રાજકીય અખાડામાં પવારને ચીત કરવા એટલા સહેલા નથી

17 November, 2019 09:06 AM IST  |  Mumbai | Mayur Jani

રાજકીય અખાડામાં પવારને ચીત કરવા એટલા સહેલા નથી

શરદ પવાર

હું કહું છું કે એ શરદરાવની કુશળતા અને હિંમત હતી જેને કારણે તેમણે મુંબઈને અન્ડરવર્લ્ડથી બચાવ્યું હતું ઃ વડા પ્રધાન મોદીનું ૨૦૧૫નું નિવેદન

શરદ ગોવિંદરાવ પવાર, મહારાષ્ટ્ર અને ભારતના રાજકારણમાં છેલ્લાં ૫૦ વર્ષથી પોતાનો સિક્કો ચલાવતું એક એવું નામ છે જેનો ખરા અર્થમાં જોટો જડવો મુશ્કેલ છે. આમ કહેવું એ પવારની પ્રશંસા નથી, પરંતુ જો તમે આ વ્યક્તિની રાજકીય સફરને સમજવાનો પ્રયાસ કરો તો નિખાલસતા અને નિષ્પક્ષતા સાથે આમ કહેવું પડે એમ છે. ૨૦૧૯ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલાં મની-લૉન્ડરિંગના કેસમાં ઈડીએ ભલે બુક કર્યા હોય કે પછી એનસીપીના ઢગલાબંધ નેતાઓ બીજેપીએ ખેરવ્યા હોય કે અન્ડરવર્લ્ડ સાથેના સંબંધોના આરોપ લગાવાયા હોય. રાજકારણના અખાડામાં ૮૦ વર્ષના આ પહેલવાન દાદા પવારને ચીત કરવા સહેલા નથી.
૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પછી યુપીએનાં ઘટક દળો માટે પોતાની જમીન ટકાવી રાખવાનાં ફાંફાં દેશભરમાં પડી રહ્યાં હતાં. એનસીપીએ ૨૦૦૯ની વિધાનસભાની ચૂંટણીમાં ૬૨ બેઠકો મેળવી હતી, જે ૨૦૧૪માં ઘટીને ૪૧ થઈ ગઈ હતી. કૉન્ગ્રેસના હાલહવાલ પણ કંઈક આવા જ હતા. ૨૦૧૯ની ચૂંટણી પહેલાં ઈડીએ પવારને મની-લૉન્ડરિંગના કેસમાં બુક કર્યા, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના બીજેપી-શિવસેનાના નેતાઓએ પરોક્ષ રીતે પવાર પર અન્ડરવર્લ્ડ સાથે સંબંધ રાખવાના આરોપ લગાવ્યા. એનસીપીની સેકન્ડ કૅડર સુધીના ઢગલાબંધ નેતાઓ અને કાર્યકરોનું ભગવાકરણ કરાવ્યું છતાં ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણીમાં પવારે પોતાનો પાવર દેખાડ્યો અને ૩૭૦ની કલમને રદ કરીને એની હવા પર ઊડીને મહારાષ્ટ્રમાં ૨૦૦ની પારનો બેઠકનો આંકડો મેળવવાની આશા રાખી રહેલા બીજેપી-સેનાના મજબૂત ગઠબંધનની સામે ૨૦૧૪ની ૪૧ બેઠકોથી વધીને ૫૪ બેઠકો એટલે કે ૧૪ બેઠકો વધારવામાં તેઓ સફળ રહ્યા.
૨૦૧૪થી ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણી દરમ્યાન પવાર અને મોદી વચ્ચેના સંબંધો સુમેળ તરફ વધતા જણાયા હતા. ૨૦૧૫માં પવારે પોતાની ૭૫મી વર્ષગાંઠે આત્મકથાનું લોકાર્પણ રાખ્યું હતું, જેનું નામ ‘ઑન માય ટર્મ’ હતું. આ પ્રસંગે મોદીએ પવાર માટે કેટલીક વાતો કરી હતી, જે ચૂંટણીની સભાઓમાં મોદીના પવાર વિશેનાં નિવેદનોથી એકદમ વિપરીત હતી. ૯૦ના દાયકામાં મુંબઈ પર અન્ડરવર્લ્ડના પ્રભાવને લઈને મોદીએ પવાર વિશે જણાવ્યું હતું કે ‘હું કહું છું કે એ શરદરાવની કુશળતા અને હિંમત હતી જેને કારણે તેમણે મુંબઈને અન્ડરવર્લ્ડથી બચાવ્યું હતું.’ આ ઉપરાંત મોદીએ પવારની પ્રશાસનિક કુનેહ અને ખેડૂતલક્ષી માઇન્ડસેટનાં ભરપેટ વખાણ કર્યાં હતાં, પરંતુ બીજી ઊડીને આંખે વળગે એવી પવારની પ્રશંસા કરતાં મોદીએ કહ્યું હતું કે ‘પવારમાં ખેડૂતના ગુણ છે. ખેડૂતને ખબર પડી જતી હોય છે કે મોસમ ક્યારે બદલાવાની છે. પવારને પણ ખબર પડી જાય છે કે રાજનીતિની મોસમ અને હવા ક્યારે બદલાવાની છે. પવારે આ ગુણનો પોતાના રાજકીય જીવનમાં ભરપૂર ઉપયોગ કર્યો છે. જો કોઈએ એ જાણવું હોય કે રાજકારણમાં હવા કોના તરફ વહી રહી છે તો શરદરાવ પાસે જઈને બેસે, ખબર પડી જશે.’
