...પણ હવે એ ગરીબોના ઘરમાં વીજળી લઈ આવવા માટે વપરાશે (ગુજરાતીઓની જીવનગાથા)

06 November, 2011 12:42 AM IST  | 

...પણ હવે એ ગરીબોના ઘરમાં વીજળી લઈ આવવા માટે વપરાશે (ગુજરાતીઓની જીવનગાથા)

જીવંત દંતકથા જેવા ગુજરાતીઓની જીવનગાથા

ધ ગ્રેટ મૅજિશ્યન કે.લાલ - લિવિંગ લેજન્ડ

સૂત્રધાર : રશ્મિન શાહ

પ્રકરણ 109

 




આજે તો ગામેગામ લાઇટ થઈ ગઈ છે, પણ પચાસ અને સાઠના દાયકામાં ઘરે લાઇટ હોવી એ લક્ઝરી ગણાતું હતું. કલકત્તાની વાત જુદી છે, પણ આજુબાજુનાં ગામોમાં જ્યારે શો કરવાની વાત આવતી ત્યારે અમારી હાલત બહુ ખરાબ થઈ જતી. બહુ અંતરયિાળ ગામડાં હોય તો હું પણ બીજા મૅજિશ્યનની જેમ પેટ્રોમેક્સના અજવાળે શો કરતો. અમુક ગામોમાં તો મેં ફાનસના અજવાળે પણ શો કર્યા છે. અલબત, એ રીતે શો કરવા મને ગમતા નહીં એટલે પછી ફાનસ કે પેટ્રોમેક્સનો ઉપયોગ ન કરવો પડે એ માટે હું કોઈ રસ્તો શોધવા લાગ્યો હતો. એ રસ્તો શોધતાં-શોધતાં જ મને એક એવો રસ્તો મળ્યો, જે મારા માટે તો ઠીક, બીજા બધા માટે પણ બહુ ઉપયોગી પુરવાર થયો હતો.

બન્યું એવું કે એક દિવસ મારા બાપુજી ગિરધરલાલ વોરાને વિચાર આવ્યો કે હવે ઘોડાગાડીને બદલે ગાડી ખરીદવી. એ દિવસોમાં ભારતમાં આટલી બધી કંપનીની કાર હતી નહીં. માત્ર ઍમ્બેસેડર કાર ઇન્ડિયામાં બનતી હતી. આજની પેઢીને ખબર નહીં હોય કે હિન્દુસ્તાન મોટર્સની આ કાર ભારતની પહેલી કાર છે, જેનું ઉત્પાદન ભારતમાં શરૂ થયું હતું. ઈસવીસન ૧૯૪૨માં આ કારનું ઉત્પાદન શરૂ થયું. ઍમ્બેસેડર કાર એવી કાર હતી કે જેને ભારતીય પૉલિટિકલ ફીલ્ડમાં ઑફિશ્યલ એન્ટ્રી મળી હતી. આજે તો પૉલિટિકલ નેતાને જે કોઈ કાર ખરીદવી હોય એ ખરીદવાનો અધિકાર આપવામાં આવ્યો છે, પણ ઈસવીસન ૧૯૪૭થી ઈસવીસન ૧૯૭૦ સુધીના તબક્કામાં રાજકીય નેતા ઍમ્બેસેડર સિવાય બીજી કોઈ કાર ખરીદી કે વિદેશથી ઇમ્ર્પોટ નહોતા કરી શકતા. ઈસવીસન ૧૯૬૭માં પ્રીમિયર પદ્મિની ગાડી દેશમાં બનવી શરૂ થઈ એ પછી પણ ત્રણ વર્ષ સુધી સરકારે ઍમ્બેસેડરને જ સરકારી ગાડી તરીકે ચાલુ રાખી હતી. એ પછી રાજકીય વિરોધ શરૂ થતાં ઍમ્બેસેડરનો સરકારી દરજ્જો પાછો લેવામાં આવ્યો અને જે રાજ્યની સરકારે જે કાર ખરીદવી હોય એ કાર ખરીદવાની છૂટ આપવામાં આવી. સિત્તેરના દાયકાના અંત સુધીમાં તો પ્રીમિયર પદ્મિની કાર પણ પૈસાદારો માટે જૂની થઈ ગઈ અને એટલે શ્રીમંત પરિવાર વિદેશી કાર ઇમ્ર્પોટ કરવા લાગ્યા હતા. ઍમ્બેસેડર આજે જૂની થઈ ગઈ છે અને કેટલાંક ઘરોમાં તો ઍન્ટિક કાર તરીકે સચવાયેલી પડી છે, પણ પ્રીમિયર પદ્મિનીની ફિયાટ મૉડલની કાર મુંબઈમાં ટૅક્સી તરીકે પારાવાર જોવા મળે છે.

