સમન્વયથી જ સત્યનો પ્રકાશ થઈ શકે છે

17 November, 2019 12:56 PM IST  |  Mumbai

સમન્વયથી જ સત્યનો પ્રકાશ થઈ શકે છે

ભારત વર્ષમાં દાર્શનિક વિચારધારાનો જેટલો વિકાસ થયો છે એટલો વિકાસ વિશ્વના કોઈ દેશમાં જોવા મળશે નહીં. ભારત એ દર્શનની ભૂમિ છે. અહીં વિવિધ દર્શનોની ભિન્નભિન્ન વિચારધારા કોઈ પણ પ્રકારના પ્રતિબંધ કે નિયંત્રણ વિના પ્રગતિ કરી રહી છે. ભારતના બધા પ્રાચીન દર્શનોનો પરિચય આપવામાં આવે તો આ લેખ ઘણો વિસ્તૃત થાય તેમ છે. તેથી અહીં સંક્ષિપ્તમાં ભારતના પ્રાચીન પાંચ દાર્શનિક દર્શનોનો પરિચય આપવો વધુ ઇષ્ટ જણાય છે. આ પાંચ દર્શનો આ પ્રમાણે છે : (૧) કાલવાદ, (૨) સ્વભાવવાદ, (૩) કર્મવાદ, (૪) પુરુષાર્થવાદ અને (૫) નિયતિવાદ. આ પાંચે દર્શનોનો આપસ આપસમાં ભયંકર સંઘર્ષ છે. પ્રત્યેક દર્શન એકબીજાનું ખંડન કરી કેવલ પોતાના દ્વારા જ કાર્યસિદ્ધિ શક્ય હોવાનો દાવો કરતાં રહ્યાં છે. ભગવાન મહાવીરના સમયમાં પણ દર્શનોનું અસ્તિત્વ હતું અને આજે પણ દર્શનોને માનનારા લોકો ભારતમાં સારી એવી સંખ્યામાં છે.
(૧) કાલવાદ : આ દર્શન ઘણું પ્રાચીન છે. તે કાલને જ વધુ મહત્ત્વ આપે છે. તેનું કહેવું છે કે સંસારમાં જે કાર્ય થઈ રહ્યું છે તે બધુ કાલના પ્રભાવથી થઈ રહ્યું છે. કાળ વિના સ્વભાવ, કર્મ પુરુષાર્થ અને નિયતિ કંઈ પણ કરી શકતી નથી. એક વ્યક્તિ પાપ અગર પુણ્યનું કાર્ય કરે છે તે જ સમયે તેનું ફળ મળતું નથી. સમય થયા પર જ તેને તેનાં સારાં કે ખરાબ કામનું ફળ મળે છે. ઉદાહરણ તરીકે એક બાળકનો આજે જન્મ થાય છે. તેને તમે ચલાવો તો તે ચાલી શકશે નહીં, બોલાવો તો તે બોલી શકશે નહીં. સમય થયા પર જ તે ચાલી શકશે, બોલી શકશે. આંબાનું બીજ તમે આજે જ વાવ્યું છે તે આજને આજ વૃક્ષ થશે નહીં અને આજને આજ તેના ફળોનો રસાસ્વાદ તમે માણી શકશો નહીં. વર્ષો બાદ જ તમને આમ્રફળની પ્રાપ્તિ થઈ શકશે. માણસ સ્વયં કશું જ કરી શકતો નથી. સમય પાક્યેથી જ સર્વ કાર્ય થાય છે એ જ કાળનો મહિમા છે.
(૨) સ્વભાવવાદ : સ્વભાવવાદનું દર્શન ઓછું વજનવાળું નથી. તે પણ પોતાના સમર્થનમાં ઘણા સારા તર્ક ઊભા કરે છે. સ્વભાવવાદનું કહેવું છે કે સંસારમાં જે કંઈ કાર્ય થઈ રહ્યું છે તે બધું વસ્તુઓના પોતાના સ્વભાવના પ્રભાવથી જ થઈ રહ્યું છે. સ્વભાવ વિના કાલ, કર્મ, નિયતિ વગેરે કશું કરી શકે નહીં. કેરીની ગોટલીમાં આમ્રવૃક્ષ હોવાનો સ્વભાવ છે અને તે કારણે માળીનો પુરુષાર્થ સફળ થાય છે અને સમય પર વૃક્ષ તૈયાર થઈ જાય છે. જો કાળ બધું જ કરી શકે તેમ હોય તો શું લીંબોળીમાંથી આમ્રવૃક્ષ બનાવી શકે? તે શક્ય જ નથી. સ્વભાવનું બદલવું મુશ્કેલ જ નહીં અસંભવિત છે. લીમડાનાં વૃક્ષને સાકર અને ઘીથી સીંચવા છતાં તે મધુર બની શકવાનું નથી. દહીંમાં વલોવવાથી જ માખણ નીકળે છે, પાણીમાંથી નહીં, કારણકે દહીંમાં જ માખણ આપવાનો સ્વભાવ છે. અગ્નિનો સ્વભાવ ગરમ છે, પાણીનો સ્વભાવ શીતલ છે. પ્રત્યેક વસ્તુ પોતાના સ્વભાવ અનુસાર કાર્ય કરે છે. સ્વભાવની પાસે વિચાર, કાળ વગેરે શું કરી શકે?
