સતત સ્વાધ્યાયશીલ જીવની વક્તૃત્વ શક્તિ પ્રભાવશાળી અને વચનસિદ્ધ બને છે

03 November, 2019 01:47 PM IST  |  મુંબઈ | જૈન દર્શન ચીમનલાલ કલાધાર

સતત સ્વાધ્યાયશીલ જીવની વક્તૃત્વ શક્તિ પ્રભાવશાળી અને વચનસિદ્ધ બને છે

જૈન ધર્મમાં સ્વાધ્યાયનો અચિંત્ય મહિમા દર્શાવાયો છે. કોઈ પણ પ્રકારના ગ્રંથનું મનનપૂર્વક વાંરવાર કરવું તેને અધ્યયન કહે છે. અધ્યયન કરતાં સ્વાધ્યાય શબ્દ પડે છે. અનેક જ્ઞાની મહાત્માઓએ અધ્યાત્મ જ્ઞાન વિષયક પ્રત્યેક પદાર્થ પર વિવિધ દૃષ્ટિકોણથી પ્રકાશ પાડ્યો છે, જે કેટલાક જીવોને આત્મિક કલ્યાણની દૃષ્ટિએ ઉપયોગી નીવડી શકે છે. આવા ગ્રંથોનું સતત અધ્યયન સ્વઅર્થે, આત્મકલ્યાણક અર્થે થાય એને સ્વાધ્યાય તરીકે ઓળખવામાં આવે છે. વારંવાર સ્વાધ્યાય કરવાથી જીવને પોતાનામાં રહેલાં સારાસાર તત્ત્વોની પ્રતીતિ થાય છે. એથી પ્રેરાઈને પોતાના પુરુષાર્થ વડે યોગ્ય માર્ગદર્શન સહિત પોતાના આત્માને નિર્મલ કરવા તરફ વળે છે અને આત્મિક લાભના ભાગી બને છે. સ્વાધ્યાયની વ્યાખ્યા આપતાં આપણા શાસ્ત્રકારોએ કહ્યું છે કે પોતાનું એટલે કે આત્માનું અધ્યયન એ જ સ્વાધ્યાય. તત્ત્વજ્ઞાન ભણવું, ભણાવવું, એનું સ્મરણ કરતા જવું એનું નામ સ્વાધ્યાય. પ્રમાદનો ત્યાગ કરી જ્ઞાનની ભાવના કે આરાધના કરવી એને સ્વાધ્યાય કહેવાય-તીર્થંકર ભગવંતોએ પ્રરૂપેલ શ્રુતશાસ્ત્રનું સતત અધ્યયન, મનન કરવું એને સ્વાધ્યાય કહેવાય છે.
આપણા શાસ્ત્રકારોએ સ્વાધ્યાયના પાંચ પ્રકાર બતાવ્યા છે. એ છે : (૧) વાચના, (૨) પૃચ્છના, (૩) પરિવર્તન, (૪) અનુપ્રેક્ષા અને (૫) ધર્મકથા. સ્વાધ્યાયના આ પાંચ પ્રકારમાંથી વાચના, પૃચ્છના અને પરાવર્તનાએ ત્રણ પ્રકારને દ્રવ્યશ્રુત કહેવામાં આવે છે. અનુપ્રેક્ષાને ભાવશ્રુત કહેવામાં આવે છે. તત્ત્વનું રહસ્ય સમજાયા પછી શ્રુતજ્ઞાનનું બીજાઓને દાન દેવારૂપી પાંચમો પ્રકાર ધર્મકથા એ ફક્ત ગીતાર્થ સાધુ માયે હોય ચે. આ પાંચે પ્રકારનું વિધિપૂર્વક આસેવન કરવાથી, સ્વાધ્યાય કરવાથી આત્મા ઉત્તરોત્તર નિર્મલ અને વિશુદ્ધ બને છે. સ્વાધ્યાયના આ પાંચ પ્રકારની વિશેષ સમજ આ પ્રમાણે છે. વાંચન વગર, પઠન-પાઠન વગર જ્ઞાનવૃદ્ધિ થઈ શકે નહીં એટલે જ સ્વાધ્યાયમાં સૌથી પહેલાં વાચનાને સ્થાન આપવામાં આવ્યું છે. વાંચેલા વિષયોમાં શંકાઓનું સમાધાન કરવા અને જ્ઞાતવ્ય વિષયને હેતુથી પ્રશ્ન પૂછવામાં આવે છે. તેને પૃચ્છના કહે છે. જ્ઞાન વિષયને સ્થિર કરવાના હેતુથી પરાવર્તનરૂપ સ્વાધ્યાય કરવામાં આવે છે એને પરાવર્તના કહેવામાં આવે છે. પરિવર્તન ઉપયોગપૂર્વક થાય અને સ્વાધ્યાય કરનાર એમાં આનંદની અનુભૂતિ પ્રાપ્ત કરી શકે એને અનુપ્રેક્ષા કહે છે. શાસ્ત્રવાણીમાં મ‍ળેલા જ્ઞાનના નવનીતને વહેંચવું એને ધર્મકથા કહે છે. જૈન ધર્મમાં સ્વાધ્યાયને આભ્યંતર તપનો એક પ્રકાર દર્શાવવામાં આવ્યો છે. જૈન ધર્મમાં જે છ પ્રકારનાં બાહ્ય અને છ પ્રકારનાં આભ્યંતર તપ બનાવ્યાં છે એમાં આભ્યંતર તપનો ચોથો પ્રકાર સ્વાધ્યાયને આપવામાં આવ્યો છે.
