ઐતિહાસિક અને શૂરવીરતાની ભૂમિ એટલે રાણી લક્ષ્મીબાઈનું ઝાંસી

13 January, 2019 10:26 AM IST  |  | Darshini Vashi

ઐતિહાસિક અને શૂરવીરતાની ભૂમિ એટલે રાણી લક્ષ્મીબાઈનું ઝાંસી

દાતિયામાં આવેલો વીર સિંહનો ભવ્ય મહેલ, સાત માળના કહેવાતા આ જાયન્ટ મહેલને જોવા જેવો ખરો

ટ્રાવેલ-ગાઇડ

કંગના રનોટ અભિનીત ફિલ્મ ‘મણિકર્ણિકા’ના રિલીઝ થયેલા ટ્રેલરે લાંબા સમય બાદ ફરી વખત ઝાંસી કી રાની લક્ષ્મીબાઈની યાદ તો તાજી કરાવી દીધી જ છે સાથે ઝાંસી શહેરને પણ આપણાં વિસરાઈ ગયેલાં સ્થળોની યાદીમાંથી બહાર કાઢીને તરોતાજા કરી દીધું છે. ઝાંસી ઉત્તર પ્રદેશનું પ્રમુખ શહેર છે તેમ જ ઉત્તર પ્રદેશ ટૂરિઝમના લિસ્ટમાં પણ એ ફેવરિટ ડેસ્ટિનેશન છે. મધ્ય પ્રદેશની બૉર્ડર નજીક હોઈ અહીં આવતા ટૂરિસ્ટોને પણ ઝાંસી આવવાનું સરળ પડે છે, જેથી બન્ને રાજ્યો માટે ઝાંસી ટૂરિઝમનું હૉટ સ્પૉટ છે. ઉત્તર પ્રદેશમાં આવેલાં મોટા ભાગનાં શહેરો ઇતિહાસના પૌરાણિક સમયની સાથે જોડાયેલાં છે. અને એક અલગ જ સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. ઐતિહાસિક અને શૂરવીર શહેર ઝાંસીની મુલાકાતે નીકળીએ એ પહેલાં એના વિશે શૉર્ટમાં માહિતી એકઠી કરી લઈએ.
ઉત્તર પ્રદેશમાં આવેલા બુંદેલખંડમાં પાહુંજ અને બેટવા નદીની વચ્ચે ઝાંસી શહેર વસેલું છે. બન્ને તરફ વહેતી નદી ઝાંસીના કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે, જેને બુંદેલખંડના પ્રવેશદ્વાર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમ જ બુંદેલખંડની સંસ્કૃતિના પ્રતીક તરીકે પણ એની ઓળખ થાય છે. ઝાંસી તેમ જ આસપાસ કિલ્લા અને મહેલ ઉપરાંત અનેક મંદિરો, સ્મારકો અને ઐતિહાસિક સ્થળો આવેલાં છે. ઝાંસી રાણી લક્ષ્મીબાઈ અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામની પ્રથમ લડાઈને કારણે વધુ જાણીતું છે. અહીંનાં મુખ્ય ટૂરિસ્ટ સ્થળોમાં ઝાંસીનો કિલ્લો, રાણીમહેલ, ઝાંસી મ્યુઝિયમ (રાણીમહેલની અંદર છે), બરુઆ સાગરનો કિલ્લો, ગંગાધરની છત્રી, લક્ષ્મીબાઈ મંદિર છે. આ સિવાય અહીં થોડા કિલોમીટરના અંતરે જૈન ધર્મનું પ્રખ્યાત મંદિર કરગુઆં જી જૈન મંદિર અને દેવગઢ આવેલા છે. જો તમે થોડો વધુ સમય લઈને આવ્યા હો તો આ સ્થળોએ લટાર મારવાની મજા આવશે. અહીંની ઑફિશ્યલ ભાષા હિન્દી અને બુંદેલી છે. અત્યાર સુધીના ઇતિહાસમાં ઝાંસીમાં અનેક શાસકો સત્તા પર આવી ચૂક્યા છે તેમ છતાં આજે આ સ્થળ રાણી લક્ષ્મીબાઈના લીધે વધુ ઓળખાય છે એવું કહીએ તો કોઈ અતિશયોક્તિ નથી.

