરનું નામ આજે આદરપૂર્વક લઈ શકાય એમ છે. ૮૪ વર્ષની વયે પહોંચેલા ચીમનભાઈ આજે પણ ૨૨ વર્ષના યુવાનને છાજે એવી અદમ્ય સ્ફૂર્તિ અને ઉત્સાહથી જૈન ધાર્મિક શિક્ષણક્ષેત્રે સતત કાર્યરત છે.

ચીમનભાઈનો જન્મ સૌરાષ્ટ્રના પાલિતાણામાં થયો હતો. તેમના પિતા હીરાલાલ જેઠાલાલ શાહ અને માતા વિજયાબહેનનો ઉદાત્ત ધર્મસંસ્કારનો વારસો તેમણે દીપાવ્યો છે. બાળવયે જ તેમણે પિતાનું છત્ર ગુમાવતાં તેમનાં માતાએ ભારે સંઘર્ષ વેઠીને તેમને અને અન્ય સંતાનોને ઉછેયાર઼્. ચીમનભાઈ મહેસાણાની શ્રી યશોવિજયજી જૈન પાઠશાળામાં જોડાઈને ધાર્મિક શિક્ષણક્ષેત્રે પારંગત બન્યા હતા. તેમણે સૌપ્રથમ મહારાષ્ટ્રના કરાડ શહેરમાં ૧૬ વર્ષની યુવાન વયે ધાર્મિક શિક્ષક તરીકેની પોતાના જીવનની કારકર્દિી શરૂ કરી હતી. એ પછી તેઓ મુંબઈ આવ્યા અને મુંબઈને કર્મભૂમિ બનાવીને જૈન ધાર્મિક શિક્ષણક્ષેત્રે એક ઇતિહાસ સરજ્યો.

ચીમનભાઈ છેલ્લાં ૪૬ વર્ષથી ભાયખલાની શેઠ મોતીશા જૈન પાઠશાળાના અધ્યાપક તરીકે સુંદર કામગીરી બજાવી રહ્યા છે અને છેલ્લાં ૬૨ વર્ષથી મુંબઈના જૈન ધાર્મિક શિક્ષણ સંઘના સંચાલક તરીકે સરાહનીય સેવા આપી રહ્યા છે. જૈન ધાર્મિક શિક્ષણનો વધુમાં વધુ પ્રસાર અને પ્રચાર થાય એ હેતુથી પ્રગટ થતી ‘જૈન શિક્ષણ સાહિત્ય પત્રિકા’ના પણ તેઓ કુશળ તંત્રી તરીકે નામના મેળવી ચૂક્યા છે.

આજના પ્રચંડ ભૌતિકવાદના જમાનામાં ધાર્મિક શિક્ષણક્ષેત્ર વિશે આપને શું કહેવું છે? એ પ્રશ્નનો ઉત્તર આપતાં ચીમનભાઈ કહે છે, ‘જૈન ધર્મમાં ધાર્મિક શિક્ષણને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે; પરંતુ ખેદની વાત એ છે કે આજે સિનેમા, ટીવી, વિડિયો અને કમ્પ્યુટરના યુગમાં આપણી પાઠશાળાનાં બાળકોની સંખ્યા સતત ઘટતી જાય છે. અરે, કેટલાંક સ્થળે તો પાઠશાળા બંધ કરી દેવી પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. આના કારણમાં ઊંડા ઊતરીએ તો જણાશે કે આ ગંભીર શિક્ષણના ઘોડાપુરમાં તણાતાં-તણાતાં આપણે આપણા ધર્મશિક્ષણને સમજી શક્યા નથી કે નથી આપણાં બાળકોને એની ઉપયોગિતા સમજાવી શક્યા. આપણાં બાળકોમાં ધાર્મિક શિક્ષણ પ્રત્યે રસ, રુચિ અને ઉત્સાહ જાગૃત થાય એવી કોઈ તકેદારી પણ આપણે કેળવી શક્યા નથી. ધર્મને આપણે ઉત્કૃષ્ટ મંગલરૂપ માનીએ છીએ, આલોક અને પરલોકનું કલ્યાણ કરનારો સમજીએ છીએ; પરંતુ આપણાં બાળકોના ધાર્મિક શિક્ષણના પ્રશ્ને આપણે એટલા સજાગ રહ્યા નથી. સમયના પરિવર્તનની સાથે વ્યાવહારિક કેળવણીનું મહત્વ વધ્યું છે એની સાથે ધર્મશિક્ષણ તરફની આવી ઘોર ઉપેક્ષા બિલકુલ હિતાવહ નથી.’