(૩) કર્મવાદ : કર્મવાદનું દર્શન તો ભારત વર્ષમાં ઘણું ચિરપરિચિત દર્શન છે. આ એક પ્રબ‍ળ દાર્શનિક વિચારધારા છે. કર્મવાદનું કહેવું છે કે કાલ, સ્વભાવ, પુરુષાર્થ વગેરે બધું નગણ્ય છે. સંસારમાં સર્વત્ર કર્મનું જ સામ્રાજ્ય એકીચક્રે ચાલે છે. ઉદાહરણ તરીકે એક માતાના ઉદરમાંથી એક સાથે બે બાળકનો જન્મ થાય છે. તેમાં એક બાળક બુદ્ધિમાન થાય છે અને બીજો મૂર્ખ છે. એક જ માતાના બે સંતાનોમાં આવો ભેદ શા માટે? તેનું કારણ સ્પષ્ટ છે કે મનુષ્યના નાતે સમાન હોવા છતાં કર્મના કારણે તેમ થયું. મોટા મોટા વિદ્વાનો, બુદ્ધિમાનો ભૂખે મરે છે અને ધૂર્ત અને કપટી લોકો સુખચેનથી જીવે છે. એકને માગવા છતાં ભીખ મળતી નથી, બીજાને રોજના બત્રીસ જાતનાં ભોજન મળે છે. એકના શરીર પર ચીથરેહાલ કપડાં છે, તો બીજાના અંગ પર રોજેરોજ નવાનક્કોર કીમતી કપડાં જોવા મળે છે. ત્યારે પ્રશ્ન થાય છે કે આ બધું શું છે? તેનો જવાબ એ જ છે કે આ બધી કર્મની જ લીલા છે. જે રાજાને રંક અને રંકને રાજા બનાવે છે. એથી જ આપણા ચિંતકોએ ‘કર્મની ગતિ ગહન છે’ એ ઉક્તિ પર વિશેષ ભાર આપ્યો છે.
(૪) પુરુષાર્થવાદ : પુરુષાર્થવાદનું આ સંસારમાં મહત્ત્વ જરા પણ ઓછું નથી. પ્રાચીનકાળથી પુરુષાર્થવાદના દર્શનને લોકોએ ગંભીરતાથી લક્ષમાં લીધું નથી, અને કર્મ, સ્વભાવ, કાળ વગેરેને વધુ મહત્ત્વ આપ્યું છે, પરંતુ પુરુષાર્થવાદનું કહેવું છે કે પુરુષાર્થ વિના સંસારનું એક પણ કાર્ય સિદ્ધ થઈ શકે નહીં. સંસારમાં જ્યાં જ્યાં કાર્ય થતું દેખાય છે ત્યાં ત્યાં તેના મૂળમાં પુરુષાર્થ જ છુપાયો છે. કાલ કહે છે કે સમય આ‍વ્યેથી જ બધું કાર્ય થાય છે પરંતુ તે સમયે પણ તેમાં પુરુષાર્થ ન હોય તો તે કાર્ય સફળ થાય ખરું? કેરીની ગોટલીમાં આમ્રવૃક્ષ પેદા કરવાનો સ્વભાવ છે, પરંતુ પુરુષાર્થ વિના તે ગોટલીને ઘરમાં એક બાજુ મૂકી રાખવાથી આમ્રવૃક્ષ મળી જશે ખરું? સંસારમાં મનુષ્યે જે ઉન્નતિ કરી છે તે પોતાના પ્રબળ પુરુષાર્થ દ્વારા કરી છે. આજનો મનુષ્ય આકાશમાં ઊડી રહ્યો છે, અગાધ ઊંડા પાણીમાં તરી રહ્યો છે, ઊંચા પહાડોને સર કરી રહ્યો છે, વિશ્વની અજાયબી સમી અનેકાનેક વૈજ્ઞાનિક શોધો કરી રહ્યો છે. શું તે બધામાં તેનો અપ્રતિમ પુરુષાર્થ છુપાયેલો નથી?