હવે મૂળ વાત પર આવીએ.

મારા બાપુજીને ઇચ્છા થઈ કે અમે એક ગાડી ખરીદીએ. ગાડીનાં કોઈ મૉડલ કે ગાડીની બીજી કંપનીઓ તો હતી નહીં એટલે ગાડી ખરીદવા માટે કંઈ લાંબું સંશોધન કરવાનું નહોતું. બાપુજી અને મારા કાકા જઈને ગાડી જોઈ આવ્યા. ગાડી અમે ખરીદી પણ લીધી અને ગાડી ઘરે પણ આવી ગઈ. મને તો એ બધામાં બહુ રસ હતો નહીં, પણ ગાડી કઈ કરામત પર કામ કરી રહી છે એ જાણવાની ઉત્કંઠા બહુ હતી એટલે મેં ગાડીની સાથે આવેલી બુકલેટ લઈ લીધી અને મારા રૂમમાં મૂકી દીધી. દુકાન, જાદુ, જાદુના શો અને જાદુના શોની ટ્રેઇનિંગ પછી સમય મળે એટલે હું એ નવરાશના સમયમાં અમારી ઍમ્બેસેડર ગાડીની એ બુકલેટ વાંચ્યા કરું. બહુ ભણ્યો નહોતો, પણ અંગ્રેજી પર કમાન્ડ હતો. બીજું કે ડિક્શનરી વાપરવાનો મહાવરો પણ હતો એટલે બુકલેટ વાંચવામાં બહુ તકલીફ પડતી નહોતી. એ બુકલેટ વાંચતાં-વાંચતાં જ મારા ધ્યાનમાં ગાડીમાં જોડવામાં આવતી બૅટરી આવી અને મેં બૅટરીની કામ કરવાની પદ્ધતિ અને બૅટરીની કામગીરી વિશે વાંચવાનું શરૂ કર્યું. સમજવામાં બહુ અઘરું હતું એ, પણ મને બૅટરીની કામગીરીમાં રસ પડ્યો હતો એટલે મેં મન લગાવીને અભ્યાસ કરવાનું શરૂ કર્યું. જ્યાં-જ્યાં ખબર નહોતી પડતી ત્યાં-ત્યાં હું આ ક્ષેત્રના જાણકાર એવા મોટર-મિકેનિકને મળીને પણ જાણકારી લેવાના પ્રયાસો કરતો હતો. એક વખત તો હું ઍમ્બેસેડર કારના ડીલરની પાસે પણ પહોંચી ગયો હતો. મેં મારી ઓળખાણ આપીને કહ્યું કે અમે લોકોએ તમારે ત્યાંથી કાર લીધી છે. ડીલર તો બિચારો રાજી-રાજી થઈ ગયો. કાર કેવી ચાલે છે અને કારમાં કોઈ તકલીફ તો નથી એવી બધી વાતો પૂછવા લાગ્યો.

‘અરે, બધું બરાબર છે અને કારની કોઈ ફરિયાદ નથી... મારે માત્ર તમારા મિકેનિકને મળવું છે.’

‘તમે તો કહો છોને કે ગાડી એકદમ ફસ્ર્ટ ક્લાસ છે... તો પછી તમારે મિકેનિકને મળવાની શું જરૂર પડી? તમે સાચું-સાચું બોલો...’

મેં મહામુશ્કેલીએ ડીલરને સમજાવ્યો કે તમે માનો છો એવું કંઈ નથી.

‘કાર એકદમ વ્યવસ્થિત ચાલે છે અને કારમાં કોઈ તકલીફ નથી...’ મને લાગ્યું કે મારા આ જવાબથી સામેવાળાને સંતોષ નહીં થાય એટલે મેં ચોખવટ પણ કરી લીધી, ‘હું કારના એન્જિન અને કારના એન્જિન સાથે લાગેલી બૅટરી પર સંશોધન કરું છું, મારે એ સંશોધન માટે તમારા મિકેનિકની મદદ જોઈએ છે.’

