સંગીતસંધ્યામાં કંઈક જુદું કરવું હોય તો જમાવી દો ડાયરાની રંગીન મહેફિલ

25 January, 2020 04:31 PM IST  |  Mumbai | Arpana Shirish

સંગીતસંધ્યામાં કંઈક જુદું કરવું હોય તો જમાવી દો ડાયરાની રંગીન મહેફિલ

રશિયન ડાન્સનો શો.

લગ્નમાં પરિવારના બધા જ સભ્યો દિલ ખોલીને એન્જૉય કરી શકે એવો પ્રસંગ એટલે સંગીતસંધ્યા. બધાને ડાન્સ કરવાનો અને પોતાની ટૅલન્ટ દેખાડવાનો મોકો મળે. જોકે હવે લોકો ‘બોલે ચુડિયાં’ અને ‘રાધા ઑન ધ ડાન્સ ફ્લોર’ જેવાં બૉલીવુડનાં રિપીટેડ ગીતો પર ડાન્સ કરીને કંટાળી ગયા છે. જોકે કેટલોક વર્ગ હજીયે આ જ ડાન્સ-પર્ફોર્મન્સ નાઇટને સંગીતસંધ્યા માને છે. જોકે કેટલોક વર્ગ આગળ વધીને કંઈક નવું કરવા માગે છે. આવામાં વેડિંગ-પ્લાનરો કેવા નવા-નવા કન્સેપ્ટ લાવે છે એ જોઈએ.

મ્યુઝિક ઇઝ મસ્ટ

સંગીતસંધ્યામાં હવે ડાન્સ-પર્ફોર્મન્સ ઓછા થઈ રહ્યા છે એવું જણાવતાં બ્રાઇટ કૅન્ડલ ઇવેન્ટની વેડિંગ-પ્લાનર બેલા ભટ્ટ કહે છે, ‘આજે લોકોને લગ્નની સંગીત નાઇટમાં થોડું હળવું અને કોઝી વાતાવરણ પસંદ છે. ડાન્સ નહીં હોય તો ચાલે, પણ મ્યુઝિક મસ્ટ છે. ધૂમધડાકાવાળી ડાન્સ પાર્ટીઓ કરતાં લાઇવ બૅન્ડ મ્યુઝિક, સ્ટૅન્ડઅપ કૉમેડિયનનો પર્ફોર્મન્સ, લાઇવ ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક, ડાયરો, પરિવારના સભ્યો એકબીજાના અનુભવો જુદી જ રીતે શૅર કરે એવા ઍક્ટ્સ, વેડિંગ થીમના લેસર શો વગેરે આજની તારીખમાં વધુ પસંદ કરવામાં આવી રહ્યું છે. એ સિવાય રશિયન ડાન્સ આર્ટિસ્ટના પર્ફોર્મન્સ પણ લોકો પસંદ કરે છે. આવી સંગીતસંધ્યાનો ઉદ્દેશ એટલો જ કે બધી જ વયજૂથના મહેમાનો બેસીને આ બધું માણી શકે. વળી ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક અને લાઇવ બૅન્ડ કંઈ બોરિંગ નથી હોતાં. એમાં આર્ટિસ્ટો યોગ્ય રીતે ફૅમિલીના મેમ્બર્સ અને બાકીના મહેમાનોને પણ ઇન્વૉલ્વ કરી સરસ ઇન્ટરેક્ટિવ સંગીત પાર પાડે છે જેથી લોકોને પણ મજા આવે અને બાળકોથી લઈને, યંગસ્ટર્સ અને વડીલો પણ સંગીતસંધ્યા એન્જૉય કરે.’

ઈન્ટરનૅશનલ ફીમેલ મ્યુઝિક શો.