(૫) નિયતિવાદ : આ દર્શન ગંભીર દર્શન છે. પ્રકૃતિના અટલ નિયમોને નિયતિ કહેવામાં આવે છે. નિયતિવાદનું કહેવું છે કે આ સંસારમાં જેટલાં કાર્ય થાય તે બધાં નિયતિને આધીન થાય છે. સૂર્યનો ઉદય પૂર્વમાં જ થાય છે, પશ્ચિમમાં કેમ નહીં ? કમળ પાણીમાં જ ઉત્પન્ન થાય છે, પથ્થરની શીલા પર કેમ નહીં? આ બધા પ્રશ્નોનો ઉત્તર એ જ છે કે પ્રકૃતિનો જે નિયમ છે તે બદલી શકાતો નથી. જો તે બદલી શકાય તો જગતમાં પ્રલય જ થઈ જાય. સૂર્ય પશ્ચિમમાં ઊગવા લાગે, અગ્નિ શીતલ થઈ જાય, ઘોડા-ગધેડા આકાશમાં ઊડવા લાગે અને તો પછી આ સંસારમાં કોઈ વ્યવસ્થા જ ન રહે. પ્રકૃતિના અટલ સિદ્ધાંતની સામે અન્ય સિદ્ધાંતો તુચ્છ છે. કોઈ પણ વ્યક્તિ પ્રકૃતિની વિરુદ્ધ જઈ શકે નહીં. તેથી જ નિયતિ મહાન છે.
ઉપરના પાંચેય દર્શનો એકબીજાનું ખંડન-મંડન કરે છે અને તેથી લોકોમાં અનેક પ્રકારની ભ્રાંતિઓ ઉત્પન્ન થતી રહે છે. ભગવાન મહાવીરે એથી સ્પષ્ટ જણાવ્યું છે કે આ પાંચે વાદ પોતપોતાના સ્થાન પર ભલે રહ્યા, પરંતુ આ સંસારમાં જે કાર્ય થાય છે તે આ પાંચેય વાદોના સમન્વયથી જ થાય છે. અેકની શક્તિથી જ આ કાર્ય થાય છે તે સત્ય નથી. બુદ્ધિમાન મનુષ્યે આગ્રહ છોડી સમન્વય કરતાં અવશ્ય શીખવું જોઈએ. સમન્વય વિના કોઈ કાર્યમાં સફળતા મેળવી શકાય નહીં. ભગવાન મહાવીરનું આ કથન પૂર્ણત: સત્ય છે. જેવી રીતે માળી બગીચામાં કેરીની ગોટલી વાવે છે. અહીં પાંચ કારણોનાં સમન્વયથી જ આમ્રવૃક્ષ ઊગે છે. કેરીની ગોટલીમાં આમ્રવૃક્ષ પેદા કરવાનો સ્વભાવ છે. પરંતુ તેને વાવવા માટે અને વાવીને તેની રક્ષા માટે પુરુષાર્થ ન હોય તો શું થાય? વાવવાનો પુરુષાર્થ પણ કરી લીધો પરંતુ નિશ્ચિત કાલ વિના આમ્રવૃક્ષ ઝટપટ થોડું તૈયાર થવાનું છે? કાલની મર્યાદા પૂરી થયા પછી પણ શુભ કર્મ અનુકૂળ નથી તો આમ્રવૃક્ષ થશે જ નહીં, ક્યારેક ક્યારેક કિનારે આવેલું વહાણ પણ ડૂબી જાય છે. હવે રહી નિયતિની વાત. તો આમ્રવૃક્ષના બીજથી આમ્રવૃક્ષ થાય તે પ્રકૃતિનો નિયમ છે તેને કોઈ બદલી શકે નહીં. તેથી જૈન દર્શનના અનેકાંત સિદ્ધાંત મુજબ સમન્વયથી જ સત્યનો પ્રકાશ થઈ શકે અને આત્મા શુદ્ધ, બુદ્ધ અને મુક્ત બની શકે.

weekend guide