આ તો કલા છે એટલે શોના સમયમાં નમતું જોખું છું (ગુજરાતીઓની જીવનગાથા)

22 October, 2011 06:29 PM IST  | 

આ તો કલા છે એટલે શોના સમયમાં નમતું જોખું છું (ગુજરાતીઓની જીવનગાથા)

 

 

જીવંત દંતકથા જેવા ગુજરાતીઓની જીવનગાથા

ધ ગ્રેટ મૅજિશ્યન કે.લાલ - લિવિંગ લેજન્ડ

સૂત્રધાર : રશ્મિન શાહ

પ્રકરણ 109

૧૯૫૩થી ૧૯૬૦ દરમ્યાન કરેલા અનેક ચૅરિટી શોમાંના એક શો દરમ્યાન મને આ ભેટ મળી હતી.
ચૅરિટી શોમાંથી હું કોઈ પૈસા લેતો નહોતો, કારણ કે મારી ઇચ્છા લોકોની સેવામાં કલાને નિમિત્ત બનાવવાની હતી.
મારા આ સ્વભાવને કારણે અનેક લોકો ખોટી વાતો ઊપજાવીને શો કરાવવા માટે મારી પાસે આવતા. કેટલાકમાં હું છેતરાયો
પણ હતો, પરંતુ મને એ છેતરામણીનો કોઈ અફસોસ નહોતો; કારણ કે હું માનતો કે લોકો મને નહીં,
પણ એક કલાને છેતરી રહ્યા છે અને કલાને છેતરનારાઓએ ઈશ્વરને જવાબ આપવો પડતો હોય છે.

 

ઑડિયન્સની નજર પણ મારા પર ખોડાયેલી હતી, પણ આ ઑડિયન્સ વચ્ચે બેઠેલા ગીતાકુમારની નજર કંઈક જુદી જ રીતે મારા પર ચોંટેલી હતી. તેમના મનમાં આશંકા હતી કે હવે હું ચોક્કસ કંઈક જુદી રમત રમવાનો છું. તેમની એ શંકા બિલકુલ સાચી હતી.

‘સજ્જનો અને સન્નારીઓ... નવો ખેલ શરૂ કરતાં પહેલાં તમને એક વાત કહેવી છે.’ એક ઊંડો શ્વાસ લઈને મેં બોલવાનું શરૂ કર્યું, ‘ભગવાને આપણને સૌને આંખો તો બે આપી છે, પણ આ બે આંખથી દૃશ્ય એક જ દેખાતું હોય છે... પણ બધા માટે આ લાગુ પડતું નથી. કહેવાય છે કે જે હોશિયાર છે તે

લોકો બે આંખે એક નહીં, પણ બે દૃશ્ય જોઈ શકે છે... મને ખબર છે કે અહીં બેઠેલા સૌ હોશિયાર છે અને એટલે જ હવે હું તેમની બે આંખો માટે એક નહીં, પણ બબ્બે ખેલ એકસાથે રજૂ કરવાનો છું...’

પાંચેક સેકન્ડ માટે ઑડિટોરિયમમાં સન્નાટો છવાયો અને પછી આખું ઑડિટોરિયમ તાળીઓથી ગુંજી ઊઠ્યું. આ તાળીઓ વચ્ચે પણ મને ગીતાકુમારના તેજ થયેલા ધબકારા છેક સ્ટેજ પર સંભળાતા હતા. ગીતાકુમાર મારી આ જાહેરાતની સાથે જ ગભરાઈ ગયા હતા. તેમને અણસાર આવી ગયો હતો કે હવે હું કઈ દિશામાં આગળ વધવાનો છું. સાચું કહું તો, એક જ સ્ટેજ પર એકસાથે બબ્બે મૅજિક ખેલ ચાલુ કરવાની આ યુક્તિ વિશે મને અગાઉ ગીતાકુમારે જ કહ્યું હતું અને એ જ કારણે મને આવો વિચાર આવી ગયો હતો.

‘કાન્તિ, જો મોટી ટીમ હોય અને પોતાના પર વિશ્વાસ હોય તો મૅજિશ્યને સ્ટેજ પર એક નહીં, પણ એકથી વધુ મૅજિક કરવાં જોઈએ. વિદેશમાં આ પ્રકારના પ્રયોગો થતા હોય છે એવું મેં સાંભળ્યું છે, પણ હજી સુધી કોઈએ આપણા દેશમાં આવો પ્રયોગ કર્યો નથી...’ ગીતાકુમારે ચોખવટ પણ કરી લીધી હતી, ‘તારી ટીમ મોટી થઈ જાય ત્યારે આપણે તારા એકાદ ખેલમાં આ પ્રકારનો પ્રયોગ કરીશું... મજા આવશે.’