રેટ્રોથી મેટ્રો

સંગીતસંધ્યામાં ડાન્સ ઓછા જરૂર થયા છે, પણ ખાસ્સો કોઈ બદલાવ આવ્યો નથી એવું જણાવતાં બામ્બુ બીટ્સ ફેમ મ્યુઝિશ્યન ગિરીશ મહેતા કહે છે, ‘હજીયે લાઈવ શો હોય ત્યાં બૉલીવુડ લોકોને પસંદ છે. બૉલીવુડમાં જોકે બધા વયજૂથને રસ પડે એટલે ‘રેટ્રોથી મેટ્રો’ના કન્સેપ્ટ પ્રમાણે જૂનાં અને નવાં ગીતોના

મૅશ-અપ ગાવામાં આવે છે. મહેમાનોની ડિમાન્ડ પ્રમાણે ગુજરાતી ગીતો પણ હોય. પહેલાંની જેમ સંગીતસંધ્યાઓ હવે અડધી રાત સુધી કે રાતભર ચાલી શકતી નથી, જેને કારણે બૅન્ક્વેટ હૉલમાં આર્ટિસ્ટો અને બૅન્ડની સાઇઝ બધું જ ઘટાડી કૉમ્પેક્ટ સંગીતસંધ્યા કરવી પડે છે. ત્યારે બે કે ત્રણ કલાકમાં બની શકે એટલાં ગીતો સમાવીને પ્રોગ્રામ યોજવામાં આવે છે.’

ડાયરામાં ડૉ. રણજિત વાંક

જલતરંગ અને ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક

સંગીતસંધ્યા હોય એટલે મ્યુઝિક તો મસ્ટ છે અને કેટલાંક મ્યુઝિકપ્રેમી કપલ્સ અને પ્રેમીઓ આ સંગીતનો ટચ પોતાનાં લગ્નના પ્રસંગોમાં પણ આપે છે. આ વિશે વધુ વાત કરતાં ગિરીશભાઈ કહે છે, ‘જો ડાન્સ કરવાનો ઇરાદો ન હોય કે લાઇવ બૉલીવુડ ગીતોવાળાં બૅન્ડ પણ પસંદ ન હોય તો જલતરંગ સંગીતની મહેફિલ રંગ જમાવે છે. ઑડિયન્સ એન્જૉય કરે એટલે આર્ટિસ્ટોને પણ મજા આવે. જોકે આ જલતરંગ પર પણ ટ્રેડિશનલ કે શાસ્ત્રીય સંગીતને બદલે બૉલીવુડનાં લોકપ્રિય ગીતો જ વગાડવામાં આવે છે. આવા પ્રોગ્રામ એ માટે આયોજવામાં આવે છે કે સંગીતસંધ્યા વખતે લોકો ડિનર કરતાં-કરતાં મહેફિલ માણી શકે.’

જલતરંગ સિવાય ફૉરેનર ફીમેલ મ્યુઝિક આર્ટિસ્ટની પણ ખૂબ ડિમાન્ડ છે. વાયોલિન, સિતાર, સેક્સોફોન જેવાં ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર ફૉરેનર આર્ટિસ્ટો આપણી ઇન્ડિયન થીમનું મ્યુઝિક સંભળાવે એટલે મેહફિલ તો જામવાની જ.

