તુઝે દેખા તો યે જાના સનમ...

08 November, 2014 05:18 AM IST  | 

તુઝે દેખા તો યે જાના સનમ...

રોજના શોમાં પણ ૨૫૦થી ૩૦૦ લોકો તો ઓછામાં ઓછા હોય છે. ૨૦ ઑક્ટોબરે ૧૯ વર્ષ પૂરાં કરનારી આ ફિલ્મે એક થિયેટરમાં આટલો લાંબો સમય ચાલવાનો વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો છે એમ જણાવતાં મરાઠા મંદિર સિનેમા અને બાંદરાના જી સેવન મલ્ટિપ્લેક્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનોજ દેસાઈ કહે છે, ‘‘મોગલે આઝમ’, ‘શોલે’ કે હૉલીવુડની ફિલ્મો ‘ગન્સ ઑફ નૅવરોન’ અને ‘સાઉન્ડ ઑફ મ્યુઝિક’ પણ આટલાં વર્ષ ચાલી નથી. હવે ૧૨ ડિસેમ્બરે આ ફિલ્મ ૧૦૦૦મા અઠવાડિયામાં પ્રવેશ કરશે. ૧૦૦૦ વીક પછી આગળ શું કરવું એની વિચારણા મરાઠા મંદિર સિનેમા અને યશરાજ ફિલ્મ્સ સાથે મળીને કરશે. હવે અમને પણ આ મૂવીની આદત થઈ ગઈ છે. ૧૨ ડિસેમ્બરે કહેવું પડે કે આ અમારું લાસ્ટ વીક છે એવું અમને પણ નથી જોઈતું.’

ચાર દિવસ નબળા

આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે પહેલા ચાર દિવસ એને રિસ્પૉન્સ નહોતો મળ્યો. નબળા પ્રતિસાદ સાથે લોકોએ આ ફિલ્મને ફૅમિલી ડ્રામા કહીને રિજેક્ટ પણ કરી, પરંતુ ચાર દિવસ પછી એ એવી ઊપડી કે આજ સુધી ચાલી રહી છે. અત્યાર સુધીમાં એના ૭૩૦૦ શો થઈ ગયા છે.

ચાના રેટમાં મૂવી?

રિલીઝ થયાનાં સાત વર્ષ આ ફિલ્મ ટૅક્સ-ફ્રી હોવાથી મરાઠા મંદિરમાં ટિકિટના રેટ હતા ૯ રૂપિયા, ૧૧ રૂપિયા અને ૧૩ રૂપિયા. સાત વર્ષ પછી અને આજે પણ આ મૂવીની ટિકિટના રેટ છે ૧૫ રૂપિયા, ૧૮ રૂપિયા અને ૨૦ રૂપિયા. આજે પંદર રૂપિયામાં એક ચા આવે છે ત્યારે આ થિયેટર મૂવીની ટિકિટ આપે છે. આટલા કમ રેટ હોવાથી એવું માની લેવાની જરૂર નથી કે અહીં મુફલિસ લોકો આવતા હશે. આ મૂવીનો ચાર્મ એવો છે કે વેપારીઓથી લઈને નોકરિયાતો સુધીના પરિવારો મોટા ભાગે સન્ડે અને રજાના દિવસે મૂવી જોવા આવે છે.

કેવા લોકો મૂવી જુએ?

આ એકમાત્ર થિયેટરમાં ટેલિફોન પર સીટ બુક થતી હોવાથી બહારથી આવતા લોકોને ઘણી સુવિધા રહે છે એની વાત કરતાં થિયેટરના મૅનેજર મનોજ પાંડે કહે છે, ‘દેશ-દુનિયાના લોકો આ મૂવી જોવા આવે છે. ૨૦ વરસથી ચાલી રહી હોવાને કારણે અને શાહરુખ હવે ઇન્ટરનૅશનલ ઍક્ટર પણ હોવાથી આ મૂવી જોવા અનેક ફૉરેનર્સ પણ આવે છે. મૂવી ઉપરાંત સિંગલ સ્ક્રીન થિયેટર અને આ થિયેટરનું ઇન્ટીરિયર પણ તેમને આકર્ષે છે. તાજતરમાં એક બસ ભરીને ફ્રાન્સના લોકો આવ્યા હતા.’ નાઇટ શિફ્ટમાં કામ કરતા લોકો ટાઇમ પાસ કરવા માટે આ મૂવી જોવા આવે છે તો કેટલાક લોકો ૧૫ રૂપિયામાં ત્રણ કલાક ઍર-કન્ડિશન્ડ વાતાવરણમાં બેસવા મળતું હોવાથી અહીં આવે છે. રેડ લાઇટ એરિયામાં કામ કરતી સ્ત્રીઓ અને વ્યંડળોને આ મૂવી જોવા સ્પેશ્યલ પ્રિવિલેજ મળે છે. તેમણે આ મૂવીની ટિકિટ લેવા લાઇનમાં નથી ઊભા રહેવું પડતું.