ગીતાકુમાર સાથે આ વાત થયાને અઢી-ત્રણ મહિના જેટલો સમય થઈ ગયો હતો અને આમ જુઓ તો થયેલી એ વાત લગભગ વીસરાઈ પણ ગઈ હતી, પણ એ દિવસે અચાનક જ મને સ્ટેજ પર આ વાત ફરીથી યાદ આવી અને મારી ટાંચાં સાધનવાળી ટીમે તૈયારી દર્શાવી એટલે મેં સ્ટેજ પર એકસાથે બબ્બે મૅજિક કરવાની હિંમત કરી. ખરું કહું તો, આવું કરવામાં કંઈ મોટું જોખમ હતું નહીં. માત્ર હાથપગમાં સ્ફૂર્તિ દાખવવાની વાત હતી, પણ જો આ સ્ફૂર્તિ દાખવવામાં સહેજ પણ ભૂલ થઈ જાય તો સ્ટેજ પર જબરદસ્ત ગોટાળા થઈ જાય.

‘આ છોકરો બહુ મોટું રિસ્ક લઈ રહ્યો છે...’

ઑડિયન્સમાં બેઠેલા ગીતાકુમારના મોઢામાંથી કંઈક આવા શબ્દો નીકળી ગયા હતા. તેમની આજુબાજુમાં બેઠેલા લોકોએ ગીતાકુમારના શબ્દો પર ધ્યાન આપવાનું ટાળ્યું હતું અને બધા સ્ટેજ પર ચાલી રહેલી ગતિવિધિઓ જોવામાં મશગૂલ બની ગયા હતા. એ સમયે હું સ્ટેજ પર એકદમ ઍક્ટિવ થઈ ગયો હતો અને સ્ટેજની ડાબી બાજુએ એક મૅજિક ચાલુ કરી દીધું હતું તો જમણી બાજુએ બીજા એક મૅજિકની ગોઠવણ કરી રહ્યો હતો. આ મૅજિકની ગોઠવણ કરતી વખતે મારા મનમાં અલગ-અલગ કેટલીયે ગણતરીઓ ચાલી રહી હતી. અગાઉથી નક્કી કર્યું હતું એ મુજબ ઇન્ટરવલ પછીના ભાગમાં મારે કુલ ચૌદ આઇટમ દેખાડવાની હતી. સામાન્ય સંજોગોમાં ઇન્ટરવલ પછીના ભાગમાં બીજા મૅજિશ્યન દસથી બાર આઇટમ દેખાડતા હોય છે, પણ હું હંમેશાં બેથી ત્રણ આઇટમ વધારે રાખતો. ગીતાકુમારે એક વખત આ બાબતમાં વાંધો ઉઠાવ્યો ત્યારે મેં તેમને ગુજરાતી બિઝનેસમેનનો મૂળ મંત્ર સમજાવ્યો હતો,

‘માલ ખરીદવા નીકળેલી વ્યક્તિને પોતાના હક કરતાં પાંચ-પંદર ગ્રામ વધુ મળે તો એ તેને ગમતું હોય છે. આપણે અહીં માલ તો વેચવાનો છે નહીં, આપણે તો કલા દેખાડવાની છે. જો વેપાર હોત તો હું ત્રાજવામાં સહેજ નમતું મૂકી દેત, કલામાં જોખવાનું હોય નહીં એટલે હું સમયમાં નમતું આપવા માગું છું...’ ગીતાકુમારને કંઈ સમજાયું નહીં એટલે મેં ફોડ પાડ્યો, ‘પેટ ભરીને જમ્યા પછી ઓડકાર આવે તો સંતોષ થયો મનાય. મારે મારા દર્શકોને પેટ ભરીને જમ્યાનો ઓડકાર આપવો છે એટલે હું બીજા કરશે એના કરતાં પાંચ-પંદર મિનિટ મારું કામ વધારે ચલાવીશ.’

