દમ મારો દમ : ગુજરાતને પણ લાગ્યો છે રેવ પાર્ટીનો રંગ

25 December, 2011 09:31 AM IST  | 

દમ મારો દમ : ગુજરાતને પણ લાગ્યો છે રેવ પાર્ટીનો રંગ



(કવર સ્ટોરી-રશ્મિન શાહ)

ધ રેવ પાર્ટી. ધુમાડિયું વાતાવરણ, એકદમ ફાસ્ટ વાગતું રૉક મ્યુઝિક અને આ મ્યુઝિક વચ્ચે લેવામાં આવતો કીટામીન પાઉડર, ચરસ, હેરોઇન કે એક્સ્ટસી કે ગાંજાની ગોળીઓ. એક્ઝૅક્ટ કહેવાનું હોય તો છેલ્લાં ચાર વર્ષથી ગુજરાતમાં જે રીતે રેવ પાર્ટીનું ચલણ વધ્યું છે એ હવે ખરેખર ભયજનક બનતું જઈ રહ્યું છે. ખાસ કરીને ડિસેમ્બર મહિનાની થર્ટીફસ્ર્ટને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી આવી રેવ પાર્ટી ગયા વર્ષથી તો ડિસેમ્બરના અંત ભાગથી જાન્યુઆરી સુધી લંબાવા લાગી છે. ગયાવર્ષની વાત કરીએ તો ગયા વર્ષના ડિસેમ્બર-જાન્યુઆરીમાં ગુજરાત પોલીસે સુરત, વડોદરા અને અમદાવાદ શહેરની આજુબાજુનાં ફાર્મહાઉસોમાં ચાલતી બત્રીસ રેવ પાર્ટી પકડી હતી. આ વર્ષે હજી થર્ટીફસ્ર્ટનો ઉપરછલ્લો માહોલ બન્યો છે ત્યાં જ ગુજરાત પોલીસે ઠેકઠેકાણે રેઇડ પાડીને સેંકડો કિલો નશીલો પદાર્થ પકડ્યો છે અને રેવ પાર્ટીની મજા માણવાના કે નશીલા પદાથોર્ની હેરફેર કરવાના ગુના હેઠળ ૧૭૨ લોકો સામે કેસ દાખલ કર્યો છે. અફસોસની વાત એ છે કે પકડાયેલા આ લોકોમાંથી ૮૦ ટકાથી વધુ યુવાનો છે. આ વર્ષે પકડાયેલા કુલ લોકોમાંથી ૧૪૫થી વધુની ઉંમર માત્ર ૨૨થી ૩૦ વર્ષ વચ્ચે છે. હજી પણ વધુ સ્પેસિફાય કરીને કહેવાનું હોય તો કહી શકાય કે પકડાયેલા આ યુવાનોમાંથી ૪૭ યુવતીઓ છે.

ગુજરાતના પોલીસ-જનરલ ચિતરજંન સિંહ સરતાજને કહે છે, ‘ગુજરાતમાં જે રીતે આ બધી પાર્ટીનું ચલણ વધ્યું છે એ જોઈને અમે તપાસ કરી તો ખબર પડી છે કે આવી પાર્ટીમાંથી પકડાયેલાં ૯૦ ટકા છોકરા-છોકરીઓ છે ગુજરાતનાં, પણ રાજ્ય બહાર ભણવા માટે ગયાં છે અને ત્યાંથી આવીબધી સ્ટાઇલ લઈને અહીં આવ્યાં છે. આ બધા છોકરાઓ તેમને જોઈએ છે એ માલ પણ અમદાવાદ, રાજસ્થાન અને દિલ્હીની પોતાની લિન્કથી જ મગાવે છે.’