ડીલરને આ વાત માનવામાં નહોતી આવતી, પણ થોડી કડાકૂટ કર્યા પછી તે માન્યો હતો અને તેણે મારી મુલાકાત મિકેનિક શંભુબાબુ સાથે કરાવી હતી. શંભુબાબુ પાસેથી મેં બૅટરીની કેટલીક વિગતો લીધી હતી અને એ વિગતો પછી મેં શંભુબાબુ પાસે મારા સ્વાર્થની વાત રજૂ કરી હતી.

‘બાબુ, જો મને એક બૅટરી મળી જાય તો મારે જોઈએ છે.’

‘અશક્ય... એમ તે કેવી રીતે કોઈની ગાડીમાંથી બૅટરી કાઢી શકાય? માગીએ તો કોઈ આપે પણ નહીં...’

‘દાદા જુઓ, ઍમ્બેસેડર કાર શરૂ થયાને પંદર વર્ષ તો થઈ ગયાં. બરાબર?’ શંભુબાબુએ હા પાડી એટલે મેં વાત આગળ વધારી, ‘તમે મને હમણાં જ કહ્યું કે ત્રણથી ચાર વર્ષે બૅટરીની આવરદા પૂરી થઈ શકે છે. આપણે ત્રણ-ચાર વર્ષેને બદલે સાત વર્ષ પકડીએ તો પણ અત્યાર સુધીમાં પંદર વર્ષ પહેલાંની બધી ગાડીમાં નવી બૅટરી લાગી ગઈ હશે...’

‘તો શું પણ?’

‘તો એટલું જ કે આપણે ભંગાર-બજારમાં તપાસ કરીએ. ત્યાંથી એકાદ બૅટરી મળી જશે તો બાકીનું કામ હું પૂરું કરી લઈશ.’ મેં લગભગ શભુંબાબુને ખેંચ્યા જ હતા, ‘દાદા, અત્યારે બપોરનો સમય છે. બજારમાં ઘરાકી ઓછી હશે. જો તમે અડધો કલાક મને આપો તો મારું કામ થઈ જાય.’

નસીબજોગે મને બજારમાંથી બૅટરી મળી ગઈ. બૅટરી સસ્તી હતી એટલે મેં એકને બદલે બે બૅટરી ખરીદી. જોકે એ બન્ને બૅટરીની આવરદા લગભગ કાયમ માટે પૂરી થઈ ગઈ હતી. બન્ને બૅટરી શંભુબાબુએ પસંદ કરી હતી, પણ શંભુબાબુને મારા વિશ્વાસ પર વિશ્વાસ નહોતો. તે એવું જ ધારતા હતા કે એક શ્રીમંત પિતાનો ધૂની પુત્ર પોતાની ધૂન વચ્ચે પિતાના પૈસા ખર્ચી રહ્યો છે. શંભુબાબુ સાથે બૅટરી ખરીદીને અમે બન્ને એ બૅટરી લઈને ઘરે પહોંચ્યા હતા. એ પછી મેં શંભુબાબુને છૂટા કરી દીધા હતા. શંભુબાબુએ જતી વખતે મને સાંત્વના આપી હતી કે જો બૅટરી કામ ન કરે તો તે મને એ જ બૅટરી ફરીથી વેચાવી દેશે. જોકે મને એવી ચિંતા નહોતી.

બૅટરી આવી ગયા પછી હું મારા કામે લાગી ગયો. દરરોજ રાતે હું બૅટરી પર અલગ-અલગ અખતરા કરતો અને એ અખતરામાં હું એસી અને ડીસી પાવરનો ઉપયોગ કરીને બલ્બ ચાલુ કરવાના પ્રયાસ કરતો હતો. લગભગ વીસ દિવસ પછી છેક મારો એ બલ્બ ચાલુ થયો હતો. આજે તો ઘણી લારીએ બૅટરી પર ચાલતી ટ્યુબલાઇટ જોવા મળતી હશે, પણ એ દિવસોમાં તો આ રીતે બલ્બને રોશન કરવો એ એક અજાયબી જ ગણાતી હતી. મેં જ્યારે શંભુબાબુ અને ગીતાકુમારને આ રીતે બલ્બ ચાલુ કરતાં દેખાડ્યું ત્યારે તે બન્ને ખૂબ જ રોમાંચિત થઈ ગયા હતા.

‘તું ખરેખર જાદુગર છે દોસ્ત... તને હું માની ગયો.’ શંભુબાબુ ગદ્ગદ થઈ ગયા હતા, ‘તમે જો આ રીત બધાને શીખવી દો તો નાનાં ઘરોમાં પણ વીજળી આવી જાય.’