એ દિવસથી બનાવેલો આ મૂળ મંત્ર મેં આજે પણ જાળવી રાખ્યો છે. આજે પણ મારા શોમાં અન્ય મૅજિશ્યનોના શો કરતાં વધુ આઇટમ હોય છે. આઇટમનો મારી પાસે તોટો નથી, સાથોસાથ એ પણ એટલું જ સાચું છે કે આઇટમ દેખાડવાની મારી દાનત પણ સહેજે ખોરી નથી. પેલા દિવસે પણ મેં મારી આ જ નીતિ સાથે કામ કર્યું હતું અને ઇન્ટરવલ પછીના ભાગમાં મેં કુલ ચૌદ આઇટમ રાખી હતી, પણ એ પછી મેં સ્ટ્રેટેજી બદલી અને એકીસમયે સ્ટેજ પર બબ્બે મૅજિક દેખાડવાનું શરૂ કર્યું, જેને કારણે એ દિવસે ઇન્ટરવલ પછીના ભાગમાં કુલ ત્રેવીસ મૅજિક બધાને જોવા મળ્યાં. રોકડા નવ મૅજિક વધારે. મજાની વાત એ છે કે આ નવ મૅજિકના કારણે ઇન્ટરવલ પછીના શોના સમયમાં એક મિનિટ પણ વધારે થઈ નહોતી. બધેબધું બરાબર ટાઇમિંગ મુજબ જ ચાલ્યું અને એમ છતાં પણ નવ આઇટમ વધારે અમે દર્શાવી શક્યા. હું સ્ટેજની જમણી તરફના ભાગમાં મૅજિક પૂરું કરું ત્યાં મારા સાથીઓએ સ્ટેજના ડાબા ભાગમાં નવા મૅજિકની તૈયારી કરી લીધી હોય. આ ડાબી બાજુના મૅજિકનું કામ પૂરું કરું ત્યાં જમણી બાજુના સ્ટેજ પરથી જૂના મૅજિકની આઇટમ હટાવી લેવામાં આવી હોય અને નવો સામાન મારી રાહ જોતો હોય. લાઇટનિંગ-સ્પીડ એટલે કે પ્રકાશની ગતિથી અમે એ દિવસે કામ કર્યું હતું. અરે, કંઈ કેટલીયે વાર તો એવું પણ થયું હતું કે લોકો તાળીઓ પાડવાનું ભૂલીને બાજુનું મૅજિક જોવામાં મશગૂલ થઈ જતા હતા. મારા માટે આ અપેક્ષિત હતું.

‘અને ફાઇનલી, હવે આ મૅજિકની સાથે જ અમે બધા આપની વિદાય લઈ રહ્યા છીએ.’

મેં સ્ટેજ પરથી ઑડિયન્સની સામે હાથ જોડ્યા અને મારી આખી ટીમ સાથે દર્શકોને નમસ્કાર કર્યા. સ્ટેજનો પડદો બંધ થઈ રહ્યો હતો અને આ બંધ થઈ રહેલા પડદા વચ્ચેથી મને દેખાયું કે દર્શકો પોતપોતાની ખુરસી પરથી ઊભા થઈને તાળીઓ પાડી રહ્યા હતા. સ્ટેજનો પડદો પૂરેપૂરો બંધ ન થયો ત્યાં સુધી અમે બધા એ જ મુદ્રામાં ઊભા રહ્યા અને પછી બૅક-સ્ટેજ પર આવ્યા. હું જ્યારે બૅક-સ્ટેજ પર પહોંચ્યો ત્યારે ગીતાકુમાર ત્યાં પહોંચી ગયા હતા. તેમની છાતી ધમણની જેમ હાંફતી હતી. મને જોતાંવેંત જ તે મને વળગી પડ્યા. તે ઘણું બધું કહેવા માગતા હતા, પણ દોડીને પાછળના ભાગે આવ્યા હોવાથી ચડેલી હાંફના કારણે કંઈ બોલી નહોતા શકતા.

‘તમે શાંતિથી બેસો... આપણે બધા હવે સાથે જ છીએ.’

‘અરે, શાંતિ શેની હવે...’ ગીતાકુમારના ચહેરા પર હરખ દેખાઈ રહ્યો હતો, ‘ગાંડા, આજે તેં જે રીતે કામ કર્યું છે એવું તો જગતના કોઈ મહાન જાદુગર પણ કરતાં પહેલાં પચાસ વાર વિચાર કરે. કાન્તિ, મને ખબર હતી કે તેં આની કોઈ તૈયારી કરી નથી. જે કામ કરવામાં વષોર્ની મહેનત અને મહિનાઓની તૈયારી જોઈએ એ કામ તેં વગર તૈયારીએ કરી દેખાડ્યું. દોસ્ત, આજે હું તને ખરેખર માની ગયો. ધન્ય છે તું...’

‘ગીતાકુમાર, મને એકલાને આનું શ્રેય ન આપો. આ આખી ટીમ હતી કે જેણે મારી સાથે ખડેપગે આ કામ કર્યું છે. આમના વિના આવું પરિણામ ન મળે.’