ડિસેમ્બર-જાન્યુઆરી દરમ્યાન હવે ગુજરાતમાં નિયમિત થતી રહેતી આવી રેવ પાર્ટીને રોકવા માટે ગુજરાત સરકારના ગૃહમંત્રાલય દ્વારા એક ખાસ ટાસ્ક-ર્ફોસ બનાવવામાં આવી છે. આ ટાસ્ક-ર્ફોસનું ધ્યાન આ પ્રકારના નશીલા પદાથોર્ સપ્લાય કરતા લોકો પર રહે છે. આ વર્ષે આવા ૨૦૦થી વધુ સપ્લાયરો પોલીસના ઑબ્ઝર્વેશન વચ્ચે છે તો અમદાવાદ, મહેસાણા, પાલનપુર, વડોદરા, અંકલેશ્વર, સુરત, વાપી, વલસાડ, લીંબડી, ભાવનગર, અલંગ, ગાંધીધામ અને રાજકોટ જેવાં ૪૨ નાનાં-મોટાં શહેરોનાં ફાર્મહાઉસ પણ પોલીસના ઑબ્ઝર્વેશન હેઠળ છે. રાજકોટ-રેન્જના પોલીસ-જનરલ પ્રવીણકુમાર સિંહા  સરતાજને કહે છે, ‘આવી પાર્ટીઓમાં એકાદ વાર ગયા પછી છોકરાઓને લત લાગતી હોવાથી આવી પાર્ટીની પ્રથા સહેજ પણ આગળ વધે એ પહેલાં એને અટકાવવી બહુ જરૂરી છે એટલે અમારું પૂરું ધ્યાન અત્યારે આવી પાર્ટી પર છે. થર્ટીફસ્ર્ટની પ્રાઇવેટ પાર્ટીમાં રેઇડ પાડવા માટે પોલીસને એ પ્રકારના સર્ચ-ઑર્ડર ઇશ્યુ કરવામાં આવશે જેમાં માત્ર સ્થળ અને નામ બાકી રાખવામાં આવશે. આ નામ અને સ્થળ જે-તે પોલીસ-અધિકારીએ ત્યાં જ લખી લેવાનું, જેથી કોઈ રાજકીય રીતે સક્ષમ વ્યક્તિ હોય તો પણ અમારું ઑપરેશન પૂરું થાય.’

ગુજરાતના જ એક સસ્પેન્ડેડ પોલીસ-ઓફિસર  સરતાજને ઑફ ધ રેકૉર્ડ કહે છે, ‘ગુજરાતમાં થતી આ પ્રકારની દસમાંથી બે પાર્ટી પકડાય છે, પણ બાકીની પાર્ટીઓ પકડવાની હિંમત ગુજરાત પોલીસ કરી શકે એમ નથી, કારણ કે આવી પાર્ટી અત્યંત શ્રીમંત અને પૉલિટિકલ પહોંચ ધરાવતી ફૅમિલીના છોકરાઓ જ કરતા હોય છે. સરખેજ-ગાંધીનગર હાઇવે પરની એક રેવ પાર્ટી અમે પકડી. રેવ પાર્ટી આપનારા છોકરાની અમે અરેસ્ટ કરી અને હજી તો પેપર્સ તૈયાર કરીએ ત્યાં તો સેન્ટ્રલ મિનિસ્ટ્રીમાંથી એક મિનિસ્ટરનો ફોન આવ્યો અને પછીની પાંચ મિનિટમાં સ્ટેટના મિનિસ્ટરનો ફોન આવી ગયો. અમારે નાછૂટકે બધાને છોડી મૂકવા પડ્યા, કારણ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને અમારે સાચવી લેવાની હતી. એ વ્યક્તિનું નામ આજે પણ બહુ મોટું ગણાય છે અને ગુજરાતની ટૉપ પાંચમાંની એક ફૅમિલી સાથે જોડાયેલું છે.’