બહારનું પણ ઑડિયન્સ

મુંબઈની બહારથી આવેલી વ્યક્તિએ ચાર વાગ્યે મુંબઈ સેન્ટ્રલથી ગાડી પકડવી હોય અને ૧૧ વાગ્યે તેનું કામ ખતમ થઈ જાય તો શું કરે? સ્ટેશન સામે આવેલા થિયેટરમાં આરામથી ‘DDLJ’ જોઈ લે. ‘DDLJ’ના ઑડિયન્સ વિશે વાતો કરતાં મનોજ દેસાઈ કહે છે, ‘આ મૂવીનું ૪૦ ટકા ઑડિયન્સ મુંબઈ બહારનું હોય છે. સામે રેલવે-સ્ટેશન અને બાજુમાં લ્વ્ ડેપોને લીધે મુંબઈની બહારનું ઑડિયન્સ અહીં વધુ આવે છે. એમાં ગુજરાત અને ભારતભરમાંથી આવેલા લોકો જ નહીં, દુબઈના વેપારીઓ પણ હોય છે. ‘DDLJ’ થિયેટર પરથી ઊતરી જવાની છે એવા ન્યુઝ જાણ્યા પછી દુબઈથી મને ઘણા ફોન આવ્યા કે આ મૂવી ઉતારી નહીં લેતા પ્લીઝ.થોડા સમય પહેલાં પચીસ કપલે બાલ્કનીની ટિકિટ બુક કરાવી હતી. એમાં પંચગની, ગુજરાત અને સાતારાનાં કપલ પણ હતાં.

કપલ્સની પ્રપોઝ-પ્લેસ

આ મૂવી અત્યાર સુધીમાં પચીસેક હજાર કપલ્સનું પ્રપોઝ-પ્લેસ બન્યું છે. હા, તમે બરાબર જ સાંભળ્યું. ડેટિંગ કરતાં કપલ્સ ‘DDLJ’ જોઈ-જોઈને છેવટે થિયેટરમાં સૌથી આગળ જઈ ઘૂંટણિયે પડીને પ્રેમિકાને પ્રપોઝ કરે ત્યારે થિયેટરનું બધું ઑડિયન્સ એને વધાવી લે છે. અત્યાર સુધીમાં આ થિયેટરમાં લગભગ પચીસ હજાર કપલે આ રીતે પ્રપોઝ કર્યું છે એટલું જ નહીં, આ મૂવી જોવા આવતાં કેટલાંય કપલે મૂવી જોઈ-જોઈને થાકી ગયા પછી લગ્ન કરી લીધાં હોવાનું કહ્યું છે. લવબડ્ર્સનું કહેવું છે કે આ મૂવીને કારણે તેઓ પરસ્પરને સમજાવી શક્યાં છે કે પ્યાર શું છે. મૂવી સાથે કપલ્સ એટલું તાદાત્મ્ય સાધે છે કે તેઓ આ લાઇફ જીવવા લાગી જાય છે. શાહરુખ અને કાજોલમાં તેઓ પોતાને પ્રત્યાર્પણ કરી દેતાં જોવા મળે છે એવું થિયેટરના પ્રોજેક્શન-ઑપરેટર જગજીવન વિઠ્ઠલદાલ મારુનું કહેવું છે. તેઓ ૨૦ વરસથી આ મૂવી પ્રોજેક્ટ કરી રહ્યા છે. ચાર-પાંચ મહિના પહેલાં પુણેના એક છોકરાએ તેની પ્રેમિકાના બર્થ-ડેના સેલિબ્રેશન માટે બાલ્કનીની બધી ટિકિટો બુક કરી હતી. તેની પ્રેમિકાને થિયેટરમાં જ ‘DDLJ’ જોવી હતી.

