ખુદને અનુકૂળ હોય એ જ અદાલતમાં પગલું લેવાની કોઈ વેપારી તમને ફરજ ન પાડી શકે

22 December, 2012 11:10 AM IST  | 

ખુદને અનુકૂળ હોય એ જ અદાલતમાં પગલું લેવાની કોઈ વેપારી તમને ફરજ ન પાડી શકે


(ગ્રાહક હેલ્પલાઇન - જહાંગીર ગાય)


બૅકડ્રૉપ : 

વેપારીઓ અને સર્વિસ પ્રોવાઇડર્સ મોટા ભાગે તેમના બિલ પર સર્વસામાન્ય કલમ છાપતા હોય છે કે કોઈ પણ વિવાદ કે તકરાર થાય તો એ માટેની ર્કોટની હકૂમત ચોક્કસ સ્થળે જ થશે. આવી કલમો બંધનકર્તા નથી એવો કૉસમોસ ઇન્ફ્રા એન્જિનિયરિંગ લિમિટેડ (પહેલાંનું નામ - કૉસમોસ બિલ્ડર્સ ઍન્ડ પ્રમોટર્સ લિમિટેડ) વર્સિસ સમીર સક્સેનાનો કેસ અને એને લગતી બાબતોના આધાર પર ૨૦૧૨ની રિવિઝન પિટિશન નં. ૩૧૧૭નો ચુકાદો તાજેતરમાં જ નૅશનલ કમિશને ૧૨-૧૨-’૧૨એ આપ્યો.

કેસ-સ્ટડી : 

કૉસમોસ દ્વારા બંધાયેલા ગુડગાંવના પાલમ વિહારમાં ઘણા લોકોએ કૉસમોસ એક્ઝિક્યુટિવ મજલા પર તેમના ફ્લૅટ નોંધાવ્યા હતા. આ ફ્લૅટ્સના વેચાણ માટે બિલ્ડરે કરાર કર્યા હતા. કરારમાં નોંધાયેલી શરતો, નિયમો અને સ્પષ્ટીકરણ પ્રમાણે બાંધકામ કરવામાં આવશે એવું જણાવવામાં આવ્યું હતું. કરારમાં ફ્લૅટનો કબજો સપ્ટેમ્બર, ૨૦૦૬માં અપાશે એવું પણ જણાવવામાં આવ્યું હતું. જોકે ફ્લૅટ ખરીદદારોને ફક્ત પરમિસિવ પઝેશન જ આપવામાં આવ્યું. ફ્લૅટનો કબજો લીધા બાદ ખરીદદારોને એવું જાણવા મળ્યું હતું કે બિલ્ડરે સાઇટ યોજના બદલી લીધી હતી અને ફ્લૅટ ખરીદનારને અપાયેલા કબજા પ્રમાણે લેઆઉટમાં પણ ફેરફાર થયો હતો. એ ઉપરાંત બીજી પણ એક બાબત ધ્યાનમાં આવી હતી કે ફ્લૅટના બાંધકામ માટે વપરાયેલી સાધનસામગ્રી સાધારણ કક્ષાની હતી. એમાં અનેક પ્રકારની ખામીઓ હોવાની સાથે ફ્લૅટમાં અનેક ભૂલો હતો જેને પરિણામે ફ્લૅટ ખરીદનારને ભયંકર પજવણી, માનસિક યાતના અને આર્થિક નુકસાની ભોગવવી પડી હતી. અમુક ફ્લૅટ ખરીદનારાઓએ આ બાબતસર વ્યક્તિગત રીતે ગુડગાંવ ડિસ્ટ્રિક્ટ ફોરમમાં નુકસાન, માનસિક યાતના, તકલીફ ઉપરાંત કબજો મેળવવામાં થયેલા વિલંબ સામે વળતર મેળવવા માટેની ફરિયાદ નોંધાવી.

સામે પક્ષે બિલ્ડરે આ ફરિયાદ સામે સેવા આપવા છતાં સ્વબચાવ ન કર્યો અને કોઈ પણ પ્રકારનો જવાબ આપવાની દરકાર સુધ્ધાં ન કરી એટલે ડિસ્ટ્રિક્ટ ફોરમે એક્સ-પાર્ટી કરી આગળ વધવાનો નિર્ણય કર્યો. આ વિવાદની ફરિયાદ પ્રાદેશિક અધિકારક્ષેત્રમાં નથી આવતી, કારણ કે કરાર પર જણાવ્યા મુજબ એ માટેનો નિવેડો લાવવાનો અધિકાર ફક્ત દિલ્હી ર્કોટને છે એવું કહી આર્યજનક રીતે ફોરમે આ ફરિયાદને ફગાવી દીધી. આ મુજબ ફોરમે ફ્લૅટ ખરીદનારાઓને પોતાની ફરિયાદ સક્ષમ અધિકારક્ષેત્ર પાસે લઈ જવાની સ્વતંત્રતા આપી.