આ વાતમાં સચ્ચાઈ કેટલી છે એ તો કોઈ ચકાસી નથી શકવાનું, પણ એક હકીકત એ પણ છે કે રેવ પાર્ટી કરવી એ કંઈ આલિયા-માલિયાનું કામ નથી. સામાન્ય રીતે પચાસથી પંચોતેર ફ્રેન્ડ્સની એક રેવ પાર્ટી માટે ઓછામાં ઓછો પાંચથી સાત લાખ રૂપિયાનો ખર્ચ થતો હોય છે, જે વધુમાં વધુ ત્રીસ લાખ સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત આ પાર્ટી માટે પ્રાઇવેટ ફાર્મહાઉસ હોવાથી માંડીને એ પાર્ટીને ગ્લૅમર આપવા માટે એમાં ઉમેરવામાં આવતા સેક્સના સર્વેનો ખર્ચ પણ ગણતરીમાં લેવો પડે. અમદાવાદના પોલીસ-કમિશનર એસ. કે. સાઇકિયા  સરતાજને કહે છે, ‘મોટા ભાગની રેવ પાર્ટીમાં બહારથી એ ગ્રેડની કહેવાય એવી કૉલગર્લને બોલાવવામાં આવે છે. જો પોલીસ-ચેકિંગમાં બધું પકડાય તો તે છોકરીઓને પોતાની ગેસ્ટ કે ફ્રેન્ડ તરીકે ઓળખાવવામાં આવે છે, પણ હકીકત તો એ જ હોય છે કે તે છોકરીઓ હાઇ-પ્રોફાઇલ પ્રોસ્ટિસ્ટિટ હોય છે અને મુંબઈ કે દિલ્હીના મૉડલ કો-ઑર્ડિનેટર દ્વારા મગાવવામાં આવેલી સ્ટ્રગલર મૉડલ હોય છે. દસ દિવસ પહેલાં મહેસાણા પાસેના એક ફાર્મહાઉસમાં ચાલતી રેવ પાર્ટીમાંથી પકડાયેલી બે મૉડલ તો ઑલરેડી ટીવી-ઍડમાં પણ આવે છે. પકડાયા પછી તે બહુ કરગરે એટલે તેમની આબરૂ અને કરીઅરને ધ્યાનમાં રાખીને અમે તેમની સામે ફરિયાદ દાખલ કરીએ છીએ, પણ મિડિયામાં તેમનું નામ જાહેર કરવાનું ટાળીએ છીએ.’

ગુજરાતના ગૃહમંત્રાલયે રેવ પાર્ટીઓને અટકાવવા બનાવેલી ટાસ્ક ર્ફોસ માટે પચાસ લાખ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. સોમવારે અમદાવાદના નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટે પકડેલા ૧૦૦ કિલો ચરસની ઇન્ફર્મેશન આપનારા બાતમીદારને આ જ ફન્ડમાંથી અનઑફિશ્યલી પાંચ લાખ રૂપિયાનું પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. જોકે માત્ર બાતમીદારના આધારે આ પાર્ટી રોકવી સહેલી ન હોવાથી ગુજરાત પોલીસે પોલીસ-ડિપાર્ટમેન્ટના ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (આઇટી) ડિપાર્ટમેન્ટને પણ આમાં કામ પર લગાડ્યો છે. સુરતના પોલીસ-કમિશનર રાકેશ અસ્થાના અને કલોલનાં ડેપ્યુટી પોલીસ-સુપરિન્ટેન્ડન્ટ ઉષા રાડાએ નવા ભરતી થયેલા પોલીસ-કર્મચારીઓને ઇન્ટરનેટ પર ચાલતી ફેસબુક, ટ્વિટર અને ઑકુર્ટ જેવી સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ પર ઍક્ટિવ કર્યા છે. ઉષા રાડા  સરતાજને કહે છે, ‘પ્રાઇવેટ પાર્ટીમાં પર્સનલ ઇન્વિટેશન પર આધાર હોય છે, પણ એજન્ટ થ્રૂ થતી પાર્ટીનું ઇન્વિટેશન મોકલવામાં આવી વેબસાઇટનો ઉપયોગ થતો હોવાથી અમે વેબસાઇટ પર આજુબાજુના વિસ્તારના શ્રીમંત લોકોનાં અકાઉન્ટ્સ પર નજર રાખી રહ્યા છીએ અને કોડવર્ડથી આવતા મેસેજ ક્રૉસ-ચેક કરવાનું કામ કરીએ છીએ.’

કલોલમાં આવેલી એક ટેક્સટાઇલ કંપનીના મૅનેજિંગ ડિરેક્ટરના પુત્ર રાકેશ પટેલના ફેસબુક અકાઉન્ટ પરથી ઉષા રાડાએ ૩ ડિસેમ્બરે કલોલના એક ફાર્મહાઉસમાં ચાલતી રેવ પાર્ટી પર રેઇડ પાડી હતી અને ૪૩ યુવક-યુવતીઓને પકડ્યાં હતાં. આ રેઇડ પછી જ ગુજરાત પોલીસને અંદેશો મળી ગયો હતો કે ક્રિસમસના દિવસોમાં જ નહીં, ડિસેમ્બર શરૂ થતાં જ આ પ્રકારની પાર્ટી શરૂ થઈ રહી છે. હવે જોવાનું એ છે કે આ અંદેશો મળ્યા પછી ગુજરાત પોલીસ કેટલી અને કેવી રેવ પાર્ટીને અટકાવી શકે છે.