‘પાલિતાણાકર’ ઉપનામ કેવી રીતે પડ્યું?

તમે ‘પાલિતાણાકર’ ઉપનામ કેમ રાખ્યું એ પ્રશ્નનો ઉત્તર આપતાં ચીમનભાઈ પાલિતાણાકર કહે છે, ‘મહેસાણાની યશોવિજયજી પાઠશાળામાં મારો અભ્યાસ પૂર્ણ થયો એટલે મને મહારાષ્ટ્રના કરાડ શહેરમાં સૌપ્રથમ ધાર્મિક શિક્ષક તરીકે નોકરી મળી. ત્યારે મારી ઉંમર માત્ર ૧૬ વર્ષની હતી. કરાડમાં હું જૈન બાળકોને ધાર્મિક અભ્યાસ કરાવતો અને ફુરસદના સમયે ત્યાંના જૈન અગ્રણી વિનોદ ગુજ્જરની દુકાને બેસતો. વિનોદ ગુજ્જર કરાડના સેવાપરાયણ કાર્યકર હતા. તેમની પાસે અવારનવાર નેતાઓ, અધિકારીઓ વગેરે આવતા. એક વખત હું તેમની દુકાને બેઠો હતો ત્યારે મહારાષ્ટ્રના કૉન્ગ્રેસના અગ્રણી યશવંતરાવ ચવાણ આવ્યા. વિનોદભાઈને તેમની સાથે ખૂબ સારો સંબંધ. ચવાણસાહેબે વિનોદભાઈ સાથે ઘણી-ઘણી વાતો કરી અને પછી મારી સામે જોઈને પૂછ્યું કે આ છોકરો કોણ છે અને ક્યાંનો છે? વિનોદભાઈએ કહ્યું કે તે અમારા ગુરુજી છે, અમારાં બાળકોને જૈન ધર્મનું શિક્ષણ આપે છે અને પાલિતાણા ગામના વતની છે. ચવાણસાહેબે હસતાં-હસતાં મારી સાથે હાથ મિલાવતાં કહ્યું, આપકો મિલકે બહોત આનંદ હુઆ મિસ્ટર પાલિતાણાકર. ત્યારથી વિનોદભાઈ અને કરાડના લોકો મને પાલિતાણાકર નામથી જ સંબોધવા લાગ્યા. પછી આગળ જતાં જૈન ધર્મના લેખો લખતી વેળાએ મેં પણ ‘પાલિતાણાકર’ ઉપનામને જ પસંદગી આપી અને આમ હું ચીમનભાઈ પાલિતાણાકર તરીકે પ્રસિદ્ધ થયો.’

ર્દીઘકાલીન સેવા બદલ અવૉર્ડ

ચીમનલાલ પાલિતાણાકરને તાજેતરમાં મુંબઈમાં ચર્ચગેટ પાસેના ક્રૉસ મેદાનમાં રાષ્ટ્રસંત યતિવર્ય શ્રી ડૉ. વસંતવિજયજી મ.સા.ની નિશ્રામાં શ્રી કૃષ્ણગિરિ પાશ્વર્-પદ્માવતી સેવા મંડળ ટ્રસ્ટ-મુંબઈ દ્વારા યોજાયેલા શ્રી પાશ્વર્ પદ્માવતી આરાધના મહોત્સવ-૨૦૧૧ના ભવ્ય સમારોહમાં તેમની ર્દીઘકાલીન જૈન ધાર્મિક શિક્ષણક્ષેત્રની અપ્રતિમ સેવા બદલ સરસ્વતીભૂષણ અવૉર્ડ-૨૦૧૧ એનાયત કરી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ સન્માનમાં એક લાખ રૂપિયા અને પ્રશસ્તિપત્રનો સમાવેશ થાય છે.

તસવીર : સમીર માર્કન્ડે