ભારતનું મૉર્નિંગ સૉન્ગ કયું છે જાણો છો?

25 December, 2011 09:30 AM IST  | 

ભારતનું મૉર્નિંગ સૉન્ગ કયું છે જાણો છો?


(કરન્ટ ટોપિક-આર્યન મહેતા)


‘જન ગણ મન અધિનાયક જય હો, ભારત ભાગ્ય વિધાતા...’

ભારતનું આ રાષ્ટ્રગીત સૌપ્રથમ વાર ઇન્ડિયન નૅશનલ કૉન્ગ્રેસના કલકત્તા અધિવેશનના બીજા દિવસે એટલે કે ૧૯૧૧ની ૨૭ ડિસેમ્બરે ઉચ્ચારાયેલું. એ દિવસને પકડીને ચાલીએ તો આપણા રાષ્ટ્રગીતને બે દિવસ પછી સો વર્ષ પૂરાં થશે. આ ગીત સાથે સંકળાયેલી કેટલીક રસપ્રદ વાતો ખરેખર જાણવા જેવી છે:

જૂનાં ભારતીય અખબારોનાં પાનાં ઉથલાવતાં ‘જન ગણ મન’ના જન્મ વિશે કંઈક આવી સ્ટોરી હાથ લાગે છે : કિંગ જ્યૉર્જ પંચમ અને ક્વીન મૅરીને ભારતનાં એમ્પરર અને એમ્પરેસ ઘોષિત કરવામાં આવ્યાં એને આવકારવા માટે ભારતીય નૅશનલ કૉન્ગ્રેસે એક દિવસ ફાળવેલો. આ માટે રવીન્દ્રનાથ ટાગોરને કિંગના સ્વાગત માટે એક ગીત લખવાનું સૂચન થયેલું. રવીન્દ્રનાથના પ્રયત્ન છતાં તેઓ એક્ઝૅક્ટ એવું ગીત લખી શક્યા નહીં. ત્યાર પછીના દિવસે તેમણે વહેલા ઊઠીને એક ર્દીઘ કાવ્ય લખ્યું અને પોતાના શિષ્યોને આપતાં કહ્યું, ‘આ ગીત તેમને આપજો. મેં આ ગીત ઈશ્વરને સંબોધીને લખ્યું છે, પણ એ લોકોને લાગશે કે મેં કિંગ જ્યૉર્જને સંબોધીને એ લખ્યું છે’ (ઇન્ડિયન એક્સપ્રેસ, ૩ જૂન ૧૯૬૮). અલબત્ત, રવીન્દ્રનાથ ટાગોરે આ ગીત ખરેખર કોને સંબોધીને લખ્યું છે એ વિશે વર્ષોથી વિવાદ ચાલતો આવ્યો છે.

કૉન્ગ્રેસનું કલકત્તા અધિવેશન પહેલા દિવસે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રચિત ‘વન્દે માતરમ્’થી શરૂ થયું. બીજા દિવસે રવીન્દ્રનાથનું ‘જન ગણ મન’ ગવાયું. અલબત્ત, ત્યારે એ ગીત અત્યારના રાગમાં નહોતું. એ કોઈ કવિતાનું પઠન થતું હોય એ રીતે હતું, પરંતુ બીજા દિવસે અખબારોએ મથાળાં બાંધ્યાં કે બાબુ રવીન્દ્રનાથ ટાગોરે ખાસ એમ્પરરના માનમાં ગીત લખ્યું.

બહુ ઓછા લોકો જાણે છે કે રવીન્દ્રનાથે લખેલું ‘જન ગણ મન’ ગીત પાંચ પંક્તિઓનું છે અને અત્યંત લાંબું છે, જ્યારે આજે આપણે રાષ્ટ્રગીત તરીકે ગાઈએ છીએ એ તો મૂળ ગીતની પહેલી કડીમાત્ર છે. મૂળ ગીતની લંબાઈ અને એને ગાવામાં લાગતા સમયને કારણે એની કડીને જ અપનાવવામાં આવી.

૧૯૫૦ની ૨૪ જાન્યુઆરીએ લોકસભામાં થયેલી ચર્ચામાં ‘જન ગણ મન’ને રાષ્ટ્રગીત (નૅશનલ ઍન્થમ) તરીકે અપનાવવામાં આવ્યું, જ્યારે ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં મહર્વેનો ભાગ ભજવી ચૂકેલા ‘વન્દે માતરમ્’ને રાષ્ટ્રગાન (નૅશનલ સૉન્ગ) તરીકે અપનાવીને એને ‘જન ગણ મન’ને સમાન દરજ્જો આપવામાં આવ્યો.