લોકોનું પાગલપન

આ મૂવી માટે આજે પણ લોકોનું પાગલપન કેટલું બધું છે એ થિયેટર સાથે કામ કરતા લોકો પાસેથી જાણવા જેવું છે. ‘DDLJ’ના દરેક શોમાં લોકોનો રિસ્પૉન્સ જોવા માટે ખાસ જતા મૅનેજર મનોજ પાંડે કહે છે, ‘કેટલાક લોકોએ એટલી બધી વાર આ ફિલ્મ જોઈ છે કે તેમને હવે ડાયલૉગ ગોખાઈ ગયા છે. સિમરનને જવાની રજા આપતો ડાયલૉગ અમરીશ પુરી બોલે એ પહેલાં લોકો બોલવા લાગે છે : જા સિમરન જા... કેટલાક લોકો એટલા ખુશ થઈ જાય છે કે સીટ પરથી ઊભા થઈને બૂમો પાડવા લાગે છે, ડાયલૉગ બોલવા લાગે છે અને ગીતો પણ ગાવા લાગે છે. લોકો સ્ક્રીન નજીક દોડી આવીને નાચવા પણ લાગે છે.’ લોકો મૂવી સાથે એટલા તલ્લીન થઈ જાય છે કે ઘણી વાર ફિલ્મ પૂરી થયા પછી પણ બેસી રહે છે એવું થિયેટર સાથે ૪૫ વર્ષથી કામ કરતા અને ડૅડી તરીકે ઓળખાતા કિસન સોલંકીનું કહેવું છે. લોકોને આ મૂવીમાં પોતાનાપણું લાગે છે તેથી જ એને આટલો બધો પ્રતિસાદ આજે પણ મળી રહ્યો છે.

વેપારી હોત તો ફિલ્મને આટલી ન ચલાવી શક્યા હોત : મનોજ દેસાઈ

આટલાં વરસો સુધી ફિલ્મને ચલાવવાનું સરળ નથી. ફિલ્મ પહેલાં રીલ પર હતી તેથી દર વરસે એની પ્રિન્ટ બદલવી પડતી અને બે પ્રોજેક્ટર પર એ ચલાવવી પડતી. આ સાથે જાહેરાતોના સેટ પણ નવા મગાવવા પડે. જોકે ગયા વરસે પ્રિન્ટ ડિજિટલ થઈ છે તેથી પિક્ચરની ક્વૉલિટી પણ સારી મળે છે. યશરાજ ફિલ્મ્સ અને થિયેટરના માલિકો માટે આ મૂવી સફેદ હાથી છે એમ જણાવતાં મનોજ દેસાઈ કહે છે, ‘આ મૂવીને કારણે અમારે મૅટિનીમાં ચલાવવા માટે આવતી બધી ફિલ્મોને ના કહેવી પડે છે. આમાં કેટલીક વાર સંબંધ સાચવી નથી શકાતો. થિયેટરના મેઇન્ટેનન્સનો ખર્ચ પણ છે, પરંતુ અમારે રેકૉર્ડ કરવો છે તેથી ચલાવી રહ્યા છીએ.’

આ મૂવીને ચલાવવા માટે હવે તેઓ જીદ પર અડી ગયા લાગે છે. જોકે જીદ પર તેઓ ચડ્યા કેમ? મનોજ દેસાઈં કહે છે, ‘શરૂઆતના ચાર-પાંચ દિવસ પછી ફિલ્મ ચાલવા લાગી એટલે થયું કે એને વધુ ચલાવવી જોઈએ. અઢીસો વીક પછી વળી પાછું વિચાર્યું, પણ સાત વરસ માટે ટૅક્સ-ફ્રી થઈ ગઈ અને સાત વરસ તો બધા જ શો હાઉસફુલ જતા હતા એટલે ઉતારવાનો કોઈ સવાલ નહોતો. ૫૦૦ શોની નજીક આવ્યા ત્યારે ફરી વિચાર્યું કે ચલાવવી કે નહીં, કારણ કે ફિલ્મ હવે ટૅક્સ-ફ્રી નહોતી. કોઈ પણ કારણસર અમે નવા રેટ બહુ ઓછા રાખીને ચલાવ્યે રાખી. હવે વર્લ્ડ રેકૉર્ડની ધૂન લાગી ગઈ છે. જિગર જોઈએ મૂવીને આટલાં બધાં વરસ સુધી ચલાવવા માટે. અમે વેપારી હોત તો ચલાવી ન શક્યા હોત.’