ઊંધી સર્કિટ પર ચાલે છે આ વેપાર

રેવ પાર્ટીમાં જે ડ્રગ્સનો ઉપયોગ થાય છે એ ડ્રગ્સ ભલે મુંબઈ, દિલ્હી અને રાજસ્થાનની લિન્કથી ગુજરાતમાં મગાવવામાં આવતું હોય; પણ હકીકત એ છે કે ચરસ, ગાંજો અને અફીણ જેવા કેફી પદાથોર્ પાકિસ્તાનથી દરિયાઈ રસ્તે કચ્છના જખૌ બંદરે અને પોરબંદરના ગોસાબારા ગામે ઉતારવામાં આવે છે. ત્યાર પછી એ માલ દેશભરમાં મોકલવામાં આવે છે. પાકિસ્તાનથી આવતાં આ કેફી દ્રવ્યો માટે રાજસ્થાન સરહદ અને કાશ્મીર સરહદનો પણ ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ દરિયાનો માર્ગ સેફ હોવાથી અને માછીમારો દ્વારા માલની ડિલિવરી કરાવવાનું કામ સુવિધાવાળું હોવાથી મુખ્યત્વે દરિયાઈ માર્ગે આ માલ દેશમાં લાવવામાં આવે છે. ગુજરાત પોલીસના એક સિનિયર ઑફિસર  સરતાજને કહે છે, ‘ચરસ પ્રોસેસ કરવાનું કામ કચ્છ, અમદાવાદ અને સુરત જિલ્લાની કેટલીક ફાર્મસ્યુટિકલ ફૅક્ટરીમાં થાય છે; પણ એનાં કોઈ પ્રૂફ મળતાં નહીં હોવાથી એ બાબતમાં ઍક્શન લઈ શકાતી નથી.’

પ્રોસેસ થયેલું કેફી દ્રવ્ય રેવ પાર્ટી માટે મુંબઈ, દિલ્હી જેવાં મોટાં શહેરોમાંથી ગુજરાતમાં આવે છે; પણ નિયમિત સેવન કરનારાઓને આ ચરસ, અફીણ અને ગાંજો અમદવાદના રખિયાલ, દાણીલીમડા, જુહાપુરા અને વટવા જેવા એરિયાના છૂટાછવાયા હિસ્ટરીશીટરો પાસેથી મળી રહે છે. સુરતના વરાછા, કતારગામ, કડોદરા અને રાજકોટના જંગલેશ્વર, પોપટપરા જેવા એરિયાઓમાં પણ આવાં દ્રવ્યો મળતાં હોવાનું કહેવાય છે.

ભાવમાં આવ્યો જબરદસ્ત ઉછાળો
ગુજરાતમાં દારૂબંધી હોવાથી આમ પણ દારૂ મોંઘો હોય છે, પણ થર્ટીફસ્ર્ટ આવતાંની સાથે જ આ ભાવમાં ડબલ જેટલો વધારો થયો છે. વર્ષ દરમ્યાન જે રૉયલ સ્ટૅગ બ્રૅન્ડનો દારૂ ૫૫૦-૬૦૦ રૂપિયામાં મળતો હોય છે એ અત્યારે ૧૧૦૦ રૂપિયાના ભાવે પણ મળતો નથી. મૅક્ડોનલ્ડ્સની મેરા નંબર વન નામની વ્હિસ્કી ૪૦૦ રૂપિયામાં મળતી હોય છે, પણ આ સીઝનમાં એનો ભાવ ૮૫૦ રૂપિયા છે. બિયરનું એક ટિન ૨૦૦માં મળતું હોય છે, એ જ બિયર અત્યારે ૩૨૫ રૂપિયામાં પણ ક્યાંય નથી. ચરસની દોઢ ગ્રામની એક ગોળીનો ભાવ ૨૫૦ જેવો હોય છે, પણ અત્યારે એ ગોળીનો ભાવ ૭૫૦ રૂપિયા ચાલે છે.

રેવ પાર્ટી એટલે શું?
જ્યાં નશો કરવા માટે અલગ-અલગ પ્રકારના દારૂ જ નહીં, એની સાથે જાત-જાતના કેફી પદાર્થો હોય એને રેવ પાર્ટી કહેવામાં આવે છે.