નારાજ થયેલા ફ્લૅટ ખરીદદારોએ આ ફરિયાદની સામે પડકાર ફેંક્યો અને એ બાબતસરની અપીલ હરિયાણા સ્ટેટ કમિશનમાં નોંધાવી, પણ બિલ્ડરને કોઈ પણ પ્રકારની આગવી નોટિસ મોકલાવ્યા વગર જ સ્ટેટ કમિશને ફરિયાદની ગુણવત્તાને આધારે એને ફરી પાછી ડિસ્ટ્રિક્ટ ફોરમ પાસે ફેંસલો કરવા મોકલી આપી. દુભાયેલા બિલ્ડરે આ પડકાર સામે નૅશનલ કમિશનમાં જઈ ફરિયાદ નોંધાવી. બિલ્ડરને કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર જ આ બાબતનો નિર્ણય લઈ લેવો અથવા તો એને કોઈ પણ વાત કહેવાનો મોકો આપ્યા વગર તેમ જ અવલોકન કર્યા વગર જ સ્ટેટ કમિશને ચુકાદો કરી દેવો એ કુદરતી ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. આ નિરીક્ષણ પર નૅશનલ કમિશને અસરગ્રસ્ત પક્ષોને પોતાની વાત કહેવાની તક આપ્યા પછી જ સ્ટેટ કમિશને ફરીથી ચુકાદો નક્કી કરવો એવું જણાવ્યું.

બિલ્ડરે દલીલ કરી કે ફ્લૅટના વેચાણ વિશે થયેલા કરારમાં ચોખ્ખે-ચોખ્ખો ઉલ્લેખ કરાયેલો છે કે આ બાબતનું અધિકારક્ષેત્ર દિલ્હી ર્કોટ સાથે જ છે એવું ખરીદદારોએ માન્ય રાખવું પડશે એટલે ગુંડગાંવ ગ્રાહક ફોરમમાં કરાયેલી આ ફરિયાદ યોગ્ય નથી. એ ઉપરાંત બિલ્ડરની ઑફિસ પણ દિલ્હીસ્થિત જ છે અને એની કોઈ પણ શાખા હરિયાણામાં નથી એટલે હરિયાણા ર્કોટમાં ફરિયાદ કરવાનો કોઈ અર્થ નથી.

કરારમાંની બીજી કલમોને અવગણીને ફક્ત આ એકમાત્ર કલમને વાંચી એનો આધાર ન લઈ શકાય એવું અવલોકન કર્યા બાદ સ્ટેટ કમિશને આ દલીલને નકારી દીધી. કરારમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે હરિયાણા અપાર્ટમેન્ટ ઑનરશિપ ઍક્ટ, ધ હરિયાણા અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી ટાઉન અને કન્ટ્રી પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ અથવા તો કોઈ પણ અન્ય વૈધાનિક ઑથોરિટી તમામ કાયદા, નીતિ અને નિયમોને અવલોકવામાં આવશે. આ જોગવાઈઓને જોતાં અને પ્રૉપર્ટી ગુડગાંવસ્થિત હોવાને લીધે ગુડગાંવ ડિસ્ટ્રિક્ટ ફોરમનું અધિકારક્ષેત્ર આ વિવાદ બાબતે નિર્ણય કરી શકશે. એટલે કમિશને જણાવ્યું કે ફક્ત કરારમાંની એકમાત્ર કલમને આધારે બન્ને પક્ષને દિલ્હી ર્કોટમાં લઈ જવાનું યોગ્ય નથી. જ્યારે ફોરમ એક કરતાં વધુ પ્રાદેશિક અધિકારક્ષેત્ર ધરાવે છે ત્યારે વ્યક્તિગત પક્ષ કોઈ પણ ફોરમમાં જઈ શકે પણ કાયદાની વિરુદ્ધના અધિકારક્ષેત્રની બહાર જઈ શકતો નથી.

આ આદેશ સામે બિલ્ડરે રિવિઝન પિટિશન ફાઇલ કરી અને નૅશનલ કમિશનની મદદ માગી. નૅશનલ કમિશને સ્ટેટ કમિશનનાં કારણોને ધ્યાનમાં લઈ આ રિવિઝન પિટિશન ફગાવી દીધી અને પ્રત્યેક પિટિશનદીઠ પાંચ હજાર રૂપિયા લેખે કુલ મળીને નવ પિટિશનના પિસ્તાળીસ હજાર રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો અને આ રકમ આદેશનાં આઠ અઠવાડિયાંમાં ચૂકવી દેવાનું જણાવ્યું અને જો કોઈ કારણસર આ રકમ આપવામાં વિલંબ થાય તો વાર્ષિક નવ ટકાને દરે વ્યાજ ચૂકવવાનું ઠેરવવામાં આવ્યું.

ઇમ્પૅક્ટ : 

એક વેપારી અથવા સેવા આપનાર સર્વિસ પ્રોવાઇડર ખુદને અનુકૂળ હોય એ અદાલતમાં જ પગલું લેવાની તમને ફરજ પાડી નથી શકતો. જ્યારે ર્કોટ અથવા ફોરમ એક કરતાં વધુ અધિકારક્ષેત્ર ધરાવતું હોય ત્યારે એક ફરિયાદી તરીકે તમારો કેસ ક્યાં ફાઇલ કરવો એ પસંદગી કરવાનો અધિકાર તમને છે.