‘વાત સાચી છે તારી કાન્તિ, પણ દાનત હોય તેને સહકાર આપવા માટે સંઘ મળી જ જતો હોય છે.’

અમારી વાતો ચાલતી હતી ત્યાં જ ઑડિયન્સ અંદર આવવા લાગ્યું અને મને મારા ખેલની સફળતા માટે અભિનંદન આપવા લાગ્યું. એ શો ખરેખર બહુ સરસ ગયો હતો અને મને પોતાને એ શોમાંથી આત્મસંતોષ મળ્યો હતો એટલે મને પણ અભિનંદન લેવા ગમતાં હતાં. સંસ્થાના ટ્રસ્ટીઓ, શ્રેષ્ઠીઓ અને સંસ્થાના સભ્યો આવીને મને મળ્યા. કેટલાક તો એવા લોકો પણ મળ્યા કે જેમણે મને સામે ચાલીને કહ્યું કે મારી આ ટૅલન્ટ વિશે તે મારા બાપુજીને મળીને વાત કરશે અને હું કેવો સરસ જાદુનો ખેલ કરું છું એ વિશે તેમને કહેશે.

‘આમ તો અમારી વાતો સાંભળીને તમારા બાપુજીને હસવું જ આવવાનું છે... જેને પોતાને આટલો મોટો જાદુગર-દીકરો હોય તેમને તો બધી ખબર જ હોયને?’

‘ના, એવું નથી...’ મેં હસતાં-હસતાં જ ચોખવટ કરી લીધી હતી, ‘મારા બાપુજીને જાદુનો ખેલ ગમતો નથી એટલે તેમણે ક્યારેય મારો ખેલ જોયો નથી.’

કેટલાંય માબાપ એવાં હતાં કે તે તેમનાં બાળકોને લઈને મને સ્ટેજની પાછળ મળવા આવ્યાં હતાં. તે બધાં બાળકો મને નજીકથી જોવા માગતાં હતાં. હું તેમને મળ્યો અને તેમની સાથે મેં વાતો કરી. આ અગાઉ મેં તમને કહ્યું છે એમ, કોઈ જાદુગર બાળકો સાથે આત્મીયતાથી મળતા નહીં. ઊલટું તે લોકો એવી જ રીતે વર્તતા કે જેથી બાળકો તેમનાથી દૂર ભાગે. જોકે મેં એવું નહોતું રાખ્યું. હું તો સામે ચાલીને બાળકોને મળતો અને જો શક્ય હોય તો બાળકોને નાનુંસરખું મૅજિક પણ દેખાડતો. એ દિવસે પણ મેં બાળકોની સાથે ખાસ્સી એવી ગમ્મત કરી હતી અને તેમને મૅજિક પણ દેખાડ્યું હતું.

‘કાન્તિભાઈ, છોકરાંવનું પેટ નહીં ભરાય. તમતમારે હવે શાંતિથી તમારું કામ કરો... આ બધાં તો નવરાં છે.’

મને મળવા આવેલા એક શ્રેષ્ઠીએ બાળકોને બૅક-સ્ટેજ પરથી દૂર કર્યા. બધાં બાળકો આવજો કહીને દરવાજા તરફ ભાગ્યાં ત્યારે મારું ધ્યાન ગયું કે દરવાજે ઇન્ડિયન નૅશનલ થિયેટર એટલે કે આઇએનટીના મહેમાનો ઊભા હતા. હું ઉતાવળાં પગલે તેમની પાસે પહોંચ્યો.

‘અરે, અંદર આવોને...’ મેં દામુભાઈને આવકાર્યા, ‘બાળકો હતાં તો તેમની સાથે સહેજ રમત કરવામાં લાગી ગયો હતો...’

‘અરે, વાંધો નહીં... આમ પણ અમારે કંઈ બીજું કામ હતું નહીં.’ દામુભાઈએ પોતાની સાથે રહેલા બાકીના બન્ને મહેમાનો ચંદ્રકાન્તભાઈ દલાલ અને મનસુખભાઈ જોશીની સામે જોયું, ‘અમે હવે રજા લઈએ. પછી તને નિરાંતે મળીએ...’

શો કેવો લાગ્યો, મજા આવી કે નહીં અને મુંબઈમાં શો કરવા વિશે હવે તેમણે શું નિર્ણય લીધો એ બાબતની કોઈ ચર્ચા કર્યા વિના જ ત્રણેય મહેમાનો મહાજાતિ સદનમાંથી વિદાય થયા. ગીતાકુમાર અને હું આશ્ચર્યથી તેમની પીઠ તાકી રહ્યા.

(વધુ આવતા શનિવારે)


Previous Article