‘મને કોઈ વાંધો નથી દાદા, પણ તમે મિકેનિક થઈને એક અગત્યની વાત ભૂલી ગયા... ગાડીમાં લાગેલી આ બૅટરી એન્જિનમાંથી પાવર લેતી હોય છે. આ બૅટરીને કોઈ એન્જિન નથી એટલે એને પાવર કોઈ બહારની જગ્યાએથી આપવો પડશે.’

‘હા, એ વાત સાચી...’ શંભુદાદા સહેજ નિરાશ થયા, પણ પછી તરત જ તેમણે નવો રસ્તો શોધી કાઢ્યો, ‘એ કાન્તિ, લારી લઈને ખાણી-પીણીનો વેપાર કરવા જતા ગરીબ લોકોને તો આ કામ લાગેને... જેમના ઘરે ઇલેક્ટ્રિસિટી હોય તે લોકો આ બૅટરી ઘરે પાવરથી ભરી લે...’

‘એક મિનિટ શંભુદાદા...’ ગીતાકુમાર મારી તરફ ફર્યા, ‘કાન્તિ, તું આનો શું ઉપયોગ કરવા માગે છે... મને લાગે છે કે આ બૅટરીને આપણે તારા એકાદ જાદુના ખેલ તરીકે વાપરવી જોઈએ. ઑડિયન્સની હાજરીમાં તારે બલ્બ હાથમાં લેવાનો અને એ બલ્બ તું જેવો હાથમાં લે કે તરત એમાં લાઇટ થાય. બધા દર્શકોને બહુ મજા પડશે...’

‘ઓહ... તો તમે આ તમારા જાદુ માટે કરી રહ્યા છો. મને તો એમ કે...’ શંભુદાદા બિચારા કંઈક જુદું જ ધારી બેઠા હતા, ‘તમે કહ્યું હતુંને કે તમે સંશોધક છો અને ખાલી સંશોધન કરી રહ્યા છો... બીજા બધા વૈજ્ઞાનિકો કરતા હોય એમ...’

મને હસવું આવ્યું. જેણે મૅટ્રિકની પરીક્ષા નથી આપી તે વળી શું વૈજ્ઞાનિક બનવાનો. જોકે શંભુબાબુના એ શબ્દોથી મને સમજાઈ ગયું કે એક નાનો માણસ કેટલી શ્રદ્ધાથી સામેની વ્યક્તિની વાત પર વિશ્વાસ મૂકતો હોય છે. હું શંભુબાબુ પાસે ગયો.

‘મને એમ હતું કે તમે મારા આ પ્રયોગમાં સહકાર નહીં આપો એ જ કારણે મેં વાતને સહેજ જુદી રીતે રજૂ કરી હતી... પણ એમ છતાંય જો તમને લાગ્યું હોય કે હું ખોટું બોલ્યો છું તો મને માફ કરજો.’ મેં તરત જ ગીતાકુમારને પણ મારો નિર્ણય જણાવી દીધો, ‘આ પ્રયોગ મેં કોઈ ઇરાદા વિના શરૂ કર્યો હતો. મનમાં હતું કે સમય આવ્યે સફળતા મળશે તો તમે કહેશો એ રીતે આ પ્રયોગનો ઉપયોગ કરીશું... પણ આ પ્રયોગનો શું ઉપયોગ કરવો એ મને શંભુબાબુએ સમજાવી દીધું. શંભુદાદા, આ પ્રયોગને હું મારા જાદુના ખેલમાં નહીં લઉં. હવે તમે જે સૂચવ્યું છે એ મુજબ આપણે આ પ્રયોગ લારી-ગલ્લાવાળાને શીખવીશું, જેથી તે લોકોને પેટ્રોમેક્સ કે ફાનસમાંથી છુટકારો મળે... અને ગીતાકુમાર, આપણે આ બૅટરીવાળી લાઇટનો ઉપયોગ અંતરિયાળ ગામડાંઓમાં કરીશું, જેથી એ બધાને પણ શો જોવાની મજા આવે.’

શંભુદાદા ગળગળા થાય એ પહેલાં મેં તેમને અને ગીતાકુમારને મારો એ વૈજ્ઞાનિક પ્રયોગ કેવી રીતે કામ કરે છે અને બૅટરીની મદદથી બલ્બ કેવી રીતે ચાલુ થાય છે એ સમજાવવાનું શરૂ કરી દીધું.

(વધુ આવતા શનિવારે)