ઝાંસી કિલ્લો

ઈ. સ. ૧૬૧૩ની સાલમાં ઝાંસીના કિલ્લાનું નર્મિાણ ઓરછાના રાજા બીરસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. ૧૫ એકરના વિસ્તારમાં પથરાયેલો આ કિલ્લો શહેરની વચ્ચોવચ્ચ એક પહાડ પર બનાવવામાં આવેલો છે. એવું કહેવાય છે કે ઓરછાના રાજાને અહીં પહાડી પર કિલ્લો બનાવવાનો વિચાર આવ્યો જ્યાંથી સમગ્ર શહેર અને આસપાસના વિસ્તાર પર નજર રાખી શકાય. ઝાંસીનો કિલ્લો રાની લક્ષ્મીબાઈએ અંગ્રેજોની સાથે કરેલા યુદ્ધની સાક્ષી પણ પુરાવે છે. કિલ્લાની ઉપર ગણપતિ અને શંકરનાં મંદિર પણ છે. આ કિલ્લાની દીવાલની જાડાઈ સોળથી વીસ ફીટ જાડી હોવાનું કહેવાય છે, જેના પરથી અંદાજ મેળવી શકાય છે કે કિલ્લો કેટલો મજબૂત હોઈ શકે છે. કિલ્લાની અંદર પ્રવેશવા માટે ૧૦ ગેટ છે, આ કિલ્લાની અંદર કારક બિજલી અને ભવાની શંકરની તોપને પણ સાચવી રાખવામાં આવી છે. આ ઉપરાંત કિલ્લાની એક ઊંચાઈ પરથી ઝાંસીની રાણીએ એના ઘોડાની સાથે છલાંગ લગાવી હતી એ સ્પૉટ પણ અહીં જોવા મળશે. કિલ્લાની અંદર એક મ્યુઝિયમ પણ આવેલું છે, જેની અંદર અલભ્ય કહી શકાય એવી શિલ્પકલાનો બેનમૂન નજારો જોવા મળે છે. તેમ જ બુંદેલખંડના ઇતિહાસને વર્ણવતી વસ્તુઓને પ્રદર્શન માટે મૂકવામાં આવેલી છે. કિલ્લા પર રોજ સાંજે લાઇટ અને સાઉન્ડ શોનું આયોજન કરવા આવે છે, જેમાં રાણી લક્ષ્મીબાઈના જીવનચરિત્ર પર શો દાખવવામાં આવે છે; જેના માટે ટિકિટ લેવી પડે છે. અહીંથી નજીકમાં ગંગાધર રાવ, જે ઝાંસીના છેલ્લા મહારાજા હતા અને રાણી લક્ષ્મીબાઈના પતિ હતા તેમની સમાધિ બનાવવામાં આવી છે, જેનું નામ ગંગાધર રાવ છત્રી છે. ઝાંસીના કિલ્લા અને મહેલની મુલાકાત લેનારા ટૂરિસ્ટો આ છત્રીએ ચોક્કસ ફરી આવે છે.