૧૯૧૧માં ‘જન ગણ મન’ લખાયું અને કૉન્ગ્રેસના અધિવેશનમાં એનું પઠન થયું એ પછી એ મોટે ભાગે આર્ય સમાજની પત્રિકા ‘તર્વેબોધ પ્રકાશિકા’નાં પાનાંમાં જ રહ્યું હતું. ખુદ રવીન્દ્રનાથ ટાગોર આ પત્રિકાના તંત્રી હતા.
હવે આવીએ આંધ્ર પ્રદેશના ચિત્તુર જિલ્લાના નાનકડા મદનપલ્લી ગામમાં. નાના ડુંગરાઓથી ઘેરાયેલા આ ગામમાં પ્રખર ચિંતક જિદ્દુ કૃષ્ણમૂર્તિનો જન્મ થયેલો. ઈસવીસન ૧૯૧૮-’૧૯ના ગાળામાં રવીન્દ્રનાથ ટાગોરને તેમના આઇરિશ કવિ-મિત્ર જેમ્સ કઝિન્સે આ ગામમાં આવેલી બેસન્ટ થિયોસોફિકલ કૉલેજમાં થોડા દિવસ ગાળવાનું આમંત્રણ આપ્યું. કઝિન્સ આ કૉલેજના પ્રિન્સિપાલ હતા. તેમના આ નિવાસ દરમ્યાન એક સાંજે કૉલેજના વિદ્યાર્થીઓની હાજરીમાં કઝિન્સની વિનંતીથી ટાગોરે પોતે મૂળ બંગાળીમાં લખેલા આખા ‘જન ગણ મન’ ગીતનું પઠન કર્યું, જેમાં દરેક કડીને અંતે આવતા ‘જય હે જય હે...’ શબ્દોને વિદ્યાર્થીઓએ જોશભેર વધાવી લીધા. આ ગીતથી સૌ એટલા બધા પ્રભાવિત થયા કે એને તેમણે પોતાના પ્રાર્થનાગીત તરીકે અપનાવી લીધું.થોડા દિવસ પછી ટાગોરે આ જ ગામમાં બેસીને ‘જન ગણ મન’નું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું. આ ગીતને તેમણે ‘મૉર્નિંગ સૉન્ગ ઑફ ઇન્ડિયા’ તરીકે ઓળખાવ્યું.

ટાગોરના મિત્ર જેમ્સ કઝિન્સનાં પત્ની માર્ગરેટ વેસ્ટર્ન મ્યુઝિકનાં એક્સપર્ટ હતાં. તેમની સાથે મળીને ટાગોરે ‘જન ગણ મન’ને સંગીતબદ્ધ કર્યું. એ વખતે આ ગીત માટે નક્કી થયેલાં નોટેશન્સ પ્રમાણે જ આજની તારીખે આ ગીત ગવાય છે. આ નોટેશન્સ પ્રમાણે ગવાતું ગીત ધીમે-ધીમે સમગ્ર ભારતમાં અને ભારતની સરહદોની બહાર પણ પ્રચલિત બન્યું.આજની તારીખે પણ મદનપલ્લી ગામની બેસન્ટ થિયોસોફિકલ કૉલેજની લાઇબ્રેરીમાં ટાગોરના હસ્તાક્ષરમાં લખાયેલા ‘જન ગણ મન’નો અનુવાદ અને એનાં નોટેશન્સની ઓરિજિનલ કૉપી મોજૂદ છે.૧૯૪૮ની ૧૫ ઑગસ્ટે ભારતીય લશ્કરની સિખ રેજિમેન્ટે લાલ કિલ્લા પરથી સંગીતબદ્ધ ‘જન ગણ મન’ વગાડ્યું. આ પ્રથા આજ સુધી ચાલુ છે.