સ્વાધ્યાયનો મહિમા દર્શાવતાં દશ વૈકાલિક સૂત્રમાં કહેવાયું છે કે ‘સજનીયસજ્જાણરયસ્સ, તાઇણે, અપવભાવસ્ય તવે રયસ્સ, વિસુજજઇ જંસી મલં પૂરે કંડ, સમીરિયં રગપ્પમલં વ જોઇણો.’
અર્થાત્ જે રીતે અગ્નિમાં તપાવવાથી ચાંદી-સોનાનો મેલ નષ્ટ થઈ જાય છે એવી રીતે સ્વાધ્યાય અને સદ્ધ્યાનમાં લીન તથા શુદ્ધ અંત:કરણવાળા અને તપમાં અનુરક્ત એવા સાધુજનો, પૂર્વનાં કરેલાં કર્મોનો મેલ નષ્ટ થતાં વિશુદ્ધ થાય છે. વળી ‘ઉત્તરાધ્યન સૂત્ર’માં પણ કહેવાયું છે કે
જહા સુઈ સુસુત્તા પડિયા વિ ન વિણસ્સઈ,
તહા જીવે સુસુત્તે સંસાર ન વિણસ્સઈ
જેવી રીતે દોરાથી પરોવાયેલી સોઈ પડી જવાથી પણ ગુમ થઈ જતી નથી એ રીતે શ્રુત સંપન્ન જીવ સંસારમાંથી ગુમ થતો નથી. આ રીતે સાચો સ્વાધ્યાય જીવ પરંપરાએ સંસારમાંથી મુક્તિ અપાવે છે.
શ્રીમદ્ ભગવત ગીતામાં પણ સ્વાધ્યાયનો મહિમા દર્શાવતાં કહેવાયું છે કે ‘સ્વાધ્યાયભ્યાસનં ચૈવ વાડંમય તપ ઉચ્યતે.’ અર્થાત્ સ્વાધ્યાય વાણીનું તપ છે. આવું તપ દરેક જીવે વારંવાર કરવા જેવું છે. ‘પાતંજલયોગદર્શન’માં પણ સ્વાધ્યાયની વ્યાખ્યા કરતાં કહેવાયું છે કે
‘સ્વાધ્યાયગુણને યત્ન: સદા કાર્યો મનિષિભિઃ
કોટિદાનાદપિ શ્રેષ્ઠં, સ્વાધ્યાયસ્ય ફલં યતઃ
બુદ્ધિમાનોએ હંમેશાં સ્વાધ્યાય કરવામાં યત્ન કરવો જોઈએ, કારણ કે કરોડોના દાન કરતાં પણ સ્વાધ્યાયનું ફળ શ્રેષ્ઠ છે.
સ્વાધ્યાય એટલે ગમે તે ગ્રંથનું અધ્યયન કરવું એવો અર્થ ન જ લઈ શકાય. સ્વઉપકારક, આત્મતારક એવા ગ્રંથોનું અધ્યયન કરવું એ જ ખરો સ્વાધ્યાય છે. અખબાર વાંચવાં, સામયિકો વાંચવાં, રોમૅન્ટિક નવલકથાઓ વાંચવી, આર્થિક કે રાજનૈતિક લેખો વાંચવા ઇત્યાદિ બહિમુર્ખ વાંચન છે. એનાથી કોઈ આત્મિક લાભ પ્રાપ્ત થઈ શકતો નથી. જે વાંચન જીવને અંતમુર્ખ બનાવે, જીવમાં રહેલાં કુસંસ્કાર, અશુદ્ધિ, મલિનતા વગેરેને દૂર કરે એવું વાંચન એ જ સ્વાધ્યાય છે. એક રીતે કહીએ તો સ્વાધ્યાય એક સંજીવની છે, દુ:ખ હરનારી જડીબુટ્ટી છે. માણસ ગમેતેટલો નિરાશ હોય, જીવવાનો રસ ગુમાવી બેઠો હોય ત્યારે જો તે સદ્ગ્રંથોનું વાંચન, મનન કરે, જિનેશ્વર દેવોની અમૃતવાણીનો સ્વાધ્યાય કરે એ જીવ આ સંસારની બધી જ ચિંતા, વિટંબણા ભૂલી શકે એટલું જ નહીં; તેના જીવનમાં એક અનોખા પ્રકારનો આત્મિક આનંદ છલકાવા લાગે. જાણે કે જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય એ ‌િત્ર‌પુટી તેના હૃદયકમલમાં વિલીન ન થઈ ગઈ હોય!
માણસ જેમ-જેમ વધુ ને વધુ સ્વાધ્યાય કરે છે તેમ-તેમ તેનું જ્ઞાન અને વાણી નિર્મલ અને સમૃદ્ધ બને છે. વારંવાર સ્વાધ્યાય કરવાથી સ્વાધ્યાય કરનાર પુણ્યાત્માની વાણી પણ વચનસિદ્ધ બને છે. કોઈ પણ વિષયને વિવિધ દૃષ્ટિકોણથી એને અદ્ભુત રીતે વ્યક્ત કરવાની શક્તિ તેને ભેટ મળે છે. પરિણામે સ્વાધ્યાયશીલ વ્યક્તિની વક્તૃત્વ કલામાં એક ઓર નિખાર આવે છે અને લોકોને તેમને સાંભળ્યા કરવાનું સતત મન થાય છે. સ્વાધ્યાયનો આવો અચિંત્ય મહિમા જાણી પુણ્યાત્માઓએ પોતાના નિત્ય સ્વાધ્યાયમાં ક્યારેય પ્રમાદ સેવવો ન જોઈએ.

weekend guide