ડાયરાની રંગત

સંગીતમાં સૌરાષ્ટ્ર અને કચ્છના સાહિત્યના રસિયાઓને ડાયરાનો રંગ ચડ્યો છે. ડાયરો જોકે માણી શકે એવા સાહિત્યપ્રિય મહેમાનો પણ દરેક મહેફિલમાં નથી હોતા. તોયે મુંબઈના ગુજરાતીઓમાં હવે લગ્નની સંગીતસંધ્યા તરીકે ડાયરો લોકપ્રિય થઈ રહ્યો છે. આ વિશે વાત કરતાં ડાયરારસિકોના જાણીતા એવા રણજિત વાંક કહે છે, ‘દીકરાનાં લગ્ન હોય તો દીકરાના પરિવારના બીજા સભ્યો સાથેના સંબંધો અને દીકરા વિશેની વાતો તેમ જ લોકગીતો ગાવામાં આવે છે. એ જ રીતે દીકરીનાં લગ્ન હોય તો બાપ-દીકરીના સંબંધોની લાગણી લોકગીતો દ્વારા ડાયરામાં રજૂ કરવામાં આવે છે. અહીં ડાયરો ફક્ત વડીલો કે મોટી ઉંમરના જ માણે એવું નથી, જેનાં લગ્ન હોય તેને પણ એ રીતે ડાયરામાં ઇન્વૉલ્વ કરવામાં આવે કે હવે યંગ જનરેશનને પણ ડાયરો પસંદ પડી રહ્યો છે. કચ્છી ફૅમિલી હોય તો ગીતો વચ્ચેના સંવાદોની રજૂઆત કચ્છી ભાષામાં કરવામાં આવે છે.’

કુલ ડાયરાનો પ્રોગ્રામ ત્રણ કલાકનો હોય છે જેમાં બેથી અઢી કલાકનો ડાયરો અને છેલ્લો અડધો કલાક એ જ ડાયરા પર રાસ-ગરબાનું આયોજન હોય છે અને ડાયરાનું આયોજન કાં તો ડિનર પહેલાં અને કાં તો ડિનર પછી રાખવામાં આવે છે, જેથી ડાયરા દરમ્યાન કોઈ ખલેલ ન પડે. ડાયરાનું બજેટ એમાં કયા આર્ટિસ્ટ પર્ફોર્મ કરવાના છે એ પ્રમાણે નક્કી થાય છે એટલે હાઈ બજેટ કે મીડિયમ બજેટ ધરાવતા લોકો પણ સંગીતમાં ડાયરાનો પ્રોગ્રામ રાખી શકે.

લગ્નની થીમવાળા લેસર શો

વેડિંગ-પ્લાનર બેલા ભટ્ટ જણાવે છે, ‘વેડિંગ થીમવાળા લેસર શોની બોલબાલા છે. જોકે એને માટે બજેટ ખૂબ જ ઊંચું રાખવું પડે છે. આ લેસર શોમાં મ્યુઝિકના કૉમ્બિનેશન સાથે દુલ્હા-દુલ્હનનાં નામ કે તેમની લવ-સ્ટોરી પણ દેખાડવામાં આવે છે. જે ખરેખર માણવા જેવી હોય છે. વળી લેસર શો બાળકોથી લઈને યંગ જનરેશન અને વડીલો બધાને જ પસંદ પડે છે.’

દુલ્હા-દુલ્હનનો સ્પેશ્યલ શો

સંગીતસંધ્યા દરમ્યાન પણ દુલ્હા-દુલ્હન જ આકર્ષણનું કેન્દ્ર હોય છે અને પ્રોગ્રામ ડાયરાનો રાખો કે મ્યુઝિકનો, તેમને સ્પેશ્યલ ફીલ કરાવવું જરૂરી છે. અહીં સંગીત દરમ્યાન દુલ્હા અને દુલ્હનને ખાસ જુદી રીતે એન્ટ્રી કરાવીને તેમની લવ-સ્ટોરી અથવા તેઓ કઈ રીતે મળ્યાં એની વાતો મ્યુઝિક વિડિયો દ્વારા દેખાડવામાં આવે છે. એ સાથે જ બાકીના ફૅમિલી-મેમ્મર્સ કે ફ્રેન્ડ્સ સાથે મળીને સ્ટેજ પર મહેમાનો સામે ખાસ રીતે પ્રપોઝ કરવાનો પણ ખૂબ ટ્રેન્ડ છે. એ સિવાય બાકીના પ્રોગ્રામ વચ્ચે કપલનો રોમૅન્ટિક ડાન્સ પર્ફોર્મન્સ મસ્ટ છે.

arpana shirish weekend guide fashion news