મ્યુઝિયમ અને રાણીમહેલ

ઝાંસીના કિલ્લાથી થોડાક અંતરે રાણીમહેલ આવેલો છે. આ મહેલ રાણી લક્ષ્મીબાઈના મહેલ તરીકે ઓળખાય છે. આ મહેલનું નર્મિાણ સત્તરમી સદીમાં રઘુનાથ બીજાએ કરાવ્યું હતું. જોકે હવે આ મહેલને એક મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવ્યો છે જેની અંદર ચંદેલાથી માંડીને ગુપ્ત શાસકોના સમયનાં વjાો, હથિયારો, એ સમયનાં લખાણો, સિક્કા, પેઇન્ટિંગ્સ તેમ જ સ્ટૅચ્યુ વગેરે પ્રદર્શન માટે મૂકવામાં આવેલાં છે. આ ઉપરાંત રાણી લક્ષ્મીબાઈની તલવાર, હથિયારો અને અન્ય વસ્તુઓ પણ રાખવામાં આવેલાં છે. આ મહેલ ટ્રેડિશનલ આર્કિટેક્ચર અને અદ્ભુત કારીગરીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ મહેલ જોવો હોય તો દિવસ દરમ્યાન જઈ શકાય છે. સૂર્યાસ્ત બાદ આ મહેલ-કમ-મ્યુઝિયમ ટૂરિસ્ટો માટે બંધ કરી દેવામાં આવે છે.

બુંદેલખંડ

ઝાંસી જે ક્ષેત્રની હેઠળ આવેલું છે એ છે બુંદેલખંડ, જે યમુના નદી, વિંધ્યાચળની પવર્‍તમાળા, બેટવા નદી અને તામસા નદીની વચ્ચે ઘેરાયેલો છે. એની સ્થાપના ૧૪મી સદીમાં થઈ હતી. આમ તો બુંદેલખંડનો વિસ્તાર ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ એમ બન્ને રાજ્યોમાં પ્રસરેલો છે, જેથી અહીં અનેક સ્થળો આવેલાં છે જે જોવાલાયક છે. એમાંનાં મુખ્ય શહેરો ઝાંસી, ખજુરાહો, પન્ના, કાલ્પી, દાતિયા, ચિત્રકુટ, લલિતપુર, હમીરપુર અને છત્તરપુરનો સમાવેશ થાય છે. એમાં ઝાંસી સૌથી મોટું શહેર છે. દરેક શહેર આગવાં આકર્ષણો ધરાવે છે. જેમ ઝાંસી લક્ષ્મીબાઈને લીધે પ્રખ્યાત છે એવી જ રીતે ખજુરાહો એનાં મંદિરો અને એના પર કરવામાં આવેલી ઇરૉટિક શિલ્પકલાને લીધે પ્રખ્યાત છે, જ્યારે પન્ના અહીં આવેલી ડાયમન્ડની ખાણને લીધે પ્રસિદ્ધ છે. આવી રીતે તમામ સ્થળો અલગ-અલગ આકર્ષણ ધરાવે છે. ઝાંસી જવાનું થાય ત્યારે બુંદેલખંડનાં અન્ય સ્થળોએ પણ ફરી આવવું. અહીંની મુખ્ય ભાષા બુંદેલી છે જે લગભગ હિન્દી ભાષા જેવી જ ભાષા છે. જો ચાન્સ મળે તો અહીંનો ટ્રેડિશનલ ડાન્સ માણવાનો મોકો છોડવા જેવો નથી. અહીંના બધાઈ, રાઈ, સાઈરા, જવારા, અકાઈ જેવા પ્રમુખ ટ્રેડિશનલ ડાન્સ જોવાની મજા પડશે.

કરગુઆં જી જૈન મંદિર

કરગુઆં જી જૈન મંદિર ખૂબ જ પ્રખ્યાત જૈન મંદિર છે, જે ઝાંસીથી પાંચ કિલોમીટરના અંતરે આવેલું છે. આ મંદિર ૭૦૦ વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. ૯ એકરની જમીન પર બનેલા આ મંદિરના બેઝમેન્ટની અંદર બ્લૅક સ્ટોનની ૬ મૂર્તિઓ છે. આ મંદિરના નર્મિાણ પાછળની વાર્તા પણ ઘણી રોમાંચક છે. એવું કહેવાય છે કે વર્ષો અગાઉ અહીં રહેતી એક વ્યક્તિને સ્વપ્નમાં એક ચોક્કસ જગ્યાએ જમીનની અંદર મૂર્તિ દટાયેલી હોવાનું દેખાય છે. બીજા દિવસે સવારે આ સ્વપ્નની વાત તે વ્યક્તિ રાજાને કરે છે. રાજાના હુકમથી એ જમીન પર ખોદકામ કરવામાં આવતાં અંદરથી ખરેખર પુરાણી ૬ મૂર્તિઓ મળી આવે છે. ત્યાર બાદ આ સ્થાન પર મંદિર બાંધવામાં આવ્યું હતું. મંદિરની અંદર આ મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરવાની સાથે ભગવાન મહાવીરની એક મોટી મૂર્તિ પણ મૂકવામાં આવેલી છે.

