‘બચની ચાહિએ જાનકી - પરવાહ નહીં મેરે જાન કી’ - હનુમાન

22 October, 2011 06:16 PM IST  | 

‘બચની ચાહિએ જાનકી - પરવાહ નહીં મેરે જાન કી’ - હનુમાન

 

(મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર)

જોકે મને તો રાત્રે જ ખબર પડી ગઈ હતી કે તમારો મૂડ લાવવા તમારા તકીદરમાં મારો લેખ વાંચવાનો લેખ લખાયો હશે અને વાંચતાં ચા પીતાં હશો તો ગરમ ચા ઠંડી થવા માટે પ્રયાણ કરતી હોય અને ચા પર જે તર વળું-વળું થઈ ચોળાયેલા શર્ટ જેવી કરચલી બની હોય એવી કરચલી આપની આંખ નીચે પડવા લાગશે અને પછી ખીજમાં આપના જ હાથમાં રહેલા ‘મિડ-ડે’માં દેખાતા મારા ચહેરા પર થોડી ચા ઢોળાશે. પણ આટલો ગુસ્સો સારો નહીં બૉસ, કારણ કે તમારી બૅન્કની પાસબુક વાંચશો તો મારો લેખ ક્યાંય ચડિયાતો લાગશે. ૧૨૮ રૂપિયાનું બૅન્કબૅલેન્સ જોઈને આપનો જીવ નથી બળતો? તમે યાર મને મૂળ વાત ભુલાવી દો છો. હા, તો રામને ખબર જ નહોતી કે સવારે જે ધનુષ્ય તોડી સીતાને મેળવી એને લઈને ૧૪ વર્ષનો વનવાસ થશે અને એમાં સીતાએ તેમની પાસે પેલા સુવર્ણમૃગની માગણી કરી અને પ્રભુ તરત જ ઊપડ્યા એમાં રામાયણ સરજાયું. (બોધ : પત્ની  કોઈ પણ ચીજ મગાવે તો તુરંત જ કિક નહીં મારવાની, થોડી રાહ જોવાની. બોધ પૂરો. જય હિન્દ.) એમાં સીતાનું અપહરણ અને રાવણ સાથે યુદ્ધ. આ બધાં દુ:ખની રામને ક્યાં કલ્પના હતી એટલે ન જાણ્યું... મારા મતે જો રામે લગ્ન જ ન કર્યા હોત તો રાવણ સાથેના યુદ્ધની બબાલ જ ઊભી ન થઈ હોત અને મિત્રો તમને પ્રાઇવેટ વાત જણાવી દઉં કે રાવણે કરેલાં કૃત્યોની માફી માગવી હતી, પણ દસમાંથી કયા મોઢે માફી માગવી એની મૂંઝવણ થઈ એટલે માંડી વાળ્યું અને પ્રભુ રામે યુદ્ધ એ જ કલ્યાણની નીતિ અપનાવી. (કલ્યાણને બદલે આપને ડોમ્બિવલી કે થાણે રાખવું હોય તો છૂટ.) આખું યુદ્ધ જિતાડવામાં
પૂજ્ય હનુમાનજી ઍન્ડ કંપનીનો અદ્ભુત સહકાર. (એક મજાની આડ વાત. મને ચંબુડો કહે, ‘સુભાષ, યુ નો, આ હનુમાન મુસલમાન હતા.’ મારા ટકલાના સાડાત્રણ વાળ ઊભા થઈ ગયા, ‘હેં! કેવી રીતે?’ ‘જેમ મુસલમાનમાં રહેમાન-સુલેમાન એમ હનુમાન.’ મેં સમજાવતાં કીધું, ‘અલ્યા ટણપા, ઍક્ચ્યુઅલી હનુમાન નથી, પણ હણુમાન છે, જેણે માનને પણ હણી નાખ્યું.’ આડ વાત પૂરી.)

હનુમાનજી ખોટું સહન ન કરી શક્યા. એ કંઈ ભારત સરકારના સંસદસભ્ય નહોતા. તેમનાથી પ્રભુ રામનું દુ:ખ જોયું ન ગયું. રામ પ્રત્યે ખૂબ જ પ્રેમ અને આમેય આપણે જેને પ્રેમ કરતાં હોઈએ કે જેના માટે લાગણીના ફુવારા ઊડતા હોય તેના માટે મરી ફીટીએ એમ સીતાને રાવણથી છોડાવવાનું બીડું ઝડપ્યું અને હનુમાનજી બોલ્યા, ‘કિસી ભી તરહ બચની ચાહિએ જાનકી, મુઝે અબ પરવાહ નહીં મેરે જાન કી’ અને પછી આપ જાણો છો, લંકાદહન કરી સીતાને છોડાવી પ્રભુને સુપરત કરતાં હળવેથી પૂછ્યું, ‘હેં પ્રભુ, આપના નસીબમાં આટલું બધું દુ:ખ શું કામ? કોના હાથમાં છે આ બધી ઘટનાઓ...’

‘પ્રિય હનુમાન.’ રામ બોલ્યા, ‘વિધાતાએ લખેલા લેખ કોઈ મેખ ન કરી શકે.’

‘કોણ છે વિધાતા પ્રભુ? તે આપની માસીની, ફઈની કે મામાની દીકરી છે? કોણ છે? જુઓ પ્રભુ, જેણે લેખ લખ્યા હોય, ટાઇપ કર્યા હોય કે છાપ્યા હોય; પણ મને એ વિચાર આવે છે કે સાલું જિંદગી આપણી ને લેખ લખે વિધાતા. આ અધિકાર આપવાવાળું કોણ? ધિક્કાર છે આવા અધિકાર પર...’

‘એમ ગરમ ન થાઓ હનુમાન. આદમ-ઈવથી લઈ સુભાષ ઠાકર સુધીના છઠ્ઠા દિવસે નસીબના લેખ વિધાતા જ લખે અને એ પ્રમાણે જ...’

‘અરે પ્રભુ!’ હનુમાન બોલ્યા, ‘જો આદમ-ઈવનાં તકદીર વિધાતા લખતા હોય તો એનો મતલબ કે વિધાતાનો જન્મ આદમ-ઈવ પહેલાં થયેલો.’

‘હા, કદાચ એમ જ થયું તો પ્રભુ, વિધાતાનાં માતા-પિતા કોણ? આ બધું મારી સમજમાં નથી આવતું. વિધાતાને મળવાનો પ્લાન મનમાં ને મનમાં હનુમાનજીએ બનાવી દીધો. હવે? તમારી સમજમાં આવે છે? નથી આવતું. તો મિત્રો, આવતા શનિવારે ચાર રૂપિયા ખર્ચીને ‘મિડ-ડે’ ખરીદજો. કદાચ હું ખુલાસો કરવાની હિંમત કરીશ. બજરંગબલી કી જય.

શું કહો છો?