ડૉ. આંબેડકરે બંધારણને સળગાવી મુકવાની વાત કરી હતી

25 January, 2020 08:00 AM IST  |  Mumbai | Chirantana Bhatt

ડૉ. આંબેડકરે બંધારણને સળગાવી મુકવાની વાત કરી હતી

ભારતનું બંધારણ તૈયાર થતા અંદાજે ત્રણ વર્ષ જેટલો સમય લાગ્યો હતો.

 

આપણી લોકશાહીને સાત દાયકા પૂરા થઇ રહ્યાં છે ત્યારે 200 વર્ષનાં સામ્રાજ્યવાદ પછી માંડ મળેલા ગણતંત્રની ઓળખ સમા બંધારણ વિષે આપણે જેટલું જાણીએ એટલું ઓછું છે. 26મી જાન્યુઆરી આપણો પ્રજાસત્તાક દિન જેને આપણે ગણતંત્ર દિવસ તરીકે પણ જાણીએ છીએ ત્યારે આપણું ભારે જહેમતથી તૈયાર થયેલું બંધારણ અમલમાં મુકાયુ હતું. વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા આપણા રાષ્ટ્રનું બંધારણ પણ અનેક ખાસિયતો ધરાવતું જ હોય તે સ્વાભાવિક છે. ગણતંત્ર દિવસની સંધ્યાએ બંધારણને લગતી કેટલીક આવી જાણી-અજાણી વાતો જાણીએ.

બંધારણ જ્યારે લખાયું ત્યારે હાથે લખાયું હતું. ત્યારે તેને ટાઇપ નહોતું કરાયું કે ન તો છાપવામાં આવ્યું હતું. તેની પ્રસ્તાવના, 22 ભાગ, 448 આર્ટિક્લ્સ, 12 શિડ્યુલ્સ, 5 એપેન્ડિક્સ અને 115 સુધારા બધું જ હાથે લખાયેલું હતું આ લખનારા હતા પ્રેમ બિહારી નારાયણ રાયઝાદા. બાદમાં તે દેહરાદુનથી પ્રકાશિત થયું અને સરવે ઑફ ઇન્ડિયા દ્વારા તેનો લિથોગ્રાફ તૈયાર કરાયો હતો. પહેલા ડ્રાફ્ટમાં 2000 ભૂલો સુધારાઇ હતી અને્ 22 નવેમ્બર 1949ના રોજ ફાઇનલ ડ્રાફ્ટ તૈયાર હતો. બ્રિટીશ, ફ્રેંચ, યુએસએસઆર, જાપાન, જર્મની, યુએસએ જેવા દેશોના બંધારણમાંથી અમુક બાબતો આપણા બંધારણમાં ઉછીની લેવાઇ હતી. આ માટે જ આપણા 'બૅગ ઑફ બોરોઅર્સ' પણ કહેવાય છે જો કે તેમાં ઘણું બધું સંપુર્ણ પણે પોતીકું પણ છે.
જેમ આપણો દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે તે જ પ્રમાણે આપણું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ બંધારણ છે. વળી તે લખાયું ત્યારે અંગ્રેજી અને હિન્દી એમ બે ભાષામાં લખાયું હતું અને બંન્ને ઉપર સંસદ સભ્યોએ 24 જાન્યુઆરી 1950ના રોજ સહી કરી હતી.
આખું બંધારણ લખીને તૈયાર કરવામાં લગભગ 2 વર્ષ, અગિયાર મહિના અને 17 દિવસ થયા હતા. ડૉ.બી આર આંબેડકર બંધારણની કમિટીના ચેરમેન હતા અને બંધારણના પિતા તરીકે ઓળખાય છે તે તો આપણને ખબર છે પણ ગુજરાતી સાહિત્યમાં જેમણે પાટણની પ્રભુતા જેવી ક્લાસિક નવલકથા આપી છે તેવા કનૈયાલાલ મુનશી જે એક બાહોશ વકીલ હતા તે પણ આ સમીતિનો હિસ્સો હતા. જ્યારે બંધારણ અમલમાં મુકાયું ત્યારે 283 સભ્યોની સંવિધાન સભાએ તેની પર હસ્તાક્ષર કર્યા હતા.
હાથે લખાયેલા બંધારણની નકલ આજે પણ સંસદ ભવનની લાઇબ્રેરીમાં હિલિમય ભરેલી પેટીમાં સચવાયેલી છે જે. રબિન્દ્ર નાથ ટાગોરે લખેલું રાષ્ટ્રગાન બંગાળીમાંથી હિન્દીમાં આબીદ અલીએ 1911માં અનુવાદિત કર્યું હતું. આપણા ધ્વજમાં રહેલું અશોક ચક્ર આંધ્રપ્રદેશના દક્ષિણી રાજ્યમાં આવેલા શહેર મચ્છલીપટ્ટમના પીંગલી વેંકૈયા નામના એક ખેડૂતે સુચવ્યું હતું.
તમે માનશો કે ડૉ. બી આર આંબેડકર તો સંવિધાનને બાળી નાખવા પણ તૈયાર હતા. 2જી સપ્ટેમ્બર 1953માં તેમણે રાજ્ય સભામાં કહ્યું હતું કે, "મારા મિત્રો મને કહે છે કે મેં બંધારણ બનાવ્યું છે, પણ હું તો એમ કહેવા બિલકુલ તૈયાર છું કે તેને સળગાવી નાખનાર હું પહેલો માણસ હોઇશ. મને તે નથી જોઇતું. એ કોઇને ય માફક આવે એમ નથી. હવે એ જે પણ હોય પણ તેને આગળ ધપાવવા માગતા લોકોએ ભૂલવું ન જોઇએ કે બહુમતી અને લઘુમતી બંન્ને છે અને તેઓ લઘુમતીઓને માત્ર એમ કહીને અવગણી નહીં શકે કે, 'તમને સ્વીકારવા લોકશાહી માટે હાનિકારક છે.' લઘુમતીઓને કોઇપણ ઇજા થશે તો તે સૌથી મોટું નુકસાન હશે."
જે દિવસે બંધારણ પર હસ્તાક્ષર કરાયા ત્યારે સંસદભવનની બહાર મુશળધાર વરસાદ પડી રહ્યો હતો અને લોકસભાના સભ્યો એ આને શુભ સંકેત માન્યો હતો. 26મી જાન્યુઆરીનો દિવસ બંધારણને અમલમાં મુકવા માટે ખાસ પસંદ કરાયો હતો કારણકે તે પુર્ણ સ્વરાજ દિનની જયંતી હતી. 26 જાન્યુઆરી 1930ના રોજ ઇન્ડિયન કોંગ્રેસે સંપુર્ણ સ્વતંત્રતાની લડાઇનાં બીજ રોપ્યા હતા અને પહેલીવાર ભારતીય ધ્વજ ફરકાવ્યો હતો. બંધારણના દરેક પાને નંદલાલ બોઝથી માંડીને બેઓહર રામમનોહર સિંહા જેવા શાંતિનિકેતનના કલાકારોએ આર્ટવર્ક્સ તૈયાર કર્યા હતા.

republic day babasaheb ambedkar