મોદીના આ નિવેદનનું મહત્ત્વ ઘણું છે. ૨૦૧૯ની મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી પહેલાં પવારે ઘણી તકલીફોનો સામનો કર્યો, પરંતુ કદાચ પવારને એ વાતની ખબર હતી કે ગમે એવી મુશ્કેલીઓ, પેંતરાઓ કે હુમલાઓ તેમને આ રાજકારણના અખાડામાં ચીત નહીં કરી શકે. જોકે પવારની રાજકીય હિસ્ટરી સંઘર્ષથી ભરપૂર રહી છે. પવારની આત્મકથા ‘ઑન માય ટર્મ’ના નામની જેમ જ પવાર પોતાની શરતે જિંદગી જીવ્યા છે.
ફક્ત ૨૭ વર્ષની ઉંમરે પવાર બારામતીથી ધારાસભ્ય બન્યા હતા. ૧૯૬૯માં જ્યારે કૉન્ગ્રેસના ભાગલા થયા ત્યારે પવાર પોતાના રાજકીય મેન્ટર યશવંતરાવ ચવાણ સાથે ઇન્દિરા ગાંધીની કૉન્ગ્રેસ (આર)માં જોડાયા.૧૯૭૭ પછી ઇન્દિરા ગાંધીના નેતૃત્વવાળી કૉન્ગ્રેસના ફરીથી ભાગલા થયા. પવાર પોતાના મેન્ટર ચવાણ સાથે કૉન્ગ્રેસ (યુ)માં જોડાયા અને ઇન્દિરાની કૉન્ગ્રેસ (આઇ)થી નોખા થયા. ૧૯૭૮માં પવારે કૉન્ગ્રેસ (યુ) છોડીને મહારાષ્ટ્રમાં જનતા પાર્ટી સાથે મળીને સરકાર બનાવી અને ફક્ત ૩૮ વર્ષની યુવાન વયે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બન્યા. ૧૯૮૦માં ઇન્દિરા ગાંધીની સત્તામાં વાપસી થઈ. મહારાષ્ટ્રમાં પણ કૉન્ગ્રેસના અંતુલેની સરકાર બની. પવાર કૉન્ગ્રેસ (એસ)નું પ્રમુખપદ સંભાળ્યું અને ૧૯૮૫ની રાજ્યની ચૂંટણીમાં કૉન્ગ્રેસ-આઇ સામે કૉન્ગ્રેસ-એસ‍ને ૨૮૮માંથી ૫૪ બેઠકો જીતીને વિધાનસભામાં વિપક્ષના નેતા બન્યા.
૧૯૮૦ના દાયકામાં શિવસેનાના વધતાજતા પ્રભુત્વને જોતાં પવાર ૧૯૮૭માં કૉન્ગ્રેસમાં પાછા ફર્યા અને ૧૯૯૦ની ચૂંટણીમાં ૧૨ અપક્ષોના ટેકા સાથે મુખ્ય પ્રધાન તરીકે સરકાર બનાવી. ૧૯૯૭માં પવારે કૉન્ગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખપદ માટેની ચૂંટણીમાં સીતારામ કેસરીને પડકાર આપ્યો, પરંતુ તેઓ હારી ગયા. ૧૯૯૯માં પવારે‍ સંગમા અને તારિક અનવર સાથે મળીને કૉન્ગ્રેસ વર્કિંગ કમિટી સમક્ષ એ સમયે આવી રહેલી ૧૩મી લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાનપદના કૅન્ડિડેટ તરીકે સોનિયા ગાંધી વિદેશી મૂળનાં હોવાને લઈને વાંધો ઉઠાવીને દેશી મૂળના કૅન્ડિડેટ માટે માગણી કરી, પરિણામે કૉન્ગ્રેસ છોડવી પડી. પવારે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી (એનસીપી)ની રચના કરી.
ત્યાર પછીની રાજકીય ઘટનાઓ પણ સૌકોઈ જાણે જ છે કે એ જ પવારે ૨૦૦૪માં કૉન્ગ્રેસ સાથે મળીને યુપીએ સરકાર ૧ અને ૨ એમ બન્નેમાં સરકાર બનાવવામાં સાથ આપ્યો. પોતે પણ સરકારમાં બન્ને ટર્મ દરમ્યાન કૅબિનેટ પ્રધાન રહ્યા. પવારની આ પાવરયાત્રા વિશે વિશ્લેષણ કરવાનો મતલબ અને નિષ્કર્ષ એ છે કે પવારે પોતાની પૉલિટિકલ કરીઅરમાં ઇન્દિરા ગાંધી સામે સ્ટૅન્ડ પણ લીધું અને પુનઃ કૉન્ગ્રેસમાં જોડાયા પણ ખરા. એવી જ રીતે સોનિયાના વિદેશી મૂળનો વિરોધ કરીને કૉન્ગ્રેસ છોડી પણ એ જ કૉન્ગ્રેસના સાથીપક્ષ તરીકે ૨૦૦૪થી ૨૦૦૧૪ સુધી કેન્દ્રમાં સત્તામાં ભાગીદારી રાખી. આમ જુઓ તો પવાર એક રીતે અકળ છે અને બીજી રીતે કળવા માટે ખૂબ જ સરળ પણ છે. પવાર એક પૉલિટિકલ હેવીવેઇટ છે અને તેમને પછાડવા એ લોઢાના ચણા ચાવવાથી ઓછું મુશ્કેલ કાર્ય નથી. આગામી દિવસોમાં પવાર ફરીથી મહારાષ્ટ્રના રાજકારણમાં બીજેપીને બૅકફુટ પર મૂકે તો નવાઈનું કોઈ કારણ નથી.

 

sharad pawar nationalist congress party