થિયેટરના પ્રોજેક્ટર-ઑપરેટરેન ભારે લગાવ

‘DDLJ’ જો ઊતરી જશે તો મને મારા ઘરમાંથી કોઈ જતું રહ્યું એવું લાગશે એવું કહેવું છે ૪૨ વર્ષથી આ થિયેટરમાં પ્રોજેક્ટર-ઑપરેટર તરીકે કામ કરતા જગજીવન વિઠ્ઠલદાસ મારુનું. ‘DDLJ’ સાથે તેમને ઘરની વ્યક્તિ જેટલો લગાવ થઈ ગયો છે. તેઓ કહે છે, ‘મને આ ફિલ્મ સાથે લાગણી બંધાઈ ગઈ છે. દુલ્હનિયા એક વાર લગ્ન કરીને ઘરે આવે પછી તે જાય નહીં. અમારા ઘરે આ દુલ્હનિયા આવી છે તેથી હવે એ જશે નહીં.’

ફિલ્મ આવી ત્યારે થિયેટરના પરિવારમાં જગ્ગુભાઈના નામે ઓળખાતા મૂળ જૂનાગઢના ૬૫ વર્ષના જગજીવનભાઈને લાગ્યું હતું કે બીજી ફિલ્મોની જેમ એ આવીને જતી રહેશે, પણ વીસમા વરસે હજી ચાલે છે. આ ફિલ્મથી ખુદ જગ્ગુભાઈના સ્વભાવમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. અગાઉ તેઓ બહુ ગુસ્સાવાળા હતા, પણ ફિલ્મ જોયા પછી તેઓ વાઇફ પર કદી ગુસ્સે નથી થયા અને તેને વધુ લવ કરતા થયા છે. ‘DDLJ’ની પ્રશંસા કરતાં તેઓ કહે છે, ‘ત્રણ કલાક ૧૫ મિનિટની આ ગ્રેટ લવસ્ટોરીમાં હીરો કે હિરોઇને ક્યાંય એકબીજાને આઇ લવ યુ નથી કહ્યું. પત્ïïની અને બાળકો સાથે સારી રીતે ન રહેતા લોકોએ આ ફિલ્મ જોઈને સમજવા જેવું છે. મૂવી જોઈને મારામાં ઘણું પરિવર્તન આવ્યું છે. ૨૦ વર્ષની ઉંમરના મારા વિચારોમાં અને આજના વિચારોમાં બહુ ફરક આવ્યો છે. પ્યાર વિશેનો મારો જે ઍટિટuુડ હતો એ બદલાયો છે. ૨૦ વરસમાં ૧૦૦ શો છોડીને બધા શો મેં જોયા છે. રોજેરોજ મૂવી જોવા છતાં મને કદી કંટાળો નથી આવ્યો.’

‘DDLJ’ના એક શોમાં કેવો ગોટાળો થયો હતો એની વાત જગ્ગુભાઈએ કરી. તેમની સાથે કામ કરી રહેલા પાર્ટનરે રીલ ચડાવવામાં ગોટાળો કર્યો તો લોકો બૂમાબૂમ કરવા લાગ્યા, કારણ કે મોટા ભાગના લોકો રિપીટ હોવાથી સ્ટોરી તો બધાને આખી ગોખાઈ ગઈ હતી. અહીં આવતા ઑડિયન્સમાં સારા લોકો હોય અને ટપોરી તથા લુખ્ખાઓ પણ હોય છે; પરંતુ સ્ટિÿક્ટ મૅનેજમેન્ટને કારણે કોઈ સમસ્યા નથી થતી. કોઈ ટપોરી લાગે તો તેને ટિકિટના પૈસા પાછા આપીને રવાના કરી દેવામાં આવે છે. શરૂઆતમાં ફૅમિલીવાળા લોકો વધારે આવતા હતા, પણ હવે એકલદોકલ અને સાથે લગેજવાળા લોકો વધુ આવે છે એવું જગ્ગુભાઈનું કહેવું છે. ૨૦ વર્ષ પછી જો આ મૂવી ઉતારી લેવાશે તો જગ્ગુભાઈને કેવો ખાલીપો મહેસૂસ થશે એની વાત કરતાં તેઓ કહે છે, ‘દીકરી પરણાવીને સાસરે વળાવીએ ત્યારે એક પિતાને જે દુખ થાય એવું મને થશે. આ મૂવી હવે મારા માટે કાળજા કેરો કટકો છે.’

ઑડિયન્સ કા ક્યા હૈ કહના?

