પારિવારિક કુરુક્ષેત્રનો એક નિયમ છે કે જે સજ્જન હોય તે માર ખાય

16 November, 2019 11:30 AM IST  |  Mumbai | Swami Sachchidanand

પારિવારિક કુરુક્ષેત્રનો એક નિયમ છે કે જે સજ્જન હોય તે માર ખાય

આપણે સંબંધોની વાત કરતા હતા. આત્મીયતા મરે એ પછી પણ એકબીજાને વળગેલા રહેવું એ માનવીય દૃષ્ટિકોણથી પાપ છે. આપણે વાત કરવી છે લંડનમાં રહેતા એક ધાર્મિક દંપતીની. બન્ને પરણી ગયાં, પણ બન્ને વચ્ચે આત્મીયતા જાગી નહીં. દામ્પત્યજીવન બે રીતે ચાલે, ડહાપણથી અને પ્રેમથી. જો ડહાપણ અને પ્રેમ બન્ને હોય તો જીવન ધન્ય ધન્ય થઈ જાય, પણ જો બેમાંથી એક પણ ન હોય તો જીવતાં નર્કનો અનુભવ થાય. એવું હોય તો ઘરમાં શાંતિ રહે જ નહીં, દરરોજ ઘર રણમેદાન બને અને કુરુક્ષેત્ર જામે. પારિવારિક કુરુક્ષેત્રનો એક નિયમ છે કે જે સજ્જન હોય તે માર ખાય. સહન કરવાનું તેના પક્ષે જ આવે. દુર્જન જીતે નહીં તો પણ તે બાજી બગાડી જાણે અને બાજી બગાડવી એ જીતવા સમાન વાત નથી. સુધરવું કે સુધારવું એ જીતવું છે અને દુર્જન સુધારી કે સુધરી શકતો નથી, એ બગાડે છે, જ્યારે સજ્જન સુધારી શકતો ન હોય તો પણ તે ક્યારેય બગાડવાનું કામ કરતો નથી. સજ્જન અને દુર્જન માત્ર સમાજમાં નથી હોતા, એ ઘરમાં પણ હોય અને પતિ-પત્નીમાં પણ હોય. જે વાત બગાડે એ દુર્જન અને જે વાત સુધારે તે સજ્જન.
આપણે વાત કરતા હતા દંપતીની. લંડનના એ દંપતીમાં પત્નીનું નામ ઍની. ઍનીને તેના પતિથી કદી સંતોષ નહોતો થયો, એ પછી પણ તે બે બાળકોની માતા બની. ઘણી વાર પ્રેમ વિનાના સેક્સથી બાળકોની લંગાર લાગી જાય છે, તો ઘણી વાર ભરપૂર પ્રેમ વચ્ચે પણ બાળકો દેખાતાં નથી. ઍનીને પતિના પ્રેમની ભરપાઈ બાળકોમાં થઈ ગઈ અથવા તો કહો કે બાળકોમાં મન લગાવીને તે જીવનનો સંતોષ માણવાનું શીખી ગઈ. એક વાત નોંધી રાખજો કે મનને મનાવીને સંતોષ રાખવામાં આવે એ સંતોષ ક્યારેય દૃઢ ન હોય, પણ જે સંતોષ આપોઆપ થયો હોય, મનમાં જન્મ્યો હોય એની દૃઢતા અપાર હોય. ઍનીનો સંતાન-સંતોષ મનને મનાવીને ઊભો કરવામાં આવ્યો હતો. જેને મનને સમજાવતાં આવડે, જેને મનને મનાવતાં આવડે એને જ ડહાપણ કહેવાય. જે મનના વેગે ઊડવા માંડે તે ક્યારેય પછડાટ વગરનો નથી હોતો. પછડાટ હાડકાં ભાંગી નાખે.
જીવનનાં હાડકાં સુખ-શાંતિ છે. મોટા ભાગના ડાહ્યા માણસો મન મનાવીને જીવતા હોય છે. ઍનીએ બાળકોમાં મન પરોવી લીધું અને એના સહારે જીવન જીવવા લાગી. જીવનને સહારો જોઈએ. સહારા વિનાનું જીવન નિરાધાર થઈ જાય. જીવનમાં ચાર સહારા અત્યંત મહત્ત્વના છે. જો આ સહારા જીવનમાં ન મળે તો જીવન વિકરાળ બની જાય, સુખનું કોઈ નિશાન ન રહે અને જીવનમાં ક્યાંય સંતોષ જોવા ન મળે. જીવનના આ ચાર સહારા કયા છે એ અને ઍનીની વધારે વાતો કરીશું આવતી કાલે.

weekend guide