દેવગઢ

ઝાંસીથી ૧૨૩ કિલોમીટરના અંતરે બેટવા નદીના કિનારે દેવગઢ આવેલું છે. અહીં ગુપ્ત વંશના સમયનાં વિષ્ણુ અને જૈન મંદિરો આવેલાં છે. પાંચમી સદીમાં બનેલું વિષ્ણુના દશાવતારનું મંદિર અહીંનું સૌથી પ્રસિદ્ધ મંદિર છે. દેવગઢ સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ થાય છે ભગવાનનું સ્થળ. આ સ્થળનો ઉલ્લેખ ગુપ્ત, ગુર્જર, મુગલ અને અંગ્રેજોના સમયમાં કરવામાં આવેલો છે. અહીં આવેલાં હિન્દુ અને જૈન મંદિરોનું બાંધકામ એ સમયના કારીગરોની ઉચ્ચ ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે. ૨૦૦૦ શિલ્પકૃતિનો એક જ સ્થળે સંગ્રહ ધરાવવાની સાથે દેવગઢ વિશ્વનું એકમાત્ર સ્થળ છે. છઠ્ઠી સદીની આસપાસના સમયની કહેવાતી એવી સિદ્ધા કી ગુફા ઘાટઘૂટ વગરના પથ્થરોને તોડીને બનાવવામાં આવેલી છે. આ સિવાય અહીંથી થોડે દૂર બેટવા ઘાટીમાં મુચ્છકુંડ ગુફા સ્થિત છે. વર્ષો અગાઉ સંત મુચ્છકુંડ અહીં તપસ્યા કરવા માટે આવતા હોવાથી આ સ્થળનું નામ મુચ્છકુંડ પડી ગયું હતું. કહેવાય છે કે મહાભારતના સમયમાં શ્રીકૃષ્ણ અહીં આવતા હતા. આ સિવાય પૌરાણિક જૈન મંદિરો છે, જેની દીવાલો પર જૈન ધર્મની પૌરાણિક કથાઓનું ચિત્રણ કરવામાં આવેલું છે. એવું કહેવાય છે કે એક સમયે આ શહેર જૈન ધર્મનું મહત્વનું સ્થળ હતું. તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ અહીં જૈનનાં ૩૧ મંદિરો આવેલાં છે. અહીં એક રસપ્રદ સંગ્રહાલય પણ બનાવવામાં આવેલું છે જેમાં આસપાસના વિસ્તારોમાંથી મળી આવેલી મૂર્તિઓને મૂકવામાં આવેલી છે. આવું જ એક સંગ્રહાલય અહીં આવેલા જૈન ભવનમાં બનાવવામાં આવેલું છે. જૈન ધર્મની સાથે જોડાયેલી તમામ વસ્તુઓ, ચિત્રો અને મૂર્તિઓનો સંગ્રહ કરવામાં આવેલો છે. જૈન મંદિરની નજીક એક પહાડી પર બુદ્ધની અને તેમના જીવનકાળને સાંકળતી સુંદર છબીઓને અહીં આકારવામાં આવી છે જેને જોવાનું ગમશે. આટલું ઓછું હોય એમ દેવગઢના ગાઢ જંગલમાં નીલકંઠેશ્વરનું મંદિર આવેલું છે જેનું નર્મિાણ ચંદેલા શાસન દરમ્યાન કરવામાં આવ્યું હતું.