વરલીમાં રહેતા બાવીસ વર્ષના મોહમ્મદ મુકીતે સો વાર ‘DDLJ’ જોઈ છે. ચાર મહિનાથી જ તે મુંબઈમાં છે. ૯૯મી વાર તેણે મુબઈમાં આ ફિલ્મ જોઈ, પણ એ પહેલાં તેણે લખનઉ આસપાસ જ્ïયાં પણ આ મૂવી ચાલતું હતું ત્યાં જઈને જોયું છે. ‘DDLJ’નું પાગલપન તેના પર સવાર છે. તે સ્ટુડન્ટ છે. મૂળ લખનઉનો મોહમ્મદ ત્યાંની ડિગ્રી કૉલેજમાં ગ્રૅજ્યુએશન કરી રહ્યો છે. બે મહિનાની રજા દરમ્યાન મુંબઈ આવેલો મોહમ્મદ પછી મુંબઈમાં જ રહી ગયો અને કામ કરવા લાગ્યો છે. તેને તો રોજ મૂવી જોવું છે, પણ તેના પગે પોલિયો હોવાથી વરલીથી આવવામાં તકલીફ પડે છે. તે કહે છે, ‘ઇતના મસ્ત મૂવી હૈ કિ મુઝે બાર-બાર દેખને કો જી કરતા હૈ. એમાં દરેકે પોતાનો કિરદાર બહુ સરસ રીતે ભજવ્યો છે. ફિલ્મમાં બે પાત્રો પ્યાર કરે છે, પણ મર્યાદામાં રહીને. એની કોઈ બાબત એવી નથી જે ન ગમે.’ સામાન્ય રીતે ફિલ્મો ન જોતા મોહમ્મદે આ ફિલ્મ સો વાર જોઈ છે અને હજી જોશે. ફિલ્મ જોઈને પ્યાર કરતા થઈ ગયેલા મોહમ્મદને એક પ્રેમિકા પણ છે.

આવી બીજી ફિલ્મ બનવી જોઈએ

મુંમ્બઈમાં રહેતા અને થાણેમાં ફ્લોરિસ્ટ તરીકે કામ કરતા ૩૯ વર્ષના ઇસ્મિત ભટ્ટાચાર્યે આ ફિલ્મ ૪૬ વાર જોઈ છે અને હજી એ ચાલુ જ છે. દર વીકમાં તે ત્રણથી ચાર વાર ફિલ્મ જોવા આવે છે. મથુરાના ઇસ્મિતને આ ફિલ્મની કહાનીથી લઈને સંગીત સુધીની બધી બાબતો બહુ ગમે છે. આ ફિલ્મ થિયેટરમાં હશે ત્યાં સુધી તે જોતો રહેશે. તેનું માનવું છે કે આવી ફિલ્મો દુનિયામાં બહુ ઓછી બને છે, યશરાજે આવી જ બીજી ફિલ્મ બનાવવી જોઈએ.

ડૉક્ટરની અપૉઇન્ટમેન્ટ સાથે મૂવી

મ્યુનિસિપાલિટીમાં રેન્ટ-કલેક્ટર તરીકે નિવૃત્ત થયેલા અને મીરા રોડમાં રહેતા હફીઝ ખાન અને તેમનાં પત્નીએ ૨૫ વારથી વધુ વખત આ ફિલ્મ જોઈ છે. હફીઝ ખાનનાં પત્ની ફરીદા કૅન્સર પેશન્ટ છે. પત્નીની ટ્રીટમેન્ટ તથા પોતાની દાંતની ટ્રીટમેન્ટ માટે બૉમ્બે સેન્ટ્રલ આવે ત્યારે તેઓ આ મૂવી જોયા વિના નથી જતા. પહેલાં મૂવી જુએ છે અને પછી ડૉક્ટર પાસે જાય છે. હફીઝ ખાન અને ફરીદાનું કહેવું છે કે આ ફિલ્મમાં એવું કંઈક તો છે જે દિલને સ્પર્શી જાય છે. આ કપલ મુંબઈમાં એકલું જ રહે છે. દીકરો અમદાવાદમાં સેટલ્ડ છે અને દીકરી લગ્ન કરીને મુમ્બઈમાં રહે છે. આ ફિલ્મની ફૅમિલી-સ્ટોરી તેમને બહુ ગમે છે.

ઑડિયન્સને થૅન્ક્સ

લોકોએ મૂવીને આપેલા આટલા ભવ્ય પ્રતિસાદ માટે યશરાજ ફિલ્મ્સે ગોલ્ડની એક ટ્રોફી જનતાને એનાયત કરી છે જે આજે મરાઠા મંદિર થિયેટરના રિસેપ્શન એરિયામાં રાખવામાં આવી છે.સાત વરસ તો આ મૂવીના બધા જ શો હાઉસફુલ જતા હતા એ તો ખરું, પરંતુ આજે પણ લોકોનો રિસ્પૉન્સ ઓછો નથી થયો એ જ આ મૂવીને અત્યાર સુધી ચલાવવાનું મુખ્ય કારણ છે

- મનોજ દેસાઈ