ભારતના રાષ્ટ્રગીત વિશે સમયાંતરે વિવાદો થતા રહ્યા છે. પહેલો વિવાદ તો આ ગીત કોને ઉદ્દેશીને લખાયું હતું એ જ હતો. પ્રચલિત માન્યતા પ્રમાણે આ ગીત કિંગ જ્યૉર્જ પંચમ માટે લખાયું હોવાનું મનાય છે. આ વિવાદનો જવાબ ૧૯૩૭ની ૧૦ નવેમ્બરે ટાગોરે પુલિન બિહારી સેનને લખેલા એક પત્રમાંથી મળે છે. એમાં ટાગોરે લખેલું, ‘મને જ્યારે એમ્પરની સર્વિસ માટે ગીત લખી આપવાનું કહેવામાં આવ્યું ત્યારે મારા મનમાં જબરી ઊથલપાથલ ચાલી. આ મનોવ્યથાના જવાબરૂપે મેં  ભારતના ભાગ્યવિધાતા (ઈશ્વર)ને સંબોધી ગીત લખ્યું કે જુઓ, તમામ ઉતાર-ચડાવ પછીયે ભારત બધા જ અવરોધો સામે ટકી ગયું છે. ભાગ્યવિધાતા સાથે મારા મનમાં કિંગ ચતુર્થ કે પંચમ કે ઈવન કોઈ પણ જ્યૉર્જ હોઈ જ ન શકે. જેમણે મને આ ગીત લખવાનું કહેલું એ એમ્પરરની સર્વિસમાં રહેલા ઉચ્ચ અધિકારી અને મારા મિત્ર પણ મારી આ ભાવનાને સમજી શકેલા.’
ટાગોરનો આ પત્ર ટાગોરની જીવનકથા ‘રવીન્દ્રજીવની’ના બીજા ભાગમાં સંકલિત કરવામાં આવ્યો છે. આ પછી ૧૯૩૯ની ૧૯ માર્ચે પણ ટાગોરે લખેલા બીજા એક પત્રમાં તેમણે પોતે કિંગજ્યૉર્જને ઉદ્દેશીને આ ગીત લખ્યું હોવાની વાતને મૂર્ખામી ગણાવી હતી.
આઝાદ હિન્દ ફોજમાં રહી ચૂકેલા ભારતીય સ્વાતંત્ર્યસેનાની અને સંગીતકાર રામ સિંઘ ઠાકુરે દાવો કરેલો કે ટાગોરે નહીં પણ પોતે સુભાષચંદ્ર બોઝના કહેવાથી ‘જન ગણ મન’ને સંગીતબદ્ધ કરેલું. ૧૯૯૭માં કલકત્તાનાં અખબારોમાં ગોરખા હિલ કાઉન્સિલ દ્વારા આ મતલબની જાહેરાતો પણ છપાવવામાં આવેલી. ત્યારે આ મુદ્દે જબરો વિવાદ ચગ્યો હતો; પરંતુ નેતાજીના ભત્રીજા ડૉ. શિશિર બોઝે ખુદ જાહેર કર્યું કે રામ સિંઘ ઠાકુરે ‘શુભ સુખ ચૈન કી બરખા બરસે’ ગીત કમ્પોઝ કર્યું છે, જેની ધૂન રાષ્ટ્રગીત જેવી જ છે પરંતુ તેમણે રાષ્ટ્રગીત કમ્પોઝ કર્યું છે એવું કહી શકાય નહીં. ‘કદમ કદમ બઢાએ જા ખુશી કે ગીત ગાએ જા’ જેવા પ્રખ્યાત દેશભક્તિ ગીતના કમ્પોઝર રામ સિંઘ ઠાકુરનું ૨૦૦૨માં અવસાન થયું હતું.

૧૯૮૫ના જુલાઈમાં કેરળની એક સ્કૂલમાં ‘જેહોવાહ વિટનેસિસ’ નામે ખ્રિસ્તી ચળવળ ચલાવતાં માતા-પિતાનાં બાળકોને રાષ્ટ્રગીત ગાવાની ના પાડી દીધેલી. આથી પ્રિન્સિપાલે તેમને સ્કૂલમાંથી કાઢી મૂકેલા. આ બાળકોમાંથી એક બાળકના પિતાએ સુપ્રીમ ર્કોટ સુધી લડત લડી. આખરે સુપ્રીમ ર્કોટે આ બાળકને ફરીથી સ્કૂલમાં દાખલ કરવાનો હુકમ કરીને ટકોર કરી કે આપણી પરંપરા, આપણું ચિંતન, આપણું બંધારણ આપણને સહિષ્ણુતા શીખવે છે; આપણે એનો ભંગ ન કરવો જોઈએ.

આપણા રાષ્ટ્રગીતને લઈને એવો વિવાદ પણ જાગ્યો હતો કે એમાં આવતો ‘સિંધ’ શબ્દ દૂર કરીને એને બદલે ‘સિંધુ’ શબ્દ મૂકી દેવો જોઈએ કારણ કે સિંધ હવે ભારતનો નહીં બલકે પાકિસ્તાનનો ભાગ છે અને સિંધુ નદી આપણી હિન્દુ સંસ્કૃતિની જનક છે. જોકે આખરે ર્કોટે રાષ્ટ્રગીતના શબ્દોમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો ઇનકાર કરી દીધો.

ટાગોરે લખ્યાં બે દેશોનાં રાષ્ટ્રગીત

ઈસવીસન ૧૯૦૫માં હિન્દુ અને મુસ્લિમ વસ્તીના આધારે બંગાળના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પાડ્યા. એ અરસામાં રવીન્દ્રનાથ ટાગોરે ‘આમાર શોનાર બાંગ્લા, આમી તોમાય ભાલોબાશી’ (મારું સોનાનું બંગાળ, હું તને પ્રેમ કરું છું) લખેલું, જેને બંગલા દેશના નિર્માણ પછી એના રાષ્ટ્રગીત તરીકે અપનાવવામાં આવ્યું. આ રીતે રવીન્દ્રનાથ ટાગોર બે દેશનાં રાષ્ટ્રગીત લખનારી વિશ્વની પહેલી વ્યક્તિ બન્યા. આપણા અત્યારના રાષ્ટ્રગીતમાં બંગાળી ઉચ્ચારણોને હિન્દી પ્રકારે બદલવામાં આવ્યાં છે. જેમ કે મૂળ ગીતમાં ‘જનો ગનો મનો અધિનાયકો જોયો હો, ભારતો ભાગ્ય બિધાતા’ હતું.