દતિયા

ઝાંસીથી ૨૮ કિલોમીટરના અંતરે મધ્ય પ્રદેશમાં આવેલા દતિયામાં રાજા વીરસિંહે ઈ. સ. ૧૬૧૪માં સાત માળનો વેભવી મહેલ બંધાવ્યો હતો જે ઉત્તર ભારતના સૌથી સુંદર મહેલમાંનો એક ગણાય છે; જેને જોવા માટે ટૂરિસ્ટો છેક અહીં સુધી ખેંચાઈ આવે છે મહેલની અંદર આકર્ષક ચિત્રકામ, સુંદર અને કલાત્મક કલાકૃતિઓ, મનમોહક સજાવટ ટૂરિસ્ટોનું મન મોહી લે છે. આ પૅલેસની ટોચ પરથી આખું દતિયા જોવા મળે છે. આ સિવાય અહીં આવેલું શ્રી પીતમ્બરાદેવીનું મંદિર પણ એટલી જ પ્રસિદ્ધિ ધરાવે છે. એક સમયે આ શહેર અનાજ અને કપાસના વેપારના મુખ્ય મથક તરીકે ઓળખાતું હતું.

ક્યારે અને કેવી રીતે જશો?

ઝાંસી અને એની આસપાસનો વિસ્તાર પથરાળ હોવાને લીધે અહીં ગરમીનું પ્રમાણ વધુ રહે છે, જેથી અહીં ફરવા માટેનો શ્રેષ્ઠ સમય ઉનાળા સિવાયનો કહી શકાય છે. ઝાંસી શહેર ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં આવેલા મુખ્ય રસ્તાને જોડતો હોવાથી અહીં આવવા માટે લાંબું પ્લાનિંગ કરવાની જરૂર નથી. જો હવાઈ માર્ગથી અહીં આવવાનું વિચારતા હો તો ગ્વાલિયર સૌથી નજીકનું ઍરર્પોટ છે, જે અહીંથી ૧૧૦ કિલોમીટરના અંતરે આવેલું છે. આ સિવાય ખજુરાહો ઍરર્પોટ પણ અહીંથી લગભગ ૧૭૭ કિલોમીટરના અંતરે આવેલું છે. ઝાંસી પહોંચવા માટે રેલમાર્ગ પણ સરળ છે જે મોટે ભાગે તમામ મહત્વનાં સ્ટેશનોને જોડે છે. ઝાંસી પણ રેલવે-સ્ટેશન છે અને સૌથી વ્યસ્ત સ્ટેશનોમાંનું એક સ્ટેશન પણ ગણાય છે. નૅશનલ હાઇવે ૨૫ અને ૨૬ ઝાંસીને જોડે છે. આ સિવાય મુખ્ય શહેરોને પણ આ માર્ગ જોડે છે.

અહીંની કઈ ડિશ ટ્રાય કરવા જેવી છે?

સાધારણ રીતે આપણે કશે પણ જઈએ ત્યારે આપણે ત્યાંની ફેમસ ગણાતી હોય એવી વાની અચૂક ટ્રાય કરતા હોઈએ છીએ. ઝાંસીમાં બેસન કે આલૂ, રસ ખીર, આમલા કઢી, હિંગોરા જેવી વાની ફેમસ છે.

શૉપિંગ ટાઇમ

ભાગ્યે જ કોઈ ગુજરાતી હશે જે ફરવા જાય ત્યારે શૉપિંગ નહીં કરતા હોય. ઝાંસીમાં સદર બજાર, સિપ્રિ બજાર અને માણિકચોક શૉપિંગ કરવા માટે ફેમસ છે જ્યાંથી અહીંની યાદગીરી સ્વરૂપે હૅન્ડિક્રાફ્ટની વસ્તુઓ તેમ જ લોકલ સ્વીટ ખરીદી શકો છો.